ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ
શું કોઈ આપણને ઈશ્વરના પ્રેમથી “જુદા પાડી શકશે”? રૂમી ૮:૩૮, ૩૯
જન્મથી બધાને પ્રેમની ભૂખ છે. કોઈ સગાં કે દોસ્ત પ્રેમથી બોલે, પ્યારથી વર્તે ત્યારે આપણે કેટલા ખુશ થઈએ છીએ! અફસોસની વાત છે કે કોઈ વાર એવો રિશ્તો લાંબો ટકતો નથી. કોઈ આપણને દગો દે ત્યારે સંબંધમાં તીરાડ પડી જાય છે. જ્યારે કે યહોવાહનો પ્રેમ અમર છે. રૂમી ૮:૩૮, ૩૯ મુજબ તે આપણને બેહદ ચાહે છે.
ત્યાં પાઊલ “આપણા” જેવા સર્વ ભક્તોની વાત કરે છે. તેમણે પૂરી ખાતરીથી કહ્યું કે યહોવાહના પ્રેમથી આપણને કશું જ “જુદા પાડી શકશે નહિ.” પાઊલે એવી અનેક બાબતોનું લીસ્ટ આપ્યું.
“મરણ કે જીવન.” યહોવાહના કોઈ પણ ભક્ત ગુજરી જાય ત્યારે, તે તેઓને ભૂલી જતા નથી. તેઓને નવા યુગમાં ફરી જીવતા કરશે. (યોહાન ૫:૨૮, ૨૯; પ્રકટીકરણ ૨૧:૩, ૪) હાલમાં આપણે ભલે અનેક મુશ્કેલીઓ સહેવી પડે. પણ જો આપણે યહોવાહને વળગી રહીશું, તો આપણા માટે તેમનો પ્રેમ કદીયે ઘટશે નહિ.
“દૂતો કે અધિકારીઓ.” ઘણા લોકો કોઈ મહાન વ્યક્તિ કે સરકારના કહેવાથી કે તેઓના ડરથી કંઈ પણ કરશે. જ્યારે કે શેતાન જેવા ખરાબ સ્વર્ગદૂતો પણ યહોવાહ પર બળજબરી કરી શકતા નથી. (પ્રકટીકરણ ૧૨:૧૦) ભલે કોઈ સરકાર યહોવાહના સાક્ષીઓને વિરોધ કરે, તોપણ તેઓ આપણા અને યહોવાહ વચ્ચેનો નાતો તોડી શકશે નહિ. કોઈ પણ યહોવાહને પોતાના ભક્તો પર પ્રેમ બતાવતા રોકી શકે નહિ.—૧ કોરીંથી ૪:૧૩.
“વર્તમાનનું કે ભવિષ્યનું.” યહો-વાહ પોતાના ભક્તોને કાયમ ચાહ-તા જ રહેશે. હમણાં કે ભાવિમાં ગમે એ થાય, તોયે પોતાના ભક્તો પરનો યહોવાહનો પ્રેમ કદીયે ખૂટશે નહિ.
“પરાક્રમીઓ.” પાઊલે સરકારો અને દૂતોનો ઉલ્લેખ પહેલાં કર્યો છે, તો પછી આ “પરાક્રમીઓ” કોણ છે? મૂળ ગ્રીક ભાષામાં એના અનેક અર્થ થાય છે. અહીં એનો ચોક્કસ અર્થ કહી નથી શકતા. પણ એ ચોક્કસ કહી શકીએ કે સ્વર્ગમાં કે પૃથ્વી પર એવી કોઈ પરાક્રમી વ્યક્તિ નથી, જે યહોવાહનો પ્રેમ રોકી શકે.
“ઊંચાણ કે ઊંડાણ.” આપણા જીવનમાં ચડતી-પડતી આવ્યા કરે. તોપણ યહોવાહ આપણને બેહદ પ્યાર કરે છે.
“કોઈ પણ બીજી સૃષ્ટ વસ્તુ.” વિશ્વમાં એવી કોઈ ચીજ કે વ્યક્તિ નથી, જે યહોવાહને પોતાના ભક્તોને પ્રેમ બતાવતા રોકી શકે.
આપણો પ્રેમ વધી શકે ને ઘટી પણ શકે. જ્યારે કે યહોવાહનો પ્રેમ અમર છે. તેમના ભક્તો માટેનો તેમનો પ્રેમ કદીયે ઘટતો નથી. એ જાણીને તમને કેવું લાગે છે? શું તમને તન-મન-ધનથી યહોવાહની ભક્તિ કરવાનું મન નથી થતું? (w08 8/1)