પાઠ ૯
ઘણાં વર્ષો પછી એક દીકરો થયો
ઇબ્રાહિમ અને સારાહના લગ્નને ઘણાં વર્ષો થઈ ગયાં હતાં. તેઓ ઉર શહેરમાં પોતાનું સરસ મજાનું ઘર છોડીને હવે તંબુમાં રહેવા લાગ્યાં. તોપણ સારાહે ક્યારેય ફરિયાદ ન કરી. કેમ કે તેમને ખબર હતી કે યહોવા જે કહે છે, એ તેઓનાં ભલા માટે છે.
સારાહને બાળક ન હતું. એટલે તેમની ખૂબ ઇચ્છા હતી કે તેમને બાળક થાય. તેમણે ઇબ્રાહિમને કહ્યું: ‘જો મારી દાસી હાગારને એક બાળક થાય, તો એ જાણે મારા બાળક જેવું હશે.’ થોડા સમય પછી હાગારને એક દીકરો થયો. તેનું નામ ઇશ્માએલ હતું.
એ વાતને ઘણાં વર્ષો વીતી ગયાં હતાં. ઇબ્રાહિમ ૯૯ વર્ષના અને સારાહ ૮૯ વર્ષનાં હતાં ત્યારે, તેઓને ત્યાં ત્રણ મહેમાનો આવ્યાં. ઇબ્રાહિમે તેઓને ઝાડ નીચે આરામ કરવાનું કહ્યું અને જમવાનું આપ્યું. તમને ખબર છે એ મહેમાનો કોણ હતા? એ દૂતો હતા. તેઓએ ઇબ્રાહિમને કહ્યું: ‘આવતાં વર્ષે આ જ સમયે તારી પત્ની સારાહને એક દીકરો થશે.’ તંબુની અંદરથી સારાહ તેઓની વાત સાંભળતાં હતાં. તે આવું વિચારીને હસવા લાગ્યાં કે ‘મારી તો ઉંમર થઈ ગઈ છે. મને કઈ રીતે બાળક થઈ શકે?’
યહોવાના દૂતે કહ્યું હતું એવું જ થયું. પછીના વર્ષે સારાહે દીકરાને જન્મ આપ્યો. ઇબ્રાહિમે તેનું નામ ઇસહાક પાડ્યું, જેનો અર્થ થાય “હસવું.”
ઇસહાક આશરે પાંચ વર્ષનો હતો ત્યારે, સારાહે ઘણી વાર જોયું હતું કે ઇશ્માએલ ઇસહાકની મજાક ઉડાવતો હતો. તે પોતાના દીકરાને બચાવવા માંગતાં હતાં. એટલે તેમણે ઇબ્રાહિમને કહ્યું: ‘હાગાર અને ઇશ્માએલને અહીંથી દૂર મોકલી દો.’ પણ ઇબ્રાહિમને એ ન ગમ્યું. યહોવા ઇસહાકને બચાવવા માંગતા હતા. એટલે તેમણે ઇબ્રાહિમને કહ્યું: ‘સારાહની વાત સાંભળ, કેમ કે ઇસહાક દ્વારા જ મારાં વચનો પૂરાં થશે. તું ઇશ્માએલની ચિંતા ના કરીશ. હું તેની સંભાળ રાખીશ.’
‘શ્રદ્ધાને લીધે જ સારાહે ગર્ભવતી થવાની શક્તિ મેળવી, કેમ કે વચન આપનારને તે ભરોસાપાત્ર ગણતી હતી.’—હિબ્રૂઓ ૧૧:૧૧