ભેદભાવ—શું તમને એ બીમારી છે?
ભેદભાવ એક બીમારી જેવો છે. એનાથી ઘણું નુકસાન થાય છે. અમુક લોકોને ખ્યાલ પણ નથી હોતો કે તેઓ આ બીમારીનો ભોગ બન્યા છે.
આજે લોકો અનેક રીતે ભેદભાવ કરે છે. અમુક લોકો બીજા દેશ, જાતિ, ભાષા કે રંગના લોકોને નફરત કરે છે. જ્યારે કે અમુક લોકો બીજાની ઉંમર, ભણતર, રંગરૂપ કે અપંગતાને લીધે તેઓને નીચા ગણે છે. તોપણ તેઓને લાગે છે કે પોતે ભેદભાવ નથી કરતા.
આપણને પણ એવું લાગી શકે. જ્યારે લોકો બીજા સાથે ભેદભાવ કરે છે, ત્યારે આપણને તરત જ ખબર પડી જાય છે. પણ આપણે ભેદભાવ કરીએ ત્યારે ખબર નથી પડતી. હકીકતમાં આપણે બધા કોઈને કોઈ રીતે ભેદભાવ કરીએ છીએ. કેટલાક લોકોના મનમાં પહેલેથી જ અમુક સમાજના લોકો માટે ખોટી ધારણા હોય છે. એ વિશે સમાજશાસ્ત્રના પ્રોફેસર ડેવિડ વિલિયમ્સ જણાવે છે: “તેઓ એ વ્યક્તિ સાથે અલગ રીતે વર્તે છે અને તેઓને એનો ખ્યાલ પણ નથી રહેતો.”
યુરોપના દક્ષિણ-પૂર્વમાં રહેતા જોવિકા સાથે કંઈ એવું જ બન્યું. એના દેશમાં એક એવી જાતિના લોકો હતા, જેઓને બીજા લોકો નફરત કરતા હતા. તે જણાવે છે: “મને થતું આ જાતિની દરેક વ્યક્તિ ખરાબ જ હોય છે. મને એવું લાગતું ન હતું કે હું ભેદભાવ કરી રહ્યો છું. હું તો માનતો હતો કે એ લોકો એવા જ હોય છે.”
ઘણી સરકારોએ જાતિવાદ અને ભેદભાવને દૂર કરવા નિયમો બનાવ્યા છે. તોપણ તેઓ ભેદભાવને જડમૂળથી કાઢી શક્યા નથી. એનું કારણ એ છે કે, ભેદભાવની શરૂઆત વ્યક્તિના મનમાં થાય છે. જો કોઈ વ્યક્તિ બીજા સાથે ભેદભાવ કરે, તો તેને સજા કરવામાં આવે છે. પણ જો વ્યક્તિના મનમાં ભેદભાવ હોય, તો કાયદા-કાનૂન કંઈ ન કરી શકે. શું ભેદભાવને પૂરેપૂરી રીતે દૂર કરી શકાય? શું આ બીમારીનો કોઈ ઇલાજ છે?
હવે પછીના લેખોમાં પાંચ સૂચનો આપ્યાં છે. ઘણા લોકોએ એને જીવનમાં લાગુ પાડ્યાં છે અને ભેદભાવને દૂર કરી શક્યા છે.