વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • nwt અયૂબ ૧:૧-૪૨:૧૭
  • અયૂબ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અયૂબ
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
અયૂબ

અયૂબ

૧ ઉસ દેશમાં અયૂબ* નામે એક માણસ રહેતો હતો.+ તે નેક અને પ્રમાણિક* હતો.+ તે ઈશ્વરનો ડર* રાખતો હતો અને દુષ્ટતાથી દૂર રહેતો હતો.+ ૨ તેને સાત દીકરાઓ હતા અને ત્રણ દીકરીઓ હતી. ૩ તે ૭,૦૦૦ ઘેટાં, ૩,૦૦૦ ઊંટો, ૧,૦૦૦ ઢોરઢાંક* અને ૫૦૦ ગધેડીઓનો માલિક હતો. તેની પાસે મોટી સંખ્યામાં દાસ-દાસીઓ હતાં. આમ, પૂર્વના લોકોમાં તે સૌથી ધનવાન અને જાણીતો હતો.

૪ તેના બધા દીકરાઓ નક્કી કરેલા દિવસે* પોતાના ઘરે મિજબાની રાખતા. તેઓ પોતાની ત્રણ બહેનોને પણ ખાવા-પીવા બોલાવતા. ૫ મિજબાનીના દિવસો પૂરા થાય પછી, અયૂબ પોતાનાં બાળકોને બોલાવીને તેઓને શુદ્ધ કરતો. તે વહેલી સવારે ઊઠીને દરેક માટે અગ્‍નિ-અર્પણો* ચઢાવતો.+ તે નિયમિત રીતે એમ કરતો. તે કહેતો: “કદાચ મારાં બાળકોએ પાપ કર્યું હોય અને પોતાનાં હૃદયમાં ઈશ્વરનું અપમાન કર્યું હોય.”+

૬ હવે એક દિવસે, સાચા ઈશ્વરના દીકરાઓ*+ યહોવા* આગળ હાજર થયા.+ શેતાન*+ પણ તેઓ સાથે આવ્યો.+

૭ યહોવાએ શેતાનને પૂછ્યું: “તું ક્યાં જઈને આવ્યો?” શેતાને યહોવાને કહ્યું: “હું પૃથ્વી પર આમતેમ ફરીને આવ્યો છું.”+ ૮ યહોવાએ શેતાનને કહ્યું: “શું તેં મારા સેવક અયૂબને જોયો? આખી પૃથ્વી પર તેના જેવો બીજો કોઈ નથી. તે નેક અને પ્રમાણિક* છે.+ તે ઈશ્વરનો ડર રાખે છે અને દુષ્ટતાથી દૂર રહે છે.” ૯ શેતાને યહોવાને જવાબ આપ્યો: “શું અયૂબ કારણ વગર ઈશ્વરનો ડર રાખે છે?+ ૧૦ શું તમે તેની, તેના કુટુંબની અને તેની પાસે જે કંઈ છે એની આસપાસ સુરક્ષાની વાડ બાંધી નથી?+ તમે તેના દરેક કામને આશીર્વાદ આપ્યો છે+ અને તેનાં ઢોરઢાંક વધીને દેશમાં ફેલાઈ ગયાં છે. ૧૧ પણ તમારો હાથ લંબાવીને તેની પાસે જે કંઈ છે એ બધું છીનવી લો. પછી જોજો, તે ચોક્કસ તમારા મોં પર તમને શ્રાપ આપશે.” ૧૨ યહોવાએ શેતાનને કહ્યું: “જો! તેની પાસે જે કંઈ છે એ બધું તારા હાથમાં સોંપું છું. ફક્ત તે માણસને કંઈ ન કરતો!” પછી યહોવા આગળથી શેતાન ચાલ્યો ગયો.+

૧૩ એક દિવસે અયૂબનાં દીકરા-દીકરીઓ પોતાના સૌથી મોટા ભાઈના ઘરે ખાતાં હતાં અને દ્રાક્ષદારૂ પીતાં હતાં.+ ૧૪ એવામાં એક સંદેશવાહકે આવીને અયૂબને કહ્યું: “બળદો* ખેતર ખેડતા હતા અને તેઓની બાજુમાં ગધેડીઓ ચરતી હતી, ૧૫ ત્યારે સબાઈમ લોકોએ હુમલો કર્યો અને એ સર્વને લઈ ગયા. એ લોકોએ તમારા સેવકોને તલવારથી મારી નાખ્યા. હું એકલો જ બચી ગયો છું અને તમને ખબર આપવા આવ્યો છું.”

૧૬ તે હજી બોલતો હતો એટલામાં બીજાએ આવીને કહ્યું: “આકાશમાંથી ઈશ્વરનો અગ્‍નિ વરસ્યો* અને એણે તમારાં ઘેટાં અને સેવકોને ભસ્મ કરી નાખ્યાં! હું એકલો જ બચી ગયો છું અને તમને ખબર આપવા આવ્યો છું.”

૧૭ તે હજી બોલતો હતો એટલામાં ત્રીજાએ આવીને કહ્યું: “ખાલદીઓની*+ ત્રણ ટુકડીઓએ હુમલો કર્યો અને ઊંટોને લઈને ચાલી ગઈ. એ લોકોએ તમારા સેવકોને તલવારથી મારી નાખ્યા. હું એકલો જ બચી ગયો છું અને તમને ખબર આપવા આવ્યો છું.”

૧૮ તે હજી બોલતો હતો એટલામાં ચોથાએ આવીને કહ્યું: “તમારાં દીકરા-દીકરીઓ તમારા સૌથી મોટા દીકરાના ઘરે ખાતાં હતાં અને દ્રાક્ષદારૂ પીતાં હતાં. ૧૯ અચાનક વેરાન પ્રદેશથી ભારે પવન ફૂંકાયો. આખું ઘર ધ્રૂજવા લાગ્યું અને તમારાં બાળકો પર તૂટી પડ્યું અને તેઓ માર્યાં ગયાં. હું એકલો જ બચી ગયો છું અને તમને ખબર આપવા આવ્યો છું.”

૨૦ પછી અયૂબે ઊઠીને પોતાનાં કપડાં ફાડ્યાં, માથું મૂંડાવ્યું* અને જમીન સુધી માથું ટેકવતા ૨૧ કહ્યું:

“મારી માના પેટમાંથી હું નગ્‍ન બહાર આવ્યો,

અને હું નગ્‍ન પાછો જઈશ.+

યહોવાએ આપ્યું+ અને યહોવાએ લઈ લીધું.

હંમેશાં યહોવાના નામની સ્તુતિ થતી રહે.”

૨૨ એ બધી મુસીબતોમાં અયૂબે પાપ કર્યું નહિ અથવા એ માટે ઈશ્વરને દોષ દીધો નહિ.*

૨ બીજા એક દિવસે, સાચા ઈશ્વરના દીકરાઓ*+ યહોવા આગળ હાજર થયા.+ શેતાન પણ તેઓ સાથે આવ્યો અને યહોવા આગળ હાજર થયો.+

૨ યહોવાએ શેતાનને પૂછ્યું: “તું ક્યાં જઈને આવ્યો?” શેતાને યહોવાને કહ્યું: “હું પૃથ્વી પર આમતેમ ફરીને આવ્યો છું.”+ ૩ યહોવાએ શેતાનને કહ્યું: “શું તેં મારા સેવક અયૂબને જોયો? આખી પૃથ્વી પર તેના જેવો બીજો કોઈ નથી. તે નેક અને પ્રમાણિક* છે.+ તે ઈશ્વરનો ડર રાખે છે અને દુષ્ટતાથી દૂર રહે છે. કારણ વગર તેને નુકસાન પહોંચાડવા તેં મને ઉશ્કેરવાની કોશિશ કરી,+ તોપણ જો! તે હજી પોતાની પ્રમાણિકતાને દૃઢતાથી વળગી રહ્યો છે.”+ ૪ શેતાને યહોવાને કહ્યું: “ચામડીને બદલે ચામડી, હા, માણસ પોતાનો જીવ બચાવવા પોતાનું બધું જ આપી દેશે. ૫ પણ તમારો હાથ લંબાવીને તેના આખા શરીરને હાનિ પહોંચાડો. પછી જોજો, તે ચોક્કસ તમારા મોં પર તમને શ્રાપ આપશે.”+

૬ યહોવાએ શેતાનને કહ્યું: “જો! હું તેને તારા હાથમાં સોંપું છું. ફક્ત તેનો જીવ ન લેતો!” ૭ પછી યહોવા આગળથી શેતાન ચાલ્યો ગયો. તેણે અયૂબનું આખું શરીર, પગની પાનીથી લઈને માથા સુધી પીડાદાયક ગૂમડાંથી* ભરી દીધું.+ ૮ અયૂબે પોતાના શરીરને ખંજવાળવા એક ઠીકરું લીધું અને તે રાખમાં બેઠો.+

૯ આખરે તેની પત્નીએ તેને કહ્યું: “શું તમે હજી પણ તમારી પ્રમાણિકતાને દૃઢતાથી વળગી રહ્યા છો? ઈશ્વરને શ્રાપ દો ને મરી જાઓ!” ૧૦ અયૂબે તેને કહ્યું: “તું તો મૂર્ખ સ્ત્રીની જેમ બોલે છે. શું સાચા ઈશ્વર* પાસેથી આપણે ફક્ત સુખ જ સ્વીકારવું જોઈએ અને દુઃખ ન સ્વીકારવું જોઈએ?”+ એ બધામાં અયૂબે પોતાના મોંથી કોઈ પાપ ન કર્યું.+

૧૧ અયૂબના ત્રણ મિત્રો,* એટલે કે અલીફાઝ+ તેમાની,* બિલ્દાદ+ શૂહી*+ અને સોફાર+ નાઅમાથીએ* અયૂબ પર આવેલી મુસીબતો વિશે સાંભળ્યું. તેઓ પોતપોતાની જગ્યાએથી અયૂબને મળવા નીકળ્યા. તેઓએ સાથે મળીને નક્કી કર્યું કે, અયૂબને સહાનુભૂતિ બતાવશે અને દિલાસો આપશે. ૧૨ તેઓએ અયૂબને દૂરથી જોયો ત્યારે તેને ઓળખી જ ન શક્યા. તેઓએ મોટેથી રડીને પોતાનાં કપડાં ફાડ્યાં અને આકાશ તરફ ધૂળ ઉડાવીને પોતાનાં માથાં પર નાખી.*+ ૧૩ તેઓ સાત દિવસ અને સાત રાત તેની સાથે જમીન પર બેસી રહ્યા. તેઓએ જોયું કે અયૂબની હાલત બહુ પીડાદાયક છે, એટલે કોઈએ તેને એક શબ્દ પણ કહ્યો નહિ.+

૩ પછી અયૂબે બોલવાનું શરૂ કર્યું અને પોતાના જન્મદિવસને શ્રાપ આપ્યો.+ ૨ અયૂબે કહ્યું:

 ૩ “કાશ! જે દિવસે હું પેદા થયો એ દિવસનું નામનિશાન મટી ગયું હોત,+

જે રાતે કહેવામાં આવ્યું, ‘જુઓ, દીકરો થયો છે!’* એ રાત પણ રહી ન હોત.

 ૪ કાશ! એ દિવસ અંધકારમાં ડૂબી ગયો હોત.

એ દિવસ ઈશ્વરની યાદમાંથી ભૂંસાઈ ગયો હોત;

એ દિવસે પ્રકાશ પથરાયો ન હોત.

 ૫ કાશ! ઘોર અંધકાર* એને ગળી ગયો હોત.

કાળા વાદળે એને ઘેરી લીધો હોત.

ડરામણો અંધકાર એ દિવસના પ્રકાશ પર છવાઈ ગયો હોત.

 ૬ કાશ! અંધકારે એ રાત પર કબજો કરી લીધો હોત;+

વર્ષનો એ દિવસ હરખાયો ન હોત,

મહિનાઓમાં એની ગણતરી ન થઈ હોત.

 ૭ કાશ! એ રાત વાંઝણી થઈ ગઈ હોત;

આનંદનો કોઈ પોકાર સંભળાયો ન હોત.

 ૮ હે દિવસોને શ્રાપ આપનારાઓ,

હે મગરમચ્છને*+ ઉઠાડનારાઓ, એ દિવસને શ્રાપ આપો.

 ૯ કાશ! પરોઢના તારાઓ અંધકારમાં ગરક થઈ ગયા હોત;

દિવસના અજવાળાની રાહ જોતાં જોતાં એ રાત થાકી ગઈ હોત,

સૂર્યનાં કિરણો માટે એ રાત ઝૂરતી હોત.

૧૦ કાશ! એણે મારી માનું ગર્ભસ્થાન બંધ કર્યું હોત;+

મારી આંખો આગળથી વેદના દૂર કરી હોત.

૧૧ મારો જન્મ થયો એ જ ઘડીએ હું મરી કેમ ન ગયો?

ગર્ભમાંથી બહાર આવતા જ મારો શ્વાસ રૂંધાઈ કેમ ન ગયો?+

૧૨ મારી માએ મને કેમ ખોળામાં લીધો?

તેનાં સ્તનોએ મને કેમ ધવડાવ્યો?

૧૩ નહિતર હું હમણાં નિરાંતે સૂતો હોત;+

અને શાંતિથી ઊંઘતો હોત,+

૧૪ હું પૃથ્વીના એ રાજાઓ અને તેઓના સલાહકારો સાથે હોત,

જેઓએ બનાવેલી ઇમારતો હમણાં ખંડેર છે,*

૧૫ અથવા એ રાજકુમારો* સાથે હોત, જેઓ પાસે પુષ્કળ સોનું હતું,

જેઓનાં ઘરો ચાંદીથી ભરેલાં હતાં.

૧૬ હું ગર્ભમાં જ કેમ મરી ન ગયો?

કદી પ્રકાશ ન જોનાર બાળકના જેવો કેમ ન થયો?

૧૭ કબરમાં દુષ્ટ લોકોની બેચેની દૂર થાય છે;

થાકેલા-પાકેલા લોકો ત્યાં આરામ મેળવે છે.+

૧૮ બધા કેદીઓ ત્યાં રાહત મેળવે છે;

મજૂરી કરાવનાર લોકોનો અવાજ તેઓને સંભળાતો નથી.

૧૯ નાના-મોટા* ત્યાં સમાન છે,+

ત્યાં ગુલામ પોતાના માલિકથી આઝાદ છે.

૨૦ ઈશ્વર દુખિયારાઓને કેમ પ્રકાશ આપે છે?

વેદનામાં રિબાતા લોકોને+ તે કેમ જીવન આપે છે?

૨૧ જેઓ મોત માટે તલપે છે, તેઓને કેમ એ મળતું નથી?+

તેઓ તો દાટેલા ખજાના કરતાં મોતને વધારે ખંતથી શોધે છે,

૨૨ મોત આવે ત્યારે તેઓ આનંદથી ઝૂમી ઊઠે છે,

કબર જોતાં જ તેઓ હર્ષનાદ કરે છે.

૨૩ જેનો માર્ગ ઈશ્વરે પોતે ઘેરી લીધો છે,

એવા માર્ગથી ભટકેલા માણસને તે કેમ અજવાળું આપે છે?+

૨૪ હું નિસાસા નાખતાં નાખતાં કોળિયો ગળું છું,+

મારાં આંસુઓ ધોધની જેમ વહે છે.+

૨૫ જેનાથી હું ડરતો હતો, એ જ મારા પર આવી પડ્યું છે,

જેની મને બીક હતી, એ જ મારી સામે આવ્યું છે.

૨૬ મારી શાંતિ છીનવાઈ ગઈ છે, સુખચેન અને આરામ જતાં રહ્યાં છે,

બસ આફતો છે, જે અટકવાનું નામ જ નથી લેતી.”

૪ અલીફાઝ+ તેમાનીએ જવાબ આપ્યો:

 ૨ “જો કોઈ તારી સાથે વાત કરે, તો શું તું અધીરો બની જઈશ?

પણ હું બોલ્યા વગર રહી શકતો નથી.

 ૩ ખરું કે, તેં ઘણા લોકોને સુધાર્યા છે,

અને કમજોર હાથોને મજબૂત કર્યા છે.

 ૪ તારા શબ્દોએ ઠોકર ખાતા લોકોને ટેકો આપ્યો છે,

તેં લથડિયાં ખાતાં ઘૂંટણોને સ્થિર કર્યા છે.

 ૫ હવે એ સંકટ તારા પર આવી પડ્યું છે અને તું ચિંતામાં ગરક થઈ ગયો છે;*

તારો વારો આવ્યો ત્યારે તું હિંમત હારી ગયો છે.

 ૬ શું ઈશ્વર માટેનો આદર તને બળ આપતો નથી?

શું પ્રમાણિકતાનો માર્ગ+ તને આશા આપતો નથી?

 ૭ વિચાર કર, શું નિર્દોષ માણસનો કદી નાશ થયો છે?

શું નેક માણસ ક્યારેય તબાહ થયો છે?

 ૮ મેં જોયું છે, જેઓ દુષ્ટતાનું ખેતર ખેડે છે,*

અને મુસીબતનાં બી વાવે છે, તેઓ એવું જ લણે છે.

 ૯ ઈશ્વરનો એક શ્વાસ તેઓને ફૂંકી મારે છે,

તેમના ક્રોધની જ્વાળા તેઓને ભસ્મ કરી નાખે છે.

૧૦ સિંહ ત્રાડ પાડે છે અને જુવાન સિંહ ગર્જના કરે છે,

તોપણ બળવાન સિંહોના દાંત તૂટી જાય છે.

૧૧ શિકાર ન મળતા સિંહ ભૂખે મરી જાય છે,

અને સિંહનાં બચ્ચાં આમતેમ વિખેરાઈ જાય છે.

૧૨ ખાનગીમાં મારી પાસે એક સંદેશો આવ્યો,

એનો ગણગણાટ મારા કાને પડ્યો.

૧૩ રાતના સમયે જ્યારે લોકો ભરઊંઘમાં હતાં,

ત્યારે મને એવાં દર્શનો થયાં, જેનાથી હું બેચેન થઈ ગયો,

૧૪ હું ડરથી ધ્રૂજી ઊઠ્યો,

મારાં બધાં હાડકાં ડરના માર્યાં કાંપવા લાગ્યાં.

૧૫ મારા મોં આગળથી કંઈક* પસાર થયું;

અને મારાં રુવાંટાં ઊભાં થઈ ગયાં.

૧૬ એ સ્થિર ઊભું રહ્યું,

પણ હું એને ઓળખી ન શક્યો.

એક પડછાયો મારી નજર સામે હતો;

ચોમેર સન્‍નાટો છવાયેલો હતો, પછી મેં એક અવાજ સાંભળ્યો:

૧૭ ‘શું નાશવંત માણસ ઈશ્વર કરતાં વધારે ન્યાયી હોય શકે?

શું કોઈ માણસ પોતાના સર્જનહાર કરતાં વધારે પવિત્ર હોય શકે?’

૧૮ જો! તેમને પોતાના ભક્તોમાં ભરોસો નથી,

અરે, તે પોતાના દૂતોનો* પણ વાંક કાઢે છે.

૧૯ તો પછી, જેઓ માટીનાં ઘરોમાં રહે છે તેઓની શી વિસાત?

તેઓનો પાયો ધૂળમાં છે,+

તેઓ ફૂદાની જેમ સહેલાઈથી કચડાઈ જાય છે!

૨૦ તેઓ સવારમાં જીવતા હોય છે અને સાંજે તો નષ્ટ થઈ જાય છે;

તેઓ હંમેશ માટે કચડાઈ જાય છે અને કોઈ એની નોંધ પણ લેતું નથી.

૨૧ શું તેઓ દોરડાં કાઢી નાખેલા તંબુ જેવા નથી?

નાસમજ હોવાને લીધે તેઓ મોતને ભેટે છે.

૫ “બૂમ પાડીને જો! શું તને જવાબ આપનાર કોઈ છે?

તું કયા પવિત્ર જનને* શરણે જઈશ?

 ૨ દિલમાં ભરેલો ખાર મૂર્ખને મારી નાખે છે,

ઈર્ષા ભોળા માણસનો જીવ લઈ લે છે.

 ૩ મેં મૂર્ખને સફળ થતા જોયો છે,

પણ અચાનક તેના રહેઠાણ પર આફત આવી પડે છે.

 ૪ તેના દીકરાઓ જરા પણ સલામત નથી,

તેઓ શહેરના દરવાજે+ કચડાઈ જાય છે, તેઓને બચાવનાર કોઈ નથી.

 ૫ તેનો ઊભો પાક ભૂખ્યાઓ ખાઈ જાય છે,

અરે, કાંટા વચ્ચે ઊગેલો પાક પણ છીનવી લે છે,

કપટી લોકો તેઓનું બધું ઝૂંટવી લે છે.

 ૬ આફત કંઈ ધરતીમાંથી ઊગતી નથી,

મુસીબતના અંકુર જમીનમાંથી ફૂટતા નથી.

 ૭ જેમ અગ્‍નિમાંથી તણખા ઝરતા રહે છે,

તેમ માણસના જીવનમાં દુઃખો આવતાં રહે છે.

 ૮ જો હું તારી જગ્યાએ હોત, તો મેં ઈશ્વરને આજીજી કરી હોત,

મારો મુકદ્દમો મેં ઈશ્વર આગળ રજૂ કર્યો હોત.

 ૯ તે એવાં મહાન કામો કરે છે, જેનો પાર પામી શકાતો નથી,

તેમનાં અદ્‍ભુત કામો ગણી શકાતાં નથી.

૧૦ તે પૃથ્વી પર વરસાદ વરસાવે છે,

અને જમીનને પાણીથી સિંચે છે.

૧૧ તે દીન-દુખિયાને ઊંચા કરે છે,

શોકમાં ડૂબેલાઓનો ઉદ્ધાર કરીને તેઓને ઉચ્ચ પદે બેસાડે છે.

૧૨ તે ચાલાક લોકોનાં કાવતરાં ઊંધાં પાડે છે,

જેથી તેઓની યોજના પાર ન પડે.

૧૩ તે બુદ્ધિશાળી માણસોને તેઓના જ દાવપેચમાં ફસાવે છે,+

જેથી તેઓના કાવાદાવા પર પાણી ફરી વળે.

૧૪ ધોળે દહાડે અંધકાર તેઓ પર આવી પડે છે,

રાતના અંધારાની જેમ તેઓ ભરબપોરે ફાંફાં મારે છે.

૧૫ ઈશ્વર ગરીબને તલવાર જેવી જીભથી બચાવે છે,

તે બળવાનના પંજામાંથી તેને છોડાવે છે,

૧૬ તેથી લાચાર લોકો માટે આશા છે,

પણ દુષ્ટોનાં મોં બંધ થાય છે.

૧૭ સુખી છે એ માણસ, જેને ઈશ્વર શિક્ષા કરે છે,

એટલે તું સર્વશક્તિમાનની શિસ્તનો* નકાર કરીશ નહિ!

૧૮ તે જ પીડા આપે છે, તે જ ઘા પર પાટો બાંધે છે,

તે એક હાથે ઘાયલ કરે છે અને બીજા હાથે એને રુઝાવે છે.

૧૯ તે છ સંકટમાંથી તને બચાવશે,

અરે, સાતમું તારા સુધી પહોંચવા પણ નહિ દે.

૨૦ દુકાળમાં તે તને મોતથી ઉગારી લેશે,

યુદ્ધમાં તે તને તલવારની ધારથી બચાવી લેશે.

૨૧ જીભના કોરડાથી+ તે તારું રક્ષણ કરશે,

વિનાશ આવશે ત્યારે તું ડરશે નહિ.

૨૨ તબાહી અને ભૂખમરા સામે તું હસશે,

પૃથ્વીનાં જંગલી જાનવરોથી તું બીશે નહિ.

૨૩ જંગલી જાનવર તારી સાથે સંપીને રહેશે,

ખેતરના પથ્થર તને ઠોકર ખવડાવશે નહિ.

૨૪ તને ખાતરી થશે કે તારો તંબુ સલામત છે,

તું તારા વાડામાં જોઈશ તો કશું ખોવાયું નહિ હોય.

૨૫ તને ઘણાં બાળકોનું સુખ મળશે,

પૃથ્વીનાં ઘાસની જેમ તારા વંશજો પુષ્કળ હશે.

૨૬ જેમ પાકેલાં ધાન્યના પૂળા મોસમમાં ભેગા કરાય છે,

તેમ તું પાકી ઉંમરે કબરમાં જશે.

૨૭ જો! અમે એ વાતની ખાતરી કરી છે અને એ સત્ય છે.

મારી વાત સાંભળ અને એનો સ્વીકાર કર.”

૬ અયૂબે જવાબમાં કહ્યું:

 ૨ “જો મારી વેદનાને+ તોળવામાં આવે,

એને મારી આફત સાથે ત્રાજવામાં મૂકવામાં આવે,

 ૩ તો એ સમુદ્રની રેતી કરતાં પણ વધારે ભારે થશે.

એ કારણે, હું ધડ-માથા વગરની વાતો કરું છું.*+

 ૪ સર્વશક્તિમાનનાં બાણોએ મને વીંધી નાખ્યો છે,

એનું ઝેર મારી રગેરગમાં ફેલાઈ ગયું છે;

ઈશ્વરનો કોપ મારી સામે લડવા ઊભો થયો છે.

 ૫ જો જંગલી ગધેડાને+ ઘાસ મળે, તો શું એ ભૂંકશે?

જો બળદને ઘાસચારો મળે, તો શું એ બરાડા પાડશે?

 ૬ શું મીઠા વગરનું બેસ્વાદ ખાવાનું ખવાય?

શું ઈંડાની સફેદીમાં કોઈ સ્વાદ હોય?

 ૭ હું એવા ખોરાકને અડકીશ પણ નહિ.

એ તો મારા માટે બગડી ગયેલા ખોરાક જેવો છે.

 ૮ કાશ! મારી વિનંતી સાંભળવામાં આવે,

અને ઈશ્વર મારી ઇચ્છા પૂરી કરે!

 ૯ કાશ! ઈશ્વર મને કચડી નાખે,

પોતાનો હાથ લંબાવીને મારો નાશ કરી દે!+

૧૦ એવું થાય તો મને આ પીડામાંથી રાહત મળશે;

અપાર વેદના છતાં હું ખુશી ખુશી મોતને ભેટીશ,

કેમ કે મેં પવિત્ર ઈશ્વરના+ શબ્દોની અવગણના કરી નથી.

૧૧ શું મારામાં એટલી શક્તિ બચી છે કે હું રાહ જોઉં?+

જીવવા જેવું કંઈ રહ્યું જ નથી, તો જીવવાની ઇચ્છા શું કરવા રાખું?

૧૨ શું હું પથ્થરનો બનેલો છું?

શું મારું શરીર તાંબાનું બનેલું છે?

૧૩ જો મારો કોઈ સહારો જ ન હોય,

તો હું કઈ રીતે પોતાને મદદ કરું?

૧૪ જે પોતાના મિત્રને વફાદાર રહેતો નથી,*+

તેનામાં સર્વશક્તિમાનનો ડર કઈ રીતે હોય?+

૧૫ શિયાળામાં વહેતી નદીની જેમ મારા મિત્રો* દગાખોર બન્યા છે,+

એવી નદીઓ જે આખરે સુકાઈ જાય છે.

૧૬ બરફને લીધે એ નદીઓ કાદવવાળી થઈ જાય છે,

એની અંદર બરફ સંતાઈ રહે છે.

૧૭ મોસમ બદલાય ત્યારે એ પાણી વગરની થઈ જાય છે;

આકરા તાપમાં એ સાવ સુકાઈ જાય છે.

૧૮ એ નદીઓનો માર્ગ ફંટાઈ જાય છે;

રણમાં પહોંચીને તેઓ કોરી થઈ જાય છે.

૧૯ તેમા+ વિસ્તારનો કાફલો પાણી શોધતો શોધતો આવે છે;

શેબાના*+ મુસાફરો એના પાણી માટે તરસે છે.

૨૦ એના પર ભરોસો મૂકવાથી તેઓ શરમમાં મુકાય છે,

ત્યાં આવીને તેઓ નિરાશ થાય છે.

૨૧ તમે પણ એ નદીઓ જેવા જ છો;+

મારા પર આવેલી આફતો જોઈને તમે ડરી ગયા.+

૨૨ શું મેં કદી કહ્યું કે મને કંઈક આપો?

તમારી સંપત્તિમાંથી કોઈ ભેટ આપો?

૨૩ શું મેં કદી કહ્યું કે દુશ્મનના પંજામાંથી મને બચાવો?

જુલમીના હાથમાંથી મને છોડાવો?

૨૪ મને કહો, મેં શું કર્યું છે? હું ચૂપચાપ તમારું સાંભળીશ;+

મને મદદ કરો, મારી ભૂલ સમજાવો.

૨૫ સાચી વાત કોઈને દુઃખ પહોંચાડતી નથી!+

પણ શું તમારા ઠપકામાં કોઈ દમ છે?+

૨૬ શું તમે મારી વાતોમાં ભૂલો કાઢો છો?

દુઃખી માણસ બહુ બોલે છે,+ પણ પવન એ વાતોને ઉડાવી દે છે.

૨૭ તમે તો અનાથ બાળક માટે ચિઠ્ઠી* નાખો એવા છો,*+

અરે, તમે પોતાના મિત્રને પણ વેચી દો એવા છો!+

૨૮ હવે મારી સામે ફરીને જુઓ,

હું તમારાં મોં પર જૂઠું નહિ બોલું.

૨૯ કૃપા કરીને ફરી વિચાર કરો, મારા પર ખોટો આરોપ ન મૂકો,

હા, ફરી વિચાર કરો. મારી વફાદારી હજી પણ અડગ છે.

૩૦ શું મારી જીભ ખોટું બોલે છે?

શું મારી જીભ સાચું-ખોટું પારખી શકતી નથી?

૭ “શું માણસનું જીવન ગુલામ જેવું નથી?

શું તેના દિવસો મજૂરી કરનાર માણસ જેવા નથી?+

 ૨ ગુલામની જેમ એ છાયાની આશા રાખે છે,

મજૂરની જેમ એ મજૂરીની રાહ જુએ છે.+

 ૩ વારસામાં મને વ્યર્થ મહિનાઓ જ મળ્યા છે,

મજૂરીમાં મને દુઃખભરી રાતો મળી છે.+

 ૪ સૂતી વખતે હું વિચારું છું, ‘હું ક્યારે ઊઠીશ?’+

સવાર સુધી હું પડખાં ફેરવીને આખી રાત કાઢું છું.

 ૫ મારું શરીર કીડાઓથી ખદબદે છે અને ઠેકઠેકાણે માટી ચોંટી ગઈ છે;+

શરીરનાં ભીંગડાં સુકાઈને ફાટી ગયાં છે અને એમાંથી પરુ વહે છે.+

 ૬ મારા દિવસો વણકરની શાળ* કરતાં વધારે ઝડપથી ચાલે છે,+

કોઈ આશા વગર એ પૂરા થઈ જાય છે.+

 ૭ હે ઈશ્વર, તમે તો જાણો છો કે મારું જીવન પવન જેવું છે,+

મારી આંખો ફરીથી ખુશીઓ જોશે નહિ.

 ૮ જે આંખ મને હમણાં જુએ છે, એ મને ફરી કદી દેખશે નહિ;

તમારી આંખો મને શોધશે, પણ હું ક્યાંય મળીશ નહિ.+

 ૯ જેમ વાદળ વિખેરાઈને ગાયબ થઈ જાય છે,

તેમ કબરમાં* ઊતરી જનાર કદી પાછો આવતો નથી.+

૧૦ તે ઘરે પાછો આવતો નથી,

તેનું પોતાનું ઘર તેને ભૂલી જાય છે.+

૧૧ એટલે હું ચૂપ નહિ બેસું.

મારું દુઃખ કહ્યા વગર નહિ રહું;

હું મારા અંતરની પીડા ઠાલવીને જ રહીશ!+

૧૨ શું હું સમુદ્ર છું? શું હું સમુદ્રમાં રહેનાર મહાકાય પ્રાણી છું કે,

તમે મારા પર ચોકીપહેરો રાખો છો?

૧૩ જ્યારે હું કહું છું, ‘મારી પથારી મને રાહત આપશે;

મારો પલંગ મારું દુઃખ હળવું કરશે,’

૧૪ ત્યારે તમે મને સપનાંથી ડરાવો છો,

અને દર્શનોથી બીવડાવો છો;

૧૫ એટલે હું ગૂંગળાઈને મરવાનું પસંદ કરીશ,

આ રીતે જીવવા કરતાં તો મરી જવું વધારે સારું.+

૧૬ હું મારા જીવનથી કંટાળી ગયો છું;+ મારે હવે જીવવું જ નથી.

મને એકલો છોડી દો, કેમ કે મારા દિવસો ધુમાડા* જેવા છે.+

૧૭ મામૂલી માણસની શી વિસાત કે તમે તેની ચિંતા કરો,

અને તેના પર ધ્યાન આપો?*+

૧૮ દર સવારે તમે કેમ તેની તપાસ કરો છો?

દરેક પળે તમે કેમ તેની કસોટી કરો છો?+

૧૯ ક્યાં સુધી તમે મને તાકીતાકીને જોયા કરશો?

શું મને થૂંક ગળવાનો પણ સમય નહિ આપો?+

૨૦ હે માણસો પર નજર રાખનાર!+ જો મેં પાપ કર્યું હોય, તો એનાથી તમને શું નુકસાન થયું?

તમે કેમ મને નિશાન બનાવ્યો છે?

શું હું તમારા માટે બોજ બની ગયો છું?

૨૧ તમે કેમ મારું પાપ માફ કરતા નથી?

મારી ભૂલ કેમ ભૂલી જતા નથી?

થોડી જ વારમાં હું ધૂળમાં ભળી જઈશ,+

તમે મને શોધશો, પણ હું મળીશ નહિ.”

૮ બિલ્દાદ+ શૂહીએ+ જવાબમાં કહ્યું:

 ૨ “તું ક્યાં સુધી આમ બોલ્યા કરીશ?+

તું તો બકવાસ કરે છે!*

 ૩ શું ઈશ્વર કદી ન્યાય ઊંધો વાળે?

શું સર્વશક્તિમાન જે ખરું છે, એ જ નહિ કરે?

 ૪ બની શકે, તારા દીકરાઓએ તેમની વિરુદ્ધ પાપ કર્યું હશે,

એટલે તો ઈશ્વરે તેઓને બંડની સજા કરી છે;

 ૫ પણ જો તું ઈશ્વર તરફ મીટ માંડીશ,+

અને સર્વશક્તિમાન પાસે દયાની ભીખ માંગીશ,

 ૬ જો તું પવિત્ર અને પ્રમાણિક* હોઈશ,+

તો તે તારા પર ધ્યાન આપશે*

અને પહેલાંની જેમ તને તારું સ્થાન પાછું આપશે.

 ૭ ભલે તારી શરૂઆત મામૂલી હતી,

પણ તારું ભવિષ્ય સોનેરી હશે.+

 ૮ અગાઉની પેઢીઓને પૂછ,

તેઓને જે જાણવા મળ્યું એના પર ધ્યાન આપ.+

 ૯ કેમ કે આપણો જન્મ તો હજી ગઈ કાલે જ થયો છે અને કશું જાણતા નથી,

આપણું જીવન ઘડી બે ઘડીનું છે.

૧૦ શું તેઓ તને નહિ શીખવે?

પોતાનાં મનની વાત તેઓ તને નહિ જણાવે?

૧૧ શું કાદવ* વગર નેતર વધે?

શું પાણી વગર બરુ* ઊગે?

૧૨ હજી તો એમાં કળી ફૂટી હોય અને એને તોડી પણ ન હોય,

ત્યાં સુધીમાં તો એ બીજા છોડ પહેલાં સુકાઈ જાય છે.

૧૩ જેઓ ઈશ્વરને ભૂલી જાય છે, તેઓના એવા જ હાલ થાય છે,

કેમ કે અધર્મીની* આશા મરી પરવારે છે.

૧૪ તેનો ભરોસો વ્યર્થ છે,

કરોળિયાની જાળની* જેમ તરત તૂટી પડે છે.

૧૫ તે એ જાળ* પર ટેકો લેશે, પણ એ તૂટી જશે;

તે એને મજબૂતીથી પકડી રાખવા પ્રયત્ન કરશે, પણ એ ટકશે નહિ.

૧૬ સૂર્યપ્રકાશમાં તે લીલાછમ છોડ જેવો છે,

એની ડાળીઓ ફૂટીને બાગમાં ફેલાય છે.+

૧૭ એનાં મૂળિયાં પથ્થરોની આસપાસ વીંટળાય છે;

પથ્થરોમાં એ પોતાનું ઘર શોધે છે.

૧૮ પણ જ્યારે એને પોતાની જગ્યાએથી ઉખેડી નાખવામાં આવે છે,

ત્યારે એ જગ્યા કહે છે, ‘મેં તને ક્યારેય જોયો નથી.’+

૧૯ હા, એવી રીતે એનો અંત આવે છે;+

પછી એની જગ્યાએ બીજા છોડ ફૂટી નીકળે છે.

૨૦ સાચે જ, પ્રમાણિક* જનને ઈશ્વર ક્યારેય નહિ તરછોડે;

તે દુષ્ટ માણસનો હાથ ક્યારેય નહિ પકડે.*

૨૧ પણ તે તારા મોં પર હાસ્ય લાવશે,

તારા હોઠ આનંદનો પોકાર કરશે.

૨૨ જેઓ તને ધિક્કારે છે, તેઓનું માથું શરમથી ઝૂકી જશે,

દુષ્ટોના તંબુ જમીનદોસ્ત થઈ જશે.”

૯ અયૂબે કહ્યું:

 ૨ “મને પૂરી ખાતરી છે કે વાત એમ જ છે.

પણ માણસ અદાલતમાં ઈશ્વર આગળ કઈ રીતે ન્યાયી સાબિત થઈ શકે?+

 ૩ જો કોઈ તેમની સામે દલીલો કરવા ચાહે,*+

તો તેમના હજારો સવાલોમાંથી એકનો પણ જવાબ આપી ન શકે.

 ૪ તે ખૂબ જ બુદ્ધિશાળી અને મહાશક્તિશાળી છે.+

તેમનો સામનો કોણ કરી શકે? કોણ સલામત રહી શકે?+

 ૫ તે પહાડોને ખસેડે છે* અને કોઈને ખબર પણ પડતી નથી;

તે ગુસ્સે ભરાઈને પહાડોને ઊથલાવી નાખે છે.

 ૬ તે પૃથ્વીને પોતાની જગ્યાએથી હલાવી નાખે છે,

એટલે એના પાયા ડગમગી જાય છે.+

 ૭ તે સૂર્યને એનો પ્રકાશ બુઝાવી દેવાનો હુકમ આપે છે,

અને તારાઓની ચમક ઢાંકી દે છે.+

 ૮ તે એકલે હાથે આકાશોને ફેલાવે છે,+

અને સમુદ્રનાં ઊંચાં ઊંચાં મોજાઓ પર ડગ ભરે છે.+

 ૯ તેમણે એશ,* કેસીલ* અને કીમાહ* નક્ષત્રો બનાવ્યાં છે,+

દક્ષિણનાં નક્ષત્રો પણ તેમના હાથની કમાલ છે;

૧૦ તે એવાં મહાન કામો કરે છે, જેનો પાર પામી શકાતો નથી,+

તેમનાં અદ્‍ભુત કામો ગણી શકાતાં નથી.+

૧૧ તે મારી પાસેથી પસાર થાય છે, પણ હું તેમને જોઈ શકતો નથી.

તે મારી આગળ ચાલ્યા જાય છે, પણ હું તેમને ઓળખી શકતો નથી.

૧૨ જો તે કંઈક ઝૂંટવી લે, તો તેમને કોણ રોકી શકે?

તેમને કોણ પૂછી શકે, ‘આ તમે શું કરો છો?’+

૧૩ ઈશ્વર પોતાનો ગુસ્સો પાછો વાળશે નહિ,+

અરે, રાહાબના*+ સાથીદારો પણ બીકના માર્યા તેમની આગળ નમશે.

૧૪ તો પછી, જો મારે તેમને જવાબ આપવો પડે,

તેમની સામે દલીલો કરવી પડે, તો મારે કેટલું સમજી-વિચારીને બોલવું પડે!

૧૫ હું સાચો હોઉં તોપણ તેમને જવાબ નહિ આપું.+

હું તો મારા ન્યાયાધીશ* પાસે ફક્ત દયાની ભીખ માંગી શકું છું.

૧૬ જો હું તેમને બોલાવું, તો શું તે મને જવાબ આપશે?

મને નથી લાગતું કે તે મારો અવાજ પણ સાંભળશે,

૧૭ કેમ કે તે વાવાઝોડાથી મને વિખેરી નાખે છે,

કારણ વગર મારા ઘા વધારે છે.+

૧૮ તે મને શ્વાસ પણ લેવા દેતા નથી;

બસ, એક પછી એક મુશ્કેલી લાવતા જ જાય છે.

૧૯ જો તાકાતનો સવાલ હોય, તો તે જ સૌથી શક્તિશાળી છે.+

જો ન્યાયનો સવાલ હોય, તો તે કહે છે: ‘મને અદાલતમાં હાજર થવાનો હુકમ કોણ કરી શકે?’

૨૦ હું સાચો હોઉં તોપણ, મારું મોં મને ગુનેગાર ઠરાવશે.

હું મારી પ્રમાણિકતા* જાળવી રાખું તોપણ,* તે મને દોષિત જાહેર કરશે.

૨૧ હું મારી પ્રમાણિકતા જાળવી રાખું તોપણ,* મને ખબર નથી કે મારું શું થશે,

હું મારી જિંદગીને ધિક્કારું છું.

૨૨ છેવટે બધું એકનું એક જ છે. એટલે તો હું કહું છું,

‘તે દુષ્ટની સાથે સાથે નિર્દોષનો* પણ નાશ કરે છે.’

૨૩ જ્યારે પૂર અચાનક આવીને ઘણી જિંદગી તાણી જાય છે,

ત્યારે તે નિર્દોષની લાચારી પર હસે છે.

૨૪ તેમણે પૃથ્વીને દુષ્ટના કબજામાં સોંપી છે,+

તે ન્યાયાધીશોની આંખો પર પટ્ટી બાંધે છે.

જો એવું કરનાર તે નથી, તો બીજું કોણ છે?

૨૫ મારા દિવસો સંદેશવાહક* કરતાંય ઝડપથી દોડે છે;+

સુખના દર્શન થતાં પહેલાં એ વહી જાય છે.

૨૬ હોડીની* જેમ એ તેજ ગતિથી સરકી જાય છે,

શિકાર પર તરાપ મારતા ગરુડની જેમ એ ઝડપથી જતા રહે છે.

૨૭ જો હું કહું, ‘હું મારું દુઃખ ભૂલી જઈશ,

હું મારી ઉદાસી દૂર કરીને ખુશમિજાજ થઈશ,’

૨૮ તોપણ મારી પીડાને લીધે મને હજી ડર લાગે છે,+

હું જાણું છું કે તમે મને નિર્દોષ નહિ જ ગણો.

૨૯ જો હું ગુનેગાર જ ઠરવાનો હોઉં,

તો શા માટે નકામી મહેનત કરું?+

૩૦ જો હું પીગળતા બરફના પાણીથી પોતાને ધોઉં,

અને સાબુથી* પોતાના હાથ ચોખ્ખા કરું,+

૩૧ તો તમે મને કાદવવાળા ખાડામાં એવો રગદોળશો કે

મારાં કપડાંને પણ મારાથી ચીતરી ચઢશે.

૩૨ ઈશ્વર મારા જેવા માણસ નથી કે હું તેમને જવાબ આપું,

અને તેમને અદાલતમાં ઘસડી જાઉં.+

૩૩ અમારી વચ્ચે સમાધાન કરાવનાર કોઈ નથી.

અમારો ન્યાયાધીશ કોણ બનશે?*

૩૪ જો તે મને પોતાની સોટીથી મારવાનું બંધ કરી દે,

અને ભયાનક બાબતોથી ડરાવવાનું છોડી દે,+

૩૫ તો હું ડર્યા વગર તેમની સામે મારું મોં ખોલીશ,

કેમ કે મારી પાસે ડરવાનું કોઈ કારણ નથી.

૧૦ “હું મારા જીવનથી ત્રાસી ગયો છું.+

હું મારા મનનો ઊભરો ઠાલવીશ.

હા, મારા અંતરની પીડા ઠાલવીને જ રહીશ.

 ૨ હું ઈશ્વરને કહીશ: ‘મને દોષિત ન ઠરાવો.

મને જણાવો, તમે મારી સાથે કેમ લડો છો?

 ૩ મને સતાવીને,

તમારા જ હાથના કામને ધિક્કારીને તમને શું મળશે?+

દુષ્ટનાં કાવતરાંને સાથ આપીને તમને શો ફાયદો થશે?

 ૪ શું તમારી આંખો માણસના જેવી છે?

શું તમે નાશવંત માણસની જેમ જુઓ છો?

 ૫ શું તમારા દિવસો નાશવંત માણસોના જેટલા છે,

અને તમારાં વર્ષો મનુષ્યોનાં વર્ષો જેટલાં છે કે,+

 ૬ તમે મારો વાંક કાઢતા રહો છો,

અને મારાં પાપ શોધતા રહો છો?+

 ૭ તમે જાણો છો કે હું દોષિત નથી+

અને તમારા હાથથી મને કોઈ બચાવી શકતું નથી.+

 ૮ તમે પોતાને હાથે મને ઘડ્યો છે અને મને બનાવ્યો છે,+

હવે શું તમે જ મારા ચૂરેચૂરા કરવા માંગો છો?

 ૯ યાદ કરો, તમે મને માટીમાંથી બનાવ્યો છે,+

હવે શું તમે જ મને ધૂળમાં મોકલવા ચાહો છો?+

૧૦ શું તમે મને* દૂધની જેમ રેડ્યો ન હતો?

શું તમે મને* પનીરની જેમ જમાવ્યો ન હતો?

૧૧ તમે મને હાડકાં અને સ્નાયુઓથી ગૂંથ્યો,

મને માંસ અને ચામડીનાં કપડાં પહેરાવ્યાં.+

૧૨ તમે મને જીવન આપ્યું, મને અતૂટ પ્રેમ* બતાવ્યો,

મારી કાળજી લીધી, મારા જીવનું રક્ષણ કર્યું.+

૧૩ પણ તમે જ મને પીડા આપવાની યોજના તમારા અંતરમાં રચી.

મને ખબર છે કે આ બધું તમે જ કર્યું છે.

૧૪ જો મેં પાપ કર્યું હોત, તો તમે જોયું હોત,+

અને મને સજા કર્યા વગર છોડ્યો ન હોત.

૧૫ જો હું દોષિત હોઉં, તો મને અફસોસ!

હું નિર્દોષ હોઉં તોપણ, મારું માથું ઊંચું કરી શકતો નથી,+

શરમ અને અપમાનને લીધે મારું માથું નમી ગયું છે.+

૧૬ જો હું મારું માથું ઊંચું કરું, તો તમે સિંહની જેમ મારા પર તરાપ મારો છો,+

અને ફરી મને તમારી તાકાત બતાવી આપો છો.

૧૭ તમે મારી વિરુદ્ધ નવા સાક્ષીઓ ઊભા કરો છો,

મારા પર તમારો ગુસ્સો વધતો ને વધતો જાય છે,

એક પછી એક આફત બસ આવતી જ રહે છે.

૧૮ તો પછી તમે કેમ મને ગર્ભમાંથી બહાર કાઢ્યો?+

કાશ! કોઈ મને જુએ એ પહેલાં જ હું મરી ગયો હોત.

૧૯ મને ગર્ભમાંથી સીધો કબરમાં જ લઈ ગયા હોત,

અને હું હતો ન હતો થઈ ગયો હોત તો કેવું સારું થાત!’

૨૦ શું મારા દિવસો થોડા જ નથી?+ તો હે ઈશ્વર, તમે કેમ મારો પીછો છોડતા નથી?

કૃપા કરીને મારા પરથી તમારી નજર હટાવી લો, જેથી મને થોડી રાહત* મળે!+

૨૧ હું એ દેશમાં જવાનો છું જ્યાંથી પાછા ફરી શકાતું નથી,+

ઘોર અંધકારના* એ દેશમાં,+

૨૨ જ્યાં બસ અંધારું જ અંધારું છે,

જ્યાં જરાય વ્યવસ્થા નથી, પ્રકાશનું એક કિરણ પણ નજરે પડતું નથી,

હા, એ દેશમાં અજવાળું પણ અંધકાર બરાબર છે!”

૧૧ સોફાર+ નાઅમાથીએ અયૂબને જવાબ આપ્યો:

 ૨ “શું તારો બડબડાટ સાંભળીને કોઈ ચૂપ રહેશે?

શું તારા બહુ બોલવાથી તું સાચો સાબિત થઈ જશે?*

 ૩ શું તારા બકવાસથી લોકોનાં મોં બંધ થઈ જશે?

શું તું મજાક ઉડાવતો+ રહીશ અને તને કોઈ ઠપકો નહિ આપે?

 ૪ તું કહે છે, ‘હું જે કહું છું, એ જ ખરું છે,+

ઈશ્વરની નજરમાં હું શુદ્ધ છું.’+

 ૫ કાશ! ઈશ્વર તારી સાથે વાત કરે,

અને તારી આગળ પોતાનું મોં ઉઘાડે!+

 ૬ સાંભળ, ડહાપણનાં તો ઘણાં પાસાં છે.

ઈશ્વર જ્યારે પોતાના ડહાપણનું રહસ્ય તારી આગળ છતું કરશે,

ત્યારે તને ખ્યાલ આવશે કે, તે તારી કેટલીય ભૂલોનો હિસાબ રાખતા નથી.

 ૭ શું તું ઈશ્વર વિશેની ઊંડી વાતો શોધી શકે?

શું તું સર્વશક્તિમાન વિશે બધું જ જાણી શકે?*

 ૮ ઈશ્વરનું ડહાપણ આકાશ કરતાં પણ ઊંચું છે. શું તું ત્યાં પહોંચી શકે?

એ પાતાળ* કરતાં પણ ઊંડું છે. શું તું ત્યાં ઊતરી શકે?

 ૯ એ પૃથ્વી કરતાં પણ વિશાળ છે,

સમુદ્ર કરતાં પણ પહોળું છે.

૧૦ જો ઈશ્વર કોઈને પકડીને અદાલતમાં લઈ આવે,

તો તેમને કોણ રોકી શકે?

૧૧ માણસોનું કપટ તેમના ધ્યાન બહાર જતું નથી,

તે કંઈ ખોટું થતાં જુએ ત્યારે, પોતાની આંખો મીંચતા નથી.

૧૨ જો જંગલી ગધેડો માણસને જન્મ આપે,

તો જ અક્કલ વગરનો માણસ સમજદાર બને.

૧૩ જો તું ઈશ્વર આગળ હાથ ફેલાવે

અને પોતાના મનમાં ગાંઠ વાળે કે,

૧૪ તું તારા હાથમાંથી ભૂંડાઈ દૂર કરશે,

અને તારા તંબુમાંથી દુષ્ટતા હટાવશે,

૧૫ તો જ તું નિર્દોષ ઠરશે અને તારું માથું ઊંચું કરી શકશે

અને નીડરપણે દૃઢ ઊભો રહી શકશે.

૧૬ એ વખતે તું તારી તકલીફો ભૂલી જશે;

વહી ગયેલા પાણીની જેમ એ તારી યાદમાંથી નીકળી જશે.

૧૭ તારું જીવન ભરબપોર કરતાંય વધારે તેજસ્વી થશે.

અરે, એનો અંધકાર પણ પ્રભાતના પ્રકાશની જેમ ચમકશે.

૧૮ સોનેરી આશાને લીધે તું નિશ્ચિંત બની જશે,

ચારે બાજુ સલામતી જોઈને તું નિરાંતે ઊંઘી જશે.

૧૯ તું શાંતિથી સૂઈ જશે અને તને કોઈ ડરાવશે નહિ,

તારી કૃપા મેળવવા ઘણા લોકો તને શોધતા આવશે.

૨૦ પણ દુષ્ટોની આંખો ધૂંધળી થઈ જશે;

નાસી છૂટવા તેઓને કોઈ જગ્યા નહિ મળે,

મરણ જ તેઓનો આખરી મુકામ થશે.”+

૧૨ અયૂબે કહ્યું:

 ૨ “હા, બુદ્ધિ તો ફક્ત તમારી જ પાસે છે ને!

તમારા મૃત્યુની સાથે સાથે બુદ્ધિ પણ મરી પરવારશે!

 ૩ જુઓ, મારી પાસે પણ બુદ્ધિ છે.

હું તમારાથી કોઈ પણ રીતે ઊતરતો નથી.

તમે જે કહ્યું એ કોણ નથી જાણતું?

 ૪ મેં ઈશ્વરને પોકાર કર્યો છે અને તેમની પાસે જવાબ માંગ્યો છે,+

એટલે મારા મિત્રો મારી મશ્કરી કરે છે.+

આ દુનિયા મારા જેવા નેક અને નિર્દોષ માણસની મજાક ઉડાવે છે.

 ૫ બેપરવા લોકો માને છે કે, આફત તેઓની આસપાસ ફરકશે પણ નહિ,

એ ફક્ત એવા લોકો પર આવશે, જેઓના પગ સ્થિર નથી.*

 ૬ લુટારાઓ પોતાના તંબુમાં શાંતિથી રહે છે.+

જેમ હાથમાં મૂર્તિઓ રાખનારા સલામત છે,

તેમ ઈશ્વરને ગુસ્સે કરનારા પણ સલામત છે.+

 ૭ પણ જરા જાનવરોને પૂછ, તેઓ તને શીખવશે;

આકાશનાં પક્ષીઓને પૂછ, તેઓ તને જણાવશે.

 ૮ પૃથ્વીને ધ્યાનથી જો,* એ તને સમજાવશે;

સમુદ્રની માછલીઓને પૂછ, તેઓ તને સત્ય કહેશે.

 ૯ શું એ બધાં જાણતાં નથી કે,

યહોવાએ જ તેઓને પોતાને હાથે રચ્યાં છે?

૧૦ દરેકનું જીવન,

હા, દરેક મનુષ્યનો શ્વાસ તેમના હાથમાં છે.+

૧૧ જેમ જીભ સ્વાદ પારખે છે,

તેમ શું કાન શબ્દોની સચ્ચાઈ પારખતા નથી?+

૧૨ વૃદ્ધો પાસે બુદ્ધિ હોય છે+

અને લાંબું જીવનાર પાસે સમજણ હોય છે.

૧૩ ઈશ્વર પાસે બુદ્ધિ અને સામર્થ્ય છે;+

તેમની પાસે સમજણ છે,+ તે પોતાના હેતુ પૂરા કરશે.

૧૪ તે જેને તોડે, એને શું કોઈ ફરી બાંધી શકે?+

તે જેને બંધ કરે, એને શું કોઈ ખોલી શકે?

૧૫ તે પાણી રોકી દે છે ત્યારે, જમીન સુકાઈ જાય છે;+

તે પાણી વહાવે છે ત્યારે, ધરતી ડૂબી જાય છે.+

૧૬ તેમની પાસે તાકાત અને બુદ્ધિ છે;+

ઠોકર ખવડાવનાર અને ઠોકર ખાનાર બંને તેમના હાથમાં છે.

૧૭ તે સલાહકારોને લૂંટી લે છે

અને ન્યાયાધીશોને મૂર્ખ બનાવે છે.+

૧૮ તે રાજાઓને રાજગાદી પરથી હટાવે છે+

અને તેઓની કમરે સાંકળ બાંધીને તેઓને ગુલામ બનાવે છે.

૧૯ તે યાજકોને* શરમાવવા તેઓને ઉઘાડા પગે ચલાવે છે+

અને સત્તા જમાવીને બેઠેલા સત્તાધીશોને ઊથલાવી દે છે;+

૨૦ તે ભરોસાપાત્ર સલાહકારોની બોલતી બંધ કરી દે છે

અને વૃદ્ધોની* અક્કલ છીનવી લે છે;

૨૧ તે અધિકારીઓ પર ધિક્કાર વરસાવે છે+

અને બળવાનને કમજોર બનાવે છે;*

૨૨ તે ઊંડી વાતો અંધકારમાંથી બહાર ખેંચી લાવે છે+

અને ઘોર અંધકાર પર પ્રકાશનાં કિરણો ફેલાવે છે;

૨૩ તે પ્રજાઓને શક્તિશાળી બનાવે છે, પછી તેઓનો નાશ કરે છે;

તે પ્રજાઓને મોટી બનાવે છે, પછી તેઓને બંધનમાં લાવે છે.

૨૪ તે આગેવાનોની સમજણ* ખૂંચવી લે છે

અને તેઓને માર્ગ વગરના ઉજ્જડ વિસ્તારમાં રઝળાવે છે.+

૨૫ તેઓ અંધારામાં, ઘોર અંધકારમાં ફાંફાં મારે છે+

અને તે તેઓને દારૂડિયાની જેમ લથડિયાં ખવડાવે છે.+

૧૩ “હા, મેં મારી આંખોથી એ બધું જોયું છે,

હું મારા કાનોથી સાંભળીને એ બધું સમજ્યો છું.

 ૨ જે તમે જાણો છો, એ હું પણ જાણું છું;

હું તમારાથી કોઈ પણ રીતે ઊતરતો નથી.

 ૩ મારે તમારી સાથે નહિ, પણ સર્વશક્તિમાન સાથે વાત કરવી છે.

મારા મુકદ્દમાની સચ્ચાઈ તેમની આગળ રજૂ કરવી છે.+

 ૪ તમે તો જૂઠું બોલીને મને બદનામ કરો છો;

તમે તો ઊંટવૈદો છો.+

 ૫ તમે ચૂપ રહો તો કેટલું સારું!

કેમ કે એમાં જ સમજદારી છે.+

 ૬ હવે મારી દલીલો સાંભળો,

અને મારી અરજો પર ધ્યાન આપો.

 ૭ શું તમે ઈશ્વરનો પક્ષ લઈને જૂઠું બોલશો?

શું તેમના નામે કપટી વાતો બોલશો?

 ૮ શું તમે ઈશ્વરનું ઉપરાણું લેશો?

શું તમે સાચા ઈશ્વરની વકીલાત કરશો?

 ૯ જો ઈશ્વર તમારી તપાસ કરે, તો શું તેમને કંઈ સારું મળી આવશે?+

શું તમે ઈશ્વરને માણસની જેમ મૂર્ખ બનાવી શકશો?

૧૦ જો તમે છાનીછૂપી રીતે પક્ષપાત કરશો,+

તો તે ચોક્કસ તમને ઠપકો આપશે.

૧૧ તેમના ગૌરવથી શું તમને ડર નહિ લાગે?

તેમનો ભય શું તમારા પર છવાઈ નહિ જાય?

૧૨ તમારી યાદગાર કહેવતો રાખ જેવી નકામી છે!

બચાવ માટેની તમારી દલીલો માટીની ઢાલ જેવી તકલાદી છે.

૧૩ હવે ચૂપ રહો અને મને બોલવા દો.

પછી ભલે મારું જે થવાનું હોય એ થાય!

૧૪ હું કેમ મારો જીવ જોખમમાં મૂકું છું?

કેમ મારો જીવ હથેળીમાં લઈને ફરું છું?

૧૫ છેલ્લા શ્વાસ સુધી* હું તેમની રાહ જોઈશ;+

તેમના મોં પર હું મારી દલીલો રજૂ કરીશ.

૧૬ પછી, ઈશ્વર મારું તારણ બનશે,+

કેમ કે અધર્મી માણસ* તેમની હજૂરમાં આવી શકતો નથી.+

૧૭ મારા શબ્દો કાને ધરો;

મારી વાત ધ્યાનથી સાંભળો.

૧૮ મેં અદાલતમાં રજૂ કરવા મારો મુકદ્દમો તૈયાર કર્યો છે;

હું જાણું છું કે હું સાચો છું.

૧૯ મારી સામે કોણ લડશે?

જો હું ચૂપ રહીશ, તો મરી જઈશ!*

૨૦ હે ઈશ્વર, મહેરબાની કરીને મારી બે માંગણી પૂરી કરો,

જેથી મારે તમારાથી મોં સંતાડવું ન પડે:

૨૧ મારી વિરુદ્ધ તમારો હાથ ન ઉગામો,

અને તમારા ભયથી મને ન ડરાવો.+

૨૨ કાં તો તમે બોલો અને હું જવાબ આપું,

કાં તો મને બોલવા દો અને તમે જવાબ આપો.

૨૩ મારી શી ભૂલ છે? મારું શું પાપ છે?

મારી ભૂલો અને મારાં પાપ તો મને બતાવો!

૨૪ તમે કેમ તમારું મોં ફેરવી લો છો?+

મને કેમ તમારો દુશ્મન ગણો છો?+

૨૫ હું તો પવનથી ઊડતા પાંદડા જેવો છું, સૂકા તણખલા જેવો છું.

તો તમે મને કેમ ડરાવો છો? કેમ મારી પાછળ પડ્યા છો?

૨૬ તમે મારી વિરુદ્ધ લાગેલા એકેએક આરોપની યાદી બનાવો છો,

અને યુવાનીમાં કરેલાં મારાં પાપનો હમણાં હિસાબ માંગો છો.

૨૭ તમે મારા પગ હેડમાં* નાખ્યા છે,

તમે મારા એકેએક પગલા પર નજર રાખો છો,

તમે મારા પગનાં નિશાન શોધી શોધીને મારો પીછો કરો છો.

૨૮ જેમ જીવડાં* કપડાંને કોરી ખાય છે,

અને જેમ વસ્તુ સડી જાય છે, તેમ માણસનો* નાશ થાય છે.

૧૪ “સ્ત્રીથી જન્મેલા માનવીનું જીવન

ટૂંકું+ અને મુશ્કેલીઓથી ભરપૂર છે.+

 ૨ તે ફૂલની જેમ ખીલે છે અને જલદી જ કરમાઈ જાય છે;*+

તે પડછાયાની જેમ અદૃશ્ય થઈ જાય છે;+

 ૩ તોપણ તમે તેના પર નજર રાખો છો

અને તેને* અદાલતમાં ઘસડી લાવો છો.+

 ૪ શું અશુદ્ધ વ્યક્તિ શુદ્ધ વ્યક્તિ પેદા કરી શકે?+

ના! એ શક્ય જ નથી!

 ૫ જો તેના આયુષ્યના દિવસો નક્કી કરેલા હોય,

તો તેના મહિનાઓની ગણતરી તમારા હાથમાં છે;

તમે તેના માટે હદ ઠરાવી છે અને તે એને ઓળંગી શકતો નથી.+

 ૬ મજૂરી કરતા માણસની જેમ તે પોતાનો દિવસ પૂરો કરે ત્યાં સુધી,

તમારી નજર તેના પરથી દૂર કરો, જેથી તેને થોડો આરામ મળે.+

 ૭ અરે, ઝાડ પાસે તો આશા છે.

જો એને કાપી નાખવામાં આવે, તો એને ફરી કૂંપળો ફૂટશે,

એની કુમળી ડાળીઓ ફૂટીને વધવા માંડશે.

 ૮ જો એનાં મૂળિયાં જમીનમાં જૂનાં થઈ જાય,

અને એનું ઠૂંઠું સુકાઈ જાય,

 ૯ તોપણ પાણીના એક ટીપાથી એમાં અંકુર ફૂટશે

અને નવા છોડની જેમ એમાં ડાળીઓ ફૂટી નીકળશે.

૧૦ પણ માણસ મરી જાય ત્યારે, તેનું બળ જતું રહે છે;

મનુષ્ય મરે છે ત્યારે તે ક્યાં જાય છે?+

૧૧ જેમ સાગરનું પાણી ગાયબ થઈ જાય છે

અને પાણી વહી જવાથી નદીઓ સુકાઈ જાય છે,

૧૨ તેમ માણસ સૂઈ જાય છે અને પાછો ઊઠતો નથી.+

આકાશો રહેશે ત્યાં સુધી, તે પોતાની આંખ ખોલશે નહિ,

કે પોતાની ઊંઘમાંથી ઊઠશે નહિ.+

૧૩ કાશ! તમે મને કબરમાં* છુપાવી રાખો+

અને તમારો ગુસ્સો શાંત પડે ત્યાં સુધી મને સંતાડી રાખો.

કાશ! તમે મારા માટે સમય ઠરાવો અને મને યાદ કરો!+

૧૪ જો માણસ મરી જાય, તો શું તે ફરી જીવતો થઈ શકે?+

મારો છુટકારો થાય,+

હા, મજૂરીના મારા દિવસો પૂરા થાય ત્યાં સુધી હું રાહ જોઈશ.

૧૫ તમે મને બોલાવશો અને હું જવાબ આપીશ.+

તમે તમારા હાથની રચના જોવા ખૂબ આતુરતાથી રાહ જોશો.*

૧૬ પણ હમણાં તમે મારું દરેક પગલું ગણો છો;

તમે ફક્ત મારાં પાપ જ જુઓ છો.

૧૭ તમે મારા અપરાધોને થેલીમાં બંધ કરીને એના પર મહોર* મારી છે,

મારી ભૂલો સાચવી રાખવા તમે એના પર ગુંદર ચોપડ્યો છે.

૧૮ જેમ પર્વતો તૂટીને ચૂરેચૂરા થઈ જાય છે

અને ખડક પોતાની જગ્યાએથી ખસી જાય છે,

૧૯ જેમ પાણી પથ્થરને ઘસી નાખે છે

અને એનું વહેણ જમીનને ધોઈ નાખે છે,

તેમ નાશવંત માણસની આશા તમે મિટાવી દીધી છે.

૨૦ તેનો નાશ થાય ત્યાં સુધી તમે તેને કાબૂમાં રાખો છો;+

તમે તેનો દેખાવ બદલી નાખો છો અને તેને કબરમાં મોકલી દો છો.

૨૧ તેના દીકરાઓ માન મેળવે છે, પણ તેને કદી જાણ થતી નથી;

તેઓનું અપમાન થાય છે, તોપણ તેને ખ્યાલ આવતો નથી.+

૨૨ તે જીવતો હોય ત્યાં સુધી જ વેદના મહેસૂસ કરે છે;

તેનામાં જીવ હોય ત્યાં સુધી જ તે વિલાપ કરે છે.”

૧૫ અલીફાઝ+ તેમાનીએ જવાબ આપ્યો:

 ૨ “શું બુદ્ધિશાળી માણસ પોકળ દલીલો કરશે?

શું તે પોતાનું મન ખોટા વિચારોથી* ભરશે?

 ૩ ફક્ત શબ્દોથી ઠપકો આપવો વ્યર્થ છે

અને મોટી મોટી વાતો કરવી નકામી છે.

 ૪ તારા લીધે લોકોમાં ઈશ્વરનો ડર* રહ્યો નથી,

તું તેઓને ઈશ્વરની ભક્તિ કરવાથી અટકાવે છે.

 ૫ તારા અપરાધો જ તારી પાસે આ બધું બોલાવે છે,*

તું કપટી વાતો બોલવાનું પસંદ કરે છે.

 ૬ હું નહિ, પણ તારું પોતાનું મોં તને દોષિત ઠરાવે છે;

તારા પોતાના હોઠ તારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે.+

 ૭ શું બધા લોકો કરતાં તું પહેલાં પેદા થયો હતો?

શું પર્વતોનું સર્જન થયું એ પહેલાં તારો જન્મ થયો હતો?

 ૮ શું તું ઈશ્વરની ખાનગી વાતો સાંભળે છે?

શું ફક્ત તારી પાસે જ ડહાપણ છે?

 ૯ એવું તો શું છે, જે તું જાણે છે ને અમે નથી જાણતા?+

એવું તો શું છે, જે તું સમજે છે ને અમે નથી સમજતા?

૧૦ ધોળા વાળવાળા અને વૃદ્ધજનો બંને અમારી સાથે છે,+

તેઓ ઉંમરમાં તારા પિતા કરતાં પણ મોટા છે.

૧૧ શું ઈશ્વરનો દિલાસો તારા માટે પૂરતો નથી?

શું માયાળુ શબ્દોની તને કંઈ પડી નથી?

૧૨ તારું મન તને કેમ ભમાવે છે?

તારી આંખો કેમ ક્રોધથી લાલચોળ થઈ ગઈ છે?

૧૩ શું તારું દિલ ઈશ્વર વિરુદ્ધ ગુસ્સે ભરાયું છે?

શું તારા મોંમાંથી કડવાં વેણ સરી પડે છે?

૧૪ નાશવંત માણસ કઈ રીતે શુદ્ધ હોય શકે?

સ્ત્રીથી જન્મેલો માનવી કઈ રીતે નેક હોય શકે?+

૧૫ જો! ઈશ્વરને પોતાના દૂતો* પર પણ ભરોસો નથી,

અરે, સ્વર્ગ પણ તેમની નજરમાં પવિત્ર નથી.+

૧૬ તો પછી, તુચ્છ અને ભ્રષ્ટ માણસની શી વિસાત,+

જે પાણીની જેમ દુષ્ટતા પીએ છે!

૧૭ હું તને જણાવીશ, મારું સાંભળ!

મેં જે જોયું છે એ હું તને કહીશ,

૧૮ સમજદાર લોકોએ જણાવેલી વાતો તને કહીશ,

જે તેઓએ પૂર્વજો પાસેથી સાંભળી છે+ અને સંતાડી નથી.

૧૯ તેઓના પૂર્વજોને આ દેશ આપવામાં આવ્યો હતો

અને કોઈ પરદેશી તેઓની વચ્ચે વસ્યો ન હતો.

૨૦ દુષ્ટ માણસ પોતાનું આખું જીવન,

હા, જુલમી માણસ વર્ષોનાં વર્ષો દુઃખમાં વિતાવે છે.

૨૧ તેના કાનમાં ભયના ભણકારા વાગે છે;+

શાંતિના સમયે લુટારાઓ તેના પર ત્રાટકે છે.

૨૨ તેને અંધકારમાંથી પાછા ફરવાની કોઈ આશા નથી;+

તેને માથે તલવાર લટકે છે.

૨૩ તે ખોરાક માટે ફાંફાં મારે છે અને પૂછે છે: ‘ખાવાનું ક્યાં છે?’

અંધકારનો દિવસ જલદી જ આવશે એ તે જાણે છે.

૨૪ સંકટ અને વેદના તેને ડરાવતાં રહે છે;

આક્રમણ કરવા તૈયાર થયેલા રાજાની જેમ એ તેના પર તૂટી પડે છે.

૨૫ તે ઈશ્વર વિરુદ્ધ પોતાનો હાથ ઉઠાવે છે

અને સર્વશક્તિમાન સામે પડકાર ફેંકે છે.*

૨૬ તે અક્કડ થઈને તેમનો વિરોધ કરે છે,

મજબૂત ઢાલ લઈને તેમની સામે જાય છે.

૨૭ ચરબીથી* તેનું મોં ફૂલ્યું છે

અને તેની ફાંદ વધી છે;

૨૮ તે એવાં શહેરોમાં વસે છે, જેને ઉજ્જડ કરી નંખાશે,

તે એવાં ઘરોમાં રહે છે, જેને ખંડેર કરી દેવાશે,

એ જગ્યા પથ્થરોનો ઢગલો બની જશે.

૨૯ તે અમીર થશે નહિ કે માલ-મિલકત ભેગી કરી શકશે નહિ,

તેની સંપત્તિ આખી પૃથ્વી પર ફેલાશે નહિ.

૩૦ તે અંધકારમાંથી છટકી શકશે નહિ;

અગ્‍નિની જ્વાળા તેની કુમળી ડાળીને બાળી નાખશે*

અને ઈશ્વરનો* શ્વાસ તેને ફૂંકી મારશે.+

૩૧ નકામી વસ્તુઓ પર ભરોસો રાખીને તે પોતાને ન છેતરે,

નહિતર ફક્ત નુકસાન જ તેને હાથ લાગશે;

૩૨ જલદી જ તેની સાથે એમ બનશે

અને તેની ડાળીઓ કદી લીલી રહેશે નહિ.+

૩૩ જેની કાચી દ્રાક્ષો ખંખેરી નાખવામાં આવી હોય, એવા દ્રાક્ષાવેલા જેવો તે થશે,

હા, જેનાં ફૂલો ખરી પડ્યાં હોય, એવા જૈતૂનના ઝાડ જેવો તે થશે.

૩૪ કેમ કે અધર્મીઓની* સભામાંથી કંઈ ઊપજતું નથી+

અને લાંચ લેનારાઓના તંબુ અગ્‍નિથી ભસ્મ થઈ જશે.

૩૫ તેઓ સંકટનો ગર્ભ ધરે છે અને દુષ્ટતાને જન્મ આપે છે,

તેઓની કૂખે કપટ જન્મે છે.”

૧૬ અયૂબે કહ્યું:

 ૨ “મેં આવી વાતો પહેલાં પણ બહુ સાંભળી છે.

તમે બધા દિલાસો નહિ, પણ ત્રાસ આપો છો!+

 ૩ શું તું નકામી વાતો કરવાનું બંધ કરીશ?

તું કેમ આ રીતે જવાબ આપે છે?

 ૪ તારી જેમ હું પણ બોલી શકું છું.

જો તું મારી જગ્યાએ હોત,

તો હું પણ તને લાંબું-લચક ભાષણ આપી શક્યો હોત

અને મારું માથું હલાવીને તારો તિરસ્કાર કરી શક્યો હોત.+

 ૫ પણ એમ કરવાને બદલે મેં મારા શબ્દોથી તારી હિંમત વધારી હોત.

મારા હોઠોના દિલાસાથી તને રાહત આપી હોત.+

 ૬ પણ હમણાં મારા બોલવાથી મારું દુઃખ દૂર થવાનું નથી,+

ચૂપ રહેવાથી મારી પીડા ઓછી થવાની નથી.

 ૭ પણ જો! ઈશ્વરે મને થકવી નાખ્યો છે;+

તેમણે મારા આખા કુટુંબને બરબાદ કરી નાખ્યું છે.

 ૮ ઈશ્વરે મને સકંજામાં લીધો છે, એ જ મારી વિરુદ્ધ પુરાવો છે,

મારી કમજોર હાલત મારી સામે સાક્ષી પૂરે છે.

 ૯ ગુસ્સામાં તેમણે મારા ટુકડે-ટુકડા કરી નાખ્યા છે, તે મારી વિરુદ્ધ મનમાં ખાર ભરી રાખે છે.+

તે મારી સામે દાંત કચકચાવે છે.

તે પોતાની આંખોથી મને વીંધી નાખે છે, જાણે મારા દુશ્મન હોય.+

૧૦ લોકોએ મારી વિરુદ્ધ પોતાનું મોં ઉઘાડ્યું છે,+

તેઓએ થપ્પડ મારીને મારો ધિક્કાર કર્યો છે;

તેઓ મોટું ટોળું લઈને મારી સામે આવે છે.+

૧૧ ઈશ્વર મને જુવાનોને હવાલે કરે છે,

તે મને દુષ્ટોના હાથમાં સોંપી દે છે.+

૧૨ હું નિશ્ચિંત હતો, પણ તેમણે મને વેરવિખેર કરી નાખ્યો છે;+

મારી ગરદન પકડીને તેમણે મને કચડી નાખ્યો છે;

તેમણે મારા પર પોતાનું નિશાન તાક્યું છે.

૧૩ તેમના તીરંદાજો મને ઘેરી લે છે;+

તે નિર્દય બનીને મને ઊંડે સુધી વીંધે છે;+

તે મારું પિત્ત જમીન પર રેડી દે છે.

૧૪ તે એક પછી એક પ્રહાર કરીને મને તોડી પાડે છે;

તે મારા પર યોદ્ધાની જેમ ચઢી આવે છે.

૧૫ મારું શરીર ઢાંકવા મેં કંતાન સીવીને પહેર્યું છે+

અને મારું સ્વમાન* મેં ધૂળમાં દાટી દીધું છે.+

૧૬ રડી રડીને મારું મોં લાલ થઈ ગયું છે+

અને મારી પાંપણો પર અંધકાર* છવાઈ ગયો છે,

૧૭ પણ મેં મારા હાથે કોઈ ગુનો કર્યો નથી

અને મારી પ્રાર્થનાઓ પવિત્ર અને સાચી છે.

૧૮ હે પૃથ્વી, કૃપા કરીને મારું લોહી ઢાંકી ન દે!+

મારા વિલાપના અવાજને દાબી ન દે!

૧૯ જો! મારો સાક્ષી સ્વર્ગમાં છે,

મારા પક્ષમાં બોલનાર ઊંચી જગ્યાએ બિરાજમાન છે.

૨૦ હું ઈશ્વર સામે આંસુ વહાવું છું,*+

એ જોઈને મારા મિત્રો મારી મજાક ઉડાવે છે.+

૨૧ જેમ બે માણસો વચ્ચે ન્યાય કરવામાં આવે છે,

તેમ કોઈ આવીને મારી અને ઈશ્વરની વચ્ચે ન્યાય કરે.+

૨૨ કેમ કે મારી ઘડીઓ ગણાઈ રહી છે,

હું એવા માર્ગે જઈ રહ્યો છું, જ્યાંથી પાછા આવવું અશક્ય છે.+

૧૭ “મારું બળ ભાંગી પડ્યું છે, મારા દિવસો ખતમ થઈ ગયા છે;

કબર મારી રાહ જુએ છે.+

 ૨ મશ્કરી કરનારાઓ મને ઘેરી વળ્યા છે,+

તેઓના બંડખોર વલણને મારી આંખો તાકી રહે છે.

 ૩ હે ઈશ્વર, તમે મારા જામીન થાઓ.

તમારા સિવાય કોણ મારી સાથે હાથ મિલાવશે? કોણ મને મદદ કરશે?+

 ૪ તમે તેઓથી ડહાપણ સંતાડી રાખો છો,+

એટલે તમે તેઓને ઊંચી પદવીએ બેસાડતા નથી.

 ૫ એવો માણસ કદાચ પોતાના દોસ્તોમાં સંપત્તિ વહેંચતો ફરે છે,

પણ તેનાં બાળકો ભૂખે મરે છે.

 ૬ ઈશ્વરે મને લોકોમાં ધિક્કારને લાયક* બનાવ્યો છે,+

તેઓ મારા મોં પર થૂંકે છે.+

 ૭ દુઃખને લીધે મારી આંખો ધૂંધળી થઈ ગઈ છે,+

અને મારાં બધાં અંગો સુકાઈ ગયાં છે.*

 ૮ મારી હાલત જોઈને નેક લોકોને આઘાત લાગે છે,

અધર્મીઓને* જોઈને નિર્દોષ લોકો ઉશ્કેરાય છે.

 ૯ નેક પોતાના માર્ગે આગળ વધતો જાય છે+

અને નિર્દોષ* વધારે બળવાન થતો જાય છે.+

૧૦ પણ તમે બધા આવો અને ફરી દલીલો કરો,

કેમ કે મને તો હજી સુધી તમારામાં કોઈ બુદ્ધિશાળી દેખાયું નથી.+

૧૧ મારો અંત આવી ગયો છે;+

મારી યોજનાઓ અને મારી ઇચ્છાઓ મનમાં જ રહી ગઈ છે.+

૧૨ મારા મિત્રો રાતને દિવસ કહે છે,

તેઓ કહે છે, ‘જલદી અજવાળું થશે,’ પણ મને તો ચારે બાજુ બસ અંધકાર જ દેખાય છે.

૧૩ જો હું રાહ જોઉં, તો કબર* મારું ઘર બની જશે;+

હું મારી પથારી અંધકારમાં બિછાવીશ.+

૧૪ હું ખાડાને*+ કહીશ, ‘તું મારો પિતા છે!’

ઇયળને કહીશ, ‘તું મારી મા છે, તું મારી બહેન છે!’

૧૫ તો પછી મારી આશા ક્યાં છે?+

શું કોઈને મારા માટે આશાનું કિરણ દેખાય છે?

૧૬ મારી આશા કબરના* દરવાજા પાછળ કેદ થઈ જશે,

અને એની સાથે હું પણ ધૂળમાં મળી જઈશ.”+

૧૮ બિલ્દાદ+ શૂહીએ જવાબમાં કહ્યું:

 ૨ “તમે* ક્યાં સુધી બોલતા રહેશો?

થોડી તો સમજ બતાવો, જેથી અમે બોલી શકીએ.

 ૩ તમે કેમ અમને જાનવર જેવા ગણો છો?+

તમે કેમ અમને મૂર્ખ* સમજો છો?

 ૪ જો તું ગુસ્સામાં પોતાના ટુકડે-ટુકડા કરી નાખે,

તો શું તારા લીધે પૃથ્વી ઉજ્જડ થઈ જશે?

શું ખડક પોતાની જગ્યાએથી ખસી જશે?

 ૫ દુષ્ટનો પ્રકાશ હોલવાઈ જશે,

હા, તેનો અગ્‍નિ ઠરી જશે.+

 ૬ તેના તંબુનું અજવાળું અંધકારમાં ફેરવાઈ જશે,

અને તેનો દીવો હોલવાઈ જશે.

 ૭ ઝડપથી ચાલતાં તેનાં પગલાં ધીમાં પડી જશે,

તેની પોતાની સલાહ તેને ઠોકર ખવડાવશે.+

 ૮ તેના પગ તેને ફાંદા તરફ દોરી જશે,

તેના પગ તેને જાળમાં સપડાવશે.

 ૯ ફાંદો તેની એડી પકડી લેશે;

જાળ તેને જકડી લેશે.+

૧૦ તેના માટે જમીન પર દોરડાનો ફાંદો છુપાવવામાં આવ્યો છે,

તેના માર્ગમાં જાળ બિછાવવામાં આવી છે.

૧૧ ચારે બાજુથી આતંક તેને ડરાવે છે,+

એ હાથ ધોઈને તેની પાછળ પડ્યો છે.

૧૨ તેનું બળ ખતમ થઈ જશે,

આફત+ આવશે ત્યારે તે ડગમગી જશે.*

૧૩ તેની ચામડી કોહવાઈ જશે;

સૌથી જીવલેણ બીમારી* તેનાં અંગો ખાઈ જશે.

૧૪ જે તંબુમાં તે સલામત છે, એમાંથી તેને કાઢી મૂકવામાં આવશે,+

તેને ઘસડીને આતંકના રાજા* પાસે લઈ જવામાં આવશે.

૧૫ અજાણ્યાઓ* તેના તંબુમાં રહેશે;

તેના ઘર પર ગંધક વરસાવવામાં આવશે.+

૧૬ તેનાં મૂળિયાં સુકાઈ જશે,

તેની લીલીછમ ડાળીઓ કરમાઈ જશે.

૧૭ પૃથ્વી પરથી તેની યાદ ભુલાઈ જશે,

શેરીઓમાં તેનું નામનિશાન ભૂંસાઈ જશે.

૧૮ તેને પ્રકાશમાંથી અંધકારમાં ધકેલી દેવામાં આવશે,

તેને દુનિયામાંથી નસાડી મૂકવામાં આવશે.

૧૯ તેને બાળકનું સુખ મળશે નહિ અને તેનો વંશવેલો આગળ વધશે નહિ,

તેના નિવાસમાં* તેના પછી કોઈ બચશે નહિ.

૨૦ તેની બરબાદીના દિવસે પશ્ચિમના લોકોમાં ભય છવાઈ જશે,

અને પૂર્વના લોકોમાં આતંક ફેલાઈ જશે.

૨૧ ખોટું કરનારની એવી જ દશા થશે,

હા, ઈશ્વરને ન જાણનારના એવા જ હાલ થશે.”

૧૯ અયૂબે કહ્યું:

૨ “તમે ક્યાં સુધી મારો જીવ ખાશો?+

તમે ક્યાં સુધી શબ્દોનાં બાણથી મને ઘાયલ કરશો?+

 ૩ દસ વખત તમે મને ઠપકો આપ્યો છે;*

મારી સાથે કઠોરતાથી વર્તતા તમને જરાય શરમ નથી આવતી?+

 ૪ જો મેં સાચે જ ભૂલ કરી હોય,

તો મારી ભૂલ મારે માથે.

 ૫ જો તમે પોતાને મારાથી ચઢિયાતા ગણતા હો,

અને દાવો કરતા હો કે હું અપમાનને જ લાયક છું,

 ૬ તો સમજી લો કે ઈશ્વર જ મારી સાથે અન્યાયથી વર્ત્યા છે,

તેમણે જ મને તેમની જાળમાં ફસાવ્યો છે.

 ૭ જુઓ! જુલમને લીધે હું પોકાર કરું છું, પણ કોઈ મારું સાંભળતું નથી;+

મદદ માટે હું આજીજી કરું છું, પણ મને ન્યાય મળતો નથી.+

 ૮ તેમણે મારા રસ્તાની વચ્ચે પથ્થરની દીવાલ ઊભી કરી છે, જેથી હું આગળ જઈ ન શકું,

તેમણે મારો માર્ગ અંધકારથી ઢાંકી દીધો છે.+

 ૯ તેમણે મારું ગૌરવ છીનવી લીધું છે,

અને મારા માથેથી મુગટ ઉતારી લીધો છે.

૧૦ મારો નાશ થાય ત્યાં સુધી તે મને તોડી નાખે છે;

ઝાડની જેમ તે મારી આશા જડમૂળથી ઉખેડી નાખે છે.

૧૧ તેમનો ક્રોધ મારી વિરુદ્ધ ભડકી ઊઠે છે,

તે મને તેમનો દુશ્મન ગણે છે.+

૧૨ તેમનું સૈન્ય આવીને મારી ચારે બાજુ ઘેરો નાખે છે,

મારા તંબુની આસપાસ તેઓ છાવણી નાખે છે.

૧૩ તેમણે મારા ભાઈઓને મારાથી દૂર કર્યા છે,

મારા ઓળખીતાઓએ મારાથી મોં ફેરવી લીધું છે.+

૧૪ મારા ખાસ મિત્રોએ* મને તરછોડી દીધો છે,

મારા દોસ્તો મને ભૂલી ગયા છે.+

૧૫ મારા ઘરના મહેમાનો+ અને મારી દાસીઓ મને પારકો ગણે છે,

તેઓની નજરમાં હું એક પરદેશી જ છું.

૧૬ હું મારા દાસને બોલાવું છું, પણ તે સાંભળતો નથી;

હું દયાની ભીખ માંગું છું, તોપણ તે ગણકારતો નથી.

૧૭ મારી પત્નીને મારા શ્વાસથી સૂગ ચઢે છે,+

મારા સગા ભાઈઓ* મારી દુર્ગંધથી દૂર ભાગે છે.

૧૮ અરે, નાનાં બાળકો પણ મને ધુતકારે છે;

હું ઊભો થાઉં ત્યારે તેઓ મારી મશ્કરી કરે છે.

૧૯ મારા બધા દિલોજાન મિત્રો મને નફરત કરે છે,+

જેઓને હું પ્રેમ કરું છું, તેઓ મારી સામે થયા છે.+

૨૦ મારું માંસ સુકાઈ ગયું છે, બસ હાડકાં અને ચામડી જ રહ્યાં છે,+

હું માંડ માંડ બચ્યો છું.

૨૧ મારા દોસ્તો, મારા પર દયા કરો, થોડી તો દયા કરો,

કેમ કે ઈશ્વરનો હાથ મારા પર ઊઠ્યો છે.+

૨૨ ઈશ્વરની જેમ તમે મને કેમ સતાવો છો?+

કેમ વારંવાર મારા પર હુમલો કરો છો?*+

૨૩ કાશ! મારા શબ્દો લખી લેવામાં આવે,

તેઓને એક પુસ્તકમાં નોંધી લેવામાં આવે!

૨૪ કાશ! લોઢાની કલમથી એ શબ્દોને ખડક પર કોતરી દેવામાં આવે,

એમાં સીસું ભરીને એને અમર કરી દેવામાં આવે!

૨૫ હું સારી રીતે જાણું છું કે મારો એક છોડાવનાર* છે;+

તે આવશે અને પૃથ્વી પર ઊભો રહેશે.

૨૬ મારી ચામડી ઉતારી લેવામાં આવે એ પછી પણ,

હું જીવતેજીવ ઈશ્વરને જોઈશ.

૨૭ હું પોતે તેમને જોઈશ,

હા, બીજા કોઈની આંખોથી નહિ, પણ મારી સગી આંખોથી તેમને જોઈશ.+

પણ હમણાં તો હું અંદરથી તૂટી ગયો છું!

૨૮ સમસ્યાની જડ હું જ છું એમ સમજીને

તમે કહો છો, ‘આપણે ક્યાં તેને સતાવીએ છીએ?’+

૨૯ પણ તમારે તો તલવારથી ડરવું જોઈએ!+

કેમ કે તલવાર ગુનેગારને સજા કરે છે;

યાદ રાખો, એક ન્યાયાધીશ બેઠા છે.”+

૨૦ સોફાર+ નાઅમાથીએ જવાબ આપ્યો:

 ૨ “એ જ કારણે મારી બેચેની મને બોલવા મજબૂર કરે છે,

હું જવાબ આપવા અધીરો થયો છું.

 ૩ તારો ઠપકો મારું અપમાન કરે છે;

હવે મારી બુદ્ધિ મને જવાબ આપવા ઉશ્કેરે છે.

 ૪ તું તો જાણતો જ હોઈશ કે,

પૃથ્વી પર માણસને* બનાવ્યો ત્યારથી આમ થતું આવ્યું છે,+

 ૫ દુષ્ટની ખુશી પળ બે પળ હોય છે,

અને અધર્મીનો* આનંદ ઘડી બે ઘડી ટકે છે.+

 ૬ ભલે તેનું ઘમંડ આસમાને પહોંચે,

અને તેનું માથું વાદળોને આંબે,

 ૭ પણ તે પોતાના મળની જેમ હંમેશ માટે નષ્ટ થઈ જશે.

જેઓએ તેને જોયો હતો, તેઓ પૂછશે, ‘તે ક્યાં છે?’

 ૮ તે સપનાની જેમ ઊડી જશે અને શોધવા છતાંય તેનું ઠામઠેકાણું જડશે નહિ;

રાતના સપનાની જેમ તે અલોપ થઈ જશે.

 ૯ જે આંખોએ તેને જોયો હતો, તેઓ તેને ફરી કદી જોશે નહિ,

જે ઘરમાં તે રહેતો હતો, ત્યાં તે કદી નજરે પડશે નહિ.+

૧૦ તેનાં બાળકો ગરીબો આગળ હાથ ફેલાવશે,

બીજાઓ પાસેથી પડાવેલી સંપત્તિ તે પોતાના જ હાથે પાછી આપી દેશે.+

૧૧ તેનાં હાડકાં જુવાનીના જોમથી ભરપૂર હતાં,

પણ તેનું એ જોમ તેની સાથે ધૂળમાં મળી જશે.

૧૨ જો દુષ્ટતા તેના મોંને મીઠી લાગતી હોય,

તે એને પોતાની જીભ નીચે છુપાવી રાખતો હોય,

૧૩ જો તે એને મોંમાં જ રાખતો હોય,

એનો સ્વાદ માણી માણીને ખાતો હોય,

૧૪ તો એ મીઠો ખોરાક તેના પેટમાં કડવો થઈ જશે;

એ તેના શરીરમાં નાગના ઝેર* જેવો થઈ જશે.

૧૫ તે દોલત ગળી ગયો છે, પણ હવે તે એને ઓકી કાઢશે;

ઈશ્વર તેના પેટમાંથી એ બધું ઓકી કઢાવશે.

૧૬ તે સાપનું ઝેર ચૂસશે;

ઝેરી સાપનો ડંખ તેને મારી નાખશે.

૧૭ તે વહેતું પાણી કદી જોશે નહિ,

તે દૂધ-મધની નદીઓનો આનંદ ઉઠાવશે નહિ.

૧૮ તે પોતાની સંપત્તિનું સુખ માણ્યા વગર એ પાછી આપી દેશે;

પોતે કમાયેલી દોલત તે ભોગવી શકશે નહિ.+

૧૯ કેમ કે તેણે ગરીબોને કચડીને તરછોડી દીધા છે;

બીજાનાં બાંધેલાં ઘર તેણે પચાવી પાડ્યાં છે.

૨૦ પણ તેને જરાય મનની શાંતિ મળશે નહિ;

તેની સંપત્તિ તેને બચાવી શકશે નહિ.

૨૧ છીનવી લેવા હવે તેની પાસે કંઈ બચ્યું નથી;

એટલે તેની સમૃદ્ધિ ટકશે નહિ.

૨૨ તેની મિલકત આસમાને પહોંચશે ત્યારે, ચિંતાનાં વાદળો તેના પર છવાઈ જશે;

એક પછી એક આફતો તેના પર તૂટી પડશે.

૨૩ તે પેટ ભરીને ખાતો હશે એવામાં,

ઈશ્વર* પોતાનો ભયંકર ક્રોધ તેના પર રેડી દેશે,

અને તેનાં આંતરડાં એ ક્રોધથી ભરાઈ જશે.

૨૪ તે લોઢાનાં હથિયારોથી નાસતો હશે ત્યારે,

તાંબાના ધનુષ્યમાંથી નીકળેલાં તીરો તેને વીંધી નાખશે.

૨૫ તે એ તીરને પોતાની પીઠમાંથી,

હા, એ ચળકતા તીરને પોતાના પિત્તાશયમાંથી કાઢશે ત્યારે,

આતંક તેને ઘેરી વળશે.+

૨૬ ગાઢ અંધકાર તેના ખજાનાને લૂંટી લેવા રાહ જોઈને બેઠો છે;

એવી આગ તેને ભસ્મ કરી નાખશે, જેને કોઈ માણસે ભડકાવી ન હોય;

તેના તંબુમાં બચી ગયેલાઓ પર આફત આવી પડશે.

૨૭ આકાશ તેની ભૂલો ઉઘાડી પાડશે;

પૃથ્વી તેની વિરુદ્ધ ઊભી થશે.

૨૮ ઈશ્વરના ક્રોધને દિવસે ધસમસતું પાણી વહી આવશે;

વરસાદનું પૂર તેનું ઘર તાણી જશે.

૨૯ દુષ્ટ માણસને ઈશ્વર પાસેથી મળેલો એ હિસ્સો છે,

ઈશ્વરે તેના માટે સાચવી રાખેલો એ વારસો છે.”

૨૧ અયૂબે જવાબ આપ્યો:

 ૨ “મારી વાત ધ્યાન દઈને સાંભળો,

એનાથી જ મને દિલાસો મળશે.

 ૩ થોડી ધીરજ ધરો, મને બોલવા દો;

પછી મારી મજાક ઉડાવવી હોય તો ઉડાવજો.+

 ૪ શું મારી ફરિયાદ કોઈ માણસ સામે છે?

જો એમ હોત, તો હું ક્યારનો ધીરજ ખોઈ બેઠો હોત.

 ૫ મને જુઓ તો ખરા! તમને નવાઈ લાગશે,

તમે તમારા મોં પર હાથ મૂકીને ચૂપ રહેશો.

 ૬ મારા પર જે વીત્યું છે, એ યાદ કરતા જ હું હેરાન-પરેશાન થઈ જાઉં છું,

મારું આખું શરીર થરથર કાંપી ઊઠે છે.

 ૭ દુષ્ટો કેમ લાંબું જીવે છે+ અને ઘડપણ જુએ છે?

તેઓ કેમ અમીર* બને છે?+

 ૮ તેઓનાં બાળકો કાયમ તેઓની નજર સામે રહે છે,

તેઓ પોતાનાં વંશજો પણ જુએ છે.

 ૯ તેઓનાં ઘરો સુરક્ષિત છે, તેઓને કશાનો ડર નથી,+

ઈશ્વર પણ પોતાની સોટીથી તેઓને શિક્ષા કરતા નથી.

૧૦ તેઓના આખલા સંવનનમાં સફળ થાય છે,

તેઓની ગાયો વાછરડાંને જન્મ આપે છે, એકેય બચ્ચું ગર્ભમાં મરી જતું નથી.

૧૧ એ દુષ્ટોનાં બાળકો મસ્તીમાં નાચે છે,

ઘેટાં-બકરાંની જેમ તેઓ રમતાં-કૂદતાં ઘરમાંથી બહાર નીકળે છે.

૧૨ તેઓ ખંજરી અને વીણાના તાલે ગીતો ગાય છે,

અને વાંસળીના સૂરે હરખાય છે.+

૧૩ તેઓના દિવસો ખુશીથી વીતે છે,

તેઓ શાંતિએ* કબરમાં* જાય છે.

૧૪ જોકે તેઓ સાચા ઈશ્વરને કહે છે, ‘અમને એકલા છોડી દો!

અમારે તમારા માર્ગો વિશે નથી જાણવું.+

૧૫ સર્વશક્તિમાન કોણ કે અમે તેમની ભક્તિ કરીએ?+

તેમને ઓળખીને અમને શો ફાયદો થવાનો?’+

૧૬ પણ હું જાણું છું કે તેઓની જાહોજલાલી તેઓની મુઠ્ઠીમાં નથી.+

દુષ્ટોના વિચારો* સાથે મારે કંઈ લેવાદેવા નથી.+

૧૭ શું ક્યારેય દુષ્ટોનો દીવો હોલવાયો છે?+

શું ક્યારેય તેઓ પર આફત ત્રાટકી છે?

શું ક્યારેય ઈશ્વરે ગુસ્સે ભરાઈને તેઓનો સંહાર કર્યો છે?

૧૮ શું તેઓ ક્યારેય પવનમાં ઊડતા તણખલા જેવા,

હા, તોફાનમાં ઊડતા ફોતરા જેવા થયા છે?

૧૯ ઈશ્વર તો દુષ્ટના પાપની સજા તેના દીકરાઓ માટે સંઘરી રાખે છે,

પણ તેમણે તો દુષ્ટને સજા કરવી જોઈએ, જેથી તેને ખબર પડે.+

૨૦ દુષ્ટ પોતાની આંખે જ પોતાની બરબાદી જુએ

અને સર્વશક્તિમાનના કોપનો પ્યાલો પોતે જ પીએ તો કેવું સારું!+

૨૧ જો તેના દિવસો ટૂંકાવવામાં આવે,

તો શું તેને ચિંતા હોય છે કે, તેના મરણ પછી તેના દીકરાઓનું શું થશે?+

૨૨ ઈશ્વર તો ઊંચો હોદ્દો ધરાવનારનો પણ ન્યાય કરે છે,+

તો પછી, ઈશ્વરને કોણ શીખવી શકે?*+

૨૩ એક માણસ મરે ત્યાં સુધી જોમથી ભરપૂર હોય છે,+

તે સુખચેન અને આરામથી જીવતો હોય છે,+

૨૪ તેની જાંઘો ચરબીથી ભરેલી હોય છે,

અને તેનાં હાડકાં મજબૂત હોય છે.*

૨૫ પણ બીજો માણસ તો દુઃખ સહેતાં સહેતાં મરે છે,

અને તેણે ક્યારેય સુખ ચાખ્યું પણ નથી હોતું.

૨૬ તેઓ બંને ધૂળમાં મળી જાય છે,+

અને કીડાઓ તેઓને ખાઈ જાય છે.+

૨૭ હું બરાબર જાણું છું કે તમે શું વિચારો છો,

અને મને ખોટો ઠરાવવા* કેવી યુક્તિઓ ઘડો છો.+

૨૮ કેમ કે તમે કહો છો, ‘અધિકારીનું ઘર ક્યાં છે?

અને દુષ્ટ રહેતો હતો એ તંબુ ક્યાં છે?’+

૨૯ શું તમે મુસાફરોને પૂછ્યું નથી?

શું તમે તેઓના પુરાવાઓ તપાસ્યા નથી કે,

૩૦ દુષ્ટ માણસ આપત્તિના દિવસે બચી જાય છે,

અને કોપના દિવસે છૂટી જાય છે?

૩૧ દુષ્ટને તેના માર્ગો વિશે મોઢામોઢ કોણ કહેશે?

તેણે જે કર્યું છે એનો બદલો કોણ વાળી આપશે?

૩૨ તેને દફનાવવા લઈ જવામાં આવે છે ત્યારે,

તેની કબર પર ચોકી મૂકવામાં આવશે.

૩૩ કબરના ખાડાનાં* ઢેફાં તેને મીઠાં લાગશે;+

જેમ તેની અગાઉ અગણિત લોકો ધૂળમાં મળી ગયા,

તેમ આખી માણસજાત તેની પાછળ પાછળ ધૂળમાં મળી જશે.*+

૩૪ તો પછી તમે કેમ મને નકામો દિલાસો આપો છો?+

તમારો એકેએક શબ્દ કપટથી ભરેલો છે!”

૨૨ અલીફાઝ+ તેમાનીએ કહ્યું:

 ૨ “શું માણસ ઈશ્વરને ઉપયોગી થઈ શકે?

શું મનુષ્યની સમજણથી ઈશ્વરને લાભ થઈ શકે?+

 ૩ તું ન્યાયી છે, તો એનાથી સર્વશક્તિમાનને શો ફરક પડે છે?*

તું વફાદારીના માર્ગે ચાલે છે, તો એનાથી તેમને શો ફાયદો થાય છે?+

 ૪ શું તું તેમની ભક્તિ કરે છે એટલે તે તને સજા કરશે

અને અદાલતમાં ઘસડી જશે?

 ૫ શું એનું કારણ એ નથી કે તારી દુષ્ટતા વધી ગઈ છે,

અને તારી ભૂલો પાર વગરની છે?+

 ૬ તારા ભાઈઓએ ગીરવે મૂકેલી વસ્તુઓ તું કારણ વગર પડાવી લે છે,

તું લોકોનાં કપડાં ઉતારીને તેઓને નગ્‍ન કરી દે છે.+

 ૭ તું થાકેલાને પાણી નથી આપતો

અને ભૂખ્યાને ખોરાક નથી આપતો.+

 ૮ તારા જેવા શક્તિશાળી લોકોએ જમીન પર કબજો કર્યો છે+

અને મોટા મોટા લોકો જ એમાં વસી ગયા છે.

 ૯ તું વિધવાને ખાલી હાથે મોકલી દે છે

અને અનાથ* બાળકોના હાથ ભાંગી નાખે છે.

૧૦ એટલે જ તારી ચારે બાજુ જાળ* પથરાયેલી છે,+

આફત અચાનક આવીને તને ગભરાવે છે;

૧૧ અંધારું એટલું ગાઢ છે કે તું જોઈ શકતો નથી,

અને પૂરનું પાણી તને ડુબાડી દે છે.

૧૨ શું ઈશ્વર સ્વર્ગમાં ઉચ્ચ સ્થાને બિરાજેલા નથી?

તારાઓને જો! તેઓ કેટલે ઊંચે છે!

૧૩ પણ તું કહે છે, ‘ઈશ્વરને શું ખબર?

શું તે ગાઢ વાદળોની પાર જોઈને ન્યાય કરી શકે?

૧૪ તે સ્વર્ગના ગુંબજ પર ચાલે છે ત્યારે,

વાદળો તેમને ઢાંકી દે છે, જેથી તે જોઈ ન શકે.’

૧૫ શું તું એ માર્ગ પર ચાલીશ,

જેના પર દુષ્ટો વર્ષોથી ચાલ્યા છે?

૧૬ તેઓ અકાળે મરી ગયા છે,*

તેઓનો પાયો પૂરથી* ધોવાઈ ગયો છે.+

૧૭ તેઓ તો સાચા ઈશ્વરને કહેતા હતા: ‘અમને એકલા છોડી દો!’

અને ‘સર્વશક્તિમાન અમારું શું બગાડી લેશે?’

૧૮ તોપણ ઈશ્વરે જ તેઓનાં ઘરો સારી વસ્તુઓથી ભર્યાં છે.

(એવા દુષ્ટ વિચારો મારા મનમાં પણ ન આવે.)

૧૯ નેક માણસ દુષ્ટોની પડતી જોઈને હરખાશે,

નિર્દોષ માણસ તેઓની મજાક ઉડાવીને કહેશે:

૨૦ ‘આપણા વિરોધીઓનો નાશ થયો છે,

તેઓનું જે બચ્યું હોય, એને અગ્‍નિ ભસ્મ કરી દેશે.’

૨૧ તું ઈશ્વરને ઓળખ અને તને મનની શાંતિ મળશે;

સુખ તારે આંગણે આવશે.

૨૨ તેમના મોંમાંથી નીકળતા નિયમોનો સ્વીકાર કર,

તેમની વાતો તારા દિલમાં સંઘરી રાખ.+

૨૩ જો તું સર્વશક્તિમાન પાસે પાછો આવીશ, તો તારી સમૃદ્ધિ તને પાછી મળશે;+

જો તું તારા તંબુમાંથી દુષ્ટતા દૂર કરીશ,

૨૪ જો તું તારું સોનું* ધૂળમાં ફેંકી દઈશ,

અને ઓફીરનું*+ સોનું પથરાળ ખીણમાં નાખી દઈશ,

૨૫ તો સર્વશક્તિમાન તારા માટે સોના* જેવા,

હા, મૂલ્યવાન ચાંદી જેવા થશે.

૨૬ પછી તું સર્વશક્તિમાનને લીધે આનંદ કરીશ,

અને તું ઈશ્વર સામે તારું મોં આનંદથી ઊંચું કરીશ.

૨૭ તું આજીજી કરીશ અને તે તારું સાંભળશે,

તું તારી માનતાઓ પૂરી કરીશ.

૨૮ તું જે કરવાનું નક્કી કરીશ, એ સફળ થશે,

તારો માર્ગ ઝળહળી ઊઠશે.

૨૯ પણ તું ઘમંડથી બોલીશ ત્યારે, તને નીચો કરવામાં આવશે,

કેમ કે ઈશ્વર નમ્ર લોકોને બચાવે છે.

૩૦ તે નિર્દોષ લોકોને ઉગારે છે;

એટલે જો તારા હાથ શુદ્ધ હશે, તો તે ચોક્કસ તને પણ ઉગારી લેશે.”

૨૩ અયૂબે કહ્યું:

૨ “હું આજે પણ ફરિયાદ કરીશ, હું ચૂપ નહિ રહું;+

નિસાસા નાખી નાખીને હું થાકી ગયો છું.

 ૩ જો મને ખબર હોત કે ઈશ્વર ક્યાં મળશે,+

તો હું તેમના નિવાસસ્થાને ગયો હોત.+

 ૪ મેં મારો દાવો તેમની આગળ રજૂ કર્યો હોત,

એક પછી એક દલીલોથી મારું મોં ભર્યું હોત;

 ૫ મેં ધ્યાનથી તેમનો જવાબ સાંભળ્યો હોત

અને તેમની વાતો પર લક્ષ આપ્યું હોત.

 ૬ શું તેમણે બધું જોર લગાવીને મારો વિરોધ કર્યો હોત?

ના, તેમણે તો મારી વાત કાને ધરી હોત.+

 ૭ કેમ કે ત્યાં નેક* માણસ તેમની સાથે પોતાનો મામલો નિપટાવી શકે છે,

તેથી હું મારા ન્યાયાધીશ આગળ હંમેશ માટે નિર્દોષ ઠર્યો હોત.

 ૮ પણ જો હું પૂર્વમાં જાઉં, તો તે ત્યાં નથી;

જો હું પશ્ચિમમાં જાઉં, તો તે ત્યાં પણ મળતા નથી.

 ૯ તે ઉત્તરમાં કામ કરે છે ત્યારે, હું તેમને જોઈ શકતો નથી;

પછી તે દક્ષિણમાં જાય છે ત્યારે, મારી નજરે પડતા નથી.

૧૦ પણ હું કયા માર્ગે ચાલું છું, એ તે સારી રીતે જાણે છે.+

તે મને ભઠ્ઠીમાં પિગાળશે, પછી હું શુદ્ધ સોનાની જેમ બહાર આવીશ.+

૧૧ હું તેમને પગલે પગલે જ ચાલ્યો છું;

મેં તેમનો માર્ગ પકડી રાખ્યો છે, હું આડો-અવળો ગયો નથી.+

૧૨ મેં તેમના હોઠોની એકેએક આજ્ઞાનું પાલન કર્યું છે.

મેં તેમની વાતો દિલમાં સંઘરી રાખી છે,+ તેમની અપેક્ષા કરતાં પણ વધારે કર્યું છે.

૧૩ તેમણે લીધેલા મક્કમ નિર્ણયને કોણ બદલી શકે?+

તે જે ચાહે છે, એ કરીને જ રહે છે.+

૧૪ તેમણે મારા માટે જે ધાર્યું છે, એ પૂરું કરીને જ રહેશે,

અરે, એવી તો બીજી ઘણી વાતો તેમના મનમાં છે.

૧૫ એટલે જ તેમના લીધે હું ચિંતામાં ડૂબી ગયો છું;

હું તેમનો વિચાર કરું છું ત્યારે, તેમના પ્રત્યેનો મારો ભય અને આદર વધી જાય છે.

૧૬ ઈશ્વરે મારું દિલ કમજોર કરી દીધું છે,

સર્વશક્તિમાને મને ડરાવી દીધો છે.

૧૭ મારી ચારે બાજુ અંધકાર જ અંધકાર છે,

અને ઘોર અંધકારે મારા મોંને ઢાંકી દીધું છે, તોપણ હું ચૂપ રહેવાનો નથી.

૨૪ “સર્વશક્તિમાન ઈશ્વર કેમ સમય ઠરાવતા નથી?+

તેમના ભક્તો કેમ તેમનો દિવસ* જોતા નથી?

 ૨ દુષ્ટ લોકો બીજાની જમીન સુધી પોતાની હદ વિસ્તારે છે;*+

તેઓ બીજાનાં ઘેટાં-બકરાં પોતાનાં ગૌચરમાં* લઈ આવે છે.

 ૩ તેઓ અનાથ* બાળકોનાં ગધેડાં છીનવી લે છે,

અને વિધવાનો બળદ ગીરવે રાખી લે છે.+

 ૪ તેઓ ગરીબ લોકોને માર્ગમાંથી હડસેલી કાઢે છે;

તેઓથી પૃથ્વીના લાચાર લોકોએ સંતાવું પડે છે.+

 ૫ વેરાન પ્રદેશના જંગલી ગધેડાની+ જેમ ગરીબો ખોરાક શોધે છે;

તેઓ પોતાનાં બાળકો માટે રણપ્રદેશમાં ખાવાનું ફંફોસે છે.

 ૬ તેઓ બીજાના ખેતરમાં કાપણી કરે છે,*

અને દુષ્ટની દ્રાક્ષાવાડીમાં દ્રાક્ષો વીણે છે.

 ૭ કપડાં વગર નગ્‍ન હાલતમાં તેઓ રાત વિતાવે છે;+

ઓઢવાનું કંઈ ન હોવાને લીધે તેઓ ઠંડીમાં ઠૂંઠવાય છે.

 ૮ પર્વત પર થતાં વરસાદને લીધે તેઓ ભીંજાય છે;

છત ન હોવાને લીધે તેઓ ખડકનો આશરો લે છે.

 ૯ વિધવાનું બાળક ધાવતું હોય ત્યારે, દુષ્ટો એને ખૂંચવી લે છે;+

અને ગરીબનાં કપડાંને ગીરવે રાખી લે છે.+

૧૦ ગરીબો કપડાં વગર નગ્‍ન ફરવા મજબૂર થાય છે,

તેઓ અનાજના પૂળા ઉઠાવે છે, પણ પોતે ભૂખ્યા રહે છે.

૧૧ તેઓ ભરબપોરે પથ્થરની દીવાલો વચ્ચે મજૂરી કરે છે;*

તેઓ દ્રાક્ષાકુંડો ખૂંદે છે, પણ પોતે તરસ્યા રહે છે.+

૧૨ મરતા માણસના નિસાસા આખા શહેરમાં સંભળાય છે;

મરણતોલ ઘવાયેલો માણસ મદદ માટે પોકાર કરે છે,+

પણ ઈશ્વરને એની કંઈ પડી નથી.*

૧૩ એવા લોકો પણ છે, જેઓ અજવાળા વિરુદ્ધ બળવો કરે છે;+

તેઓ એના માર્ગો ધ્યાનમાં લેતા નથી,

અને એના રસ્તા પર ચાલતા નથી.

૧૪ ખૂની માણસ સવાર પડતાં જ નીકળી પડે છે;

તે નિરાધાર અને ગરીબોને મારી નાખે છે,+

અને રાત પડતાં જ ચોરી કરે છે.

૧૫ વ્યભિચારીની આંખ સાંજ ઢળવાની રાહ જુએ છે,+

તે કહે છે, ‘મને કોઈ નહિ જુએ!’+

તે પોતાનું મોં ઢાંકે છે.

૧૬ અંધારું થાય ત્યારે ઘરમાં ચોર ખાતર પાડે છે;

પણ દિવસે બંધબારણે ભરાઈ રહે છે.

અજવાળાને તે અજાણ્યો લાગે છે.+

૧૭ કેમ કે સવારનું અજવાળું તેને રાતના ઘોર અંધકાર જેવું લાગે છે;

જે અંધકારથી લોકો ડરે છે, એને તે પોતાનો મિત્ર ગણે છે.

૧૮ પણ દુષ્ટો પાણીના વહેણમાં તણાઈ જાય છે.

તેઓના જમીનના હિસ્સા પર શ્રાપ ઊતરી આવશે.+

તેઓ પોતાની દ્રાક્ષાવાડીમાં પાછા નહિ ફરે.

૧૯ જેમ દુકાળ અને ગરમી બરફના પાણીને સૂકવી દે છે,

તેમ કબર* પાપીઓને દફનાવી દે છે!+

૨૦ તેઓની મા* તેઓને ભૂલી જશે; તેઓ કીડાનો ખોરાક બનશે.

તેઓની યાદ ભૂંસાઈ જશે.+

દુષ્ટ માણસ ઝાડની જેમ તૂટી જશે.

૨૧ તેઓ વાંઝણી સ્ત્રીને પોતાનો શિકાર બનાવે છે,

અને વિધવાને હેરાન કરે છે.

૨૨ ઈશ્વર* પોતાના પરાક્રમથી શક્તિશાળી લોકોને મસળી નાખશે;

તેઓ ગમે તેટલાં ઊંચાં ઊઠે, પણ તેઓનાં જીવનનો કોઈ ભરોસો નથી.

૨૩ ઈશ્વર* તેઓને નિશ્ચિંત અને સુરક્ષિત જીવવા દે છે,+

પણ તેમની નજર તેઓના દરેક કામ* પર રહે છે.+

૨૪ તેઓ થોડી પળો માટે મહિમા મેળવે છે, પણ પછી હતા ન હતા થઈ જાય છે.+

અનાજનાં ડૂંડાંની જેમ તેઓને કાપી નાખવામાં આવે છે;

તેઓને નીચા કરવામાં આવે છે+ અને બીજાઓની જેમ માટીમાં ભળી જાય છે.

૨૫ હવે કહો, મને કોણ જૂઠો સાબિત કરશે?

મારા શબ્દોને કોણ ખોટા ઠરાવશે?”

૨૫ બિલ્દાદ+ શૂહીએ જવાબ આપ્યો:

 ૨ “સત્તા અને મહા પરાક્રમ ઈશ્વરના છે;

તે સ્વર્ગમાં શાંતિ સ્થાપે છે.

 ૩ શું તેમનાં સૈન્યોને કોઈ ગણી શકે?

એવું કોણ છે જેના પર તેમનો પ્રકાશ પડતો નથી?

 ૪ તો ઈશ્વરની સામે માણસ કઈ રીતે ન્યાયી સાબિત થઈ શકે?+

સ્ત્રીથી જન્મેલો માનવી કઈ રીતે નિર્દોષ* ઠરી શકે?+

 ૫ તેમની નજરમાં તો ચંદ્ર પણ તેજસ્વી નથી,

અરે, તારાઓ પણ નિર્મળ નથી.

 ૬ તો મામૂલી માણસની શી વિસાત?

તે તો એક ઇયળ જેવો છે, હા, એક કીડા સમાન છે!”

૨૬ અયૂબે જવાબ આપ્યો:

 ૨ “નિર્બળોને તો તેં ઘણી મદદ કરી છે ને!

કમજોર હાથોને તેં બળવાન કર્યા છે!+

 ૩ અબુધને તેં બહુ સલાહ આપી છે!+

તેં તારી બુદ્ધિનું કેટલું* પ્રદર્શન કર્યું છે!

 ૪ હવે, શું તું મને શીખવવાની કોશિશ કરે છે?

તારા મનમાં આ વિચારો કોણે મૂક્યા?*

 ૫ મરણના બંધનમાં જકડાયેલાઓ થરથર કાંપે છે;

તેઓ તો સમુદ્ર અને એમાં રહેનારાઓ કરતાં પણ નીચે છે.

 ૬ ઈશ્વર આગળ તો બંધ કબર* પણ ઉઘાડી છે,+

તેમની સામે વિનાશની જગ્યા* પણ ખુલ્લી છે.

 ૭ તે આકાશને* ખાલી જગ્યામાં ફેલાવે છે,+

તે પૃથ્વીને કોઈ આધાર વગર અધ્ધર લટકાવે છે;

 ૮ તે પાણીને વાદળોમાં બાંધી રાખે છે,+

છતાં એના વજનથી વાદળો ફાટી જતાં નથી;

 ૯ તે પોતાના રાજ્યાસનને ઢાંકી દે છે,

તે એના પર પોતાનું વાદળ પાથરે છે.+

૧૦ તે પાણીની સપાટી પર ક્ષિતિજ બનાવે છે;*+

તે પ્રકાશ અને અંધકાર વચ્ચે હદ ઠરાવે છે.

૧૧ તેમનો ઠપકો સાંભળીને આકાશના સ્તંભો હલી જાય છે;

હા, તેઓ ડરના માર્યા ધ્રૂજી ઊઠે છે.

૧૨ તે પોતાના સામર્થ્યથી સમુદ્રને ખળભળાવે છે,+

તે પોતાની બુદ્ધિથી સમુદ્રના મહાકાય પ્રાણીના* ટુકડા કરી નાખે છે.+

૧૩ પોતાની એક ફૂંકથી* તે આકાશને ચોખ્ખું કરે છે;

ઝડપથી સરકતા સાપને પણ તે પોતાના હાથથી વીંધી નાખે છે.

૧૪ જો! આ બધાં કામો તો માત્ર એક ઝલક છે;+

આપણે તો ફક્ત એ કામોનો ઝીણો ગણગણાટ સાંભળીએ છીએ!

તો પછી, તેમની ભયાનક ગર્જનાને કોણ સમજી શકે?”+

૨૭ અયૂબે પોતાની વાત* આગળ વધારતા કહ્યું:

 ૨ “જે જીવતા ઈશ્વરે મારાથી ન્યાય દૂર રાખ્યો છે,+

જે સર્વશક્તિમાને મારું જીવન કડવાશથી ભરી દીધું છે,+ તેમના સમ ખાઈને કહું છું

 ૩ જ્યાં સુધી મારો શ્વાસ ચાલે છે,

અને ઈશ્વરે આપેલો જીવનનો શ્વાસ* મારાં નસકોરાંમાં છે,+

 ૪ ત્યાં સુધી મારા હોઠો અસત્ય ઉચ્ચારશે નહિ;

અને મારી જીભ કપટથી બડબડાટ કરશે નહિ!

 ૫ હું તમને બધાને નેક ઠરાવવાનું વિચારી પણ નથી શકતો!

છેલ્લા શ્વાસ સુધી હું મારી પ્રમાણિકતાને* વળગી રહીશ!*+

 ૬ હું મારી સત્યતા પકડી રાખીશ અને એ માર્ગે ચાલતો રહીશ;+

હું જીવું છું ત્યાં સુધી મારું દિલ મને ડંખશે નહિ.*

 ૭ કાશ! મારા દુશ્મનના હાલ દુષ્ટના જેવા થાય

અને મારા પર હુમલો કરનારની હાલત અન્યાયીના જેવી થાય.

 ૮ કેમ કે ઈશ્વર જ્યારે અધર્મીનું* જીવન લઈ લે છે,

અને તેનો નાશ કરે છે ત્યારે તેની પાસે શી આશા રહે છે?+

 ૯ તેના પર આફત આવશે ત્યારે,

શું ઈશ્વર તેનો પોકાર સાંભળશે?+

૧૦ શું તે સર્વશક્તિમાન ઈશ્વરને લીધે આનંદ કરશે?

શું તે સર્વ સમયે ઈશ્વરને વિનંતી કરશે?

૧૧ હું તમને બધાને ઈશ્વરના સામર્થ્ય વિશે* શીખવીશ;

સર્વશક્તિમાન વિશે હું કંઈ પણ છુપાવીશ નહિ.

૧૨ જો તમને બધાને દર્શન થયું હોય,

તો તમારી વાતો કેમ ખોખલી છે?

૧૩ ઈશ્વર પાસેથી દુષ્ટને આ હિસ્સો મળે છે,+

સર્વશક્તિમાન પાસેથી જુલમીને આ વારસો મળે છે,

૧૪ ભલે તેને ઘણા દીકરાઓ થાય, પણ તેઓ તલવારથી માર્યા જશે,+

અને તેના વંશજો ભૂખે ટળવળશે.

૧૫ તેના બાકી રહેલા વંશજોને રોગચાળો ભરખી જશે,

અને તેઓની વિધવાઓ તેઓ માટે વિલાપ કરશે નહિ.

૧૬ ભલે તે ધૂળની જેમ ચાંદી ભેગી કરે,

અને માટીની જેમ કીમતી કપડાંના ઢગલા કરે,

૧૭ ભલે તે એ બધું એકઠું કરે,

પણ એ કપડાં નેક માણસ પહેરશે,+

અને તેની ચાંદી નિર્દોષ લોકો વહેંચી લેશે.

૧૮ દુષ્ટનું ઘર ફૂદાના કોશેટોની જેમ નાજુક છે,

અને ચોકીદારે બાંધેલા છાપરા+ જેવું કમજોર છે.

૧૯ તે સૂઈ જાય છે ત્યારે અમીર હોય છે, પણ તેનું બધું જતું રહે છે,

તે આંખ ખોલે છે ત્યારે, તે કંગાળ હોય છે.

૨૦ પૂરની જેમ આતંક તેના પર ફરી વળશે;

રાતે તોફાન તેને ઉપાડી જશે.+

૨૧ પૂર્વનો પવન તેને ઉડાવીને લઈ જશે અને તે ક્યાંય નજરે પડશે નહિ;

હવા તેને પોતાના જ ઘરમાંથી બહાર ઉપાડી લઈ જશે.+

૨૨ એ તેના પર નિર્દયતાથી તૂટી પડશે.+

તે એના સકંજામાંથી છૂટવા મરણિયો પ્રયાસ કરશે.+

૨૩ હવા તેની મજાક ઉડાવવા તાળીઓ પાડશે,

અને પોતાની જગ્યાએથી તેની સામે સીટી વગાડશે.*+

૨૮ “ચાંદી શોધવા ખાણ ખોદવામાં આવે છે

અને એવી જગ્યા હોય છે, જ્યાંથી સોનું મળી આવે છે.+

 ૨ જમીનમાંથી લોઢું કાઢવામાં આવે છે,

ખડકમાંથી તાંબું ગાળવામાં આવે છે.+

 ૩ માણસ અંધકારને ચીરીને,

હા, ગાઢ અંધકારમાં ઊંડો ઊતરીને,

કીમતી પથ્થરો* શોધી કાઢે છે.

 ૪ તે માનવ વસવાટથી દૂર ખાણ ખોદે છે,

ત્યાં રાહદારીઓ ભૂલથી પણ જતા નથી,

ત્યાં ઊંડાણમાં અમુક માણસો દોરડાં પર લટકીને કામ કરે છે.

 ૫ ધરતીની સપાટી પર અનાજ ઊગે છે;

પણ એની નીચે તો આગ લાગી હોય, એમ ઊથલ-પાથલ મચી હોય છે.*

 ૬ ત્યાં નીલમ પથ્થર મળી આવે છે,

અને ધૂળમાં સોનાના કણ હોય છે.

 ૭ કોઈ શિકારી પક્ષી એનો માર્ગ જાણતું નથી;

સમડીની તેજ નજર પણ એ રસ્તા પર પડતી નથી.

 ૮ ખૂંખાર જાનવરનાં પગલાં ત્યાં પડ્યાં નથી;

વિકરાળ સિંહ પણ શિકારની શોધમાં ત્યાં ગયો નથી.

 ૯ માણસ પોતાના હાથે ચકમકના પથ્થર તોડે છે;

તે પર્વતોને એના પાયામાંથી ઊથલાવી નાખે છે.

૧૦ તે ખડકો ખોદીને નહેર+ બનાવે છે;

તેની નજર દરેક કીમતી વસ્તુ શોધી કાઢે છે.

૧૧ તે નદીઓનું વહેતું પાણી રોકી દે છે,

અને છુપાયેલી વસ્તુઓને પ્રકાશમાં લાવે છે.

૧૨ પણ બુદ્ધિ ક્યાંથી મળી શકે?+

અને સમજણનો સ્રોત ક્યાં છે?+

૧૩ કોઈ માણસ એનું મૂલ્ય જાણતો નથી,+

અને આખી દુનિયામાં એ ક્યાંય મળતી નથી.

૧૪ ઊંડું પાણી કહે છે, ‘એ મારામાં નથી!’

અને સમુદ્ર કહે છે, ‘એ મારી પાસે નથી!’+

૧૫ એને ચોખ્ખા સોનાથી ખરીદી શકાતી નથી;

એના બદલામાં ચાંદી તોળીને આપી શકાતી નથી.+

૧૬ ઓફીરના* સોનાથી+ પણ એ ખરીદી શકાતી નથી,

કીમતી ગોમેદ* અને નીલમથી એની કિંમત આંકી શકાતી નથી.

૧૭ સોનું અને કાચ એની તોલે આવી શકતા નથી;

ગાળેલા સોનાનું વાસણ એના બદલામાં આપી શકાતું નથી.+

૧૮ કીમતી પથ્થર* અને સ્ફટિકની એની આગળ શી વિસાત?+

બુદ્ધિ તો મોતીથી ભરેલી થેલી કરતાંય વધારે મૂલ્યવાન છે.

૧૯ કૂશ* દેશનો પોખરાજ+ એની બરાબરી કરી શકતો નથી;

શુદ્ધ સોનાથી એ ખરીદી શકાતી નથી.

૨૦ પણ બુદ્ધિ ક્યાંથી આવે છે?

અને સમજણ ક્યાંથી પ્રાપ્ત થાય છે?+

૨૧ એ માણસો અને પ્રાણીઓની નજરથી છુપાયેલી છે,+

એ આકાશનાં પક્ષીઓની નજરે પડતી નથી.

૨૨ વિનાશ અને મરણ કહે છે,

‘અમારા કાનોએ તો બસ એના વિશે વાત સાંભળી છે.’

૨૩ ઈશ્વર જાણે છે કે એ ક્યાંથી મળે છે;

તે એકલા જ જાણે છે કે, એ ક્યાં વસે છે,+

૨૪ કેમ કે તે પૃથ્વીના છેડા સુધી જુએ છે,

અને તેમની નજર આકાશ તળે બધું નિહાળે છે.+

૨૫ જ્યારે તેમણે પવનને બળ* આપ્યું,+

અને પાણીને માપ્યું,+

૨૬ જ્યારે તેમણે વરસાદ માટે નિયમ ઠરાવ્યો,+

અને ગાજવીજ કરતાં વાદળો માટે માર્ગ બનાવ્યો,+

૨૭ ત્યારે તેમણે બુદ્ધિ જોઈ અને એનું વર્ણન કર્યું;

તેમણે એને સ્થાપી અને એની પરખ કરી.

૨૮ પછી તેમણે માણસને કહ્યું:

‘જો! યહોવાનો ડર* રાખવો એ બુદ્ધિ છે,+

અને દુષ્ટતાથી દૂર રહેવું એ સમજણ છે.’”+

૨૯ અયૂબે પોતાની વાત* આગળ વધારતા કહ્યું:

 ૨ “કાશ! વીતેલો સમય પાછો આવે,

એ દિવસો પાછા આવે જ્યારે ઈશ્વર મારું રક્ષણ કરતા હતા.

 ૩ એ સમયે તેમનો દીવો મારા માથા પર પ્રકાશતો,

તેમના અજવાળાથી હું અંધકારમાં પણ ચાલતો,+

 ૪ ત્યારે મારામાં યુવાનીનો થનગનાટ હતો,

ઈશ્વર સાથેની દોસ્તીને લીધે મારા તંબુ પર આશીર્વાદ રહેતો,+

 ૫ ત્યારે સર્વશક્તિમાન મારી સાથે હતા,

મારાં બધાં બાળકો* મારી આસપાસ હતાં,

 ૬ ત્યારે મારા પગ માખણમાં ડૂબેલા રહેતા,

ખડકો મારા માટે તેલની નદીઓ રેલાવતા.+

 ૭ જ્યારે હું શહેરના દરવાજે+ જતો,

અને ચોકમાં+ મારી જગ્યા લેતો,

 ૮ ત્યારે યુવાનો મને જોઈને દૂર ખસી જતા,*

અરે, વૃદ્ધો પણ પોતાની જગ્યાએથી ઊઠીને ઊભા રહેતા.+

 ૯ આગેવાનો ચૂપ થઈ જતા,

તેઓ પોતાના મોં પર હાથ મૂકી દેતા.

૧૦ મોટા મોટા માણસોના હોઠ સિવાઈ જતા,

તેઓની જીભ તાળવે ચોંટી જતી.

૧૧ મને સાંભળનારા મારા વખાણ કરતા,

મને જોનારા મારા વિશે સાક્ષી આપતા.

૧૨ કેમ કે મદદનો પોકાર કરનારને હું બચાવતો,+

અનાથ* અને નિરાધારની પડખે હું ઊભો રહેતો.+

૧૩ મેં તેઓને મોતનાં મોંમાંથી બચાવ્યા, એટલે તેઓ મને આશીર્વાદ આપતા,+

મારી મદદને લીધે વિધવાઓનું દિલ ખુશીથી છલકાઈ જતું.+

૧૪ મેં સચ્ચાઈને કપડાંની જેમ પહેરી હતી;

મેં ન્યાયને ઝભ્ભા* અને પાઘડીની જેમ પહેર્યો હતો.

૧૫ હું આંધળાની આંખ હતો,

અને લંગડાના પગ હતો.

૧૬ હું ગરીબનો પિતા હતો;+

અજાણ્યાઓને ન્યાય મળે માટે હું તેઓને મદદ કરતો હતો.+

૧૭ હું ગુનેગારનું જડબું તોડી નાખતો+

અને તેના મોંમાંથી શિકાર ખૂંચવી લેતો.

૧૮ હું કહેતો, ‘હું મારા ઘરમાં* જ મરીશ+

અને મારી જિંદગીના દિવસો રેતીના કણ જેટલા અસંખ્ય થશે.

૧૯ મારાં મૂળિયાં પાણી સુધી ફેલાશે,

અને મારી ડાળીઓ પર આખી રાત ઝાકળ રહેશે.

૨૦ મારો માન-મોભો સદા ટકશે,

અને મારા મજબૂત હાથ હંમેશાં તીર ચલાવતા રહેશે.’

૨૧ લોકો મારું કાન દઈને સાંભળતા,

મારી સલાહ લેવા તેઓ ચૂપચાપ ઊભા રહેતા.+

૨૨ મારા બોલ્યા પછી, તેઓ પાસે બોલવા જેવું કંઈ રહેતું નહિ;

મારા શબ્દો તેઓના કાનને પ્રિય લાગતા.*

૨૩ વરસાદની રાહ જોતા હોય, એમ તેઓ મારી રાહ જોતા;

મોસમનો છેલ્લો વરસાદ+ પીતા હોય એમ તેઓ મોં ખોલીને મારા શબ્દો પીતા.

૨૪ હું તેઓને સ્મિત આપતો ત્યારે, તેઓને વિશ્વાસ ન બેસતો;

મારા મોંનું તેજ તેઓને હિંમત આપતું.*

૨૫ એક આગેવાનની જેમ હું તેઓને માર્ગદર્શન આપતો,

રાજા પોતાના સૈનિકો સાથે હોય એમ હું તેઓની સાથે હતો,+

શોક પાળનારાઓની સાથે દિલાસો આપનાર હોય એમ હું તેઓની પડખે હતો.+

૩૦ “હવે મારાથી નાની ઉંમરના લોકો મારી ઠેકડી ઉડાવે છે,+

અરે, મારી નજરે તો તેઓના પિતાઓ એટલા નકામા છે કે

હું તેઓને મારાં ટોળાંની ચોકી કરતા કૂતરાઓ સાથે પણ ન મૂકું.

 ૨ તેઓના હાથની તાકાત મારા શું કામની?

તેઓનું જોમ તો નષ્ટ થયું છે.

 ૩ તંગી અને ભૂખને લીધે તેઓ સાવ સુકાઈ ગયા છે;

ઉજ્જડ અને વેરાન થઈ ચૂકેલી,

સૂકી જમીનને તેઓ ખોતરીને ખાય છે.

 ૪ તેઓ ઝાડી-ઝાંખરાંમાંથી ખારી ભાજી ભેગી કરે છે;

તેઓનો ખોરાક ઝાડનાં* કડવાં મૂળિયાં છે.

 ૫ જેમ ચોરને જોઈને બૂમો પાડે, તેમ લોકો તેઓને જોઈને બૂમો પાડે છે;

તેઓને નાત બહાર કરવામાં આવ્યા છે.+

 ૬ તેઓ ખીણોના ઢોળાવો પર રહે છે,

હા, જમીન અને ખડકોની બખોલમાં રહે છે.

 ૭ ઝાડી-ઝાંખરાંમાંથી તેઓ પોકાર કરે છે,

અને કુવેચ* નીચે ટોળે વળે છે.

 ૮ તેઓ મૂર્ખ અને નકામા લોકોના દીકરાઓ છે,

તેઓને માર મારીને દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.

 ૯ હવે તો તેઓ પોતાનાં ગીતોમાં પણ મારી મશ્કરી કરે છે;+

તેઓ મને ધિક્કારને લાયક* ગણે છે.+

૧૦ તેઓ મને નફરત કરે છે અને મને ટાળે છે;+

અરે, તેઓ તો મારા મોં પર થૂંકતાં પણ અચકાતા નથી.+

૧૧ ઈશ્વરે મારા ધનુષ્યની દોરી ઢીલી કરી દીધી છે અને મને કમજોર બનાવ્યો છે,

એટલે, તેઓ મારી સાથે ગમે તેમ* વર્તે છે.

૧૨ તેઓ હુમલો કરવા ટોળું બનીને મારે જમણે હાથે ઊભા થાય છે;

તેઓ મને ભાગી જવા મજબૂર કરે છે,

મારો વિનાશ કરવા રસ્તામાં અવરોધો મૂકે છે.

૧૩ તેઓ મારા માર્ગોનો નાશ કરે છે,

મારી મુસીબતોમાં વધારો કરે છે,+

તેઓને રોકનાર કોઈ નથી.*

૧૪ તેઓ જાણે દીવાલમાં ગાબડું પાડીને આવે છે;

વિનાશની સાથે સાથે તેઓ પણ ધસી આવે છે.

૧૫ આતંક મારા પર છવાઈ જાય છે;

મારું ગૌરવ પવનની જેમ ઊડી જાય છે,

મારું તારણ વાદળની જેમ ગાયબ થઈ જાય છે.

૧૬ હવે મારું જીવન હાથમાંથી સરકી રહ્યું છે;+

વિપત્તિના દિવસોએ+ મારા પર પકડ જમાવી છે.

૧૭ રાતે વેદના મારાં હાડકાંને વીંધી નાખે છે;+

મારા સણકા થાક ખાતા નથી.+

૧૮ મારાં કપડાં* કસીને ખેંચવામાં આવે છે,*

કપડાંના ગળાની પટ્ટીની જેમ એ મને રુંધે છે.

૧૯ ઈશ્વરે મને કાદવમાં ફેંકી દીધો છે;

હું ધૂળ અને રાખ થઈ ગયો છું.

૨૦ હું મદદ માટે પોકાર કરું છું, પણ તમે જવાબ આપતા નથી;+

હું ઊભો થાઉં છું, પણ તમે તો બસ મારી સામે તાકી રહો છો.

૨૧ નિષ્ઠુર બનીને તમે મારી વિરુદ્ધ થયા છો;+

તમારા હાથના પૂરા બળથી તમે મારા પર હુમલો કરો છો.

૨૨ ફોતરાની જેમ તમે મને હવા સાથે ઉડાવી દો છો;

પછી વાવાઝોડામાં આમતેમ ફંગોળો છો.*

૨૩ હું જાણું છું કે તમે મને મોતને સોંપી દેશો,

એ ઘરમાં લઈ જશો, જ્યાં આખરે બધાએ જવાનું છે.

૨૪ પણ જે માણસ તૂટી ગયો હોય,

જે આફતમાં મદદનો પોકાર કરતો હોય, તેને કોણ મારે?+

૨૫ કપરા સંજોગોમાં આવી પડેલા લોકો માટે શું મેં આંસુ વહાવ્યાં નથી?

શું ગરીબો માટે મેં વિલાપ કર્યો નથી?+

૨૬ મેં તો સારાની આશા રાખી હતી, પણ ખરાબ આવી પડ્યું;

અજવાળાની આશા રાખી હતી, પણ અંધારું આવી પડ્યું.

૨૭ મારું અંતર વલોવાય છે અને શાંત થતું નથી;

મારા માથે દુઃખના દહાડા આવી પડ્યા છે.

૨૮ હું ઉદાસ થઈને ચાલું છું,+ પ્રકાશનું એકેય કિરણ નજરે પડતું નથી.

ભરસભામાં હું ઊભો થાઉં છું અને મદદની ભીખ માંગું છું.

૨૯ હું શિયાળનો ભાઈ બન્યો છું,

અને શાહમૃગનો* સાથીદાર બન્યો છું.+

૩૦ મારી ચામડી કાળી થઈને ખરી પડે છે;+

ગરમીને* લીધે મારાં હાડકાં બળે છે.

૩૧ મારી વીણા શોકની ધૂન વગાડે છે,

અને મારી વાંસળી વિલાપના સૂર રેલાવે છે.

૩૧ “મેં મારી આંખો સાથે કરાર* કર્યો છે.+

તો પછી હું કઈ રીતે કોઈ સ્ત્રીને* ખરાબ નજરે જોઈ શકું?*+

 ૨ જો મેં એમ કર્યું હોત, તો સ્વર્ગના ઈશ્વર પાસેથી શું મને હિસ્સો મળ્યો હોત?

ઊંચે બિરાજનાર સર્વશક્તિમાન પાસેથી શું મને વારસો મળ્યો હોત?

 ૩ શું ખોટું કરનાર પર આફત,

અને નુકસાન કરનાર પર વિપત્તિ આવી પડતી નથી?+

 ૪ શું તે મારા માર્ગો જોતા નથી?+

શું તે મારાં બધાં પગલાં ગણતા નથી?

 ૫ શું હું ક્યારેય જૂઠના માર્ગે* ચાલ્યો છું?

શું મારા પગ ક્યારેય કપટ કરવા ઉતાવળા થયા છે?+

 ૬ ઈશ્વરે મને અદ્દલ ત્રાજવામાં તોળવો જોઈએ,+

પછી તેમને મારી પ્રમાણિકતાની* ખબર પડશે.+

 ૭ જો મારાં પગલાં ખરા માર્ગેથી ભટકી ગયાં હોય,+

અથવા મારું દિલ મારી આંખોથી લલચાયું હોય,+

અથવા મારા હાથોએ ભ્રષ્ટ કામ કર્યાં હોય,

 ૮ તો હું વાવું અને બીજું કોઈ એ ખાય,+

હું રોપું અને બીજું કોઈ એ ઉખેડી નાખે.*

 ૯ જો મારું દિલ કોઈ સ્ત્રીને જોઈને લલચાયું હોય+

અને હું પડોશીના બારણે લાગ જોઈને છુપાઈ રહ્યો હોઉં,+

૧૦ તો મારી પત્ની બીજા માણસનાં દળણાં દળે

અને બીજા માણસો તેની સાથે સૂઈ જાય.*+

૧૧ જો મેં એવું શરમજનક કામ કર્યું હોત,

તો એ માટે ન્યાયાધીશોએ મને સજા કરી હોત.+

૧૨ વ્યભિચાર* તો આગ છે, જે બધું ભરખી જશે,*+

મારી પાસે જે કંઈ છે એ બધું ભસ્મ કરી નાખશે.*

૧૩ જો મારા દાસ કે દાસીને મારી વિરુદ્ધ ફરિયાદ હોય,

અને મેં તેઓનો દાવો* સાંભળવાનો નકાર કર્યો હોય,

૧૪ તો જ્યારે ઈશ્વર મારી વિરુદ્ધ ઊભા થશે, ત્યારે હું શું કરીશ?

તે મારી પાસે હિસાબ માંગશે ત્યારે, હું શો જવાબ આપીશ?+

૧૫ જેમણે મને ગર્ભમાં રચ્યો, શું તેમણે તેઓને પણ રચ્યા ન હતા?+

શું તેમણે જ અમને કૂખમાં ઘડ્યા ન હતા?+

૧૬ જો મેં ગરીબની ઇચ્છા પૂરી કરી ન હોય,+

અથવા વિધવાની આંખો નિરાશ કરી હોય;+

૧૭ જો મારા ભાગનો ખોરાક મેં એકલાએ જ ખાધો હોય,

અને એમાંથી અનાથોને કંઈ આપ્યું ન હોય;+

૧૮ (કેમ કે મારી જુવાનીથી હું એ અનાથોનો પિતા છું,

અને મારા બાળપણથી હું વિધવાઓનો સહારો છું.)

૧૯ જો મેં કોઈને કપડાં વગર ઠંડીથી મરતા જોયો હોય,

અથવા જોયું હોય કે ગરીબ પાસે ઓઢવા કંઈ નથી;+

૨૦ જો તેને ગરમાવો આપવા મેં મારા ઘેટાનું ઊન આપ્યું ન હોય,

અને તેણે મને આશીર્વાદ આપ્યો ન હોય;+

૨૧ જો શહેરને દરવાજે+ કોઈ અનાથને મારી જરૂર પડી હોય,

અને તેને મદદ કરવાને બદલે મેં તેના પર હાથ ઉગામ્યો હોય,*+

૨૨ તો મારો હાથ મારા ખભામાંથી છૂટો પડી જાય,

અને મારો હાથ કોણીએથી ભાંગી જાય.

૨૩ કેમ કે હું ઈશ્વર પાસેથી આવતી આફતથી ડરતો હતો,

અને તેમના ગૌરવ સામે ટકી શકતો ન હતો.

૨૪ જો મેં સોના પર ભરોસો રાખ્યો હોય,

અથવા ચોખ્ખા સોનાને કહ્યું હોય, ‘તું મને સલામત રાખે છે!’+

૨૫ જો મેં મારી પુષ્કળ સંપત્તિને લીધે અભિમાન કર્યું હોય,+

મારી ભેગી કરેલી માલ-મિલકતને લીધે ઘમંડ કર્યું હોય;+

૨૬ જો પ્રકાશતા સૂર્યને જોઈને,

અથવા ચંદ્રને સોળે કળાએ ખીલતો જોઈને,+

૨૭ મારું દિલ છૂપી રીતે લલચાયું હોય,

અને તેઓની ભક્તિ કરવા મેં મારા હાથને ચૂમ્યો હોય,*+

૨૮ તો મેં સ્વર્ગના ઈશ્વરનો નકાર કર્યો હોત,

અને એ ગુના માટે મને ન્યાયાધીશો પાસેથી સજા મળી હોત.

૨૯ શું મારા દુશ્મનની બરબાદી જોઈને હું કદી ખુશ થયો છું?+

શું તેના પર મુસીબત આવતી જોઈને મેં ખુશાલી મનાવી છે?

૩૦ તેનો જીવ જાય એવો શ્રાપ આપીને,+

મેં કદી મારા મોંને પાપ કરવા દીધું નથી.

૩૧ મારા ઘરના* માણસો કહે છે,

‘એવો એક પણ માણસ નહિ મળે, જેણે અયૂબને ત્યાં પેટ ભરીને ખાધું* નહિ હોય.’+

૩૨ મુસાફરો માટે મારા ઘરના દરવાજા ખુલ્લા હતા;

કોઈ અજાણ્યાએ* બહાર રાત વિતાવવી પડતી ન હતી.+

૩૩ બીજાઓની જેમ મારી ભૂલોને ઝભ્ભામાં સંતાડીને,

શું મેં ક્યારેય મારા અપરાધો છુપાવ્યા છે?+

૩૪ સમાજ શું કહેશે એ બીકને લીધે,

અથવા કુટુંબીજનોના વિરોધને લીધે,

શું હું કદી ચૂપ રહ્યો છું? શું ઘરથી બહાર નીકળતા ડર્યો છું?

૩૫ કાશ! કોઈ મારું સાંભળે!+

હું સમ ખાઈને* કહું છું કે હું સાચું બોલું છું.

કાશ! સર્વશક્તિમાન મને જવાબ આપે!+

જો મારા પર આરોપ મૂકનારે મારા દોષ લખીને આપ્યા હોત,

૩૬ તો હું ગર્વથી એ લખાણ મારા ખભા પર ઊંચકીને ફર્યો હોત,

એને મુગટની જેમ મારા માથે પહેર્યું હોત.

૩૭ મેં ઈશ્વરને મારાં પગલાંનો હિસાબ ગણી આપ્યો હોત;

એક રાજકુમારની જેમ હું હિંમતથી તેમની સામે ગયો હોત.

૩૮ જો મારી જમીન મારી વિરુદ્ધ ફરિયાદ કરે કે મેં એને ચોરી છે,

અને એના ચાસો* ભેગા મળીને રુદન કરે;

૩૯ જો મેં એનું ફળ મફત ખાધું હોય,+

અથવા એને ખૂંચવી લેવાને લીધે મૂળ માલિકોએ નિસાસા નાખવા પડ્યા હોય,+

૪૦ તો એમાં ઘઉંને બદલે કાંટા ઊગે,

અને જવને બદલે ગંધાતું ઘાસ ઊગે.”

અયૂબના શબ્દો અહીં પૂરા થાય છે.

૩૨ અયૂબને પૂરી ખાતરી હતી કે પોતે નેક છે,*+ એટલે એ ત્રણ માણસોએ અયૂબને જવાબ આપવાનું બંધ કર્યું. ૨ પણ રામ કુટુંબના બારાકેલ બૂઝીનો*+ દીકરો અલીહૂ ખૂબ ગુસ્સે ભરાયો. અયૂબ પોતાને ઈશ્વર કરતાં ન્યાયી ગણતો હતો,+ એટલે અયૂબ પર અલીહૂનો ક્રોધ સળગી ઊઠ્યો. ૩ તે અયૂબના ત્રણ મિત્રો પર પણ ખૂબ ગુસ્સે થયો, કેમ કે તેઓ અયૂબને જવાબ આપી શક્યા ન હતા. એટલું જ નહિ, તેઓએ ઈશ્વરને દોષિત ઠરાવ્યા હતા.+ ૪ તેઓ અલીહૂ કરતાં મોટા હતા,+ એટલે અલીહૂએ અયૂબને જવાબ આપવા રાહ જોઈ. ૫ અલીહૂએ જ્યારે જોયું કે એ ત્રણ માણસો પાસે હવે કહેવા માટે કંઈ રહ્યું નથી, ત્યારે તેને રોષ ચઢ્યો. ૬ તેથી બારાકેલ બૂઝીના દીકરા અલીહૂએ કહ્યું:

“ઉંમરમાં તમે મારાથી મોટા છો,+

હું તો ઘણો નાનો છું.

એટલે હું ચૂપ રહ્યો+

અને જે જાણું છું એ કહેવાની હિંમત કરી નહિ.

 ૭ મને થયું, ‘મોટા લોકોને બોલવા દઉં

અને મોટી વયનાઓને ડહાપણ જાહેર કરવા દઉં.’

 ૮ પણ હકીકતમાં, ઈશ્વરની પવિત્ર શક્તિ,*

હા, સર્વશક્તિમાનનો શ્વાસ લોકોને સમજણ આપે છે.+

 ૯ ઉંમર વધવાથી જ બુદ્ધિ આવતી નથી

અને વૃદ્ધ માણસો જ ખરું-ખોટું સમજે એવું નથી.+

૧૦ એટલે હું કહું છું, ‘મારું સાંભળો,

હું જે જાણું છું, એ હું તમને કહીશ.’

૧૧ જુઓ! તમે બોલી રહ્યા ત્યાં સુધી મેં રાહ જોઈ.

મેં તમારી દલીલો ધ્યાનથી સાંભળી,+

તમે બોલવા માટે શબ્દો શોધતા હતા ત્યારે પણ હું ચૂપ રહ્યો.+

૧૨ મેં તમારી વાત ધ્યાનથી સાંભળી,

પણ તમારામાંથી કોઈ અયૂબને ખોટો સાબિત કરી શક્યો નહિ,*

કે તેમની દલીલોનો સામનો કરી શક્યો નહિ.

૧૩ હવે એમ ન કહો કે, ‘અમે જ બુદ્ધિશાળી છીએ;

કોઈ માણસ નહિ, પણ ઈશ્વર પોતે અયૂબને હરાવે છે.’

૧૪ અયૂબે એ બધી વાતો મારી વિરુદ્ધ કહી નથી,

તેથી તમારી દલીલોથી હું તેમને જવાબ નહિ આપું.

૧૫ અયૂબ, આ માણસો હિંમત ગુમાવી ચૂક્યા છે, તેઓ પાસે કોઈ જવાબ નથી;

તેઓ પાસે શબ્દો ખૂટી ગયા છે.

૧૬ મેં રાહ જોઈ, પણ તેઓ એકેય શબ્દ બોલ્યા નહિ;

તેઓ તો બસ મૂંગા બનીને ઊભા રહ્યા.

૧૭ હવે હું પણ જવાબ આપીશ;

હું જે જાણું છું, એ હું પણ કહીશ.

૧૮ કેમ કે મારે ઘણું કહેવું છે

અને ઈશ્વરની શક્તિ મને બોલવા મજબૂર કરે છે.

૧૯ જેમ દ્રાક્ષદારૂના ઊભરાથી નવી મશકો* ફાટવાની તૈયારીમાં હોય,+

તેમ હું નહિ બોલું તો મારા મનનો ઊભરો ફાટી નીકળશે.

૨૦ મને બોલવા દો, જેથી મને રાહત મળે!

હું મારા હોઠ ઉઘાડીને જવાબ આપીશ.

૨૧ હું કોઈનો પક્ષ લઈશ નહિ,+

કે કોઈની ખુશામત કરીશ નહિ.*

૨૨ કેમ કે ખુશામત કરતા મને આવડતું નથી;

અને જો હું એમ કરું, તો મારો સર્જનહાર જલદી જ મારો અંત લાવી દેશે.

૩૩ “હે અયૂબ, હવે મારો એકેએક શબ્દ સાંભળો;

હું જે કહું છું એ પર કાન ધરો.

 ૨ જુઓ! મારે મોં ઉઘાડવું પડશે;

મારી જીભ હવે બોલવા લાગશે.

 ૩ મારા શબ્દો મારા દિલની સચ્ચાઈ જાહેર કરશે,+

હું જે જાણું છું, એ જ મારા હોઠો કહેશે.

 ૪ ઈશ્વરે પોતાની શક્તિથી મને ઘડ્યો છે,+

સર્વશક્તિમાનના શ્વાસે મને જીવન આપ્યું છે.+

 ૫ જો તમે જવાબ આપી શકો, તો આપો;

તૈયાર થઈ જાઓ, તમારી દલીલો મારી આગળ રજૂ કરો.

 ૬ જુઓ! સાચા ઈશ્વરની આગળ હું પણ તમારા જેવો જ છું;

મને પણ માટીમાંથી જ ઘડવામાં આવ્યો છે.+

 ૭ એટલે મારાથી ડરશો નહિ,

મારા શબ્દો એટલા ભારે નહિ હોય કે તમને કચડી નાખે.

 ૮ તમારી વાત મેં બરાબર સાંભળી છે,

હા, તમારા આ શબ્દો મેં વારંવાર સાંભળ્યા છે:

 ૯ ‘હું શુદ્ધ છું, મેં કોઈ ગુનો કર્યો નથી;+

હું નિષ્કલંક છું, મારામાં કોઈ દોષ નથી.+

૧૦ પણ ઈશ્વર મારી સામે થવા બહાનાં શોધે છે;

તે મને પોતાનો દુશ્મન ગણે છે.+

૧૧ તે મારા પગ હેડમાં* નાખે છે;

મારા એકેએક પગલા પર નજર રાખે છે.’+

૧૨ પણ તમારી એ વાત ખોટી છે, એટલે હું તમને સત્ય જણાવું છું:

ઈશ્વર તો મામૂલી માણસ કરતાં અતિ મહાન છે.+

૧૩ તમે કેમ ઈશ્વર વિરુદ્ધ ફરિયાદ કરો છો?+

શું તેમણે તમારી એકેય વાતનો જવાબ ન આપ્યો એટલે?+

૧૪ ઈશ્વર એક વાર બોલે છે, હા, બે વાર બોલે છે,

પણ કોઈ તેમનું સાંભળતું નથી.

૧૫ તે સપનામાં, હા, રાતના દર્શનમાં બોલે છે,+

ત્યારે તો લોકો ભરઊંઘમાં હોય છે,

પોતાની પથારીમાં ઘસઘસાટ સૂતા હોય છે.

૧૬ પછી તે તેઓના કાન ઉઘાડે છે,+

તેઓનાં મનમાં પોતાની શિખામણ છાપી દે છે,*

૧૭ જેથી માણસ ખોટા માર્ગથી પાછો વળે,+

અને ઘમંડથી પોતાનું રક્ષણ કરે.+

૧૮ ઈશ્વર તેને કબરમાં* જતા

અને તલવારથી* તેના જીવનો નાશ થતા બચાવે છે.+

૧૯ કોઈ માણસ પથારીમાં દુઃખ-દર્દ ભોગવતો હોય,

અને આખો દિવસ તેનાં હાડકાં પીડાતાં હોય, ત્યારે તેને બોધપાઠ મળે છે,

૨૦ તેનો જીવ ખોરાકથી કંટાળે છે,

અરે, ભાવતા ભોજનથી પણ તેને સૂગ ચઢે છે.+

૨૧ તે સાવ સુકાઈ જાય છે,

બસ તેનાં હાડકાં જ દેખાય છે.

૨૨ તેનો જીવ કબર* નજીક જાય છે,

જેઓ તેનો જીવ લેવા માંગે છે, તેઓની નજીક જાય છે.

૨૩ કાશ! તેની પાસે કોઈ દૂત* આવે,

હજારમાંથી કોઈ એક તેની મદદે આવે

અને તેને જણાવે કે માણસ માટે શું સારું છે,

૨૪ પછી ઈશ્વર તેને કૃપા બતાવશે અને કહેશે,

‘તેને કબરમાં* જતા બચાવી લો!+

તેના છુટકારાની કિંમત* મને મળી ગઈ છે!+

૨૫ તેનું શરીર* બાળકના શરીર કરતાં વધારે તંદુરસ્ત* થાય;+

અને તેનું જુવાનીનું જોમ પાછું આવે.’+

૨૬ તે ઈશ્વરને આજીજી કરશે+ અને એ સાંભળવામાં આવશે,

તે જયજયકાર કરતો કરતો ઈશ્વરની આગળ જશે,

ઈશ્વર પોતાની આગળ માણસને ન્યાયી ઠરાવશે.

૨૭ તે માણસ બધા આગળ ગાશે,*

‘મેં પાપ કર્યું છે+ અને સત્યને મરડી નાખ્યું છે,

પણ મને જેટલી સજા થવી જોઈએ, એટલી થઈ નથી.*

૨૮ ઈશ્વરે મારા જીવને કબરમાં* જતા બચાવ્યો છે,+

હું પ્રકાશ જોઈશ.’

૨૯ સાચે જ એ બધું ઈશ્વરે કર્યું છે,

માણસ માટે તે બે વાર, હા, ત્રણ વાર એમ કરે છે,

૩૦ જેથી તેને કબરમાંથી* પાછો લાવવામાં આવે,

અને તેની જીવન-જ્યોત ઝળહળતી રહે.+

૩૧ હે અયૂબ, મારું સાંભળો, મારી વાત પર ધ્યાન આપો!

હું વાત પૂરી કરું ત્યાં સુધી ચૂપ રહો.

૩૨ જો તમારે કંઈ કહેવું હોય, તો કહો,

બોલો, કેમ કે હું તમને નિર્દોષ સાબિત કરવા માંગું છું.

૩૩ જો તમારી પાસે કહેવા માટે કંઈ ન હોય, તો મારું સાંભળો;

ચૂપ રહો, હું તમને બુદ્ધિની વાતો શીખવીશ.”

૩૪ અલીહૂએ પોતાની વાત આગળ વધારતા કહ્યું:

 ૨ “હે સમજુ માણસો, મારા શબ્દો પર ધ્યાન આપો;

હે જ્ઞાનીઓ, મારી વાત સાંભળો.

 ૩ કેમ કે જેમ જીભ સ્વાદ પારખે છે,

તેમ કાન શબ્દોની સચ્ચાઈ પારખે છે.

 ૪ ચાલો, સાચું શું છે એ આપણે શોધી કાઢીએ;

અને સારું શું છે એ આપણે નક્કી કરીએ.

 ૫ કેમ કે અયૂબ કહે છે, ‘હું સાચો છું,+

પણ ઈશ્વરે મારાથી ન્યાય દૂર રાખ્યો છે.+

 ૬ “મારો અદ્દલ ન્યાય થવો જોઈએ,” એવી માંગ કરીને શું હું ખોટું બોલું છું?

મેં કોઈ અપરાધ કર્યો નથી, તોપણ મારા ઘા રુઝાતા નથી.’+

 ૭ અયૂબ જેવો બીજો માણસ કોણ છે,

જે અપમાનને પાણીની જેમ ગળી જાય છે?

 ૮ તે ખોટું કરનારની સંગત રાખે છે,

અને દુષ્ટ સાથે ફરવું તેને ગમે છે.+

 ૯ કેમ કે તે કહે છે, ‘ઈશ્વરને ખુશ કરવા માણસ લાખ કોશિશ કરે,

તોપણ એનો કોઈ ફાયદો નથી.’+

૧૦ એટલે ઓ સમજુ માણસો મારું સાંભળો:

એવું બની જ ન શકે કે સાચા ઈશ્વર દુષ્ટતા કરે,+

એવું શક્ય જ નથી કે સર્વશક્તિમાન કશું ખોટું કરે!+

૧૧ કેમ કે ઈશ્વર માણસને તેના કામનું ફળ આપે છે,+

અને તેના માર્ગનું પરિણામ તેને ભોગવવા દે છે.

૧૨ પણ એક વાત ચોક્કસ છે, ઈશ્વર દુષ્ટતા કરતા નથી;+

સર્વશક્તિમાન ન્યાય ઊંધો વાળતા નથી.+

૧૩ ઈશ્વરને પૃથ્વીની જવાબદારી કોણે સોંપી છે?

આખી દુનિયાનો અધિકાર તેમના હાથમાં કોણે આપ્યો છે?

૧૪ જો ઈશ્વર પોતાનું ધ્યાન* માણસો પર આપે,

અને તેઓની જીવન-શક્તિ* અને શ્વાસ પાછાં ખેંચી લે,+

૧૫ તો બધા માણસોનો એકસાથે નાશ થશે,

અને આખી માણસજાત માટીમાં મળી જશે.+

૧૬ એટલે જો તમારામાં સમજણ હોય, તો મારું સાંભળો;

હું જે કહું છું એના પર ધ્યાન આપો.

૧૭ જે ન્યાયને નફરત કરે છે, શું એને રાજ કરવાનો હક છે?

જે ન્યાયી છે અને જેની પાસે અધિકાર છે, શું તે ધિક્કારને લાયક છે?

૧૮ શું કોઈ રાજાને કહેશે, ‘તમે નકામા છો’?

શું કોઈ અધિકારીઓને કહેશે, ‘તમે દુષ્ટ છો’?+

૧૯ ઈશ્વર મોટા આગેવાનોની તરફેણ કરતા નથી,

તે અમીર અને ગરીબ વચ્ચે ભેદભાવ રાખતા નથી,*+

કેમ કે તેઓ બધા તેમના હાથની રચના છે.+

૨૦ તેઓ મધરાતે+ અચાનક મરી જાય છે;+

જે થવાનું છે એના ડરથી કાંપીને દમ તોડે છે;

અરે, શક્તિશાળી લોકોનો પણ નાશ થાય છે, પણ માણસોના હાથે નહિ.+

૨૧ કેમ કે ઈશ્વરની નજર માણસના માર્ગ પર હોય છે,+

તે તેના એકેએક પગલાને નિહાળે છે.

૨૨ એવો કોઈ ગાઢ અંધકાર કે છાયો નથી,

જ્યાં દુષ્ટ પોતાને સંતાડી શકે.+

૨૩ કેમ કે માણસનો ન્યાય કરવા માટે,

ઈશ્વરે પહેલેથી સમય નક્કી કરવાની જરૂર નથી.

૨૪ તે બળવાનોનું બળ તોડી નાખે છે,

તે તેઓની જગ્યાએ બીજાઓને ઊભા કરે છે,+

એ માટે તેમણે કોઈ પૂછપરછ કરવાની જરૂર નથી.

૨૫ કેમ કે તેઓ શું કરે છે, એ બધું તે જાણે છે;+

તે રાતોરાત તેઓને ઊથલાવી પાડે છે અને તેઓ કચડાઈ જાય છે.+

૨૬ તેઓની દુષ્ટતા માટે,

તે બધાના દેખતાં તેઓને ફટકારે છે,+

૨૭ કેમ કે તેઓએ ઈશ્વરની વાત માનવાનું છોડી દીધું છે,+

અને તેમના માર્ગોનો નકાર કર્યો છે;+

૨૮ તેઓ ગરીબને એટલો લાચાર કરે છે કે તે ઈશ્વર આગળ આંસુ વહાવે છે,

અને ઈશ્વર નિરાધારનો પોકાર સાંભળે છે.+

૨૯ જો ઈશ્વર ચૂપ રહે, તો તેમને કોણ દોષિત ઠરાવી શકે?

જો પ્રજાથી કે માણસથી તે પોતાનું મોં છુપાવે,

તો તેમને કોણ જોઈ શકે?

૩૦ અધર્મી* માણસ લોકોને ફાંદામાં ન નાખે,

એ માટે તે તેને રાજ કરવા દેતા નથી.+

૩૧ અયૂબ, શું તમે કદી ઈશ્વરને કહ્યું છે,

‘મેં કોઈ અપરાધ નથી કર્યો, તોપણ મને સજા મળી છે;+

૩૨ હું જે જોઈ શકતો નથી એ મને બતાવો,

જો મેં કંઈ ખોટું કર્યું હોય, તો એવી ભૂલ ફરી નહિ કરું’?

૩૩ જો તેમનો ચુકાદો તમને મંજૂર ન હોય, તો શું તમારી મરજી પ્રમાણે તે બદલો આપશે?

હું નહિ, પણ તમે જ નક્કી કરો.

જો તમને બધું ખબર હોય, તો તમે જ મને કહો.

૩૪ સમજુ માણસો મને કહેશે,

હા, મારું સાંભળનાર બુદ્ધિમાન મને કહેશે,

૩૫ ‘અયૂબ જ્ઞાન વગર બોલે છે,+

તે બુદ્ધિ વગર શબ્દો ઉચ્ચારે છે.’

૩૬ કાશ! અયૂબની* પૂરેપૂરી કસોટી થાય,

કેમ કે તે દુષ્ટની જેમ જવાબ આપે છે!

૩૭ તે પાપ કરવાની સાથે સાથે બંડ પોકારે છે;+

તે અમારી આગળ તાળીઓ પાડીને મશ્કરી કરે છે,

અને સાચા ઈશ્વર વિરુદ્ધ બકબક કરે છે!”+

૩૫ અલીહૂએ આગળ કહ્યું:

 ૨ “શું તમને એટલો બધો ભરોસો છે કે તમે જ ખરા છો?

શું એટલે જ તમે કહો છો, ‘હું ઈશ્વર કરતાં વધારે ન્યાયી છું’?+

 ૩ તમે કહો છો, ‘હું નેક રહું એનાથી કોઈને* શું ફરક પડે છે?

પાપ ન કરવાથી મને શો ફાયદો થયો છે?’+

 ૪ હું તમને જવાબ આપીશ,

હા, તમારા સાથીઓને+ પણ જવાબ આપીશ.

 ૫ તમારી નજર ઊંચી કરીને આકાશ તરફ જુઓ,

ઊંચાં ઊંચાં વાદળોને જુઓ!+

 ૬ જો તમે પાપ કરો, તો એનાથી ઈશ્વરનું શું બગાડો છો?+

જો તમારા અપરાધ વધી જાય, તો એનાથી તમે ઈશ્વરને શું નુકસાન કરો છો?+

 ૭ જો તમે નેક હો, તો તમે ઈશ્વરને શું આપો છો?

અને તે તમારી પાસેથી શું મેળવે છે?+

 ૮ તમારી દુષ્ટતાથી તમારા જેવા માણસને જ નુકસાન થાય છે,

અને તમારી નેકીથી લોકોને જ ફાયદો થાય છે.

 ૯ સતાવણી સહેવાને લીધે લોકો તોબા પોકારી ઊઠે છે;

શક્તિશાળીના પંજામાંથી છૂટવા તેઓ કરગરે છે.+

૧૦ પણ કોઈ કહેતું નથી, ‘ઈશ્વર ક્યાં છે? મારા મહાન રચનાર ક્યાં છે,+

જે રાતે ગીતો ગાવા પ્રેરણા આપે છે?’+

૧૧ તે પૃથ્વીનાં જાનવરો+ કરતાં આપણને વધારે શીખવે છે,+

હા, આકાશનાં પંખીઓ કરતાં આપણને વધારે જ્ઞાની બનાવે છે.

૧૨ લોકો તેમને હાંક મારે છે,

પણ દુષ્ટોના ઘમંડને+ લીધે તે જવાબ આપતા નથી.+

૧૩ સાચે જ, ઈશ્વર વ્યર્થ પોકાર* સાંભળતા નથી;+

સર્વશક્તિમાન એના પર ધ્યાન આપતા નથી.

૧૪ હે અયૂબ, તમે કહો છો કે તમે ઈશ્વરને જોયા નથી!+ તો શું તમને લાગે છે કે તે તમારું સાંભળશે?

તમારો મુકદ્દમો તેમની આગળ છે, એટલે તેમના ચુકાદાની આતુરતાથી રાહ જુઓ.+

૧૫ કેમ કે તેમણે ગુસ્સે ભરાઈને તમને સજા કરી નથી;

અરે, તમારાં કડવાં વેણનો હિસાબ પણ રાખ્યો નથી.+

૧૬ એટલે અયૂબ પોતાનું મોં નકામું ખોલે છે;

તે સમજ્યા વગર બોલ બોલ કરે છે.”+

૩૬ અલીહૂએ આગળ કહ્યું:

 ૨ “હું બોલું ત્યાં સુધી થોડી ધીરજ રાખો,

કેમ કે મારે ઈશ્વરના પક્ષમાં હજી કંઈક કહેવું છે.

 ૩ હું જે જાણું છું, એ વિશે તમને વિસ્તારથી જણાવીશ,

હું જાહેર કરીશ કે મારા રચનાર કેટલા ન્યાયી છે!+

 ૪ મારું માનો, મારા શબ્દો ખોટા નથી;

એ શબ્દો તો એમની પાસેથી છે, જે બધું જાણે છે.+

 ૫ સાચે જ, ઈશ્વર પરાક્રમી છે,+ તે કોઈનો નકાર કરતા નથી;

તેમની સમજણનો કોઈ પાર નથી.

 ૬ તે દુષ્ટોનું રક્ષણ કરશે નહિ,+

પણ લાચાર લોકોને ન્યાય આપશે.+

 ૭ તે નેક લોકો પરથી પોતાની નજર હટાવતા નથી;+

તે તેઓને રાજાઓ સાથે બેસાડે છે*+ અને હંમેશાં ઉચ્ચ પદે રાખે છે.

 ૮ પણ જો તેઓને બેડીઓ પહેરાવવામાં આવે,

અને દુઃખનાં દોરડાંથી બાંધવામાં આવે,

 ૯ તો તે તેઓને જણાવે છે કે તેઓએ કઈ ભૂલ કરી છે,

અને ઘમંડમાં આવીને કયો અપરાધ કર્યો છે.

૧૦ તે તેઓના કાન ઉઘાડે છે, જેથી તેઓ ઠપકો સાંભળે,

તે તેઓને આજ્ઞા કરે છે, જેથી તેઓ દુષ્ટ માર્ગથી પાછા ફરે.+

૧૧ જો તેઓ તેમનું સાંભળે અને તેમની ઉપાસના કરે,

તો તેઓના દિવસો સમૃદ્ધિમાં પસાર થશે

અને તેઓનાં વર્ષો સુખચેનમાં વીતશે.+

૧૨ પણ જો તેઓ ન માને, તો તલવારથી* માર્યા જશે,+

અને અજ્ઞાન હાલતમાં મરી જશે.

૧૩ અધર્મી* માણસો પોતાના દિલમાં ખાર ભરી રાખે છે.

ઈશ્વર તેઓને બાંધી રાખે છે, ત્યારે પણ તેઓ મદદ માટે આજીજી કરતા નથી.

૧૪ તેઓ નીચ પુરુષો* સાથે જીવન વિતાવે છે,*+

અને ભરયુવાનીમાં જ માર્યા જાય છે.+

૧૫ પણ ઈશ્વર* દીન-દુખિયાને તેઓની વિપત્તિ દરમિયાન બચાવે છે,

તેઓ જુલમ સહેતા હોય ત્યારે, તે તેઓ સાથે વાત કરે છે.*

૧૬ હે અયૂબ, ઈશ્વર તમને મુસીબતના મોંમાંથી બહાર કાઢશે,+

જ્યાં કોઈ બંધન નથી એવી ખુલ્લી જગ્યાએ લાવશે,+

તમારી મેજ પર સ્વાદિષ્ટ ભોજન પીરસીને તે તમને દિલાસો આપશે.+

૧૭ જ્યારે દુષ્ટોને સજા થશે અને સાચો ન્યાય તોળવામાં આવશે,

ત્યારે દુષ્ટોને સંભળાવેલા ન્યાયચુકાદાથી તમને સંતોષ મળશે.+

૧૮ પણ ધ્યાન રાખજો, ગુસ્સો તમને ખરાબ કામ* તરફ લઈ ન જાય,+

અને લાંચ તમને અવળે માર્ગે દોરી ન જાય.

૧૯ નહિતર, મદદ માટે તમે ગમે એટલી બૂમો પાડશો,

ગમે એટલા ધમપછાડા કરશો, પણ મુસીબતથી બચી નહિ શકો.+

૨૦ તમે રાતની રાહ ન જોતા,

જ્યારે લોકો પોતપોતાનાં બિછાનાં પર જાય છે.

૨૧ સાવધ રહેજો કે તમે ભૂંડાઈ તરફ આગળ ન વધો,

દુઃખ સહન કરવાને બદલે દુષ્ટતા પસંદ ન કરો.+

૨૨ જુઓ! ઈશ્વરની શક્તિ અપાર છે;

તેમના જેવો બીજો શિક્ષક કોણ છે?

૨૩ તેમને કોણ કહી શકે કે કયા માર્ગે ચાલવું?*+

તેમને કોણ કહી શકે, ‘તમે જે કર્યું એ ખોટું છે’?+

૨૪ તેમનાં કામોના ગુણગાન ગાવાનું ન ભૂલતા,+

જે વિશે માણસોએ પણ સ્તોત્રો ગાયાં છે.+

૨૫ આખી માણસજાતે એ કામો જોયાં છે,

નાશવંત માણસ એને દૂરથી નિહાળે છે.

૨૬ હા, ઈશ્વરની મહાનતા આપણી સમજ બહાર છે;+

તેમનાં વર્ષો ગણ્યાં ગણાય નહિ એટલાં છે.*+

૨૭ તે પાણીનાં ટીપાંને ઉપર ખેંચી લે છે,+

એ ઠરીને ધુમ્મસ અને વરસાદ બને છે.

૨૮ પછી વાદળ એને નીચે ઠાલવે છે+

અને મનુષ્યો પર વરસાદ વરસાવે છે.

૨૯ શું ગગનમાં ફેલાયેલાં વાદળોને કોઈ સમજી શકે?

શું ઈશ્વરના મંડપમાંથી* થતા ગડગડાટનો કોઈ પાર પામી શકે?+

૩૦ જુઓ! તે અજબ રીતે વાદળોમાં વીજળી* ચમકાવે છે,+

અને સાગરોનાં ઊંડાણ ઢાંકી દે છે.

૩૧ એનાથી તે લોકોને નિભાવી રાખે છે*

અને તેઓને ભરપૂર ખોરાક આપે છે.+

૩૨ તે પોતાની હથેળીમાં વીજળીને છુપાવે છે,

અને એને ધારેલા નિશાન પર ફેંકે છે.+

૩૩ વાદળોનો ગડગડાટ તેમની હાજરી વિશે જણાવે છે,

અરે, કોણ* આવી રહ્યું છે એ વિશે પશુઓ પણ કહે છે.

૩૭ “હવે મારું દિલ કાંપે છે,

અને જોરથી ધબકે છે.

 ૨ ઈશ્વરના અવાજનો ગડગડાટ,

અને તેમના મોંમાંથી નીકળતી ગર્જના ધ્યાનથી સાંભળો.

 ૩ તેમનો પોકાર આકાશ નીચે બધે સંભળાય છે,

તે પૃથ્વીના છેડા સુધી વીજળી મોકલે છે.+

 ૪ એ પછી ભયાનક કડાકો સંભળાય છે;

તે પ્રચંડ અવાજ સાથે ગડગડાટ કરે છે,+

તે બોલે છે ત્યારે વીજળી ચમક્યા કરે છે.

 ૫ ઈશ્વરનો અવાજ અદ્‍ભુત રીતે ગર્જે છે;+

તે એવાં મહાન કામો કરે છે, જે આપણી સમજ બહાર છે.+

 ૬ કેમ કે તે હિમને કહે છે, ‘પૃથ્વી પર પડ,’+

અને મુશળધાર વરસાદને કહે છે, ‘ધોધમાર વરસ.’+

 ૭ આમ ઈશ્વર મનુષ્યોનાં બધાં કામ રોકી દે છે,*

જેથી દરેક માણસ તેમના કામ વિશે જાણે.

 ૮ જંગલી જાનવરો પોતપોતાની ગુફામાં ભરાઈ જાય છે,

અને પોતાની બોડમાં છુપાઈ જાય છે.

 ૯ વાવાઝોડું એની જગ્યાએથી ફૂંકાય છે,+

અને ઉત્તરનો પવન ઠંડી લાવે છે.+

૧૦ ઈશ્વરના શ્વાસથી બરફ બને છે,+

અને પાણી થીજી જાય છે.+

૧૧ હા, તે વાદળોને પાણીનાં ટીપાંથી ભરી દે છે;

અને વાદળોમાં વીજળી ફેલાવે છે;+

૧૨ તેમના ઇશારે વાદળો આમતેમ જાય છે;

અને પૃથ્વી પર તેમના હુકમ પ્રમાણે કામ પૂરું કરે છે.+

૧૩ તે સજા કરવા,*+ જમીનને વરસાદથી સિંચવા,

અથવા અતૂટ પ્રેમ* બતાવવા વાદળો મોકલે છે.+

૧૪ હે અયૂબ, આ સાંભળો,

ધ્યાન આપો અને ઈશ્વરનાં મહાન કામો પર વિચાર કરો.+

૧૫ શું તમે જાણો છો, ઈશ્વર કઈ રીતે વાદળોને કાબૂમાં રાખે છે?*

તે કઈ રીતે એમાં વીજળી ચમકાવે છે?

૧૬ શું તમે જાણો છો, વાદળો કઈ રીતે અધ્ધર તરે છે?+

એ બધાં અદ્‍ભુત કામો તેમનાં છે, જેમની પાસે સંપૂર્ણ જ્ઞાન છે.+

૧૭ દક્ષિણના પવનને લીધે પૃથ્વી પર કેમ સન્‍નાટો છવાઈ જાય છે?+

તમારાં કપડાં કેમ ગરમ થઈ જાય છે?

૧૮ ઈશ્વરની જેમ શું તમે આકાશોને ફેલાવી શકો?+

શું એને ટીપીને ધાતુના અરીસા જેટલા મજબૂત બનાવી શકો?

૧૯ તમે જ જણાવો, અમે ઈશ્વરને શું કહીએ.

અંધારામાં હોવાને લીધે અમને કોઈ જવાબ સૂઝતો નથી.

૨૦ શું કોઈ તેમને કહી શકે, ‘મારે તમને કંઈક કહેવું છે’?

અથવા શું કોઈને એવી ખાસ વાત ખબર છે, જે તે જાણતા ન હોય?+

૨૧ આકાશ ગમે એટલું ઝગમગતું હોય,

પણ પવન વાદળોને હટાવે નહિ ત્યાં સુધી,

પ્રકાશ* જોઈ શકાતો નથી.

૨૨ ઉત્તરથી સોનેરી કિરણો નીકળે છે;

ઈશ્વરનું ગૌરવ+ અજાયબ છે.

૨૩ સર્વશક્તિમાનને સમજવા આપણા ગજા બહારની વાત છે;+

તે અતિ પરાક્રમી છે,+

તે ન્યાય ઊંધો વાળતા નથી+ અને પોતાનાં નેક ધોરણો* નજરઅંદાજ કરતા નથી.+

૨૪ એટલે લોકોએ તેમનો ડર રાખવો જોઈએ,+

કેમ કે પોતાને જ્ઞાની સમજનારને તે કૃપા બતાવતા નથી.”+

૩૮ પછી યહોવાએ વંટોળિયામાંથી અયૂબને કહ્યું:+

 ૨ “આ કોણ છે, જે અક્કલ વગરની વાતો કરે છે,

અને મારી સલાહને મારી-મચકોડીને જણાવે છે?+

 ૩ હે માણસ, તારી કમર કસ;

હું તને સવાલ પૂછીશ અને તું મને જવાબ આપ.

 ૪ જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા, ત્યારે તું ક્યાં હતો?+

જો તું જાણતો હોય, તો મને જવાબ આપ.

 ૫ તને ખ્યાલ હોય તો કહે, કોણે એનાં માપ ઠરાવી આપ્યાં?

કોણે દોરીથી એનું માપ લીધું?

 ૬ એના પાયા શાના પર નાખવામાં આવ્યા?

એના ખૂણાનો પથ્થર* કોણે બેસાડ્યો?+

 ૭ જ્યારે પ્રભાતના તારાઓ*+ સાથે મળીને હર્ષનાદ કરતા હતા,

અને ઈશ્વરના દીકરાઓ*+ ખુશીનો પોકાર કરતા હતા, ત્યારે તું ક્યાં હતો?

 ૮ જ્યારે સમુદ્ર ગર્ભસ્થાનમાંથી ધસી આવ્યો,

ત્યારે કોણે એને બારણાંથી બંધ કર્યો?+

 ૯ જ્યારે મેં એને વાદળનાં કપડાં પહેરાવ્યાં,

અને એને ગાઢ અંધકારથી લપેટ્યો,

૧૦ જ્યારે મેં એને હદ ઠરાવી આપી,

અને એની ભૂંગળો અને બારણાં બેસાડ્યાં,+

૧૧ જ્યારે મેં એને કહ્યું: ‘તારે અહીં સુધી જ આવવું, આગળ વધવું નહિ;

તારાં ઊંચાં ઊંચાં મોજાં અહીં આવીને અટકી જશે,’+ ત્યારે તું ક્યાં હતો?

૧૨ શું તેં ક્યારેય સવારને ઊગવાની આજ્ઞા આપી છે,

અને પ્રભાતને ક્યાં ઊગવું એ જણાવ્યું છે,+

૧૩ જેથી પરોઢનાં કિરણો પૃથ્વીના છેડા સુધી અંધકારની ચાદર હટાવી દે,

અને દુષ્ટોને ભગાડી મૂકે?+

૧૪ જેમ માટી પર મહોરની છાપ ઊપસી આવે છે, તેમ સૂર્યનાં કિરણોથી પૃથ્વી દીપી ઊઠે છે,

શણગારેલાં કપડાંની જેમ ધરતીનું સૌંદર્ય મહેકી ઊઠે છે.

૧૫ પણ એ જ સવાર દુષ્ટોનો પ્રકાશ છીનવી લે છે,

અને જે હાથોથી તેઓ બીજા પર જુલમ ગુજારે છે, એ હાથોને ભાંગી નાખે છે.

૧૬ શું તું ક્યારેય સાગરના ઝરાઓનાં મૂળ સુધી ગયો છે?

શું તેં ઊંડા પાણીમાં ઊતરીને શોધખોળ કરી છે?+

૧૭ શું તને ખબર છે, મરણના દરવાજા+ ક્યાં છે?

શું તેં ઘોર અંધકારનાં* દ્વાર જોયાં છે?+

૧૮ શું તને ખ્યાલ છે, પૃથ્વી કેટલી વિશાળ છે?+

જો એ બધું તું જાણતો હોય, તો મને કહે.

૧૯ પ્રકાશનું રહેઠાણ ક્યાં છે?+

અંધકારનું નિવાસસ્થાન ક્યાં છે?

૨૦ શું તને તેઓના ઘરનો રસ્તો ખબર છે?

શું તું તેઓને ઘરે પહોંચાડી શકે છે?

૨૧ મેં સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે શું તારો જન્મ થયો હતો?

શું તું યુગોના યુગોથી જીવે છે કે તને બધું ખબર છે?

૨૨ શું તું બરફના ભંડારોમાં કદી પ્રવેશ્યો છે,+

શું તેં કરાનાં ગોદામો જોયાં છે,+

૨૩ જેને મેં વિપત્તિના સમય માટે,

હા, લડાઈ અને યુદ્ધના દિવસ માટે સાચવી રાખ્યા છે?+

૨૪ શું તું જાણે છે, પ્રકાશ* કયા માર્ગે પથરાય છે

અને પૂર્વનો પવન ધરતી પર ક્યાંથી ફૂંકાય છે?+

૨૫ બોલ, ધોધમાર વરસાદ માટે આકાશમાં કોણે માર્ગ બનાવ્યો છે?

ગાજવીજ કરતાં વાદળો માટે કોણે રસ્તો ઠરાવ્યો છે?+

૨૬ વેરાન જગ્યાઓમાં, જ્યાં માણસો રહેતા નથી,

હા, જ્યાં કોઈ વસવાટ કરતું નથી, ત્યાં કોણ વરસાદ લાવે છે?+

૨૭ કોણ સૂકી જમીનની તરસ છિપાવે છે

અને એમાં ઘાસ ઉગાડે છે?+

૨૮ શું વરસાદનો કોઈ પિતા છે?+

ઝાકળનાં ટીપાંનો પિતા કોણ છે?+

૨૯ બરફ કોની કૂખમાંથી નીકળ્યો?

આકાશના હિમને કોણે જન્મ આપ્યો?+

૩૦ પાણીની સપાટીને કોણ પથ્થર જેવી બનાવે છે?

ઊંડા પાણીની સપાટીને કોણ થીજવી દે છે?+

૩૧ શું તું કીમાહ નક્ષત્રના* તારાઓને બાંધીને રાખી શકે?

શું તું કેસીલ નક્ષત્રનાં* બંધન છોડી શકે?+

૩૨ શું તું નક્ષત્રને* એની ૠતુ પ્રમાણે ચલાવી શકે?

શું તું એશ નક્ષત્રને* અને એના તારાઓને* માર્ગ બતાવી શકે?

૩૩ શું તું બ્રહ્માંડને ચલાવતા નિયમો જાણે છે?+

શું તું એ નિયમોનો* અધિકાર પૃથ્વી પર સ્થાપી શકે?

૩૪ શું તું તારો અવાજ વાદળો સુધી ઊંચો કરી શકે,

જેથી તેઓ તારા પર ધોધમાર વરસે?+

૩૫ શું તું વીજળીને કોઈ કામ ફરમાવી શકે?

શું એ પાછી આવીને તને કહેશે, ‘હું આવી ગઈ’?

૩૬ વાદળોમાં* ડહાપણ કોણે મૂક્યું?+

આકાશના ભવ્ય નજારાને* સમજણ કોણે આપી?+

૩૭ કોણ એટલું બુદ્ધિશાળી છે કે તે વાદળોને ગણી શકે?

આકાશની ગાગરોને કોણ છલકાવી શકે?+

૩૮ કોણ ધૂળને કાદવ બનાવે છે?

કોણ માટીનાં ઢેફાંને એકબીજા સાથે ચોંટાડી દે છે?

૩૯ શું તું સિંહ માટે શિકાર કરી શકે?

શું તું શક્તિશાળી સિંહોની ભૂખ દૂર કરી શકે?+

૪૦ તેઓ પોતાની ગુફામાં લાગ તાકીને બેઠા હોય,

અને બોડમાં સંતાયા હોય ત્યારે, શું તું તેઓને શિકાર આપી શકે?

૪૧ કાગડા માટે કોણ ખોરાક તૈયાર કરે છે?+

જ્યારે એનાં બચ્ચાં મદદ માટે ઈશ્વરને હાંક મારે છે,

ખોરાક માટે ફાંફાં મારે છે, ત્યારે તેઓને કોણ ખવડાવે છે?

૩૯ “શું તું જાણે છે, પહાડી બકરી ક્યારે બચ્ચાને જન્મ આપે છે?+

શું તેં ક્યારેય હરણીને બચ્ચું જણતા જોઈ છે?+

 ૨ તું ગણી શકતો હોય તો કહે, તેઓ બચ્ચાને કેટલા મહિના ગર્ભમાં રાખે છે?

તેઓ કયા સમયે બચ્ચું પેદા કરે છે, એ શું તું જાણે છે?

 ૩ તેઓ નીચે નમીને બચ્ચાને જન્મ આપે છે,

પછી તેઓની પ્રસવપીડાનો અંત આવે છે.

 ૪ તેઓનાં બચ્ચાં ખુલ્લા મેદાનમાં ઉછરે છે અને તાજાં-માજાં થાય છે,

પછી એ બચ્ચાં જતાં રહે છે અને પાછાં ફરતાં નથી.

 ૫ જંગલી ગધેડાને કોણે છૂટો મૂક્યો છે?+

એનાં બંધનો કોણે છોડી નાખ્યાં છે?

 ૬ મેં રણપ્રદેશને એનું ઘર

અને ખારાપ્રદેશને એનું રહેઠાણ બનાવ્યું છે.

 ૭ શહેરમાં થતા કોલાહલને એ ધિક્કારે છે

અને હાંકનારનો અવાજ એ સાંભળતો નથી.

 ૮ ઘાસની શોધમાં એ ટેકરીઓ ખૂંદી વળે છે,

અને દરેક લીલા છોડની શોધમાં ભટકે છે.

 ૯ શું જંગલી સાંઢ કદી તારી સેવા કરશે?+

શું એ તારા તબેલામાં* રાત વિતાવશે?

૧૦ શું તું એને દોરડાંથી બાંધીને ખેતરમાં ચાસ પડાવી શકે?

શું ખીણ ખેડવા* એ તારી પાછળ પાછળ આવશે?

૧૧ શું તું એની પ્રચંડ તાકાત પર આધાર રાખીશ?

શું તારું ભારે કામ એને કરવા દઈશ?

૧૨ તારી ફસલ* ઘરે લાવવા શું તું એના પર ભરોસો રાખીશ?

શું એ તારું અનાજ ખળીએ* લઈ જશે?

૧૩ શાહમૃગ આનંદથી પોતાની પાંખો ફફડાવે છે,

પણ બગલાની સરખામણીમાં એનાં પીછાં અને પાંખની શી વિસાત?+

૧૪ શાહમૃગ પોતાનાં ઈંડાં જમીન પર મૂકે છે,

અને માટીમાં એને સેવે છે.

૧૫ એ ભૂલી જાય છે કે કોઈના પગ નીચે એ કચડાઈ જશે,

અથવા કોઈ જંગલી જાનવર એને ખૂંદી નાખશે.

૧૬ પોતાનાં બચ્ચાં પારકાં હોય એમ એ કઠોરતાથી વર્તે છે;+

તેઓનો ઉછેર નકામો જશે એવી એને કંઈ પડી નથી,

૧૭ કેમ કે ઈશ્વરે એને બુદ્ધિ આપી નથી,*

અને સમજણ એનાથી દૂર રાખી છે.

૧૮ પણ જ્યારે એ પોતાની પાંખો ફફડાવીને દોડે છે,

ત્યારે એ ઘોડા અને એના સવાર પર હસે છે.

૧૯ શું તું ઘોડાને બળ આપે છે?+

શું તું એની ગરદનને ફરફરતી કેશવાળીથી ઢાંકે છે?

૨૦ શું તેં એને તીડની જેમ કૂદકો મારવાનું શીખવ્યું છે?

એના નાકના સુસવાટાનો અવાજ તો ભયંકર છે.+

૨૧ એ ખીણમાં પગ પછાડે છે અને જોશભેર કૂદે છે;+

એ રણભૂમિમાં* ધસી જાય છે.+

૨૨ એ ડરની સામે હસે છે અને કશાથી બીતો નથી.+

એ તલવાર જોઈને પીછેહઠ કરતો નથી.

૨૩ એની એક બાજુએ બાણથી ભરેલો ભાથો ખખડે છે,

ભાલો અને બરછી ચમકે છે.

૨૪ અધીરો બનીને જુસ્સામાં એ પૂરઝડપે અંતર કાપે છે,*

રણશિંગડું વાગે ત્યારે એને રોકવો મુશ્કેલ બને છે.*

૨૫ રણશિંગડું ફૂંકાય ત્યારે એ કહે છે, ‘વાહ!’

દૂરથી જ એને લડાઈની ખૂશબૂ આવે છે,

યુદ્ધનો લલકાર અને સેનાપતિઓની બૂમો સંભળાય છે.+

૨૬ શું બાજ પક્ષી તારી સમજણથી ઊંચે ઊડે છે

અને પોતાની પાંખો દક્ષિણ તરફ ફેલાવે છે?

૨૭ શું ગરુડ તારા હુકમથી આકાશમાં ઊંચે ઊડે છે+

અને પોતાનો માળો ઊંચાઈ પર બાંધે છે?+

૨૮ શું એ તારી આજ્ઞાથી ઊંચી ભેખડો પર રાત વિતાવે છે

અને પહાડોની ટોચને પોતાનો ગઢ બનાવે છે?

૨૯ ત્યાંથી એ પોતાનો ખોરાક શોધે છે;+

એની નજર દૂર દૂર સુધી પહોંચે છે.

૩૦ એનાં બચ્ચાં લોહી ચૂસે છે;

જ્યાં મડદાં હોય, ત્યાં તેઓ પહોંચી જાય છે.”+

૪૦ યહોવાએ અયૂબને આગળ કહ્યું:

 ૨ “સર્વશક્તિમાનનો વાંક કાઢીને શું કોઈ તેમની સામે લડી શકે?+

જે ઈશ્વરને ઠપકો આપવા માંગે છે, તે જ એનો જવાબ આપે.”+

૩ અયૂબે યહોવાને કહ્યું:

 ૪ “જુઓ! મારી શી વિસાત?+

હું તમને શો જવાબ આપું?

હું હવે મારા મોં પર હાથ મૂકું છું.+

 ૫ હું એક વાર, હા, બે વાર બોલ્યો, પણ હવે નહિ બોલું;

એક શબ્દ પણ નહિ બોલું.”

 ૬ પછી યહોવાએ વંટોળિયામાંથી અયૂબને કહ્યું:+

 ૭ “હે માણસ, તારી કમર કસ;

હું તને સવાલ પૂછીશ અને તું મને જવાબ આપ.+

 ૮ શું તું મારા ન્યાય પર સવાલ ઉઠાવીશ?*

પોતાને નેક સાબિત કરવા શું તું મને દોષિત ઠરાવીશ?+

 ૯ શું તારા હાથ સાચા ઈશ્વરના હાથ જેટલા શક્તિશાળી છે?+

શું તું તેમના જેવા અવાજથી ગર્જના કરી શકે છે?+

૧૦ જો કરી શકતો હોય, તો પોતાને ગૌરવ અને સામર્થ્યથી શણગાર;

ગરિમા અને વૈભવનાં કપડાં પહેર.

૧૧ તારા ગુસ્સાની જ્વાળાઓ પ્રગટાવ;

અભિમાનીઓને જોઈને તેઓને નીચા પાડ.

૧૨ ઘમંડીઓનું ઘમંડ તોડી નાખ,

દુષ્ટોને જોતા જ તેઓને કચડી નાખ.

૧૩ તેઓને માટીમાં દાટી દે;

તેઓને* ગાઢ અંધકારમાં બાંધી દે,

૧૪ પછી હું પણ કબૂલ કરીશ કે,*

તારો જમણો હાથ તને બચાવી શકે છે.

૧૫ હવે દરિયાઈ ઘોડાને* જો. જેમ મેં તને સર્જ્યો, તેમ એને પણ સર્જ્યો છે.

એ બળદની જેમ ઘાસ ખાય છે.

૧૬ જો! એના પગમાં કેટલું બળ છે!

એના પેટના સ્નાયુઓમાં કેટલી તાકાત છે!

૧૭ એની પૂંછડી દેવદારના ઝાડ જેવી કઠણ છે;

એના થાપાના સ્નાયુઓ એકબીજા સાથે ગૂંથાયેલા છે.

૧૮ એનાં હાડકાં તાંબાની નળીઓ જેવાં છે;

એના પગ લોઢાના સળિયા જેવા છે.

૧૯ કદાવર જાનવરોમાં સૌથી પહેલા એનું સર્જન થયું;

ફક્ત એના સર્જનહાર જ એના પર તલવાર ચલાવી શકે છે.

૨૦ પર્વતો એને ખોરાક પીરસે છે,

ત્યાં જ બધાં જંગલી જાનવરો રમે છે.

૨૧ એ ઝાડી-ઝાંખરાં નીચે આરામ ફરમાવે છે,

નદી-નાળાંના બરુઓ વચ્ચે આશરો લે છે.

૨૨ ઝાડી-ઝાંખરાં એના પર છાયો પાથરે છે,

ખીણનાં ઝાડ* એને ઘેરી વળે છે.

૨૩ જો નદી ગાંડીતૂર થાય, તોપણ એ ગભરાતો નથી.

જો યર્દન+ નદીનું પાણી એના પર ચઢી આવે, તોપણ એ નિશ્ચિંત રહે છે.

૨૪ એ જોતો હોય ત્યારે, શું કોઈ એને પકડી શકે?

શું કોઈ ગલથી* એનું નાક વીંધી શકે?

૪૧ “શું તું મગરને*+ ગલથી પકડી શકે?

શું તું એની જીભને દોરડાથી બાંધી શકે?

 ૨ શું તું એનાં નાકમાં દોરડું* પરોવી શકે?

શું તું એનાં જડબાંને આંકડીથી* વીંધી શકે?

 ૩ શું એ તારી આગળ દયાની ભીખ માંગશે?

શું એ તારી સાથે પ્રેમથી બોલશે?

 ૪ જીવનભર તારો દાસ બની રહેવા,

શું એ તારી સાથે કરાર કરશે?

 ૫ શું તું પક્ષી સાથે રમતો હોય એમ એની સાથે રમશે?

શું તું તારી નાની દીકરીઓના મનોરંજન માટે એને બાંધી રાખશે?

 ૬ શું માછીમારો એનો સોદો કરશે?

શું તેઓ એને કાપીને વેપારીઓમાં વહેંચશે?

 ૭ શું તું એના ચામડામાં કાંટાળો ભાલો ખૂંપશે?+

શું તું એના માથામાં આરપાર ભાલો ઘોંચશે?

 ૮ જરા એને હાથ તો લગાડી જો,

એવી લડાઈ થશે કે જીવનભર તને યાદ રહેશે;

તું ફરી એવી ભૂલ કરવાનું વિચારીશ પણ નહિ!

 ૯ એને વશ કરવાની આશા નકામી છે.

એને જોતાં જ તારા હાંજા ગગડી જશે.*

૧૦ એને છંછેડવાની હિંમત કોઈનામાં નથી,

તો પછી મારી સામે ઊભા રહેવાની હિંમત કોણ કરી શકે?+

૧૧ કોણે મને કશું આપ્યું છે કે મારે તેને પાછું વાળી આપવું પડે?+

આકાશ નીચે જે કંઈ છે એ બધું જ મારું છે.+

૧૨ હું એ પ્રાણીના પગ વિશે, એની તાકાત વિશે

અને જે અદ્‍ભુત રીતે એને રચવામાં આવ્યો છે, એ વિશે ચૂપ રહીશ નહિ.

૧૩ કોણ એની ખાલ ઉતારી શકે?

એનાં ખુલ્લાં જડબાંમાં કોણ ઊતરી શકે?

૧૪ કોણ એના મોઢાના દરવાજા જબરજસ્તીથી ખોલી શકે?

એના દાંત તો ભયાનક છે.

૧૫ એની પીઠ પર હરોળમાં ઢાલ જેવાં ભીંગડાં છે,*

અને એ ભીંગડાં એકબીજા સાથે સજ્જડ ચોંટેલાં છે.

૧૬ એ એટલાં મજબૂત જોડાયેલાં છે કે,

હવા પણ એમાંથી આરપાર નીકળી ન શકે.

૧૭ એ એકબીજા સાથે બરાબર ગોઠવાયેલાં છે,

તેઓ એકબીજાને જકડી રાખે છે, તેઓને છૂટાં પાડી શકાતાં નથી.

૧૮ એ છીંકે* ત્યારે પ્રકાશ ચમકે છે,

એની આંખો સવારનાં કિરણો જેવી છે.

૧૯ એના મોઢામાંથી વીજળીના ચમકારા

અને અગ્‍નિના તણખા ઝરે છે.

૨૦ ભઠ્ઠીમાં ઘાસ બળતું હોય,

તેમ એનાં નસકોરાંમાંથી ધુમાડો નીકળે છે.

૨૧ એના શ્વાસથી કોલસા સળગી ઊઠે છે,

અને એના મોંમાંથી ભડકા નીકળે છે.

૨૨ એની ગરદનમાં ઘણું બળ છે,

ડર એની આગળથી નાસી છૂટે છે.

૨૩ એના પેટની ચામડી લોઢા જેવી સખત છે,

એને હલાવવી અશક્ય છે.

૨૪ એનું હૃદય પથ્થર જેવું કઠણ છે,

હા, ઘંટીના નીચલા પથ્થર જેવું મજબૂત છે.

૨૫ એ ઊઠે છે ત્યારે બળવાનો પણ ગભરાઈ જાય છે;

એ પાણી ઉછાળે છે ત્યારે, તેઓ બેબાકળા બની જાય છે.

૨૬ કોઈ તલવાર કે ભાલો,

તીર કે હથિયાર એનું કંઈ બગાડી શકતું નથી.+

૨૭ એની નજરમાં લોઢું તણખલા જેવું,

અને તાંબું સડેલા લાકડા જેવું છે.

૨૮ તીર એને ભગાડી શકતું નથી;

ગોફણમાંથી નીકળેલા પથ્થર એની સામે સૂકા ઘાસ જેવા છે.

૨૯ એ લાકડાના ડંડાને સૂકું ઘાસ ગણે છે,

અને બરછીના રણકાર સામે હસે છે.

૩૦ એનું પેટ અણીદાર ઠીકરાં જેવું છે;

એ કાદવમાંથી પસાર થાય ત્યારે ઊંડાં નિશાન* છોડી જાય છે.+

૩૧ હાંડલામાં પાણી ઊકળતું હોય એમ એ ઊંડા પાણીને ઉકાળે છે;

હાંડલામાં ઊકળતા તેલની જેમ એ સમુદ્રને ડહોળે છે.

૩૨ એ પાણીમાં પોતાની પાછળ ચમકતો લીસોટો છોડી જાય છે,

જાણે સમુદ્રને સફેદ વાળ ઊગી નીકળ્યા ન હોય!

૩૩ આખી પૃથ્વી પર એના જેવું બીજું કોઈ પ્રાણી નથી,

એને કોઈનો ડર નથી.

૩૪ બધાં ગર્વિષ્ઠ પ્રાણીઓની સામે એ ઘૂરીઘૂરીને જુએ છે,

અને સર્વ મહાકાય જાનવરોનો એ રાજા છે.”

૪૨ પછી અયૂબે યહોવાને જવાબમાં કહ્યું:

 ૨ “હવે હું જાણું છું કે તમે બધું જ કરી શકો છો;

એવું કંઈ નથી, જે તમે નક્કી કર્યું હોય અને પૂરું ન કરી શકો.+

 ૩ તમે કહ્યું હતું, ‘આ કોણ છે, જે અક્કલ વગર મારી સલાહને મારી-મચકોડીને જણાવે છે?’+

એ તો હું બોલ્યો હતો, હું કંઈ પણ સમજ્યા વગર બોલ્યો હતો.

એ બધી અદ્‍ભુત વાતો વિશે બોલ્યો હતો, જેના વિશે મને કંઈ ખબર નથી.+

 ૪ તમે કહ્યું હતું, ‘હવે હું બોલીશ અને તું મારું સાંભળ.

હું તને સવાલ પૂછીશ અને તું મને જવાબ આપ.’+

 ૫ મારા કાનોએ તમારા વિશે સાંભળ્યું હતું,

પણ હવે મારી આંખોએ તમને જોયા છે.

 ૬ એટલે હું મારા શબ્દો પાછા લઉં છું,+

ધૂળ અને રાખમાં બેસીને પસ્તાવો કરું છું.”+

૭ આમ યહોવાએ અયૂબ સાથે વાત પૂરી કરી. પછી યહોવાએ અલીફાઝ તેમાનીને કહ્યું:

“મારો ગુસ્સો તારા પર અને તારા બે મિત્રો પર સળગી ઊઠ્યો છે,+ કેમ કે જેમ મારો સેવક અયૂબ મારા વિશે સાચું બોલ્યો, તેમ તમે બોલ્યા નથી.+ ૮ હવે સાત આખલા* અને સાત નર ઘેટા લઈને મારા સેવક અયૂબ પાસે જા. તું અને તારા મિત્રો તમારા માટે અગ્‍નિ-અર્પણ ચઢાવો. મારો સેવક અયૂબ તમારા માટે પ્રાર્થના કરશે.+ મારા સેવક અયૂબની જેમ તમે મારા વિશે સાચું બોલ્યા નથી. છતાં તેની વિનંતી સ્વીકારીને* હું તમારી મૂર્ખતાની સજા તમને નહિ આપું.”

૯ અલીફાઝ તેમાની, બિલ્દાદ શૂહી અને સોફાર નાઅમાથીએ યહોવાના કહ્યા પ્રમાણે કર્યું. અને યહોવાએ અયૂબની પ્રાર્થના સ્વીકારી.

૧૦ અયૂબે પોતાના મિત્રો માટે પ્રાર્થના કરી+ એ પછી યહોવાએ અયૂબની દુઃખ-તકલીફો દૂર કરી+ અને તેની સમૃદ્ધિ પાછી આપી.* અયૂબ પાસે પહેલાં જે હતું, એના કરતાં બમણું યહોવાએ તેને આપ્યું.+ ૧૧ તેનાં બધાં ભાઈ-બહેનો અને જૂના મિત્રો+ તેને મળવા આવ્યાં. તેઓ તેના ઘરમાં તેની સાથે જમ્યાં અને તેને સહાનુભૂતિ બતાવી. યહોવાએ જે આફતો તેના પર આવવાની પરવાનગી આપી હતી, એ માટે તેને દિલાસો આપ્યો. તેઓ દરેકે તેને ચાંદીનો એક ટુકડો અને સોનાની એક કડી આપી.

૧૨ આમ યહોવાએ અયૂબને અગાઉના દિવસો કરતાં પાછલા દિવસોમાં વધારે આશીર્વાદ આપ્યો.+ અયૂબ ૧૪,૦૦૦ ઘેટાં, ૬,૦૦૦ ઊંટો, ૧,૦૦૦ જોડ ઢોરઢાંક અને ૧,૦૦૦ ગધેડીઓનો માલિક બન્યો.+ ૧૩ તેને બીજાં સાત દીકરાઓ અને ત્રણ દીકરીઓ થયાં.+ ૧૪ તેણે પહેલી દીકરીનું નામ યમીમાહ, બીજીનું નામ કસીઆહ અને ત્રીજીનું નામ કેરેન-હાપ્પૂખ પાડ્યું. ૧૫ આખા દેશમાં અયૂબની દીકરીઓ જેવી ખૂબસૂરત સ્ત્રીઓ બીજી કોઈ ન હતી. અયૂબે પોતાના દીકરાઓની સાથે સાથે પોતાની દીકરીઓને પણ વારસામાં હિસ્સો આપ્યો.

૧૬ ત્યાર બાદ અયૂબ ૧૪૦ વર્ષ જીવ્યો. તેણે પોતાનાં બાળકો અને પૌત્રો-પૌત્રીઓ, હા, ચાર પેઢીઓ જોઈ. ૧૭ આખરે, ખૂબ લાંબું અને સંતોષકારક જીવન જીવીને અયૂબ ગુજરી ગયો.

કદાચ એનો અર્થ, “દુશ્મનીનો શિકાર બનેલો.”

અથવા, “નિર્દોષ અને સીધો-સાદો.” શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “ઢોરઢાંકની ૫૦૦ જોડ.”

અથવા, “પોતાના વારા પ્રમાણે.”

શબ્દસૂચિ જુઓ.

એ હિબ્રૂ રૂઢિપ્રયોગ દૂતોને રજૂ કરે છે. શબ્દસૂચિમાં “દૂતો” જુઓ.

વધારે માહિતી ક-૪ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “નિર્દોષ અને સીધો-સાદો.”

મૂળ, “આખલા.”

અથવા કદાચ, “વીજળી પડી.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિમાં “શોક” જુઓ.

અથવા, “ઈશ્વરે કંઈક ખોટું કર્યું છે, એવો આરોપ મૂક્યો નહિ.”

એ હિબ્રૂ રૂઢિપ્રયોગ દૂતોને રજૂ કરે છે. શબ્દસૂચિમાં “દૂતો” જુઓ.

અથવા, “નિર્દોષ અને સીધો-સાદો.” શબ્દસૂચિ જુઓ.

અથવા, “ભયંકર ચાંદાંથી.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ઓળખીતાઓ.”

અથવા, “તેમાન કુળના અલીફાઝ.”

અથવા, “શૂહ કુળના બિલ્દાદ.”

અથવા, “નાઅમાથ કુળના સોફારે.”

શબ્દસૂચિમાં “શોક” જુઓ.

મૂળ, “દીકરાનો ગર્ભ રહ્યો છે!”

અથવા, “અંધકાર અને મૃત્યુછાયા.”

હિબ્રૂ, લિવયાથાન. શબ્દસૂચિમાં “લિવયાથાન” જુઓ.

અથવા કદાચ, “જેઓએ પોતાના માટે વેરાન જગ્યાઓ બનાવી છે.”

અથવા, “ઉચ્ચ અધિકારીઓ.”

અથવા, “મામૂલી અને મહાન લોકો.”

મૂળ, “તું થાકી ગયો છે.”

અથવા, “જેઓ કાવતરું ઘડે છે.”

અથવા, “અદૃશ્ય શક્તિ.”

અથવા, “સંદેશવાહકોનો.” શબ્દસૂચિ જુઓ.

કદાચ દૂતોને રજૂ કરે છે.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “હું જેમતેમ બોલું છું.”

અથવા, “અતૂટ પ્રેમ બતાવતો નથી.”

મૂળ, “ભાઈઓ.”

અથવા, “સબાઈમના.”

શબ્દસૂચિ જુઓ.

એટલે કે, અનાથ બાળક કોનો દાસ બનશે એ જોવા ચિઠ્ઠી ઉછાળે છે.

અથવા, “સોય.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “શ્વાસ.”

મૂળ, “તેના પર મન લગાડો?”

અથવા, “તારા શબ્દો વંટોળિયા જેવા છે!”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “તારા માટે ઊભા થશે.”

અહીં નદી નજીકના કાદવ-કીચડની વાત થાય છે.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ઈશ્વર-વિરોધીની.”

મૂળ, “ઘરની.”

મૂળ, “ઘર.”

અથવા, “નિર્દોષ.”

અથવા, “સાથ નહિ આપે.”

અથવા, “તેમને અદાલતમાં લઈ જવા ચાહે.”

અથવા, “કાઢી નાખે છે.”

એ હિબ્રૂ નામ છે. એ કદાચ સપ્તર્ષિ નક્ષત્રને બતાવે છે.

એ હિબ્રૂ નામ છે. એ કદાચ મૃગશીર્ષ નક્ષત્રને બતાવે છે.

એ હિબ્રૂ નામ છે. એ કદાચ કૃત્તિકા નક્ષત્રને બતાવે છે.

એ કદાચ સમુદ્રના મહાકાય પ્રાણીને રજૂ કરે છે. શબ્દસૂચિ જુઓ.

અથવા કદાચ, “મારા પર આરોપ મૂકનાર.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “હું નિર્દોષ હોઉં તોપણ.”

અથવા, “હું નિર્દોષ હોઉં તોપણ.”

અથવા, “જેઓ પ્રમાણિકતા જાળવી રાખે છે તેઓનો.”

અથવા, “દોડનાર.”

મૂળ, “બરુથી બનેલી હોડીની.”

અથવા, “ક્ષારથી.” રાખથી બનાવેલો એક પ્રકારનો સાબુ.

મૂળ, “અમારા બંને પર કોણ હાથ મૂકશે?”

અથવા, “મને મારી માના ગર્ભમાં.”

અથવા, “મને ગર્ભમાં.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ખુશી.”

અથવા, “અંધકાર અને મૃત્યુછાયાના.”

અથવા, “શું ડંફાસ મારનાર સાચો સાબિત થશે?”

અથવા, “સર્વશક્તિમાનનો પાર પામી શકે?”

શબ્દસૂચિમાં “કબર” જુઓ.

અથવા, “લપસી જાય છે.”

અથવા કદાચ, “પૃથ્વી સાથે વાત કર.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “વડીલોની.”

મૂળ, “બળવાનના પટ્ટા ઢીલા કરે છે.”

મૂળ, “મન.”

અથવા, “તે મને મારી નાખે તોપણ.”

અથવા, “ઈશ્વર-વિરોધી.”

અથવા કદાચ, “જો કોઈ હોય, તો હું ચૂપ રહીશ અને મરી જઈશ.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ફૂદાં.”

મૂળ, “તેનો.” કદાચ અયૂબને રજૂ કરે છે.

અથવા કદાચ, “કાપી નંખાય છે.”

મૂળ, “મને.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “જોવાની ઝંખના રાખશો.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “તે પૂર્વના પવનથી પોતાનું પેટ.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “તારા અપરાધો જ તારા મોંને શીખવે છે.”

મૂળ, “પવિત્ર જનો.”

અથવા, “જીતવાની કોશિશ કરે છે.”

અહીં ‘ચરબી’ સમૃદ્ધિ, વૈભવ અને ઘમંડને રજૂ કરે છે.

એટલે કે, બચવાની કોઈ આશા નહિ રહે.

મૂળ, “તેમનો.”

અથવા, “ઈશ્વર-વિરોધીઓની.”

અથવા, “બળ.” મૂળ, “શિંગ.”

અથવા, “મૃત્યુછાયા.”

અથવા કદાચ, “એ રીતે જોઉં છું જાણે ઉજાગરા કર્યા હોય.”

મૂળ, “કહેવતરૂપ.”

અથવા, “પડછાયો બની ગયાં છે.”

અથવા, “ઈશ્વર-વિરોધીઓને.”

મૂળ, “જેના હાથ શુદ્ધ છે એ.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “કબરને.”

શબ્દસૂચિ જુઓ.

એ કદાચ અયૂબને, તેના જેવા લોકોને કે તેને હમદર્દી બતાવનારા લોકોને રજૂ કરે છે.

અથવા કદાચ, “અશુદ્ધ.”

અથવા, “લંગડાશે.”

મૂળ, “મરણનો પ્રથમ જન્મેલો.”

અથવા, “કરુણ મોત.”

મૂળ, “જેઓ તેના નથી, તેઓ.”

અથવા, “હંગામી નિવાસમાં.”

અથવા, “મારું અપમાન કર્યું છે.”

અથવા, “સગાં-સંબંધીઓએ.”

મૂળ, “મારા ગર્ભના દીકરાઓ.” એટલે કે, જે ગર્ભથી મારો જન્મ થયો (મારી માનો ગર્ભ).

મૂળ, “કેમ મારા માંસથી પણ ધરાતા નથી?”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “આદમને; માણસજાતને.”

અથવા, “ઈશ્વર-વિરોધીનો.”

અથવા, “પિત્ત.”

મૂળ, “તે.”

અથવા, “શક્તિશાળી.”

અથવા, “એક પળમાં.” એટલે કે, દુઃખ સહ્યા વગર તરત મરી જાય છે.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “સલાહ; યોજનાઓ.”

અથવા, “શું કોઈ માણસ ઈશ્વરને જ્ઞાનની વાતો શીખવી શકે?”

મૂળ, “તેનાં હાડકાં મજ્જાથી ભરેલાં હોય છે.”

અથવા કદાચ, “મને ઈજા પહોંચાડવા.”

અથવા, “ખીણનાં.”

મૂળ, “તે આખી માણસજાતને પોતાની પાછળ ખેંચી જશે.”

અથવા, “શું સર્વશક્તિમાન ખુશ થાય છે?”

અથવા, “પિતા વગરનાં.”

મૂળ, “પક્ષી પકડવાની જાળ.”

અથવા, “મરણે જેઓનું જીવન સમય પહેલાં ઝૂંટવી લીધું છે.”

મૂળ, “નદીથી.”

અથવા, “સોનાની લગડીઓ.”

સૌથી સારા સોના માટે જાણીતી જગ્યા.

અથવા, “સોનાની લગડીઓ.”

અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

એટલે કે, ન્યાયનો દિવસ.

અથવા, “હદની નિશાની ખસેડે છે.”

અથવા, “ચરાવવાની જગ્યામાં.”

અથવા, “પિતા વગરનાં.”

અથવા કદાચ, “ઘાસ કાપે છે.”

અથવા કદાચ, “તેલ પીલે છે.”

અથવા કદાચ, “ઈશ્વર કોઈને ગુનેગાર ગણતા નથી.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “ગર્ભ.”

મૂળ, “તે.”

મૂળ, “તે.”

મૂળ, “માર્ગ.”

અથવા, “પવિત્ર.”

અથવા, “સહેલાઈથી; ભરપૂરપણે.”

મૂળ, “કોનો શ્વાસ તારામાંથી નીકળે છે?”

શબ્દસૂચિ જુઓ.

હિબ્રૂ, અબદ્દોન. શબ્દસૂચિમાં “અબદ્દોન” જુઓ.

મૂળ, “ઉત્તરને.”

મૂળ, “વર્તુળ દોરે છે.”

મૂળ, “રાહાબના.” શબ્દસૂચિમાં “રાહાબ” જુઓ.

અથવા, “શ્વાસથી.”

મૂળ, “કાવ્યાત્મક દલીલ.”

શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “છોડીશ નહિ.”

અથવા, “મને મહેણાં મારશે નહિ.”

અથવા, “ઈશ્વર-વિરોધીનું.”

અથવા કદાચ, “ઈશ્વરના હાથથી.”

અથવા કદાચ, “તેઓ તેની સામે તાળીઓ પાડશે અને પોતાની જગ્યાએથી સીટી વગાડશે.”

અથવા, “ધાતુઓ.”

દેખીતું છે, એ ખાણ ખોદવાના કામને બતાવે છે.

સૌથી સારા સોના માટે જાણીતી જગ્યા.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “પરવાળાં.”

અથવા, “ઇથિયોપિયા.”

મૂળ, “વજન.”

શબ્દસૂચિમાં “ઈશ્વરનો ડર” જુઓ.

મૂળ, “કાવ્યાત્મક દલીલ.”

અથવા, “ચાકરો.”

મૂળ, “સંતાઈ જતા.”

અથવા, “પિતા વગરના બાળક.”

અથવા, “બાંય વગરના ઝભ્ભા.”

મૂળ, “માળામાં.”

મૂળ, “કાન પર વરસાદનાં ટીપાંની જેમ વરસતા.”

અથવા કદાચ, “તેઓ મારા મોંનું તેજ ઝાંખું ન પાડતા.”

હિબ્રૂ, રોતેમ. રણપ્રદેશમાં ઊગતું ઝાડવું.

અથવા, “કૌવચ.” એક વનસ્પતિ જેનાં પાન, ફૂલ અને ફળને રુવાંટી હોય છે અને એને અડવાથી શરીર પર ખંજવાળ આવે છે.

મૂળ, “કહેવતરૂપ.”

અથવા, “લગામ છૂટી મૂકી હોય એ રીતે.”

અથવા કદાચ, “તેઓને કોઈની મદદની જરૂર નથી.”

એ કદાચ ચામડીને બતાવે છે.

અથવા કદાચ, “અપાર વેદનાએ મારો દેખાવ બગાડી નાખ્યો છે.”

અથવા કદાચ, “આફતમાં પીગળાવી દો છો.”

મૂળ, “શાહમૃગની દીકરીઓનો.”

અથવા કદાચ, “તાવને.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “કુમારિકાને.”

અથવા, “બીજી કોઈ સ્ત્રીને હું વાસનાભરી નજરે જોઈશ નહિ.”

અથવા કદાચ, “જૂઠા માણસો સાથે.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “મારા વંશજોને ઉખેડી નાખવામાં આવે.”

અથવા, “જાતીય સંબંધ બાંધે.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “નાશ થાય ત્યાં સુધી ભરખી જશે.”

અથવા, “જડમૂળથી ઉખેડી નાખશે.”

અથવા, “મુકદ્દમો.”

અથવા કદાચ, “જો શહેરના દરવાજે બેઠેલા ન્યાયાધીશોને મારા પક્ષના જાણીને મેં કોઈ અનાથ પર હાથ ઉગામ્યો હોય.”

દેખીતું છે, એ મૂર્તિપૂજાની એક રીત છે.

અથવા, “તંબુના.”

મૂળ, “માંસ ખાધું.”

અથવા, “પરદેશીએ.”

અથવા, “સહી કરીને.”

એટલે કે, ખેતર ખેડવાથી પડતો લાંબો આંકો.

અથવા, “અયૂબ પોતાની નજરમાં નેક હતો.”

અથવા, “બૂઝી કુળના બારાકેલનો.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ઠપકો આપી શક્યો નહિ.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “કોઈની ખુશામત કરવા તેને ખિતાબ આપીશ નહિ.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “શિખામણ પર મહોર મારે છે.”

અથવા, “ખાડામાં.”

અથવા, “હથિયારથી.”

અથવા, “ખાડા.”

અથવા, “સંદેશવાહક.”

અથવા, “ખાડામાં.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “માંસ.”

મૂળ, “તાજગીભર્યું.”

અથવા, “જાહેર કરશે.”

અથવા કદાચ, “એનાથી મને કંઈ લાભ થયો નથી.”

અથવા, “ખાડામાં.”

અથવા, “ખાડામાંથી.”

મૂળ, “મન.”

શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.

અથવા, “તે દીન લોકોના ભોગે અધિકારીઓનો પક્ષ લેતા નથી.”

અથવા, “ઈશ્વર-વિરોધી.”

અથવા કદાચ, “હે પિતા, અયૂબની.”

અહીં કદાચ ઈશ્વરની વાત થઈ રહી છે.

અથવા, “જૂઠાણું.”

અથવા કદાચ, “તે રાજાઓને રાજગાદીએ બેસાડે છે.”

અથવા, “હથિયારથી.”

અથવા, “ઈશ્વર-વિરોધી.”

મંદિરમાં બીજા પુરુષો સાથે જાતીય સંબંધ બાંધવા રાખેલા પુરુષો.

અથવા કદાચ, “જીવનનો અંત લાવે છે.”

મૂળ, “તે.”

મૂળ, “તેઓના કાન ખોલે છે.”

અથવા, “તાળી પાડીને તેઓનો તિરસ્કાર કરવા.”

અથવા કદાચ, “તેમના માર્ગની નિંદા કોણ કરી શકે?; તેમની પાસે હિસાબ કોણ માંગી શકે?”

અથવા, “તેમનાં વર્ષોની સંખ્યા આંકી શકાય નહિ.”

અથવા, “તંબુમાંથી.”

મૂળ, “પ્રકાશ.”

અથવા કદાચ, “લોકોનો પક્ષ લે છે.”

અથવા કદાચ, “શું.”

મૂળ, “હાથ પર મહોર મારે છે.”

મૂળ, “સોટી મારવા.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “આજ્ઞા આપે છે?”

એટલે કે, સૂર્ય.

અથવા, “પોતાનું ન્યાયીપણું.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિમાં “દિવસનો તારો” જુઓ.

એ હિબ્રૂ રૂઢિપ્રયોગ દૂતોને રજૂ કરે છે. શબ્દસૂચિમાં “દૂતો” જુઓ.

અથવા, “મૃત્યુછાયાનાં.”

અથવા કદાચ, “વીજળી.”

એ હિબ્રૂ નામ છે. એ કદાચ કૃત્તિકા નક્ષત્રને બતાવે છે.

એ હિબ્રૂ નામ છે. એ કદાચ મૃગશીર્ષ નક્ષત્રને બતાવે છે.

હિબ્રૂ, મઝ્ઝારોથ. ૨રા ૨૩:૫માં એને મળતો આવતો શબ્દ બહુવચનમાં વપરાયો છે, જે રાશિનાં નક્ષત્રોને બતાવે છે.

એ હિબ્રૂ નામ છે. એ કદાચ સપ્તર્ષિ નક્ષત્રને બતાવે છે.

મૂળ, “દીકરાઓને.”

અથવા કદાચ, “તેમનો.”

અથવા કદાચ, “માણસોમાં.”

અથવા કદાચ, “મનને.”

અથવા, “ગભાણમાં.”

અથવા, “ખીણની જમીન તૈયાર કરવા.”

મૂળ, “દાણા.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “બુદ્ધિ ભુલાવી દીધી છે.”

મૂળ, “હથિયારને મળવા.”

મૂળ, “જમીનને ગળી જાય છે.”

અથવા કદાચ, “એને માનવામાં આવતું નથી.”

અથવા, “ન્યાયને રદ કરીશ?”

મૂળ, “તેઓનાં મોંને.”

અથવા, “તારા વખાણ કરીશ.”

હિબ્રૂ, બહેમોથ. એટલે કે, હિપોપોટેમસ.

અંગ્રેજી, પોપ્લર. હિબ્રૂમાં વપરાયેલો શબ્દ મધ્ય પૂર્વમાં નદી કિનારે ઊગતાં વૃક્ષોને બતાવે છે.

મૂળ, “ફાંદાથી.”

હિબ્રૂ, લિવયાથાન. શબ્દસૂચિમાં “લિવયાથાન” જુઓ.

મૂળ, “ઘાસથી બનેલું દોરડું.”

મૂળ, “કાંટાથી.”

અથવા, “તું ઢળી પડશે.”

અથવા કદાચ, “એનાં ભીંગડાં એનું ઘમંડ છે.”

અથવા, “એ છીંકોટો કરે.”

અહીં અનાજ મસળવાના સાધનથી પડતા હોય એવાં નિશાનની વાત થાય છે.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “તેનું મોં ઊંચું કરીને.”

મૂળ, “યહોવાએ અયૂબની દુર્દશા ફેરવી નાખી.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો