યુવાનોને રોશની આપતો વિડીયો
તમે યંગ પીપલ આસ્ક—હાઉ કેન આઈ મેક રીયલ ફ્રેન્ડ્સ?a વિડીયો કૅસેટ જોઈ છે? એ જોઈને ઘણા યુવાનોએ તેમના જીવનમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે. શા માટે? કેમ કે આ વિડીયો બાઇબલમાંથી સારાં સૂચનો આપે છે. એમાં અનેક યુવાનોની દિલની વાતો સંભળાઈ છે. વળી, એમાં બાઇબલ અહેવાલ પર દીનાહ વિષેનો ડ્રામા પણ છે, જે જોઈને એનો બોધ, દિલ સુધી પહોંચે છે. (ઉત્પત્તિ, અધ્યાય ૩૪) જુઓ કે મૅક્સિકોથી અમુક યુવાનો આ વિડીયો વિષે શું કહે છે:
માર્થા કહે છે: “મને લાગ્યું કે આ વિડીયો ફક્ત મારા માટે જ બનાવવામાં આવી છે. એ જોઈને મારા દિલમાં ઊંડી છાપ પડી. મને હંમેશાં એમ હતું કે મારા સ્કૂલના મિત્રો અને શિક્ષકો જાણે કે હું યહોવાહની સાક્ષી છું એ જ પૂરતું છે. પણ હું નામ પૂરતી જ સાક્ષી હતી. યહોવાહ વિષે હું કોઈની સાથે વાત કરતી ન હતી. પરંતુ, હું બહુ જ ખુશ છું કે યહોવાહ આપણા બધા માટે આવું સરસ શિક્ષણ આપે છે. ખાસ કરીને આ વિડીયો જેવી માહિતીથી, જેણે મારું દિલ જીતી લીધું.”
હ્યાન કાર્લોસ કહે છે: “વિડીયો જોઈને હું ખૂબ જ વિચારવા લાગ્યો. ડ્રામાના પાત્રો જોઈને મને લાગે છે કે હું પણ એવો જ હતો. મેં જીવનમાં ઘણી ભૂલો કરી છે. લોકોને લાગતું કે હું ડાહ્યો છું, પણ ચૂપકે ચૂપકે હું ખરાબ કામો કરતો હતો. પણ મને ખબર પડી કે આવા ઢોંગથી પાછળથી મને જ દુઃખ થશે. આ વિડીયો જોઈને મેં મનમાં ગાંઠ વાળી કે હવેથી હું યહોવાહને જ ખુશ કરીશ.”
સુલેમ દિલ ખોલીને કહે છે: “વિડીયો જોઈને હું રડવા માંડી. મેં હમણાંથી બાઇબલ વાંચવાનું બંધ કરી દીધું હતું, અને માંડ માંડ યહોવાહને પ્રાર્થના કરતી હતી. મેં જ્યારે વિડીયોમાં અનેક યુવાનોના અનુભવો સાંભળ્યા ત્યારે, એની મારા પર ઊંડી અસર પડી. તેઓને સાંભળીને હું ફરીથી બાઇબલનો અભ્યાસ અને દિલથી યહોવાહને પ્રાર્થના કરવા લાગી.”
આજની દુનિયામાં યુવાનોને ઘણી મુસીબતો સામે લડવું પડે છે. વળી, તેઓના દિલોજાન દોસ્તો કેવા છે, એના પરથી તેઓ સુખી કે દુઃખી થઈ શકે છે. (ગીતશાસ્ત્ર ૨૬:૪; નીતિવચનો ૧૩:૨૦) યંગ પીપલ આસ્ક—હાઉ કેન આઈ મેક રીયલ ફ્રેન્ડ્સ? વિડીયો જોઈને ઘણા યુવાનો જીવનની મુસીબતોમાં સારા પગલાં લઈ રહ્યા છે.
[ફુટનોટ્સ]
a યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલી વિડીયો કૅસેટ