તમે કઈ રીતે યોગ્ય નિર્ણયો લઈ શકો
પરમેશ્વરે આપણને સ્વતંત્ર ઇચ્છાની ભેટ આપી છે. એના વગર આપણે રૉબોટ જેવા હોત, આપણે આપણાં કાર્યો વિષે કંઈ જ વિચારી શકતા ન હોત. તેમ છતાં, સ્વતંત્ર ઇચ્છાને લીધે આપણે પડકારોનો સામનો કરીએ છીએ. એને લીધે આપણે જીવનમાં ઘણા નિર્ણયો લેવા પડે છે.
જોકે, ઘણા નિર્ણયો સામાન્ય હોય છે. તોપણ, શિક્ષણમાં કયા ક્ષેત્રની પસંદગી કરવી અથવા લગ્ન કરવું કે નહિ જેવા નિર્ણયોની આપણા સમગ્ર જીવન પર અસર પડે છે. ઘણી વાર આપણા નિર્ણયોની બીજાઓ પર પણ અસર પડે છે. માબાપ અમુક નિર્ણયો લે છે એની તેમના બાળકો પર ઊંડી અસર પડે છે. વધુમાં, આપણે ઘણા નિર્ણયો લઈએ છીએ એ માટે પરમેશ્વરને જવાબ આપવાનો હોય છે.—રૂમી ૧૪:૧૨.
જરૂરી મદદ
અહેવાલ પરથી જોવા મળે છે કે માનવીઓ સારો નિર્ણય લેતા નથી. માનવે લીધેલો સૌ પ્રથમ નિર્ણય ખૂબ જ વિનાશક હતો. હવાએ પરમેશ્વરે મના કરેલાં ફળને ખાવાનો નિર્ણય કર્યો. તેણે એ નિર્ણય પોતાની સ્વાર્થી ઇચ્છા પૂરી કરવા લીધો હતો અને તે પોતાના પતિને પણ પરમેશ્વરને અનાજ્ઞાંકિત થવા તરફ દોરી ગઈ. પરિણામે, આખી માનવજાતે દુઃખ સહન કરવું પડ્યું. આજે પણ ઘણા કિસ્સાઓમાં માનવીઓનો નિર્ણય સાચા સિદ્ધાંતો કરતાં સ્વાર્થી ઇચ્છાઓ પર વધારે આધારિત હોય છે. (ઉત્પત્તિ ૩:૬-૧૯; યિર્મેયાહ ૧૭:૯) આપણે ગંભીર નિર્ણયો લેવાના હોય ત્યારે, સામાન્ય રીતે આપણી મર્યાદાઓથી જાણકાર હોઈએ છીએ.
તો પછી, એમાં કોઈ શંકા નથી કે મહત્ત્વના નિર્ણયો લેવાના હોય છે ત્યારે, ઘણા લોકો માનવો કરતાં પણ બીજા ઉચ્ચ માધ્યમની મદદ શોધે છે. બાઇબલમાં એવો જ એક પ્રસંગ જોવા મળે છે. નબૂખાદનેસ્સાર રાજાને યુદ્ધ દરમિયાન એક નિર્ણય લેવાનો હતો. પોતે રાજા હોવાથી તે જાતે નિર્ણય લઈ શકતો હતો. તોપણ, તેણે ‘શકુન જોયા’ અને આત્માઓનો સંપર્ક સાધ્યો. તેથી, અહેવાલ બતાવે છે: “તે આમતેમ તીર હલાવે છે, તે તરાફીમની સલાહ લે છે, તે કલેજામાં અવલોકન કરે છે.” (હઝકીએલ ૨૧:૨૧) એવી જ રીતે, આજે પણ ઘણા લોકો આત્માઓની મદદ મેળવવા ભવિષ્ય ભાખનારાઓ, જ્યોતિષીઓ અને બીજી રીતોનો સંપર્ક સાધે છે. પરંતુ, આ બધી જ રીતો છેતરામણી અને ગેરમાર્ગે દોરનારી છે.—લેવીય ૧૯:૩૧.
તોપણ, આપણે ભરોસો કરી શકીએ એવી એક વ્યક્તિ છે જેણે ઇતિહાસથી માનવોને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરી છે. એ વ્યક્તિ બીજું કોઈ નહિ પણ યહોવાહ પરમેશ્વર છે. દાખલા તરીકે, પ્રાચીન સમયમાં પરમેશ્વરે પોતાની ઈસ્રાએલ પ્રજાને ઉરીમ તથા તુમ્મીમ, એટલે કે પવિત્ર ચિઠ્ઠીઓ આપી હતી. પ્રજાએ મહત્ત્વના નિર્ણયો લેવાના હોય ત્યારે આ ચિઠ્ઠીઓ નાખવામાં આવતી. ઉરીમ તથા તુમ્મીમ દ્વારા યહોવાહે પ્રશ્નોના સીધેસીધા જવાબ આપીને ઈસ્રાએલના વડીલોને મદદ કરી, કે જેથી તેઓ પોતાનો નિર્ણય યહોવાહની ઇચ્છાના સુમેળમાં છે કે નહિ એની ખાતરી કરી શકે.—નિર્ગમન ૨૮:૩૦; લેવીય ૮:૮; ગણના ૨૭:૨૧.
બીજા એક ઉદાહરણનો વિચાર કરો. મિદ્યાનીઓ વિરુદ્ધની લડાઈમાં ગિદઓનને ઈસ્રાએલી સૈન્યની આગેવાની લેવાનું જણાવવામાં આવ્યું ત્યારે, તેમણે એ મોટા લહાવાને સ્વીકારવો કે નહિ એનો નિર્ણય લેવાનો હતો. યહોવાહ પોતાને ટેકો આપશે એની ગિદઓન ખાતરી કરવા ઇચ્છતા હતા. તેથી, તેમણે ચમત્કારિક ચિહ્ન માંગ્યું. તેમણે પ્રાર્થના કરી કે હું આખી રાત ઘેટાંનું ઊન બહાર મૂકીશ અને એકલા ઊન પર ઝાકળ પડે, તેમ જ બીજી ભૂમિ સૂકી રહે. બીજા દિવસે રાતે તેમણે ફરી પ્રાર્થના કરી કે ફક્ત ઊન સૂકું રહે અને બાકીની ભૂમિ પર ઝાકળ પડે. યહોવાહે પ્રેમાળપણે ગિદઓને માંગેલાં ચિહ્નોને પૂરાં કર્યાં. પરિણામે, ગિદઓને પરમેશ્વરની મદદથી ખરો નિર્ણય લીધો અને ઈસ્રાએલના દુશ્મનોને હરાવ્યા.—ન્યાયાધીશ ૬:૩૩-૪૦; ૭:૨૧, ૨૨.
આજે શું?
આજે પણ યહોવાહ પોતાના સેવકોને મહત્ત્વના નિર્ણયો લેવાના હોય છે ત્યારે મદદ કરે છે. પરંતુ, કઈ રીતે? શું આપણે પણ ગિદઓનની જેમ યોગ્ય નિર્ણય કરવા, ‘ઊનની કસોટી’ તરીકેનું ચિહ્ન માંગવું જોઈએ? એક યુગલ રાજ્ય પ્રચારકોની જરૂર હતી એવા વિસ્તારમાં સેવા કરવા જવું કે નહિ એ વિષે ઢચુપચુ હતું. તેઓએ નિર્ણય કરવા એક કસોટીની યોજના કરી. તેઓએ પોતાના ઘરને એક ચોક્કસ કિંમતે વેચવા કાઢ્યું. જો ઘર અમુક દિવસોમાં નક્કી કરેલી કે એનાથી વધારે કિંમતમાં વેચાઈ જાય તો, તેઓ સમજશે કે તેઓએ એ વિસ્તારમાં સેવા કરવા જવું એમ પરમેશ્વર ઇચ્છે છે. જો ઘર ન વેચાય તો તેઓ સમજશે કે પોતે ત્યાં જાય એમ પરમેશ્વર ઇચ્છતા નથી.
યોજના મુજબ ઘર વેચાયું નહિ. શું એનો અર્થ એમ થયો કે જરૂર છે એ વિસ્તારમાં યુગલ સેવા કરવા ન જાય એવું યહોવાહ ઇચ્છે છે? વાસ્તવમાં, યહોવાહ પોતાના સેવકો માટે શું ઇચ્છે છે અને શું નથી ઇચ્છતા એ કહેવું અતિશયોક્તિ છે. તેમ છતાં, આપણે એમ પણ કહી શકતા નથી કે આજે યહોવાહ આપણને તેમની ઇચ્છા ક્યારેય જણાવતા નથી. (યશાયાહ ૫૯:૧) તોપણ, આપણે આપણા મહત્ત્વના નિર્ણયો તેમના પર છોડી દઈને તે નિર્ણય કરશે એની આશા રાખી શકતા નથી. ગિદઓને પણ પોતાના જીવનમાં મોટા ભાગના નિર્ણયો યહોવાહ પાસેથી ચમત્કારિક ચિહ્નો માંગ્યાં વગર જ કરવાના હતા!
વધુમાં, બાઇબલ કહે છે કે પરમેશ્વરનું માર્ગદર્શન પ્રાપ્ય છે. એ આપણા સમય વિષે ભાખે છે: “તમે જમણી તરફ કે ડાબી તરફ ફરો, ત્યારે તમારા કાનો તમારી પછવાડેથી એવી વાત આવતી સાંભળશે, કે માર્ગ આ છે, તે પર તમે ચાલો.” (યશાયાહ ૩૦:૨૧) આપણે મહત્ત્વના નિર્ણયો કરવાના હોય ત્યારે, આપણા નિર્ણયો પરમેશ્વરની ઇચ્છાના સુમેળમાં અને તેમના ચઢિયાતા જ્ઞાનને ધ્યાનમાં રાખીને લઈએ એવી ખાતરી કરવી યોગ્ય થશે. કઈ રીતે? તેમના શબ્દમાંથી સલાહ મેળવીને અને એને ‘આપણા પગોને સારું તથા આપણા માર્ગોને સારું અજવાળારૂપ’ કરવા દ્વારા. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫; નીતિવચનો ૨:૧-૬) આમ કરવા, આપણે બાઇબલમાંથી ચોક્સાઈભર્યું જ્ઞાન લેવાની ટેવ પાડવાની જરૂર છે. (કોલોસી ૧:૯, ૧૦) આપણે નિર્ણય લેવાનો હોય ત્યારે, એ બાબતને લગતા બાઇબલના સર્વ સિદ્ધાંતોનો કાળજીપૂર્વક અભ્યાસ કરવાની જરૂર છે. આવો અભ્યાસ આપણને ‘જે શ્રેષ્ઠ છે તે પારખી લેવા’ મદદ કરે છે.—ફિલિપી ૧:૯, ૧૦.
આપણે, યહોવાહ આપણું સાંભળે છે એવા વિશ્વાસથી તેમની સાથે પ્રાર્થનામાં વાત કરવાની જરૂર છે. આપણા પ્રેમાળ પરમેશ્વરને આપણા નિર્ણય વિષે અને આપણે એ નિર્ણયની અવેજીમાં બીજી બાબતોનો વિચાર કરીએ છીએ એ વિષે જણાવીએ એ કેટલું સારું થશે! એ પછી, આપણે ખરો નિર્ણય કરવા વિશ્વાસપૂર્વક માર્ગદર્શન માંગી શકીએ. ઘણી વાર પવિત્ર આત્મા આપણને બાઇબલ સિદ્ધાંતોને લાગુ પાડવાનું યાદ દેવડાવશે અથવા એ આપણી પરિસ્થિતિને લગતી કલમોને વધારે સ્પષ્ટ રીતે સમજવા માટે મદદ કરશે.—યાકૂબ ૧:૫, ૬.
યહોવાહે મંડળમાં પરિપક્વ વ્યક્તિઓની પણ ગોઠવણ કરી છે કે જેઓની સાથે આપણે આપણા નિર્ણયની ચર્ચા કરી શકીએ. (એફેસી ૪:૧૧, ૧૨) તેમ છતાં, બીજાઓની સલાહ લેતા હોઈએ ત્યારે, આપણે એવી વ્યક્તિઓ જેવા બનવું ન જોઈએ જેઓ, પોતે સાંભળવા ઇચ્છતા હોય એવું કોઈ ન કહે ત્યાં સુધી એક પછી બીજી વ્યક્તિ પાસે જાય છે અને પછી એ જ વ્યક્તિની સલાહ અનુસરે છે. આપણે રહાબઆમના ચેતવણીરૂપ ઉદાહરણને પણ યાદ રાખવું જોઈએ. રહાબઆમે ગંભીર નિર્ણય લેવાનો હતો ત્યારે, તેના પિતાના સમયના વૃદ્ધ માણસો પાસેથી ઉત્તમ સલાહ મેળવી. તેમ છતાં, તેઓની સલાહ અનુસરવાને બદલે તેણે પોતાની સાથે મોટા થયેલા યુવાનોની સલાહ લીધી. પછી તેઓની સલાહ અનુસરીને રહાબઆમે ખોટો નિર્ણય લીધો અને પરિણામે તેણે પોતાના રાજ્યનો મોટો ભાગ ગુમાવ્યો.—૧ રાજા ૧૨:૧-૧૭.
સલાહ મેળવવાની હોય ત્યારે, જેઓએ જીવનમાં અનુભવ મેળવ્યો હોય, શાસ્ત્રવચનોનું સારું જ્ઞાન ધરાવતા હોય અને ખરા સિદ્ધાંતો પ્રત્યે ઊંડી કદર બતાવતા હોય એવા લોકો પાસે જવું જોઈએ. (નીતિવચનો ૧:૫; ૧૧:૧૪; ૧૩:૨૦) શક્ય હોય તો, એમાં આવતા સિદ્ધાંતો અને તમે એકઠી કરેલી બધી માહિતી પર મનન કરવા સમય કાઢો. તમે યહોવાહના શબ્દના પ્રકાશમાંથી બાબતોને જોશો તેમ, ખરો નિર્ણય કરવો વધારે સ્પષ્ટ દેખાશે.—ફિલિપી ૪:૬, ૭.
આપણે લઈએ છીએ એ નિર્ણયો
અમુક નિર્ણયો આપણે સહેલાઈથી લઈ લઈએ છીએ. પ્રેષિતોને પ્રચાર કાર્ય બંધ કરવાની આજ્ઞા આપવામાં આવી ત્યારે, તેઓ જાણતા હતા કે તેઓએ ઈસુ વિષેનો પ્રચાર ચાલુ જ રાખવાનો છે. તેથી, તેઓએ તરત જ ન્યાયસભાને પોતાનો નિર્ણય જણાવ્યો કે તેઓ માણસો કરતાં દેવનું વધારે માનશે. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૮, ૨૯) કેટલાક નિર્ણયો લેવામાં આપણે વધારે વિચાર કરવાની જરૂર છે કારણ કે અમુક બાબતમાં બાઇબલ સીધેસીધું કંઈ જણાવતું નથી. તોપણ, ખાસ કરીને બાઇબલ સિદ્ધાંતો સારો નિર્ણય લેવા પર પ્રકાશ ફેંકતા હોય છે. દાખલા તરીકે, આજના ઘણા પ્રકારના મનોરંજનના કાર્યક્રમો ઈસુના સમયમાં ન હતા. પરંતુ, બાઇબલ સ્પષ્ટ બતાવે છે કે કઈ બાબતથી યહોવાહને આનંદ થાય છે અને તે કઈ બાબતની ધૃણા કરે છે. આમ, કોઈ પણ ખ્રિસ્તી મનોરંજનમાં હિંસાત્મક, અનૈતિક કે બળવાખોર કાર્યક્રમનો આનંદ માણતો હોય તો, તેણે ખોટો નિર્ણય લીધો છે.—ગીતશાસ્ત્ર ૯૭:૧૦; યોહાન ૩:૧૯-૨૧; ગલાતી ૫:૧૯-૨૩; એફેસી ૫:૩-૫.
અમુક સમયે બે નિર્ણયો પણ ખરા હોય શકે. જરૂર છે એવા વિસ્તારમાં સેવા આપવી એક અદ્ભુત લહાવો છે અને એનાથી અઢળક આશીર્વાદો મળી શકે. પરંતુ કોઈ કારણસર વ્યક્તિ ન જવાનો નિર્ણય લે તોપણ, તે પોતાના મંડળમાં સારી પ્રગતિ કરી શકે છે. અમુક વખતે, આપણે એવા નિર્ણયનો સામનો કરી શકીએ કે જેનાથી આપણને એ બતાવવાની તક મળે છે કે આપણે યહોવાહને હૃદયપૂર્વક સમર્પણ કર્યું છે અથવા આપણા જીવનમાં કઈ બાબત સૌથી મહત્ત્વની છે. આમ, આપણા હૃદયમાં શું છે એ બતાવી શકીએ માટે, યહોવાહે આપણી સ્વતંત્રતાનો ઉપયોગ કરવાની આપણને પરવાનગી આપી છે.
ઘણી વાર આપણા નિર્ણયોની બીજાઓ પર અસર પડે છે. દાખલા તરીકે, પ્રથમ સદીના ખ્રિસ્તીઓ ઘણા નિયમોમાંથી છૂટછાટ લેવાનો આનંદ માણતા હતા. એટલે કે નિયમ પ્રમાણે જે અશુદ્ધ ખોરાક હતો એને તેઓ લઈ શકતા હતા અથવા એનો નકાર પણ કરી શકતા હતા. તોપણ, તેઓને ઉત્તેજન આપવામાં આવ્યું હતું કે સ્વતંત્ર નિર્ણય લેતી વખતે તેઓ બીજાઓનો પણ વિચાર કરે. પાઊલના આ શબ્દોને આપણે ઘણા નિર્ણયો લેવામાં લાગુ પાડી શકીએ: “ઠોકર ખાવાના કારણરૂપ ન થાઓ.” (૧ કોરીંથી ૧૦:૩૨) બીજાઓને ઠોકરરૂપ ન થવાની ઇચ્છા આપણને ઘણા નિર્ણયો લેવામાં મદદ કરી શકે. આખરે તો, પડોશીઓ પર પ્રેમ રાખવો એ જ સૌથી મોટી બીજી આજ્ઞા છે.—માત્થી ૨૨:૩૬, ૩૯.
આપણા નિર્ણયનાં પરિણામો
કાળજીપૂર્વક અને બાઇબલ સિદ્ધાંતોના આધારે લીધેલા નિર્ણયોનું છેવટે સારું જ પરિણામ આવે છે. અલબત્ત, થોડા સમય માટે એ અમુક વ્યક્તિગત બલિદાનોમાં પરિણમી શકે. પ્રેષિતોએ યહુદી ન્યાયસભાને પોતાનો નિર્ણય જણાવ્યો કે તેઓ ઈસુનો પ્રચાર કરવાનું ચાલુ જ રાખશે ત્યારે, તેઓએ પ્રેષિતોને બોલાવીને માર્યા અને પછી છોડી દીધા. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૪૦) ત્રણ હેબ્રી યુવાનો શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોએ નબૂખાદનેસ્સારે ઊભી કરેલી સોનાની મૂર્તિ આગળ દંડવત પ્રણામ ન કરવાનો નિર્ણય લીધો ત્યારે, તેઓના જીવન ભયમાં મૂકાયા. તેઓ પોતાના નિર્ણયના પરિણામે, મરણની સજાનો પણ સામનો કરવા તૈયાર હતા. પરંતુ, તેઓ જાણતા હતા કે તેઓના નિર્ણયથી પરમેશ્વર ખુશ થશે અને તેઓને આશીર્વાદ આપશે.—દાનીયેલ ૩:૧૬-૧૯.
આપણે સમજી વિચારીને લીધેલા નિર્ણય પછી, કોઈ મુશ્કેલી આવી પડે તો એવું ધારી લેવું ન જોઈએ કે આપણો નિર્ણય ખોટો હતો. સારા ઉદ્દેશથી લીધેલા નિર્ણયોનું પણ “સમય અને આકસ્મિક સંજોગને” કારણે ખરાબ પરિણામ આવી શકે છે. (સભાશિક્ષક ૯:૧૧; NW) વધુમાં, યહોવાહ અમુક સમયે આપણી વફાદારીની ખાતરી કરવા આફતો પણ આવવા દે છે. યાકૂબે આશીર્વાદ મેળવવા આખી રાત દૂત સાથે મલ્લયુદ્ધ કરવું પડ્યું હતું. (ઉત્પત્તિ ૩૨:૨૪-૨૬) ખરી બાબતો કરતા હોઈએ ત્યારે, આપણે પણ મુશ્કેલીઓ સાથે મલ્લયુદ્ધ કરવું પડી શકે. તોપણ, આપણા નિર્ણયો પરમેશ્વરની ઇચ્છાના સુમેળમાં હોય તો, આપણે ખાતરી રાખી શકીએ કે તે આપણને સહન કરવા મદદ કરશે અને આપણને આશીર્વાદ પણ આપશે.—૨ કોરીંથી ૪:૭.
તેથી, મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય ત્યારે પોતાના જ્ઞાન પર આધાર ન રાખો. તમારા નિર્ણયને લાગુ પડતા બાઇબલ સિદ્ધાંતો શોધો. બાબત વિષે યહોવાહને પ્રાર્થના કરો. શક્ય હોય તો સાથી ખ્રિસ્તીઓની મદદ લો. પછી હિંમતવાન થાઓ. પરમેશ્વરે આપેલી સ્વતંત્ર ઇચ્છાનો યોગ્ય ઉપયોગ કરો. સારો નિર્ણય લો અને યહોવાહને બતાવો કે તમારું હૃદય તેમની સમક્ષ પ્રમાણિક છે.
[પાન ૨૮ પર ચિત્ર]
મહત્ત્વના નિર્ણયો લેતા પહેલાં પરમેશ્વરના શબ્દની સલાહ લો
[પાન ૨૮, ૨૯ પર ચિત્રો]
તમે જે નિર્ણયો લેવાના હોવ, એ વિષે યહોવાહને જણાવો
[પાન ૩૦ પર ચિત્ર]
તમે તમારા મહત્ત્વના નિર્ણયો વિષે અનુભવી ખ્રિસ્તીઓ સાથે પણ ચર્ચા કરી શકો