પાઠ ૮
ઇબ્રાહિમ અને સારાહે ઈશ્વરની વાત માની
બાબિલથી થોડે દૂર એક શહેર હતું. એ શહેરનું નામ હતું, ઉર. ત્યાંના લોકો યહોવાની નહિ પણ બીજા ભગવાનોની ભક્તિ કરતા હતા. ત્યાં એક માણસ હતા, જે ફક્ત યહોવાની ભક્તિ કરતા હતા. તેમનું નામ હતું, ઇબ્રાહિમ.
યહોવાએ ઇબ્રાહિમને કહ્યું: ‘તું તારું ઘર અને સગાં-વહાલાં છોડીને, હું જે દેશ બતાવું ત્યાં જા.’ પછી યહોવાએ તેમને વચન આપ્યું: ‘તારાથી એક મહાન પ્રજા બનશે અને તારા લીધે હું પૃથ્વી પર રહેતા ઘણા લોકોને આશીર્વાદ આપીશ.’
ઇબ્રાહિમને ખબર ન હતી કે યહોવા તેમને ક્યાં મોકલી રહ્યા છે. તોપણ તેમણે યહોવા પર ભરોસો રાખ્યો. એટલે ઇબ્રાહિમ, તેમની પત્ની સારાહ, તેમના પિતા તેરાહ અને તેમના ભત્રીજા લોતે પોતાનો સામાન બાંધ્યો. તેઓ યહોવાની વાત માનીને દૂર દેશ જવા નીકળી ગયાં.
ઇબ્રાહિમ ૭૫ વર્ષના હતા ત્યારે, તે અને તેમનું કુટુંબ લાંબી મુસાફરી કરીને યહોવાએ જણાવેલા દેશમાં આવી ગયા. એ દેશનું નામ કનાન હતું. ત્યાં યહોવાએ ઇબ્રાહિમ સાથે વાત કરી અને વચન આપ્યું: ‘જે દેશ તું જોઈ રહ્યો છે, એ હું તારા બાળકોને આપીશ.’ પણ ઇબ્રાહિમ અને સારાહ તો બહુ ઘરડાં હતાં અને તેઓને કોઈ બાળકો પણ ન હતાં. તો પછી યહોવા કઈ રીતે પોતાનું વચન પૂરું કરશે?
‘શ્રદ્ધાને લીધે ઇબ્રાહિમ એ જગ્યાએ જવા તૈયાર થયા, જે તેમને વારસામાં મળવાની હતી. તે જાણતા ન હતા કે પોતે ક્યાં જાય છે, છતાં તે ગયા.’—હિબ્રૂઓ ૧૧:૮