બાપ્તિસ્મા લેવા ઇચ્છે છે તેઓ માટે સવાલો
બાપ્તિસ્મા લેનારાઓ સાથે છેલ્લી ચર્ચા
મોટા ભાગે યહોવાના સાક્ષીઓના સંમેલન અને મહાસંમેલનમાં બાપ્તિસ્મા આપવામાં આવે છે. વક્તા બાપ્તિસ્માના પ્રવચનને અંતે બાપ્તિસ્મા લેનારાં ભાઈ-બહેનોને ઊભા થવા કહેશે અને આ બે સવાલોના જવાબ મોટેથી આપવાનું જણાવશે:
૧. શું તમે તમારાં પાપોનો પસ્તાવો કર્યો છે, યહોવાને જીવન સમર્પણ કર્યું છે અને ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમણે કરેલી ઉદ્ધારની ગોઠવણને સ્વીકારી છે?
૨. શું તમે એ સમજો છો કે બાપ્તિસ્મા લેવાથી તમે યહોવાના સંગઠનનો ભાગ બનશો અને યહોવાના સાક્ષી કહેવાશો?
બાપ્તિસ્મા લેનાર વ્યક્તિઓ આ સવાલોના જવાબ “હા”માં આપીને “જાહેરમાં પ્રગટ” કરે છે કે તેઓને ઈસુના બલિદાનમાં શ્રદ્ધા છે અને તેઓએ જીવન પૂરેપૂરું યહોવાને સમર્પણ કર્યું છે. (રોમ. ૧૦:૯, ૧૦) તેઓએ અગાઉથી આ બે સવાલો પર મનન કરીને પ્રાર્થના કરવી જોઈએ, જેથી તેઓ પૂરી ખાતરીથી જવાબ આપી શકે.
શું તમે પ્રાર્થનામાં યહોવાને તમારું જીવન સમર્પણ કર્યું છે, તેમને વચન આપ્યું છે કે ફક્ત તેમની જ ભક્તિ કરશો અને તેમની ઇચ્છા પૂરી કરવી એને સૌથી મહત્ત્વની ગણશો?
શું તમને હવે પૂરી ખાતરી છે કે તક મળે ને તરત જ તમારે બાપ્તિસ્મા લઈ લેવું જોઈએ?
બાપ્તિસ્મા લેતી વખતે તમારે કેવાં કપડાં પહેરવાં જોઈએ? (૧ તિમો. ૨:૯, ૧૦; યોહા. ૧૫:૧૯; ફિલિ. ૧:૧૦)
આપણે “ઈશ્વરની ભક્તિ” કરનારાઓને શોભે એ રીતે “મર્યાદા અને સમજદારી રાખીને” કપડાંની પસંદગી કરવી જોઈએ. એટલે બાપ્તિસ્મા લેનારે એવાં કપડાં કે સ્વિમિંગ સૂટ ન પહેરવાં જોઈએ, જેનાથી અંગપ્રદર્શન થતું હોય. એવાં કપડાં પણ ન પહેરવાં જોઈએ, જેના પર કંઈક લખેલું હોય કે ચિત્રો હોય. પણ ચોખ્ખા, શોભતાં અને પ્રસંગ પ્રમાણે યોગ્ય હોય એવાં કપડાં પહેરવાં જોઈએ.
બાપ્તિસ્મા લેતી વખતે વ્યક્તિએ કેવી રીતે વર્તવું જોઈએ? (લૂક ૩:૨૧, ૨૨)
ઈસુના બાપ્તિસ્માથી આજે આપણે ઘણું શીખી શકીએ છીએ. તેમનાં વર્તનથી દેખાઈ આવ્યું કે તે બાપ્તિસ્માને એક ગંભીર પગલું ગણતા હતા. એટલે બાપ્તિસ્માની જગ્યાએ મજાક-મસ્તી કે રમત કરવી ન જોઈએ, તરવું ન જોઈએ. એવું કંઈ કરવું ન જોઈએ, જેનાથી પ્રસંગની ગંભીરતા ન જળવાય. બાપ્તિસ્મા લેનારે પોતાના વર્તનથી એવું ન બતાવવું કે જાણે મોટી જંગ જીતી હોય. ખરું કે, બાપ્તિસ્મા ખુશીનો પ્રસંગ છે, પણ એ ખુશીને યોગ્ય રીતે વ્યક્ત કરવી જોઈએ.
નિયમિત સભાઓમાં જવાથી અને ભાઈ-બહેનો સાથે હળવા-મળવાથી કઈ રીતે તમને સમર્પણ પ્રમાણે જીવવા મદદ મળશે?
બાપ્તિસ્મા લીધા પછી પણ તમારે નિયમિત બાઇબલનો અભ્યાસ અને પ્રચાર કેમ કરવો જોઈએ?
મંડળના વડીલો માટે સૂચનાઓ
જ્યારે કોઈ વ્યક્તિ બાપ્તિસ્મા લેવાની ઇચ્છા બતાવે, ત્યારે તેને “બાપ્તિસ્મા લેવા ઇચ્છે છે તેઓ માટે સવાલો” ધ્યાનથી વાંચવા ઉત્તેજન આપવું જોઈએ. એ માહિતી પાન ૧૮૫-૨૦૭ પર આપેલી છે. “બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક માટે સંદેશો” ભાગ તરફ પણ તેનું ધ્યાન દોરવું જોઈએ, જે પાન ૧૮૨ પર આપેલો છે. એમાં સમજાવ્યું છે કે તેણે વડીલો સાથે સવાલોની ચર્ચા કરવા કેવી તૈયારી કરવી જોઈએ. એ ભાગમાં જણાવ્યું છે તેમ, વ્યક્તિ ચર્ચા દરમિયાન પોતાની નોંધ જોઈ શકે અને આ પુસ્તક ખુલ્લું રાખી શકે. તે વડીલો સાથે ચર્ચા કરે એ પહેલાં, બીજું કોઈ તેની સાથે એ સવાલોની ચર્ચા કરે એવું જરૂરી નથી.
જે વ્યક્તિ બાપ્તિસ્મા લેવા માંગે છે, તેણે વડીલોના જૂથના સેવકને એ વિશે જણાવવું જોઈએ. તે “બાપ્તિસ્મા લેવા ઇચ્છે છે તેઓ માટે સવાલો” વાંચી લે પછી, વડીલોના જૂથના સેવક તેને પૂછશે કે શું તેણે પ્રાર્થનામાં યહોવાને સમર્પણ કર્યું છે અને તેમની ઇચ્છા પૂરી કરવાનું વચન આપ્યું છે. જો તેણે સમર્પણ કર્યું હોય તો, વડીલોના જૂથના સેવક બે વડીલોની ગોઠવણ કરશે. તેઓ એ વ્યક્તિ સાથે “બાપ્તિસ્મા લેવા ઇચ્છે છે તેઓ માટે સવાલો” પર ચર્ચા કરશે. દરેક ભાગ અલગ અલગ વડીલ હાથ ધરશે. આ ભાગની ચર્ચા કરવા માટે સંમેલન કે મહાસંમેલનની જાહેરાત થાય એની રાહ જોવાની જરૂર નથી.
જો શક્ય હોય તો બે ભાગ આવરવા બે વખત ભેગા મળી શકાય. એ માટે દરેક વખતે એકાદ કલાક લઈ શકાય. જો જરૂર હોય તો વધારે સમય પણ લઈ શકાય. દરેક ભાગની શરૂઆતમાં અને અંતમાં પ્રાર્થના કરવી જોઈએ. બાપ્તિસ્મા લેનાર વ્યક્તિએ કે વડીલોએ સવાલો પતાવવા ઉતાવળ કરવી ન જોઈએ. વડીલોએ આ ચર્ચાને બીજી જવાબદારીઓ કરતાં વધારે મહત્ત્વ આપવું જોઈએ.
બાપ્તિસ્મા લેવા ઇચ્છતાં ભાઈ-બહેનો સાથે સમૂહમાં સવાલોની ચર્ચા કરવાને બદલે, શક્ય હોય તો દરેક વ્યક્તિ સાથે અલગ અલગ ચર્ચા કરવી જોઈએ. દરેક વ્યક્તિના જવાબો સાંભળીને વડીલો જાણી શકશે કે તે બાઇબલના શિક્ષણને કેટલી સારી રીતે સમજી છે. તેમ જ, તે બાપ્તિસ્મા માટે તૈયાર છે કે નહિ એ ખબર પડશે. આ રીતે ચર્ચા કરવાનો બીજો એક ફાયદો એ છે કે વ્યક્તિ દિલ ખોલીને વડીલો સાથે વાત કરી શકશે. જો પતિ-પત્ની સાથે બાપ્તિસ્મા લેવાના હોય, તો બંને જોડે એકસાથે ચર્ચા કરી શકાય.
જો કોઈ બહેન બાપ્તિસ્મા લેવા માંગતાં હોય, તો તેમની સાથે એવી જગ્યાએ ચર્ચા કરવી જોઈએ જ્યાં લોકો તેઓને જોઈ શકે, પણ તેઓની ચર્ચા સાંભળી ન શકે. કોઈ બીજી વ્યક્તિને લઈ જવાની જરૂર પડે તો, વડીલ કે સહાયક સેવકને સાથે લઈ જઈ શકાય. કયા ભાગની ચર્ચા કરવાની છે, એના આધારે નક્કી કરી શકાય કે કોણ સાથે આવશે. એ વિશે હવે પછીના ફકરામાં વધારે માહિતી છે.
જે મંડળોમાં વડીલો ઓછા હોય ત્યાં યોગ્ય સહાયક સેવકો પણ વ્યક્તિ સાથે “ભાગ ૧: યહોવાના ભક્તો માટે શિક્ષણ” પર ચર્ચા કરી શકે. પણ એ સહાયક સેવકો સારો નિર્ણય લઈ શકતા હોવા જોઈએ અને તેઓ પાસે ઊંડી સમજણ હોવી જોઈએ. “ભાગ ૨: યહોવાના ભક્તોનું જીવન” પર ફક્ત વડીલો જ ચર્ચા કરશે. જો મંડળ પાસે યોગ્ય ભાઈઓ પૂરતા ન હોય, તો સરકીટ નિરીક્ષકને જણાવવું જોઈએ. તે નક્કી કરશે કે નજીકનું કયું મંડળ મદદ કરી શકે.
જો બાળક બાપ્તિસ્મા લેવા માંગતું હોય અને માતા-પિતા યહોવાના સાક્ષી હોય, તો ચર્ચા વખતે બંનેએ અથવા કોઈ એકે હાજર રહેવું જોઈએ. પણ જો માતા કે પિતા હાજર ન હોય, તો બે વડીલોએ (અથવા ભાગને ધ્યાનમાં રાખીને એક વડીલે અને એક સહાયક સેવકે) તેની સાથે ચર્ચા કરવી જોઈએ.
વડીલો ખાતરી કરશે કે બાપ્તિસ્મા લેવાની ઇચ્છા રાખનાર વ્યક્તિ બાઇબલનું મૂળ શિક્ષણ સારી રીતે સમજે છે કે નહિ. તેઓ એ પણ જોશે કે વ્યક્તિ બાઇબલના શિક્ષણની કદર કરે છે અને યહોવાના સંગઠનને આધીન રહે છે કે નહિ. જો વ્યક્તિને બાઇબલના મૂળ શિક્ષણની સારી સમજણ ન હોય, તો વડીલો તેને મદદ કરવાની ગોઠવણ કરશે, જેથી તે થોડા સમય પછી બાપ્તિસ્મા માટે તૈયાર થઈ શકે. બીજા અમુકને પ્રચારકામ વધારે મહત્ત્વનું છે એ સમજવા અને સંગઠનની ગોઠવણને આધીન રહેવા કદાચ વધારે સમયની જરૂર પડે. વડીલોએ સમજી-વિચારીને નક્કી કરવું જોઈએ કે વ્યક્તિ બાપ્તિસ્મા માટે તૈયાર છે કે નહિ. એ માટે તેઓ દરેક ચર્ચા વખતે એક કલાક કે એનાથી વધારે સમય લઈ શકે. અમુક સવાલો માટે વધારે સમય લઈ શકે અને અમુક માટે ઓછો, પણ બધા જ સવાલોની ચર્ચા કરવી જરૂરી છે.
સવાલોની ચર્ચા કરવા માટે જે વડીલોને પસંદ કરવામાં આવ્યા હોય, તેઓ ભાગ ૨ની ચર્ચા કર્યા પછી ભેગા મળશે અને નક્કી કરશે કે વ્યક્તિ બાપ્તિસ્મા માટે તૈયાર છે કે નહિ. વડીલોએ દરેક વ્યક્તિના આવડત અને એની પરિસ્થિતિને ધ્યાનમાં લેવા જોઈએ. તેઓએ એ પણ જાણવાની કોશિશ કરવી જોઈએ કે શું તેણે યહોવા સાથે દોસ્તી કરી છે અને બાઇબલનું મૂળ શિક્ષણ સમજે છે. જો બાપ્તિસ્મા લેવા ઇચ્છતી વ્યક્તિને તમે પ્રેમથી મદદ કરશો, તો તે ખુશખબર ફેલાવવાની જવાબદારી સારી રીતે નિભાવી શકશે.
વડીલો એકબીજા સાથે ચર્ચા કરી લે પછી તેઓમાંથી એક કે બંને વડીલોએ વ્યક્તિને મળવું જોઈએ અને જણાવવું જોઈએ કે તે બાપ્તિસ્મા માટે યોગ્ય છે કે નહિ. જો વ્યક્તિ બાપ્તિસ્મા માટે યોગ્ય હોય, તો વડીલો તેની સાથે પાન ૨૦૬-૨૦૭ પર આપેલો ભાગ “બાપ્તિસ્મા લેનારાઓ સાથે છેલ્લી ચર્ચા” આવરી શકે. જો વ્યક્તિએ હજુ સુધી દુઃખ જશે, સુખ આવશે પુસ્તકનો અભ્યાસ પૂરો કર્યો ન હોય, તો બાપ્તિસ્મા પછી એ પૂરો કરવા વડીલો તેને ઉત્તેજન આપશે. વ્યક્તિને જણાવો કે તેની બાપ્તિસ્માની તારીખ મંડળના પ્રકાશકનો રેકોર્ડમાં લખવામાં આવશે. તેને યાદ કરાવો કે એ માહિતીથી સંગઠનને આખી દુનિયામાં ચાલી રહેલા સાક્ષીઓના કામની દેખરેખ રાખવા મદદ મળે છે. એટલું જ નહિ તે મંડળે કરેલી ગોઠવણોમાં ભાગ લઈ શકે છે અને વડીલો પાસેથી ઉત્તેજન અને માર્ગદર્શન મેળવી શકે છે. વડીલોએ નવા પ્રકાશકને એ પણ જણાવવું જોઈએ કે તેની માહિતીનો ઉપયોગ jw.org પર આપેલી આ પૉલિસીના આધારે કરવામાં આવશે: માહિતીના સંરક્ષણ અંગેની યહોવાના સાક્ષીઓની વૈશ્વિક નીતિ. આ બધી ચર્ચા કરવા મોટા ભાગે દસ મિનિટ કે એનાથી ઓછો સમય લાગે છે.
બાપ્તિસ્માના એક વર્ષ પછી, બે વડીલોએ પ્રકાશકને મળીને ઉત્તેજન અને જરૂરી સૂચનો આપવાં જોઈએ. એ બે વડીલોમાંથી એક, તેના ગ્રૂપ નિરીક્ષક હોવા જોઈએ. જો એ પ્રકાશક બાળક હોય અને તેનાં માતા-પિતા સાક્ષી હોય, તો તેઓમાંથી એક કે બંને હાજર રહેશે. એ મુલાકાતથી વડીલોનો પ્રેમ દેખાઈ આવવો જોઈએ અને પ્રકાશકને ઉત્તેજન મળવું જોઈએ. પ્રકાશકે ભક્તિમાં જે મહેનત કરી છે એ વિશે વડીલો તેની સાથે ચર્ચા કરશે. વડીલો તેને અમુક બાબતો વધારે સારી રીતે કરવા સલાહ આપશે. જેમ કે, નિયમિત બાઇબલ અભ્યાસ કરવા, દરરોજ બાઇબલ વાંચવા, દર અઠવાડિયે કુટુંબ તરીકેની ભક્તિ કરવા, દરેક સભાઓમાં હાજર રહીને એમાં ભાગ લેવા અને દર અઠવાડિયે પ્રચાર કરવા. (એફે. ૫:૧૫, ૧૬) જો વ્યક્તિએ હજુ સુધી દુઃખ જશે, સુખ આવશે પુસ્તકનો અભ્યાસ પૂરો કર્યો ન હોય, તો વડીલોએ તેનો અભ્યાસ પૂરો કરવા કોઈ ભાઈ કે બહેનની ગોઠવણ કરવી જોઈએ. વડીલોએ દિલ ખોલીને તેના વખાણ કરવા જોઈએ. મોટા ભાગે એક બે મુદ્દાઓ પર સલાહ-સૂચન આપવાં પૂરતું છે.