બાઇબલનું દૃષ્ટિબિંદુ
કાર્નિવલની ઊજવણી કરવી
ખરું કે ખોટું?
“તમે એનો પ્રતિકાર કરી જ ન શકો,” માઇકલ કહે છે. “સંગીત તમને તમારી ખુરસીમાંથી ઊભા કરી દે છે, તમારા પગ થનગનવા માંડે છે, તમારા માથામાં સ્ફૂર્તિ ભરે છે—અર્થાત્ તમને કાર્નિવલનું તાન ચઢ્યું છે!” ખરેખર, દર વર્ષે કાર્નિવલ જગત ફરતે લાખો લોકોના હૃદયનો ઉમળકો વધારે છે, પરંતુ એનું તાન માઇકલ રહે છે એ દેશ, બ્રાઝિલ, જેટલું બીજે ક્યાંય હોતું નથી. સપ્તાહમાં ભસ્મ બુધવાર અગાઉના દિવસોમાં, બ્રાઝિલવાસીઓ તેઓનો એનો સૌથી ભવ્ય પોષાક પહેરે છે, તેઓની ફરજો અને સમયપત્રકોને ફગાવી દે છે. અને એમેઝોન જંગલોથી માંડીને રિયો ડી જનૈરોના સમુદ્રતટ સુધી આખા દેશને હચમચાવતા દૃશ્યમાં ઝંપલાવે છે. એ ગાવાનો, સામ્બા નૃત્ય કરવાનો, અને ગમ ભૂલવાનો સમય હોય છે.
“એ એક કારણ છે જેને લીધે એ આટલું લોકપ્રિય છે,” માઇકલ સમજાવે છે, જેણે વર્ષો સુધી કાર્નિવલ ઉત્સાહથી ઊજવ્યું હતું. “કાર્નિવલ લોકોને પોતાનું દુ:ખ ભૂલવાનો અવસર આપે છે.” અને ખાસ કરીને લાખો ગરીબો માટે—જેઓ પૂરતા પાણી વિના, ઇલેક્ટ્રીસિટી વિના, નોકરી વિના, અને આશા વિના જીવે છે—ભૂલવાનું ઘણું હોય છે. તેઓ માટે કાર્નિવલ એસ્પિરિનની ગોળી જેવું છે: એ મટાડતી નથી, પરંતુ ઓછામાં ઓછું પીડાની સભાનતા દૂર કરે છે. એમાં કેટલાક રોમન કેથલિક પાદરીઓની કાર્નિવલની દૃષ્ટિ ઉમેરો—એક બિશપે કહ્યું કે કાર્નિવલ “લોકોની માનસિક સમતુલા માટે ઘણું જ ઉપયોગી છે.” તેથી શા માટે ઘણાને લાગે છે કે કાર્નિવલ મદદરૂપ અને આનંદપ્રમોદની ચર્ચ દ્વારા માન્ય પ્રવૃત્તિ છે એ જોવું સહેલું છે. તેમ છતાં, કાર્નિવલની ઊજવણી વિષે બાઇબલની કેવી દૃષ્ટિ છે?
આનંદ કરવો કે બેહદ મોજશોખ?
દેવનો શબ્દ કહે છે કે “હસવાનો વખત; . . . અને નૃત્ય કરવાનો વખત” હોય છે. (સભાશિક્ષક ૩:૪) “હસવા” માટેના હેબ્રી શબ્દનું ભાષાંતર “ઊજવવું” પણ થઈ શકતું હોવાથી, એ સ્પષ્ટ છે કે આપણા ઉત્પન્નકર્તાને લાગેવળગે છે ત્યાં સુધી, આપણે હિતકર, મઝાના સમયનો આનંદ માણીએ એમાં કંઈ ખોટું નથી. (જુઓ ૧ શમૂએલ ૧૮:૬, ૭.) હકીકતમાં, દેવનો શબ્દ આપણને ખુશ થવાનું અને આનંદ કરવાનું કહે છે. (સભાશિક્ષક ૩:૨૨; ૯:૭) તેથી, બાઇબલ યોગ્ય આનંદ માણવાને માન્ય કરે છે.
જોકે, બાઇબલ બધા પ્રકારના આનંદ માણવાને માન્ય કરતું નથી. પ્રેષિત પાઊલ જણાવે છે કે બેહદ મોજશોખ, અથવા કોલાહલભર્યો આનંદ કરવો, એ “દેહનાં કામ”નો ભાગ છે અને બેહદ મોજશોખ આચરનારાઓ “દેવના રાજ્યનો વારસો પામશે નહિ.” (ગલાતી ૫:૧૯-૨૧) તેથી પાઊલે ખ્રિસ્તીઓને ‘બેહદ મોજશોખમાં નહિ, પરંતુ શોભતી રીતે વર્તવાની’ શિખામણ આપી. (રૂમી ૧૩:૧૩) તેથી પ્રશ્ન એ છે કે, કાર્નિવલ કઈ કોટિમાં આવે છે—નિર્દોષ આનંદ કરવાની કે લંપટપણે બેહદ મોજશોખની? એનો જવાબ આપવા માટે, પહેલાં ચાલો આપણે વધુ સમજાવીએ કે બાઇબલ શાને બેહદ મોજશોખ તરીકે જુએ છે.
‘બેહદ મોજશોખ,’ અથવા ગ્રીકમાં કોમોસ, શબ્દ ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં ત્રણ વખત આવે છે, અને હંમેશા પ્રતિકૂળ અર્થમાં. (રૂમી ૧૩:૧૩; ગલાતી ૫:૨૧; ૧ પીતર ૪:૩) અને એમાં નવાઈ નથી કેમ કે કોમોસ શરૂઆતના ગ્રીક ભાષી ખ્રિસ્તીઓને જાણીતી કુખ્યાત ઊજવણીમાંથી પાંગરી છે. કઈ ઊજવણી?
ઇતિહાસકાર વિલ ડ્યુરાન્ટ સમજાવે છે: “ગ્રીક શબ્દાવલિમાં, કોમોસ, અથવા બેહદ મોજશોખ, . . . પવિત્ર લિંગ ઉપાડીને ડાયોનિસસના ભજનો ગાતા લોકોના ટોળાનો બનેલો છે.” ગ્રીક પૌરાણિક કથામાં દ્રાક્ષદારૂના દેવ ડાયોનિસસને પછીથી રોમનોએ સ્વીકાર્યો, અને તેનું નામ બાકસ આપ્યું. તોપણ, નામ બદલાવા છતાં કોમોસનો સંબંધ ચાલુ રહ્યો. બાઇબલ વિદ્વાન ડો. જેમ્સ મકનાઈટ લખે છે: ‘કોમોઈસ શબ્દ [કોમોસનું બહુવચનનું રૂપ] મિજબાની અને બેહદ મોજશોખના દેવ કોમસમાંથી આવે છે. એ બેહદ મોજશોખ બાકસના માનમાં કરવામાં આવતો હતો, જેને એ કારણથી કોમાસ્તેસ નામ આપવામાં આવ્યું હતું.’ હા, ડાયોનિસસ અને બાકસની ઊજવણીઓ બેહદ મોજશોખનું સ્વરૂપ હતી. એ મિજબાનીઓના કેટલાક પાસાઓ કયા હતા?
ચિત્રિત કરવામાં આવેલો બેહદ મોજશોખ
ડ્યુરાન્ટ અનુસાર, ડાયોનિસસના માનમાંની ગ્રીક મિજબાનીઓ દરમ્યાન, ઊજવણીકારોના ટોળા “બેમર્યાદપણે પીતા, અને . . . જે પોતાની બુદ્ધિ ગુમાવે નહિ તેને બુદ્ધિહીન ગણતા. તેઓ નિરંકુશ સરઘસમાં કૂચ કરતા, . . . અને જેમ જેમ તેઓ પીતા તથા નાચતા તેમ તેમ તેઓ એવી ઉન્મત્તતામાં પડતા જેમાં બધા બંધનો તોડી નાખવામાં આવતા.” એ જ ઢબ પ્રમાણે, બાકસના માનમાંના રોમન તહેવારો (જેને બાક્કનેલિયા કહે છે) એમાં મદ્યપાન અને વાસનાભર્યાં ગીતો તથા સંગીત રજૂ કરવામાં આવતાં તથા એ “ઘણાં અપમાનજનક કૃત્યો”નાં દૃશ્યો હતાં, એમ મકનાઈટ લખે છે. આમ ગ્રીક-રોમન બેહદ મોજશોખમાં ઉન્મત્ત ટોળાં, અતિશય પીવું, વાસનાભર્યાં નૃત્ય તથા સંગીત, અને અનૈતિક જાતીયતા પાયારૂપ ઘટકો બનાવતાં હતાં.
શું આજના કાર્નિવલ એ બેહદ મોજશોખ પેદા કરતા ઘટકો ધરાવે છે? કાર્નિવલની ઊજવણી વિષેના થોડાક સમાચાર અહેવાલોનો વિચાર કરો: “અત્યંત કોલાહલભર્યા ટોળાં.” “પીવાની અને આખી રાત પાર્ટી કરવાની ચાર દિવસની મિજલસ.” “બેહદ મોજશોખ કરનાર કેટલાક માટે કાર્નિવલમાં પીધેલા દારૂની અસર કેટલાય દિવસો સુધી ચાલે છે.” “નજીકમાં થઈ રહેલા, લગભગ બહેરા કરી નાખે એવા અવાજોની સરખામણીમાં ‘હેવી મેટલ’ ગાયક મંડળીના શો . . . કંઈ વિસાતમાં નથી.” “આજે, સજાતીય કુકર્મીઓ વિના કાર્નિવલની કોઈ પણ ઊજવણી મરી વિનાના સ્ટેક ઓ પ્વાવર [અસ્ત્રા વગરના હજામ] જેવી છે.” “કાર્નિવલ પૂરેપૂરી નગ્નતાનું સમાનાર્થી બન્યું છે.” કાર્નિવલ નૃત્યો “હસ્તમૈથુન . . . અને જાતીય સમાગમના વિવિધ રૂપોના દૃશ્યો” રજૂ કરે છે.
ખરેખર, આજના કાર્નિવલ અને એ પ્રાચીન મિજબાનીઓ વચ્ચે એટલું બધું સરખાપણું છે કે બાકસ માટે બેહદ મોજશોખ કરનાર વ્યક્તિ આધુનિક દિવસના કાર્નિવલની પાર્ટીની વચમાં જાગી ઊઠે તો તેને જરા પણ અજાણ્યું નહિ લાગે. અને એનાથી આપણને નવાઈ લાગવી જોઈએ નહિ, એમ બ્રાઝિલનો ટેલિવિઝન નિર્માતા ક્લોડિયો પેટ્રાલી વિવેચન કરે છે, કેમ કે તે કહે છે કે આજનું કાર્નિવલ “ડાયોનિસસ અને બાકસની મિજબાનીઓમાંથી ઉદ્ભવ્યું છે, અને ખરેખર એ કાર્નિવલની પ્રકૃતિનું જ છે.” ધ ન્યૂ એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા જણાવે છે કે કાર્નિવલ પ્રાચીન રોમના વિધર્મી સેટર્નેલિયા તહેવાર સાથે જોડાયેલું હોય શકે. તેથી કાર્નિવલ, જુદા યુગમાં હોવા છતાં, એના પૂર્વજોના કુટુંબનો જ ભાગ છે. કુટુંબનું નામ? બેહદ મોજશોખ.
એ જાણવાથી આજે ખ્રિસ્તીઓ પર કેવી અસર પડવી જોઈએ? એશિયા માઈનરના ગ્રીક અસરવાળા પ્રાંતોમાં રહેતા શરૂઆતના ખ્રિસ્તીઓ પર પડેલી અસર જેવી જ અસર. તેઓ ખ્રિસ્તીઓ બન્યા એ પહેલાં “વ્યભિચારમાં, વિષયભોગમાં, મદ્યપાનમાં, મોજશોખમાં [કોમોઈસ] તથા ધિક્કારપાત્ર મૂર્તિપૂજામાં મગ્ન હતા.” (૧ પીતર ૧:૧; ૪:૩, ૪) જોકે, દેવ એવા બેહદ મોજશોખને “અંધકારનાં કામો” તરીકે જુએ છે એ શીખ્યા પછી, તેઓએ કાર્નિવલ જેવી ઊજવણીઓમાં ભાગ લેવાનું બંધ કર્યું.—રૂમી ૧૩:૧૨-૧૪.
અગાઉ ઉલ્લેખવામાં આવેલા માઇકલે એમ જ કર્યું. તે કારણ સમજાવે છે: “બાઇબલનું મારું જ્ઞાન વધ્યું તેમ, મેં જોયું કે કાર્નિવલની ઊજવણી અને બાઇબલ સિદ્ધાંતો તેલ અને પાણી જેવાં છે—એ ભળતા નથી.” માઇકલે ૧૯૭૯માં નિર્ણય કર્યો. તેણે હંમેશ માટે કાર્નિવલની ઊજવણી છોડી દીધી. તમે કેવી પસંદગી કરશો? (g96 6/8)
Courtesy of The British Museum
ડાયોનિસસને ચિત્રિત કરતી ખ્રિસ્તીઓ પૂર્વેની એક ગ્રીક બરણી
(ડાબી આકૃતિ)