‘મેં તમને જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું શીખવતા જાઓ’
‘એ માટે તમે જઈને શિષ્ય કરો; મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.’—માત્થી ૨૮:૧૯, ૨૦.
ઇથિયોપિયાના એક માણસનો વિચાર કરો. તેને ઈશ્વરમાં એટલી શ્રદ્ધા હતી કે તે છેક યરૂશાલેમ સુધી યહોવાહની ભક્તિ કરવા ગયો. ધર્મશાસ્ત્ર તેને જીવની જેમ વહાલું હતું. એટલે યરૂશાલેમથી પાછા ઘરે આવતા, તે એમાંથી યશાયાહ નામનું પુસ્તક વાંચતો હતો. ફિલિપ નામનો ઈશ્વરભક્ત તેને રસ્તામાં મળે છે અને પૂછે છે: “તું જે વાંચે છે તે શું તું સમજે છે?” ઇથિયોપિયાનો માણસ જવાબ આપે છે: “કોઈના સમજાવ્યા સિવાય હું કેમ કરીને સમજી શકું?” ફિલિપ ધર્મશાસ્ત્રના આ પ્રેમીને યહોવાહનો ભક્ત બનવા મદદ કરે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૮:૨૬-૩૯.
૨ ઇથિયોપિયાના માણસે જે જવાબ આપ્યો, એમાંથી આપણે ઘણું શીખી શકીએ. તેણે જણાવ્યું તેમ, તેને મદદ જોઈતી હતી. તે ચાહતો હતો કે પોતે જે વાંચે છે એ વિષે કોઈ સમજણ આપે. લોકોને યહોવાહના ભક્તો બનવા કઈ રીતે મદદ કરવી, એ વિષે ઈસુએ આપણને ખાસ માહિતી આપી છે. ચાલો આપણે માત્થીના ૨૮મા અધ્યાયના ઈસુના શબ્દો પર વધારે વિચાર કરીએ. ગયા લેખમાં આપણે જોયું કે શિષ્યો બનાવવાની ઈસુની આજ્ઞા શા માટે પાળવી જોઈએ. બીજું કે કઈ કઈ જગ્યાએ એમ કરી શકીએ. આ લેખમાં આપણે જોઈશું કે લોકો યહોવાહના ભક્તો બને એ માટે શું શીખવવું અને કેટલા સમય સુધી એમ કરતા રહેવું જોઈએ.
“તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ”
૩ યહોવાહના ભક્તો બનવા લોકોને આપણે કઈ રીતે મદદ કરી શકીએ? ઈસુએ આજ્ઞા કરી: “એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ; મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.” (માત્થી ૨૮:૧૯, ૨૦) આપણે જે જે ઈસુએ આજ્ઞા કરી, એ જ શીખવીએ.a લોકો ફક્ત યહોવાહના ભક્તો બને એટલું જ નહિ, પણ જીવનભર ભક્તિ કરતા રહે, એ માટે શું કરવું જોઈએ? ઈસુએ આપેલી આજ્ઞામાંના શબ્દો આપણને એક રીત બતાવે છે. ઈસુએ એમ ન કહ્યું કે ‘મેં આજ્ઞા કરી એ સર્વ શીખવો.’ ના, પણ તેમણે કહ્યું કે ‘મેં તમને જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.’ (માત્થી ૧૯:૧૭) એનો શું અર્થ થાય?
૪ આજ્ઞા પાળવાનો અર્થ શું થાય? એનો અર્થ એ થાય કે આજ્ઞા પ્રમાણે જ કરવું કે એને વળગી રહેવું. કોઈ વ્યક્તિ ઈસુની આજ્ઞાઓ પાળે, એ માટે શું કરવું જોઈએ? ચાલો આપણે એક દાખલો લઈએ. કોઈને કાર ચલાવતા શીખવું હોય તો, શું તે કોઈ પુસ્તકમાંથી વાંચીને જ શીખી શકશે? ના, તેણે કોઈ અનુભવી ડ્રાઇવરની મદદ લેવી પડશે. પહેલા પહેલા કાર ચલાવે ત્યારે, એ ડ્રાઇવરે સાથે જઈને શીખવવું પડશે. એ જ રીતે, આપણે લોકોને બાઇબલનું શિક્ષણ આપતી વખતે સારી રીતે શીખવીએ. સાથે સાથે એ આજ્ઞાઓ પાળવા આપણે એને પૂરી મદદ અને માર્ગદર્શન પણ આપીએ. એ આજ્ઞાઓ પાળીને તે યહોવાહના ભક્ત બને તેમ, આપણે તેને પૂરેપૂરો સાથ આપીએ. (યોહાન ૧૪:૧૫; ૧ યોહાન ૨:૩) ઈસુએ આપેલી આજ્ઞા પૂરેપૂરી પાળવા માટે, આપણે શીખવનાર અને માર્ગદર્શન આપનાર બંને બનવું જોઈએ. આ રીતે આપણે ખુદ યહોવાહ અને ઈસુ ખ્રિસ્તને પગલે ચાલનારા થઈશું!—ગીતશાસ્ત્ર ૪૮:૧૪; પ્રકટીકરણ ૭:૧૭.
૫ ઈસુની આજ્ઞા પાળવા બીજાને મદદ કરવા બીજું શું કરવું જોઈએ? તેઓને એ પણ શીખવવું જોઈએ કે તેઓ કઈ રીતે બીજાને યહોવાહના ભક્તો બનવા મદદ કરી શકે. અમુક માટે એ બહુ જ મુશ્કેલ છે. ભલેને અમુક કદાચ પહેલાં ચર્ચમાં જતા હોય, તોપણ પાદરીઓ તેઓને શીખવતા નથી કે કઈ રીતે બીજા લોકોને ઈશ્વરના માર્ગમાં લાવવા. અમુક પાદરીઓ પોતે જ કબૂલે છે કે પ્રચાર કરવાની વાત આવે છે ત્યારે, તેઓ સાવ નિષ્ફળ ગયા છે. યહોવાહના ભક્તો બનવા લોકોને મદદ કરવાની, ઈસુની આજ્ઞા વિષે બાઇબલના એક સ્કૉલર, જોન આર. ડબલ્યુ. સ્ટોટ કહે છે: ‘આજે પ્રચારનો જમાનો છે. એવા સમયે એ આજ્ઞા પાળવામાં પાછા પડવું, એ તો ખ્રિસ્તીઓની સૌથી મોટી નબળાઈ છે.’ તે આગળ કહે છે: “અમે અમારો સંદેશો દૂર ઊભા રહીને જણાવીએ છીએ. જાણે કે ડૂબતા માણસોને કિનારા પર ઊભા ઊભા સલાહ આપીએ છીએ. અમે ડૂબતા માણસને બચાવવા પાણીમાં કૂદી પડતા નથી. કેમ કે અમે પલળવા માંગતા નથી.”
૬ આપણે કોઈને બાઇબલનું શિક્ષણ આપીએ એટલું જ નહિ, પણ તેને બીજા લોકોને યહોવાહ વિષે જણાવવા મદદ આપીએ. આપણે તેઓને એવી રીતે શીખવીએ, જેથી તેઓ પોતે જ એ વિષે બીજાને વાતો કરવા માંડે. જેમ કે ફિલિપે ઇથિયોપિયાના માણસને એવી રીતે સમજણ આપી કે તે તરત જ બાપ્તિસ્મા લેવા તૈયાર થઈ ગયો. (યોહાન ૧૬:૧૩; પ્રેરિતોનાં કૃત્યો ૮:૩૫-૩૮) ખરેખર, જ્યારે બાઇબલ વિષે શીખનાર ઈસુની આજ્ઞા પાળવા પ્રયત્નો કરે, ત્યારે આપણે તેમને પૂરો સાથ આપીએ.—સભાશિક્ષક ૪:૯, ૧૦; લુક ૬:૪૦.
સર્વ આજ્ઞાઓ પાળવાનું શીખવો
૭ આપણે બાઇબલ શીખનાર વ્યક્તિને ફક્ત બીજા લોકોને પ્રચાર કરતા જ શીખવીએ નહિ. ઈસુએ જણાવ્યું કે તેમણે “જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા” રહીએ. એમાંની બે મહાન આજ્ઞાઓ આ છે: ઈશ્વરની પૂરા દિલથી ભક્તિ કરવી અને બીજા લોકો પર પણ દિલથી પ્રેમ રાખવો. (માત્થી ૨૨:૩૭-૩૯) બાઇબલ શીખનારને આપણે કઈ રીતે એ બે આજ્ઞાઓ પાળવાનું શીખવી શકીએ?
૮ ચાલો આપણે પાછા કાર ચલાવતા શીખવા માંગનારનો દાખલો વિચારીએ. એને શીખવનાર અનુભવી ડ્રાઇવર તેને કઈ રીતે કાર ચલાવવી એ સૂચનો આપશે. સાથે સાથે તે બીજા ડ્રાઇવરોને જોઈને શીખવાનું પણ કહેશે. એ જ રીતે આપણે બાઇબલ શીખનાર વ્યક્તિને મંડળમાં લઈ આવવાની જરૂર છે. જેથી, તે ફક્ત આપણા દાખલાથી જ નહિ, પણ બીજા વહાલા ભાઈ-બહેનોના ઉદાહરણમાંથી પણ શીખી શકે.—માત્થી ૭:૧૩, ૧૪.
૯ જેમ કે, બાઇબલ શીખનાર કોઈ એકલી મા કે એકલા પિતાને જુએ, જે પોતાના બાળકોને લઈને મિટિંગમાં આવતા હોય. બાઇબલ શીખનાર કોઈ નિરાશ ભાઈ કે બહેનને જુએ, જે પોતાની તકલીફો હોવા છતાં કદી મિટિંગ ચૂકતા ન હોય. તે કદાચ મોટી ઉંમરના કોઈ ભાઈ કે બહેનને જુએ, જેઓ પોતાની ઉંમરના બીજા ભાઈ-બહેનોને મિટિંગમાં આવવા મદદ કરતા હોય. અથવા તો તે કિંગ્ડમ હૉલમાં એવા છોકરા-છોકરીઓને જુએ, જેઓ પતંગિયાની જેમ ઊડાઊડ કરતા ઝડપથી સાફ-સફાઈ કરતા હોય. બાઇબલ શીખનાર એવા વડીલને જુએ, જે મંડળની ઘણી જવાબદારી હોવા છતાં, ખુશીથી પ્રચારમાં આવતા હોય. તે કદાચ કોઈ અપંગ ભાઈ કે બહેનને મળે, જે ઘર બહાર જઈ શકતા ન હોય. પણ જે કોઈ તેમને મળવા જાય તેને યહોવાહની ભક્તિમાં ઘણું ઉત્તેજન આપતા હોય. તેનું ધ્યાન એવા પતિ-પત્ની તરફ ખેંચાય, જેઓ પોતાનાં માબાપની સંભાળ રાખવા જીવનમાં મોટા મોટા ફેરફારો કરી રહ્યા હોય. બાઇબલ શીખનાર આવા પ્રેમાળ, એકબીજાને રાજી-ખુશીથી મદદ કરવા તૈયાર લોકોને જુએ છે ત્યારે, તે પોતે ઈશ્વર અને લોકો પર પ્રેમ રાખવા પ્રેરાય છે. (નીતિવચનો ૨૪:૩૨; યોહાન ૧૩:૩૫; ગલાતી ૬:૧૦; ૧ તીમોથી ૫:૪, ૮; ૧ પીતર ૫:૨, ૩) આ રીતે, આપણે દરેકે બીજાઓને શીખવીને મદદ આપવી જોઈએ.—માત્થી ૫:૧૬.
“જગતના અંત સુધી”
૧૦ આપણે ક્યાં સુધી શિષ્યો બનાવવાનું ચાલુ રાખવાનું છે? આ દુષ્ટ જગતનો અંત આવી જાય ત્યાં સુધી. (માત્થી ૨૮:૨૦) શું આપણે એ જવાબદારી પૂરી કરીશું? આખી દુનિયામાંના યહોવાહના એક મંડળ તરીકે આપણે ચોક્કસ કરીશું. વર્ષોથી આપણે સમય અને શક્તિ ખર્ચીને યહોવાહની ભક્તિ કરવા માગતા લોકોને રાજી-ખુશીથી શોધી રહ્યા છીએ. (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૮) આજે બધા યહોવાહના ભક્તો મળીને પ્રચાર કરવામાં રોજના ત્રીસેક લાખ કલાકો આપે છે. આપણે આ રીતે ઈસુને પગલે ચાલીએ છીએ. તેમણે કહ્યું: “જેણે મને મોકલ્યો છે, તેની ઇચ્છા પૂરી કરવી, અને તેનું કામ પૂર્ણ કરવું, એ મારૂં અન્ન છે.” (યોહાન ૪:૩૪) આપણી પણ એ જ તમન્ના છે. (યોહાન ૨૦:૨૧) આપણને સોંપેલું કામ ફક્ત ચાલુ જ નહિ, પૂરું પણ કરવું છે.—માત્થી ૨૪:૧૩; યોહાન ૧૭:૪.
૧૧ હવે વિચારો કે આપણા કોઈ ભાઈ કે બહેનને સત્યમાં ઠંડા પડી જાય ત્યારે, આપણને કેટલું દુઃખ થાય છે. ધીમે ધીમે તેઓ યહોવાહ વિષે વાતો કરવાનું પણ બંધ કરી દે છે. આપણે તેઓને કઈ રીતે મદદ કરી શકીએ? જેથી, તેઓ ફરીથી યહોવાહની છાયામાં આવે અને આપણી સાથે રાજી-ખુશીથી પ્રચાર કરી શકે? (રૂમી ૧૫:૧; હેબ્રી ૧૨:૧૨) ઈસુના વહાલા દોસ્તો પણ એક વખત એવી હાલતમાં હતા. ઈસુએ તેઓ સાથે કેવો વર્તાવ કર્યો? આપણે એમાંથી શું શીખી શકીએ?
તેઓની ચિંતા કરો
૧૨ પૃથ્વી પર ઈસુના છેલ્લા દિવસો હતા. તેમની મરવાની ઘડી પાસે આવી ત્યારે, તેમના દોસ્તો ‘તેમને મૂકીને નાસી ગયા.’ જોકે, ઈસુએ અગાઉથી કહ્યું હતું કે એવું જ થશે. (માર્ક ૧૪:૫૦; યોહાન ૧૬:૩૨) ઈસુએ આવા સંજોગોમાં શું કર્યું? ઈસુ મરણ પામ્યા પછી ઈશ્વરે તેમને સજીવન કર્યા. તે પોતાના દોસ્તોને મળ્યા ત્યારે, તેમણે કહ્યું: “બીહો મા; જાઓ, મારા ભાઈઓને કહો, કે તેઓ ગાલીલમાં જાય, ને ત્યાં તેઓ મને દેખશે.” (માત્થી ૨૮:૧૦) ઈસુએ પોતાના દોસ્તોની નબળાઈ વારંવાર જોઈ હતી. તોપણ તે તેઓને ‘મારા ભાઈઓ’ કહીને બોલાવે છે. (માત્થી ૧૨:૪૯) ઈસુએ દોસ્તી તોડી નહિ! જેમ યહોવાહ પણ દરિયા જેવા દિલના છે, તેમ ઈસુએ મહાન પ્રેમ બતાવ્યો, મોટું મન રાખીને તેઓને માફ કરી દીધા. (૨ રાજાઓ ૧૩:૨૩) આપણે કઈ રીતે યહોવાહ અને ઈસુને પગલે ચાલી શકીએ?
૧૩ સત્યમાં ઠંડા પડી ગયેલા આપણા ભાઈ- બહેનો માટે, આપણે પણ એવી જ ચિંતા રાખવી જોઈએ. તેઓ વર્ષોથી યહોવાહને વળગી રહ્યા હતા, એ આપણે ભૂલી જઈએ નહિ. (હેબ્રી ૬:૧૦) આપણને તેઓની વારંવાર યાદ આવે છે. (લુક ૧૫:૪-૭; ૧ થેસ્સાલોનીકી ૨:૧૭) આપણે કઈ રીતે તેઓને આપણા મનની વાત જણાવી શકીએ?
૧૪ ઈસુએ હેરાન-પરેશાન થયેલા દોસ્તોને જણાવ્યું કે તે તેઓને ગાલીલમાં મળશે. ઈસુએ પોતે તેઓને મળવા બોલાવ્યા. (માત્થી ૨૮:૧૦) આજે આપણે પણ સત્યમાં ઠંડા પડી ગયેલા આપણા વહાલા ભાઈ કે બહેનને મિટિંગમાં આવવા ઉત્તેજન આપીએ. આપણે ફક્ત એક જ વાર નહિ, પણ વારંવાર એમ કરવું પડે. ઈસુના વહાલા દોસ્તોના કિસ્સામાં એની સારી અસર થઈ. “અગિયાર શિષ્યો ગાલીલમાં એક પહાડ પર જ્યાં ઈસુએ તેઓને જવાનું કહ્યું હતું, ત્યાં ગયા.” (માત્થી ૨૮:૧૬) કોઈ ભાઈ કે બહેન પાછા મિટિંગોમાં આવવા લાગે ત્યારે, આપણે હૈયું કેવું ખુશીથી ભરાઈ જાય છે!—લુક ૧૫:૬.
૧૫ જ્યારે એ ભાઈ કે બહેન પહેલી વાર પાછા મિટિંગમાં આવે, ત્યારે આપણે શું કરીશું? ઈસુએ પોતાના વહાલા દોસ્તોને પાછા જોયા ત્યારે તેમણે શું કર્યું? “ઈસુ તેમની નજીક આવ્યા” અને વાત કરી. (માથ્થી ૨૮:૧૮, પ્રેમસંદેશ) તેમણે દૂરથી જ ‘કેમ છો’ કહ્યું નહિ, પણ પાસે જઈને વાત કરી. એનાથી તેમના જિગરી દોસ્તોના દિલને કેવી ટાઢક વળી હશે! ચાલો આપણે પણ યહોવાહની ભક્તિ કરવા મંડળમાં પાછા આવવાનો પ્રયત્ન કરનારને દિલથી આવકાર આપીએ.
૧૬ ઈસુએ બીજું શું કર્યું? પહેલા તો તેમણે કહ્યું કે “સર્વ અધિકાર મને અપાયો છે.” બીજું કે ઈસુએ તેઓને જવાબદારી સોંપી: “એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો.” ત્રીજું કે તેમણે વચન આપ્યું: “હું સર્વકાળ તમારી સાથે છું.” પરંતુ, ઈસુએ શું ન કર્યું? તેમણે પોતાના દોસ્તોને જેમ-તેમ તોડી ન પાડ્યા, કેમ કે તેઓ હજુ શંકા કરતા હતા. (માત્થી ૨૮:૧૭) ઈસુના સ્વભાવને કારણે ટૂંક સમયમાં જ, ફરીથી તેઓએ પૂરા જોશથી “શીખવવાનું તથા પ્રગટ કરવાનું” ચાલુ કરી દીધું. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૪૨) ઈસુની જેમ જ, ચાલો આપણે પણ સત્યમાં ઠંડા પડી ગયેલા આપણા ભાઈ કે બહેનને મદદ કરીએ.b—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.
“હું સર્વકાળ તમારી સાથે છું”
૧૭ ઈસુએ સોંપેલી જવાબદારીના આખરી શબ્દો આ હતા: “હું સર્વકાળ તમારી સાથે છું.” આ શબ્દો આપણને કેટલી બધી હિંમત આપે છે! દુશ્મનો ભલે યહોવાહના રાજ્યનો પ્રચાર અટકાવવા આકાશ-પાતાળ એક કરે. ભલે આપણા પર ગમે એવા આરોપ મૂકે. પણ આપણે જરાય ગભરાવાની જરૂર નથી. આપણા નેતા ઈસુ ખ્રિસ્ત આપણી સાથે છે, જેમને ‘સર્વ અધિકાર અપાયો છે!’
૧૮ “હું સર્વકાળ તમારી સાથે છું,” એવું ઈસુનું વચન આપણને કેટલો બધો દિલાસો પણ આપે છે! આપણે ઈસુની આજ્ઞાઓ પાળીએ તેમ, આપણા કોઈ દિવસ ખુશીમાં જાય છે, તો કોઈ દિવસ ગમમાં. (૨ કાળવૃત્તાંત ૬:૨૯) જ્યારે આપણું કોઈ સગું-વહાલું મોતની નીંદરમાં પોઢી જાય છે, ત્યારે આપણું કાળજું ચિરાઈ જાય છે. (ઉત્પત્તિ ૨૩:૨; યોહાન ૧૧:૩૩-૩૬) આપણામાંના ઘણા દિવસ-રાત ઘડપણની ચક્કીમાં પિસાય છે. (સભાશિક્ષક ૧૨:૧-૬) જ્યારે કે ઘણા પર નિરાશાના કાળા વાદળ ઘેરાઈ છે. (૧ થેસ્સાલોનીકી ૫:૧૪) રોટી, કપડાં અને મકાન માટે ઘણા પોતાની જાતને ઘસી નાખે છે, તોયે પૂરું પડતું નથી. તોપણ આપણે બધા જ યહોવાહની સેવામાં સફળ થઈએ છીએ, કેમ કે સુખમાં કે દુઃખમાં ઈસુ આપણી સાથે જ છે.—માત્થી ૧૧:૨૮-૩૦.
૧૯ આપણે બંને લેખોમાં જોયું કે શિષ્યો બનાવવાની ઈસુની આજ્ઞાનો અર્થ શું થાય. ઈસુએ શીખવ્યું કે લોકોને યહોવાહના ભક્ત બનવા શા માટે મદદ કરવી, કઈ કઈ જગ્યાઓએ મદદ કરવી. તેમણે એ પણ જણાવ્યું કે લોકોને શું શીખવવું અને ક્યાં સુધી શીખવવું. ખરું કે આ કંઈ સહેલું કામ નથી. પરંતુ ઈસુને સર્વ અધિકાર અપાયો છે અને તે સદાયે આપણી સાથે જ છે. શું તમને નથી લાગતું કે આપણે એ જવાબદારી ચોક્કસ પૂરી કરી શકીશું?
[ફુટનોટ્સ]
a એક પુસ્તક જણાવે છે કે અહીં ઈસુએ કહ્યું કે “બાપ્તિસ્મા આપતા જાઓ; . . . શીખવતા જાઓ.” તેમણે એમ ન કહ્યું કે ‘બાપ્તિસ્મા આપતા જઈને શીખવતા જાઓ.’ એટલે એ બંને બાબતો ‘એક સાથે કરવાની ન હતી.’ “શિક્ષણ આપવાનું તો બાપ્તિસ્મા પહેલાં અને પછી પણ ચાલુ જ રહેવાનું હતું.”
b સત્યમાં ઠંડા પડી ગયેલા ભાઈ કે બહેન વિષે આપણને કેવું લાગવું જોઈએ, એ વિષે જાણવા માટે ચોકીબુરજ, ફેબ્રુઆરી ૧, ૨૦૦૩, પાન ૧૫-૧૮ જુઓ.
આપણે શું શીખ્યા?
• ઈસુની આજ્ઞા પાળવાનું આપણે બીજા લોકોને કઈ રીતે શીખવીએ છીએ?
• બાઇબલ શીખનાર મંડળના ભાઈ-બહેનો પાસેથી શું શીખી શકે?
• સત્યમાં ઠંડા પડી ગયેલાને મદદ કરવા આપણે શું કરી શકીએ?
• “હું સર્વકાળ તમારી સાથે છું,” એવા ઈસુના વચનથી આપણને કયો દિલાસો મળે છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧. ઈશ્વરભક્ત ફિલિપ અને ઇથિયોપિયાના માણસની વચ્ચે શું વાતચીત થાય છે?
૨. (ક) ઇથિયોપિયાના માણસનો જવાબ આપણને શું શીખવે છે? (ખ) હવે આપણે કયા પ્રશ્નો પર વિચાર કરીશું?
૩. (ક) કઈ રીતે લોકો યહોવાહના ભક્તો બની શકે છે? (ખ) લોકોને આપણે શું શીખવવું જોઈએ?
૪. (ક) આજ્ઞા પાળવાનો શું અર્થ થાય? (ખ) આપણે કઈ રીતે કોઈને ઈસુની આજ્ઞા પાળવાનું શીખવી શકીએ?
૫. બાઇબલ શીખનારને બીજા લોકોને પ્રચાર કરવાનું કેમ મુશ્કેલ લાગી શકે?
૬. (ક) બાઇબલ શીખનારને મદદ કરતી વખતે આપણે કઈ રીતે ફિલિપનો દાખલો લઈ શકીએ? (ખ) બાઇબલ શીખનારને આપણે કઈ રીતે સાથ આપી શકીએ?
૭. બીજાને સર્વ આજ્ઞાઓ પાળવાનું શીખવવામાં બીજી કઈ આજ્ઞાઓ સમાયેલી છે?
૮. બાઇબલ શીખનારને કઈ રીતે ઈશ્વર અને લોકો પર પ્રેમ રાખતા શીખવી શકાય?
૯. પ્રેમ રાખવાની આજ્ઞા પાળવા બાઇબલ શીખનારને કઈ રીતે મદદ મળી શકે?
૧૦. (ક) આપણે ક્યાં સુધી શિષ્યો બનાવતા રહીશું? (ખ) જવાબદારી પૂરી કરવા વિષે ઈસુએ કેવો દાખલો બેસાડ્યો?
૧૧. આપણા અમુક ભાઈ-બહેનોને શું થયું છે? આપણે કેવા પ્રશ્નો પર વિચાર કરીશું?
૧૨. (ક) ઈસુના મરણની ઘડીએ તેમના દોસ્તોએ શું કર્યું? (ખ) ઈસુએ તેઓની નબળાઈ જોઈ તોપણ શું કર્યું?
૧૩. સત્યમાં ઠંડા પડી ગયેલા ભાઈ-બહેનો વિષે આપણને કેવું લાગવું જોઈએ?
૧૪. ઈસુની જેમ આપણે શું કરી શકીએ?
૧૫. જ્યારે કોઈ મંડળમાં પાછા આવવાનો પ્રયત્ન કરે, ત્યારે આપણે કઈ રીતે ઈસુના જેવો સ્વભાવ રાખીએ?
૧૬. (ક) ઈસુ પોતાના દોસ્તો સાથે જે રીતે વર્ત્યા, એમાંથી આપણે શું શીખીએ છીએ? (ખ) આપણે કઈ રીતે ઈસુ જેવો જ સ્વભાવ રાખી શકીએ? (ફૂટનોટ જુઓ.)
૧૭, ૧૮. “હું સર્વકાળ તમારી સાથે છું,” એવા ઈસુના વચનથી કયો દિલાસો મળે છે?
૧૯. (ક) શિષ્યો બનાવવાની ઈસુની આજ્ઞામાંથી આપણે શું શીખ્યા? (ખ) ઈસુની આજ્ઞા પાળવા આપણને કોની મદદ મળે છે?
[પાન ૧૫ પર ચિત્રો]
આપણે શીખવનાર અને સાથ આપનાર બનીએ
[પાન ૧૭ પર ચિત્ર]
બાઇબલ શીખનાર બીજાઓના દાખલામાંથી ઘણું શીખે છે