પાઠ ૧૯
પહેલી ત્રણ આફતો
ઇજિપ્તમાં ઇઝરાયેલીઓ પાસે ગુલામો તરીકે જબરજસ્તી કામ કરાવવામાં આવતું હતું. યહોવાએ મૂસા અને હારુન દ્વારા ઇજિપ્તના રાજાને સંદેશો મોકલ્યો: ‘મારા લોકોને વેરાન પ્રદેશમાં મારી ભક્તિ કરવા જવા દે.’ પણ રાજા ઘમંડી હતો. તેણે કહ્યું: ‘યહોવા કોણ કે હું તેની વાત માનું? હું ઇઝરાયેલીઓને નહિ જવા દઉં.’ એ પછી તે ઇઝરાયેલીઓ પાસે પહેલાં કરતાં વધારે કામ કરાવવા લાગ્યો. યહોવા રાજાને પાઠ ભણાવવા માંગતા હતા. તમને ખબર છે યહોવાએ શું કર્યું? તે ઇજિપ્ત પર દસ આફતો લાવ્યા. તેમણે મૂસાને કહ્યું: ‘રાજા મારી વાત સાંભળતો નથી. તે કાલે સવારે નાઈલ નદી પાસે હશે. તેને જઈને કહેજે કે તું મારા લોકોને જવા નથી દેતો, એટલે નાઈલ નદીનું બધું પાણી લોહી બની જશે.’ મૂસા યહોવાની વાત માનીને રાજા પાસે ગયા. રાજાની સામે હારુને પોતાની લાકડી નાઈલ નદી પર મારી અને નદીનું પાણી લોહી બની ગયું. એમાંની બધી માછલીઓ મરી ગઈ અને નદી ગંધાવા લાગી. હવે નદીનું પાણી કોઈ પી શકતું ન હતું. તોપણ રાજાએ ઇઝરાયેલીઓને જવા ન દીધા.
સાત દિવસ પછી, યહોવાએ મૂસા દ્વારા ફરીથી રાજાને સંદેશો મોકલ્યો: ‘જો તું મારા લોકોને નહિ જવા દે, તો આખો ઇજિપ્ત દેશ દેડકાંઓથી ભરાઈ જશે.’ હારુને પોતાની લાકડી ઊંચી કરી અને આખા દેશમાં દેડકાં ફેલાઈ ગયાં. લોકોના ઘરમાં, પલંગમાં, વાસણોમાં અને જ્યાં જુઓ ત્યાં દેડકાં જ દેડકાં થઈ ગયા. રાજાએ મૂસાને કહ્યું કે તે યહોવાને આ આફત દૂર કરવા વિનંતી કરે. રાજાએ વચન આપ્યું કે તે ઇઝરાયેલીઓને છોડી દેશે. એટલે યહોવાએ એ આફત દૂર કરી દીધી. ઇજિપ્તના લોકોએ મરેલાં દેડકાંના ઢગલે-ઢગલા કર્યા અને આખો દેશ ગંધાવા લાગ્યો. પણ ફરીથી રાજાએ ઇઝરાયેલીઓને જવા ન દીધા.
યહોવાએ મૂસાને કહ્યું: ‘હારુનને કહેજે કે એની લાકડી જમીન પર મારે, એટલે ધૂળ મચ્છર બની જશે.’ હારુને એવું કર્યું કે તરત જ ચારેય બાજુ મચ્છર ફેલાઈ ગયા. રાજાના અમુક લોકોએ તેને કહ્યું: ‘આ આફત ઈશ્વર લાવ્યા છે.’ તોપણ રાજાએ ઇઝરાયેલીઓને જવા ન દીધા.
“હું તેઓને મારા પરાક્રમ અને મારી શક્તિનો પરચો આપીશ. તેઓએ સ્વીકારવું પડશે કે મારું નામ યહોવા છે.”—યર્મિયા ૧૬:૨૧