વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w22 ઑક્ટોબર પાન ૨૯-૩૧
  • ઇઝરાયેલીઓ યુદ્ધોમાં ભાગ લેતા હતા, તો શું આપણે પણ યુદ્ધોમાં ભાગ લઈ શકીએ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઇઝરાયેલીઓ યુદ્ધોમાં ભાગ લેતા હતા, તો શું આપણે પણ યુદ્ધોમાં ભાગ લઈ શકીએ?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • ૧. ઈશ્વરના લોકો એક જ પ્રજાનો ભાગ હતા
  • ૨. યહોવાએ ઇઝરાયેલીઓને યુદ્ધ કરવાની આજ્ઞા આપી હતી
  • ૩. યહોવામાં શ્રદ્ધા મૂકનારાઓ પર ઇઝરાયેલીઓએ રહેમ કરી
  • ૪. યુદ્ધો વખતે ઇઝરાયેલીઓએ યહોવાના નિયમો પાળવાના હતા
  • ૫. યહોવા ઇઝરાયેલીઓ વતી લડ્યા
  • સાચા ખ્રિસ્તીઓ શાંતિ જાળવે છે
  • યુદ્ધ શું હંમેશ માટે રહેશે?
    સજાગ બનો!—૧૯૯૯
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
w22 ઑક્ટોબર પાન ૨૯-૩૧
આસા રાજા ઘોડા પર સવાર છે અને સૈનિકોની યુદ્ધમાં આગેવાની લે છે.

ઇઝરાયેલીઓ યુદ્ધોમાં ભાગ લેતા હતા, તો શું આપણે પણ યુદ્ધોમાં ભાગ લઈ શકીએ?

બીજા વિશ્વયુદ્ધની વાત છે. એક નાઝી અધિકારીએ યહોવાના સાક્ષીઓને જોરથી ખખડાવ્યા અને કહ્યું, “જો તમે ફ્રાંસ કે ઇંગ્લૅન્ડ વિરુદ્ધ હથિયાર નહિ ઉપાડો તો અમે એક એકને પતાવી દઈશું.” ત્યાં આસપાસ ઘણા નાઝી સૈનિકો હથિયાર લઈને ઊભા હતા. તોપણ એકેય યહોવાનો સાક્ષી તેઓથી ડર્યો નહિ અને હાર ન માની. તેઓએ જબર હિંમત બતાવી! એનાથી ખબર પડે છે કે યહોવાના સાક્ષીઓ યુદ્ધોમાં ભાગ લેતા નથી. ભલે જીવ જોખમમાં હોય, તોપણ તેઓ દુનિયાનાં લડાઈ-ઝઘડામાં કોઈનો પક્ષ લેતા નથી.

પણ ખ્રિસ્તી હોવાનો દાવો કરતા ઘણા લોકો એ વાતથી સહમત નથી. તેઓ માને છે કે ખ્રિસ્તીઓએ પોતાના દેશ માટે લડવું જોઈએ. તેઓ કહે છે: ‘પહેલાંના સમયના ઇઝરાયેલીઓ ઈશ્વરના લોકો હતા. જો તેઓ યુદ્ધોમાં ભાગ લઈ શકતા હતા, તો આજે ખ્રિસ્તીઓ કેમ નહિ?’ આપણે તેઓને સમજાવી શકીએ કે ઇઝરાયેલીઓ અને આપણા સંજોગોમાં આભ-જમીનનો ફરક છે. ચાલો એ વિશે પાંચ મુદ્દા જોઈએ.

૧. ઈશ્વરના લોકો એક જ પ્રજાનો ભાગ હતા

પહેલાંના સમયમાં યહોવાના લોકો એક જ પ્રજાનો એટલે કે, ઇઝરાયેલી પ્રજાનો ભાગ હતા. યહોવાએ તેઓ વિશે કીધું હતું કે ‘બધી પ્રજાઓમાંથી તમે મારી ખાસ સંપત્તિ છો.’ (નિર્ગ. ૧૯:૫) યહોવાએ તેઓને રહેવા માટે એક વિસ્તાર પણ આપ્યો હતો. એટલે યહોવાએ તેઓને યુદ્ધ કરવાનું કીધું ત્યારે તેઓ પોતાના લોકો સામે નહિ, પણ બીજા દેશો સામે લડી રહ્યા હતા.a

આજે યહોવાના લોકો “દરેક દેશ, કુળ, પ્રજા અને બોલીમાંથી” છે. (પ્રકટી. ૭:૯) એટલે જો તેઓ યુદ્ધોમાં ભાગ લે તો કદાચ સામે પક્ષે તેઓનાં જ ભાઈ-બહેનો હોય અને તેઓ એકબીજાનો જીવ લઈ બેસે.

૨. યહોવાએ ઇઝરાયેલીઓને યુદ્ધ કરવાની આજ્ઞા આપી હતી

પહેલાંના સમયમાં યહોવા નક્કી કરતા હતા કે ઇઝરાયેલીઓ ક્યારે અને કયા કારણને લીધે યુદ્ધ કરશે. જેમ કે, યહોવાએ ઇઝરાયેલીઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું, ત્યાં કનાનીઓ રહેતા હતા. તેઓ દુષ્ટ દૂતોને ભજતા હતા, વ્યભિચાર જેવાં ગંદાં કામો કરતા હતા અને બાળકોનું બલિદાન ચઢાવતા હતા. યહોવા ચાહતા ન હતા કે ઇઝરાયેલીઓ પર એ કનાનીઓની ખરાબ અસર પડે. એટલે તેમણે ઇઝરાયેલીઓને આજ્ઞા આપી કે યુદ્ધ કરીને કનાનીઓનો સફાયો કરી નાખે. (લેવી. ૧૮:૨૪, ૨૫) ઇઝરાયેલીઓ વચનના દેશમાં ગયા એ પછી પણ દુશ્મનો તેઓને હેરાન-પરેશાન કરતા હતા. એટલે કેટલીક વાર યહોવાએ ઇઝરાયેલીઓને આજ્ઞા આપી કે તેઓ પોતાના રક્ષણ માટે યુદ્ધ કરે. (૨ શમુ. ૫:૧૭-૨૫) જોકે યહોવાએ ક્યારેય ઇઝરાયેલીઓને એ નક્કી કરવાનો અધિકાર ન આપ્યો કે તેઓ પોતાની મરજીથી યુદ્ધ કરવા જાય. પણ જ્યારે ઇઝરાયેલીઓ પોતાની હદ વટાવીને યુદ્ધ લડવા જતા ત્યારે તેઓએ એનાં ખરાબ પરિણામ ભોગવવાં પડતાં.—ગણ. ૧૪:૪૧-૪૫; ૨ કાળ. ૩૫:૨૦-૨૪.

આજે યહોવાએ માણસોને યુદ્ધ કરવાનો હક નથી આપ્યો. પણ ઘણા દેશો એકબીજા સામે યુદ્ધ કરે છે. તેઓ પોતાના ફાયદા માટે જ લડે છે. એમાં ઈશ્વરનો કોઈ હેતુ પૂરો થતો નથી. તેઓ ઘણી વાર પોતાની સરહદ વધારવા, અમીર બનવા અથવા રાજકીય મુદ્દાઓને લીધે યુદ્ધ કરે છે. અમુક લોકો ધર્મના નામે યુદ્ધ કરે છે. તેઓ દાવો કરે છે કે તેઓ ઈશ્વરના દુશ્મનોનો ખાતમો બોલાવવા અથવા પોતાના ધર્મનું રક્ષણ કરવા યુદ્ધ કરે છે. પણ ઈશ્વરભક્તોને ખબર છે કે યહોવા ખુદ પોતાના ભક્તોને બચાવશે અને દુશ્મનોનો નાશ કરશે. એવું તે હમણાં નહિ પણ ભાવિમાં કરશે, આર્માગેદનના યુદ્ધમાં કરશે. (પ્રકટી. ૧૬:૧૪, ૧૬) એ યુદ્ધમાં યહોવા પૃથ્વી પરના ભક્તોને નહિ, પણ સ્વર્ગના સૈન્યને લડવા મોકલશે.—પ્રકટી. ૧૯:૧૧-૧૫.

૩. યહોવામાં શ્રદ્ધા મૂકનારાઓ પર ઇઝરાયેલીઓએ રહેમ કરી

યરીખો શહેરનો નાશ થયો છે. રાહાબ એક વૃદ્ધ સ્ત્રીને પકડીને ચાલે છે અને પાછળ તેનાં બીજાં સગાં છે.

યહોવાએ રાહાબ અને તેના કુટુંબ પર રહેમ કરી. શું આજે યુદ્ધોમાં એવા લોકો પર રહેમ કરવામાં આવે છે, જેઓને ઈશ્વરમાં શ્રદ્ધા છે?

પહેલાંના સમયમાં ઇઝરાયેલી સૈનિકોએ ફક્ત એવા લોકોને મારી નાખ્યા, જેઓને યહોવાએ સજાને લાયક ઠરાવ્યા હતા. પણ જેઓએ યહોવામાં શ્રદ્ધા મૂકી હતી, તેઓ પર ઇઝરાયેલીઓએ દયા કરી. જેમ કે, યહોવાએ ઇઝરાયેલીઓને યરીખો શહેરનો નાશ કરવાની આજ્ઞા આપી હતી. એ વખતે ઇઝરાયેલીઓએ રાહાબ અને તેના કુટુંબનો જીવ ન લીધો. કેમ કે રાહાબે યહોવામાં શ્રદ્ધા મૂકી હતી. (યહો. ૨:૯-૧૬; ૬:૧૬, ૧૭) સમય જતાં, ઇઝરાયેલીઓએ ગિબયોન શહેરનો નાશ ન કર્યો. કેમ કે ગિબયોનીઓએ યહોવાને સાચા ઈશ્વર તરીકે સ્વીકાર્યા હતા.—યહો. ૯:૩-૯, ૧૭-૧૯.

આજે યુદ્ધોમાં સૈનિકો એ જોતા નથી કે લોકો ઈશ્વરમાં શ્રદ્ધા મૂકે છે કે નહિ. તેઓ કોઈના પર રહેમ કરતા નથી. મોટા ભાગે યુદ્ધોમાં સામાન્ય નાગરિકો પોતાનો જીવ ગુમાવે છે.

૪. યુદ્ધો વખતે ઇઝરાયેલીઓએ યહોવાના નિયમો પાળવાના હતા

પહેલાંના સમયમાં યહોવાએ ઇઝરાયેલીઓને યુદ્ધને લગતા અમુક નિયમો આપ્યા હતા. તેઓએ એ નિયમો પાળવાના હતા. જેમ કે, અમુક કિસ્સામાં યહોવાએ તેઓને જણાવ્યું કે કોઈ શહેર સામે યુદ્ધ કરતા પહેલાં ત્યાંના લોકોને ‘સુલેહ-શાંતિની શરતો’ જણાવે. (પુન. ૨૦:૧૦) યહોવાએ ઇઝરાયેલી સૈનિકોને એ પણ જણાવ્યું હતું કે તેઓ પોતાને અને છાવણીને શુદ્ધ રાખે, પોતાનું ચારિત્ર શુદ્ધ રાખે. (પુન. ૨૩:૯-૧૪) જ્યારે કે ઇઝરાયેલની આસપાસના દેશો કોઈ શહેરનો કબજો કરતા ત્યારે સૈનિકો મોટા ભાગે ત્યાંની સ્ત્રીઓ પર બળાત્કાર કરતા. પણ યહોવાએ ઇઝરાયેલીઓને એમ કરવાની સાફ ના પાડી હતી. એક ઇઝરાયેલી સૈનિક શહેરનો કબજો કર્યા પછી ત્યાંની કોઈ સ્ત્રી સાથે તરત લગ્‍ન કરી શકતો ન હતો. તેણે એક મહિના સુધી રાહ જોવાની હતી.—પુન. ૨૧:૧૦-૧૩.

આજે મોટા ભાગના દેશોએ નક્કી કર્યું છે કે તેઓ યુદ્ધમાં અમુક નિયમો પાળશે. એ નિયમો સામાન્ય નાગરિકની સલામતી માટે બનાવવામાં આવે છે. પણ દુઃખની વાત છે કે દેશો ઘણી વાર એ નિયમોને નેવે મૂકી દે છે.

૫. યહોવા ઇઝરાયેલીઓ વતી લડ્યા

યહોશુઆએ આદેશ આપ્યો કે ઇઝરાયેલીઓ બૂમ પાડે અને યાજકો રણશિંગડાં વગાડે પછી યરીખોનો કોટ તૂટી પડ્યો. પણ એ ભાગ ન પડ્યો જ્યાં લાલ રંગનું દોરડું લટકે છે.

યરીખોમાં યહોવાએ ઇઝરાયેલીઓ વતી યુદ્ધ કર્યું હતું. શું આજે તે કોઈ દેશ વતી યુદ્ધ કરે છે?

પહેલાંના સમયમાં યહોવાએ ઇઝરાયેલીઓને યુદ્ધોમાં સાથ આપ્યો હતો. તેમણે ઘણી વાર ચમત્કાર કરીને તેઓને જીત અપાવી હતી. યાદ કરો, યહોવાએ ઇઝરાયેલીઓને યરીખો શહેર પર કઈ રીતે જીત અપાવી હતી. યહોવાના કહ્યા પ્રમાણે ઇઝરાયેલીઓએ “લડાઈનો હોકારો કર્યો” અને પછી “યરીખો શહેરનો કોટ તૂટીને જમીનદોસ્ત થઈ ગયો.” આમ તેઓએ સહેલાઈથી એ શહેર જીતી લીધું. (યહો. ૬:૨૦) અમોરીઓને હરાવવા પણ યહોવાએ ઇઝરાયેલીઓને ઘણી મદદ કરી હતી. ‘યહોવાએ તેઓ પર આકાશમાંથી મોટા મોટા કરા વરસાવ્યા. અરે, ઇઝરાયેલીઓની તલવારથી જેટલા માર્યા ગયા, એનાથી વધારે લોકો કરાથી માર્યા ગયા.’—યહો. ૧૦:૬-૧૧.

આજે યહોવા કોઈ દેશ વતી યુદ્ધ કરતા નથી. તેમનું રાજ્ય “આ દુનિયાનું નથી.” એ રાજ્યના રાજા ઈસુ ખ્રિસ્ત છે. (યોહા. ૧૮:૩૬) પણ માણસોની સરકારો શેતાનની મુઠ્ઠીમાં છે. દુનિયામાં થતાં યુદ્ધો પાછળ તેનો જ હાથ છે. શેતાન નિર્દય અને દુષ્ટ છે, એટલે લોકો પણ યુદ્ધોમાં ઠંડે કલેજે એકબીજાની કતલ કરે છે.—લૂક ૪:૫, ૬; ૧ યોહા. ૫:૧૯.

સાચા ખ્રિસ્તીઓ શાંતિ જાળવે છે

આપણે જોઈ ગયા કે ઇઝરાયેલીઓ અને આપણા સંજોગોમાં આભ-જમીનનો ફરક છે. જોકે ફક્ત એ જ કારણોને લીધે નહિ, બીજાં કારણોને લીધે પણ આપણે યુદ્ધોમાં ભાગ લેતા નથી. યહોવાએ ભવિષ્યવાણી કરી હતી કે છેલ્લા દિવસોમાં તેમના ભક્તો “ફરી ક્યારેય યુદ્ધ કરવાનું શીખશે નહિ.” એટલે આપણે યુદ્ધોમાં ભાગ લેવાનું વિચારતા પણ નથી. (યશા. ૨:૨-૪) ઈસુ ખ્રિસ્તે પણ કીધું હતું કે તેમના શિષ્યો “દુનિયાના નથી” એટલે કે આ દુનિયાનો ભાગ નથી, તેઓ દુનિયાનાં લડાઈ-ઝઘડામાં કોઈનો પક્ષ લેતા નથી.—યોહા. ૧૫:૧૯.

યુદ્ધ તો દૂરની વાત, ઈસુએ પોતાના શિષ્યોને કીધું કે તેઓ મનમાં ગુસ્સો અને નફરત ભરી ન રાખે. (માથ. ૫:૨૧, ૨૨) તેમણે એમ પણ કીધું કે તેઓ એકબીજા સાથે “હળી-મળીને રહે” અને પોતાના દુશ્મનોને પ્રેમ કરે.—માથ. ૫:૯, ૪૪, ફૂટનોટ.

આજે આપણે યુદ્ધમાં જવાનું વિચારતા નથી, પણ શું મનમાં ને મનમાં કોઈ ભાઈ કે બહેનથી નારાજ છીએ? જો એમ હોય તો એવી લાગણીઓને મનમાંથી કાઢી નાખવા પૂરી કોશિશ કરીએ. (યાકૂ. ૪:૧, ૧૧) જો એમ નહિ કરીએ તો મંડળમાં ભાગલા પડી શકે છે.

આપણે યુદ્ધોમાં ભાગ લેતા નથી. પણ બધા સાથે પ્રેમ અને શાંતિથી રહેવા બનતું બધું જ કરીએ છીએ. (યોહા. ૧૩:૩૪, ૩૫) યહોવા બધા યુદ્ધોનો હંમેશ માટે અંત લાવે એ દિવસની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ. પણ એ દિવસ આવે ત્યાં સુધી આપણે નિર્ણય દૃઢ કરતા રહીએ કે દુનિયાનાં લડાઈ-ઝઘડા અને યુદ્ધોમાં કોઈનો પક્ષ નહિ લઈએ.—ગીત. ૪૬:૯.

a અમુક વાર ઇઝરાયેલનાં કુળો અંદરોઅંદર યુદ્ધ કરતાં હતાં. પણ યહોવાને એ જરાય ગમતું ન હતું. (૧ રાજા. ૧૨:૨૪) કેટલીક વાર યહોવાએ એ યુદ્ધોને મંજૂરી આપી. કેમ કે અમુક કુળો તેમની વિરુદ્ધ થઈ ગયાં હતાં અથવા તેઓએ બીજાં ગંભીર પાપ કર્યાં હતાં.—ન્યા. ૨૦:૩-૩૫; ૨ કાળ. ૧૩:૩-૧૮; ૨૫:૧૪-૨૨; ૨૮:૧-૮.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો