વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w25 એપ્રિલ પાન ૨-૭
  • “તમે કોની ભક્તિ કરશો એ આજે જ નક્કી કરો”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “તમે કોની ભક્તિ કરશો એ આજે જ નક્કી કરો”
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈસુએ કેમ યહોવાની ભક્તિ કરવાનું નક્કી કર્યું?
  • યહોવા કેમ આપણી ભક્તિના હકદાર છે?
  • આપણે કેમ યહોવાની ભક્તિ કરવાનું નક્કી કરીએ છીએ?
  • યહોવાની ભક્તિ કરતા રહો
  • નમ્રતાથી સ્વીકારીએ કે આપણે ઘણી વાતો જાણતા નથી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • આ સવાલોના જવાબ મેળવો
    ૨૦૨૫-૨૦૨૬ સરકીટ સંમેલન કાર્યક્રમ—સરકીટ નિરીક્ષક સાથે
  • યહોવા “જીવતા ઈશ્વર” છે એ યાદ રાખો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • શું મારા નિર્ણયથી દેખાઈ આવે છે કે મને યહોવા પર ભરોસો છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
w25 એપ્રિલ પાન ૨-૭

અભ્યાસ લેખ ૧૪

ગીત ૪૯ યહોવા છે સહારો

“તમે કોની ભક્તિ કરશો એ આજે જ નક્કી કરો”

“હું અને મારા ઘરના તો યહોવાની જ ભક્તિ કરીશું.”—યહો. ૨૪:૧૫.

આપણે શું શીખીશું?

આ લેખ યાદ અપાવશે કે આપણે કયાં કારણોને લીધે યહોવાની ભક્તિ કરવાનું નક્કી કર્યું છે.

૧. સાચી ખુશી મેળવવા શું કરવું જોઈએ અને કેમ? (યશાયા ૪૮:૧૭, ૧૮)

સ્વર્ગમાંના પિતા આપણને અનહદ પ્રેમ કરે છે. તે ચાહે છે કે આપણે હમણાં અને ભાવિમાં સુખેથી જીવીએ. (સભા. ૩:૧૨, ૧૩) યહોવાએ આપણને અદ્‍ભુત આવડતો આપી છે. પણ એકબીજા પર રાજ કરવાની અને ખરાં-ખોટાં માટેનાં ધોરણો નક્કી કરવાની આવડત આપી નથી. (સભા. ૮:૯; યર્મિ. ૧૦:૨૩) તે જાણે છે કે જો આપણે ફક્ત તેમની ભક્તિ કરીશું અને તેમનાં ધોરણો પ્રમાણે જીવીશું, તો જ સાચી ખુશી મેળવી શકીશું.—યશાયા ૪૮:૧૭, ૧૮ વાંચો.

૨. શેતાન આપણાં મનમાં શું ઠસાવવા માંગે છે? શેતાનના દાવા જૂઠા છે એવું સાબિત કરવા યહોવાએ શું કર્યું છે?

૨ શેતાન આપણાં મનમાં ઠસાવવા માંગે છે કે આપણે યહોવા વગર ખુશ રહી શકીએ છીએ અને માણસો એકબીજા પર સારી રીતે રાજ કરી શકે છે. (ઉત. ૩:૪, ૫) શેતાનના એ દાવા જૂઠા છે, એ સાબિત કરવા યહોવાએ માણસોને એકબીજા પર થોડા સમય માટે રાજ કરવા દીધું છે. એનું કેવું ખરાબ પરિણામ આવ્યું એ જોવા આપણે ક્યાંય જવાની જરૂર નથી, એ આપણી નજર સામે છે. બીજી બાજુ, બાઇબલમાં એવા ઘણા ઈશ્વરભક્તોના દાખલા આપ્યા છે, જેઓ યહોવાની ભક્તિ કરવાને લીધે ખુશ હતા. એમાં સૌથી ઉત્તમ દાખલો ઈસુ ખ્રિસ્તનો છે. ચાલો સૌથી પહેલા જોઈએ કે ઈસુએ કેમ યહોવાની ભક્તિ કરવાનું નક્કી કર્યું. પછી જોઈશું કે યહોવા પિતા કેમ આપણી ભક્તિના હકદાર છે. છેલ્લે એ જોઈશું કે કયાં અમુક કારણોને લીધે આપણે યહોવાની ભક્તિ કરવાનું નક્કી કરીએ છીએ.

ઈસુએ કેમ યહોવાની ભક્તિ કરવાનું નક્કી કર્યું?

૩. શેતાને ઈસુને કઈ લાલચ આપી અને ઈસુએ કયો નિર્ણય લીધો?

૩ પૃથ્વી પર હતા ત્યારે ઈસુએ હંમેશાં બતાવી આપ્યું કે તેમણે યહોવાની ભક્તિ કરવાનું નક્કી કર્યું છે. દાખલા તરીકે, ઈસુએ બાપ્તિસ્મા લીધું એ પછી તરત શેતાને તેમને લાલચ આપી. તેણે કહ્યું કે જો ઈસુ એકવાર તેની ભક્તિ કરે, તો તે દુનિયાનાં બધાં રાજ્યો તેમને આપી દેશે. જવાબમાં ઈસુએ કહ્યું: “અહીંથી ચાલ્યો જા શેતાન! એમ લખેલું છે કે ‘તું ફક્ત તારા ઈશ્વર યહોવાની ભક્તિ કર અને તેમની એકલાની જ પવિત્ર સેવા કર.’” (માથ. ૪:૮-૧૦) ઈસુએ કેમ એવો નિર્ણય લીધો? ચાલો અમુક કારણો જોઈએ.

૪-૫. કયાં અમુક કારણોને લીધે ઈસુએ યહોવાની ભક્તિ કરવાનું નક્કી કર્યું?

૪ ઈસુ માટે યહોવાની ભક્તિ કરવાનું મુખ્ય કારણ હતું, પ્રેમ. તે પોતાના પિતાને અનહદ પ્રેમ કરે છે. (યોહા. ૧૪:૩૧) તે એ પણ જાણે છે કે યહોવાની ભક્તિ કરવી એકદમ યોગ્ય છે. (યોહા. ૮:૨૮, ૨૯; પ્રકટી. ૪:૧૧) તેમને ખબર છે કે યહોવા જીવનનો ઝરો છે. તે ભરોસાપાત્ર અને ઉદાર છે. (ગીત. ૩૩:૪; ૩૬:૯; યાકૂ. ૧:૧૭) યહોવા હંમેશાં ઈસુ સાથે સાચું બોલ્યા છે અને ઈસુની પાસે જે કંઈ છે એ યહોવાએ જ આપ્યું છે. (યોહા. ૧:૧૪) પણ શેતાન તો યહોવા કરતાં સાવ જુદો છે. તેના લીધે જ માણસોમાં પાપ અને મરણ આવ્યું છે. તે જૂઠો છે. લાલચ અને સ્વાર્થ તેની રગેરગમાં વહે છે. (યોહા. ૮:૪૪) ઈસુ એ બધું જાણતા હતા. એટલે તેમણે શેતાનના પગલે ચાલીને ક્યારેય યહોવાની વિરુદ્ધ જવાનું વિચાર્યું પણ નહિ.—ફિલિ. ૨:૫-૮.

૫ ઈસુએ યહોવાની ભક્તિ કરવાનું નક્કી કર્યું એનું બીજું કારણ એ હતું કે તેમની વફાદારીનાં સારાં પરિણામો આવવાનાં હતાં. (હિબ્રૂ. ૧૨:૨) તેમને ખબર હતી કે જો તે વફાદાર રહેશે, તો પોતાના પિતાનું નામ પવિત્ર મનાવશે. તેમ જ, તેમના દ્વારા માણસોને પાપ અને મરણની ગુલામીમાંથી આઝાદ કરવું શક્ય બનશે.

યહોવા કેમ આપણી ભક્તિના હકદાર છે?

૬-૭. આજે ઘણા લોકો કેમ યહોવાની ભક્તિ કરતા નથી? પણ યહોવા કેમ આપણી ભક્તિના હકદાર છે?

૬ આજે ઘણા લોકો યહોવાની ભક્તિ કરતા નથી. કેમ કે તેઓને યહોવાના સુંદર ગુણો વિશે ખબર નથી. તેઓને એ પણ ખબર નથી કે યહોવાએ તેઓ માટે કેટલું બધું કર્યું છે. તેઓ એથેન્સના લોકો જેવા છે, જેઓને પ્રેરિત પાઉલે પ્રચાર કર્યો હતો. એ લોકો પણ ઈશ્વરને ઓળખતા ન હતા.—પ્રે.કા. ૧૭:૧૯, ૨૦, ૩૦, ૩૪.

૭ પાઉલે એથેન્સના લોકોને સમજાવ્યું કે સાચા ઈશ્વર “બધા મનુષ્યોને જીવન, શ્વાસ અને બધી ચીજવસ્તુઓ આપે છે.” તેમણે આગળ જણાવ્યું: “તેમના તરફથી આપણને જીવન મળ્યું છે, આપણે હરી-ફરી શકીએ છીએ અને જીવીએ છીએ.” યહોવા ઈશ્વર આપણા સર્જનહાર છે, જેમણે “એક માણસમાંથી આખી પૃથ્વી પર રહેવા બધી પ્રજાઓ બનાવી.” એટલે તે જ આપણી ભક્તિના હકદાર છે.—પ્રે.કા. ૧૭:૨૫, ૨૬, ૨૮.

૮. યહોવા ક્યારેય શું નહિ કરે? સમજાવો.

૮ સર્જનહાર અને વિશ્વના માલિક હોવાને લીધે યહોવા લોકોને તેમની ભક્તિ કરવા બળજબરી કરી શકે છે. પણ તે ક્યારેય એવું નહિ કરે. એને બદલે, તેમણે અઢળક પુરાવા આપ્યા છે કે તે સાચે જ છે અને આપણને ખૂબ પ્રેમ કરે છે. તે ચાહે છે કે બને એટલા લોકો હંમેશ માટે તેમના મિત્ર બને. એ માટે જરૂરી છે કે લોકો તેમના હેતુઓ વિશે શીખે અને ભાવિમાં તે તેઓ માટે શું કરવાના છે એ જાણે. (૧ તિમો. ૨:૩, ૪) એ જ કારણે યહોવા આજે આપણને તાલીમ આપે છે, જેથી તેઓને એ બધું શીખવી શકીએ. (માથ. ૧૦:૧૧-૧૩; ૨૮:૧૯, ૨૦) એટલું જ નહિ, યહોવાએ આપણને મંડળ અને આપણી સંભાળ રાખતા પ્રેમાળ વડીલો આપ્યા છે.—પ્રે.કા. ૨૦:૨૮.

૯. યહોવા કઈ રીતે બધા લોકો માટે પોતાનો પ્રેમ જાહેર કરે છે?

૯ આજે ઘણા લોકો સ્વીકારતા નથી કે યહોવા છે. એવા લોકોને પણ સારી સારી વસ્તુઓ આપીને યહોવા પોતાનો પ્રેમ જાહેર કરે છે. આનો વિચાર કરો: હજારો વર્ષોથી લાખો-કરોડો લોકોએ પોતાને જે ખરું લાગે એ રીતે જીવવાનું નક્કી કર્યું છે. તોપણ યહોવાએ તેઓને એ બધું જ પૂરું પાડ્યું છે, જે જીવન નિભાવવા અને એનો આનંદ માણવા જરૂરી છે. (માથ. ૫:૪૪, ૪૫; પ્રે.કા. ૧૪:૧૬, ૧૭) યહોવાને લીધે જ તેઓ કુટુંબ અને મિત્રો સાથે મીઠા સંબંધો બાંધી શકે છે, લગ્‍ન કરીને બાળકો પેદા કરી શકે છે અને પોતાની મહેનતના ફળનો આનંદ માણી શકે છે. (ગીત. ૧૨૭:૩; સભા. ૨:૨૪) એનાથી સાફ દેખાઈ આવે છે કે સ્વર્ગમાંના પિતા યહોવા બધા જ મનુષ્યોને ખૂબ પ્રેમ કરે છે. (નિર્ગ. ૩૪:૬) હવે ચાલો પોતાને યાદ અપાવીએ કે આપણે કેમ યહોવાની ભક્તિ કરવાનું નક્કી કરીએ છીએ અને એ માટે તે આપણને કયા આશીર્વાદો આપે છે.

આપણે કેમ યહોવાની ભક્તિ કરવાનું નક્કી કરીએ છીએ?

૧૦. (ક) આપણા માટે યહોવાની ભક્તિ કરવાનું મુખ્ય કારણ કયું છે? (માથ્થી ૨૨:૩૭) (ખ) યહોવા માફ કરે છે, એ જાણીને તમને કેવું લાગે છે? (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૩, ૧૪)

૧૦ ઈસુની જેમ આપણા માટે પણ યહોવાની ભક્તિ કરવાનું મુખ્ય કારણ છે, તેમના માટેનો ઊંડો પ્રેમ. (માથ્થી ૨૨:૩૭ વાંચો.) યહોવાના સુંદર ગુણો વિશે શીખીએ છીએ ત્યારે આપોઆપ તેમની તરફ ખેંચાઈએ છીએ. દાખલા તરીકે, યહોવા આપણને માફ કરવા તૈયાર છે. જ્યારે ઇઝરાયેલીઓએ તેમની આજ્ઞાઓ ન પાળી, ત્યારે તેમણે તેઓને વિનંતી કરી: “કૃપા કરીને તમારા ખરાબ માર્ગોથી પાછા ફરો.” (યર્મિ. ૧૮:૧૧) યહોવા યાદ રાખે છે કે આપણે ધૂળના બનેલા છીએ અને અવાર-નવાર ભૂલો કરી બેસીએ છીએ. (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૩, ૧૪ વાંચો.) યહોવાએ તમને કેટલી બધી વાર માફ કર્યા છે એનો વિચાર કરો છો ત્યારે, શું તમને હંમેશ માટે તેમની ભક્તિ કરવાનું મન નથી થતું?

૧૧. બીજાં કયાં કારણોને લીધે આપણે યહોવા પિતાની ભક્તિ કરવાનું નક્કી કરીએ છીએ?

૧૧ આપણે જાણીએ છીએ કે યહોવાની ભક્તિ કરવી એકદમ યોગ્ય છે. (માથ. ૪:૧૦) એ કારણે પણ આપણને યહોવાની ભક્તિ કરવાનું મન થાય છે. આપણે એ પણ જાણીએ છીએ કે આપણી વફાદારીનાં કેવાં સારાં પરિણામો આવશે. યહોવાને વફાદાર રહીને આપણે તેમનું નામ પવિત્ર મનાવીએ છીએ, શેતાન જૂઠો છે એવું સાબિત કરીએ છીએ અને આપણા પિતાનું દિલ ખુશ કરીએ છીએ. એટલે આજે જ યહોવાની ભક્તિ કરવાનું નક્કી કરીએ. પછી ભાવિમાં પણ હંમેશ માટે તેમની ભક્તિ કરવાનો સુંદર લહાવો મળશે!—યોહા. ૧૭:૩.

૧૨-૧૩. જેન અને પૅમના દાખલામાંથી શું શીખવા મળે છે?

૧૨ આપણે નાનપણથી જ યહોવાને પ્રેમ કરવાનું શીખી શકીએ છીએ. પછી મોટા થતા જઈશું તેમ એ પ્રેમની જ્વાળાઓ વધારે ને વધારે સળગશે. એવું જ જેન અને પૅમa નામની બે સગી બહેનોના કિસ્સામાં થયું હતું. તેઓએ બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું ત્યારે જેન ૧૧ વર્ષની હતી અને પૅમ ૧૦ વર્ષની હતી. તેઓનાં માતા-પિતાને બાઇબલમાંથી શીખવામાં જરાય રસ ન હતો. પણ તેઓએ જેન અને પૅમને સાક્ષીઓ સાથે અભ્યાસ કરવાની પરવાનગી આપી. શરત એટલી જ હતી કે તેઓએ કુટુંબ સાથે ચર્ચમાં પણ જવાનું હતું. જેન કહે છે: “સાક્ષીઓએ મને બાઇબલમાંથી જે શીખવ્યું, એનાથી ઘણી મદદ મળી. જ્યારે સ્કૂલમાં બીજા વિદ્યાર્થીઓ મને ડ્રગ્સ લેવાનું અને સેક્સ માણવાનું દબાણ કરતા, ત્યારે હું એનો સામનો કરી શકી.”

૧૩ અમુક વર્ષો પછી બંને બહેનો પ્રકાશક બની. પછીથી તેઓએ પાયોનિયરીંગ શરૂ કર્યું. મમ્મી-પપ્પાની ઉંમર વધતી ગઈ તેમ તેઓએ પાયોનિયરીંગની સાથે સાથે તેઓની પણ સંભાળ રાખી. યહોવાએ કઈ રીતે જેન અને પૅમને સાથ આપ્યો, એ યાદ કરતા જેન કહે છે: “હું અનુભવથી શીખી કે યહોવા વફાદાર છે અને પોતાના મિત્રોની સંભાળ રાખે છે. એટલું જ નહિ, બીજો તિમોથી ૨:૧૯માં જણાવ્યું છે તેમ, ‘જેઓ પોતાના છે તેઓને યહોવા ઓળખે છે.’” સાચે, જેઓ યહોવાને પ્રેમ કરવાનું અને તેમની ભક્તિ કરવાનું નક્કી કરે છે, તેઓની તે હંમેશાં સંભાળ રાખે છે!

૧૪. આપણાં વાણી-વર્તનથી કઈ રીતે યહોવાના નામ પર લાગેલું કલંક દૂર કરવા મદદ કરી શકીએ? (ચિત્રો પણ જુઓ.)

૧૪ આપણે યહોવાના નામ પર લાગેલું કલંક દૂર કરવા માંગીએ છીએ. આ દાખલાનો વિચાર કરો: તમારો એક પાકો મિત્ર છે. તે બહુ પ્રેમાળ અને ઉદાર છે. તે બીજાઓને તરત માફ કરી દે છે. એક દિવસ તમને સાંભળવા મળે છે કે કોઈએ તેના પર ક્રૂર અને બેઈમાન હોવાનો આરોપ મૂક્યો છે. તમે શું કરશો? તમે મિત્રનું નામ બદનામ થવા નહિ દો. તમે તેના પક્ષે ઊભા રહેશો અને તેના બચાવમાં બોલશો. એવી જ રીતે, આજે શેતાન અને તેના ઇશારે નાચતા લોકો યહોવા વિશે જૂઠાણાં ફેલાવે છે અને તેમનું નામ બદનામ કરે છે. એવા સમયે આપણે ચૂપ બેસી રહેતા નથી. આપણે લોકોને યહોવા વિશેનું સત્ય જણાવીએ છીએ અને પૂરા જોશથી તેમના પક્ષમાં બોલીએ છીએ. (ગીત. ૩૪:૧; યશા. ૪૩:૧૦) આમ, આપણાં વાણી-વર્તનથી બતાવીએ છીએ કે પૂરા દિલથી યહોવાની ભક્તિ કરવા માંગીએ છીએ.

ચિત્રો: ૧. એક સ્ત્રી જુએ છે કે સંમેલનગૃહની બહાર વિરોધીઓ યહોવાના સાક્ષીઓ વિરુદ્ધ બોલી રહ્યા છે. ૨. પછી એ સ્ત્રી ટ્રૉલી પાસે ઊભેલાં એક પતિ-પત્ની સાથે વાત કરે છે.

યહોવાનું નામ પવિત્ર મનાવવા શું તમે તેમના પક્ષમાં બોલશો? (ફકરો ૧૪ જુઓ)b


૧૫. જીવનમાં ફેરફારો કરવાથી પ્રેરિત પાઉલને કયા આશીર્વાદો મળ્યા? (ફિલિપીઓ ૩:૭, ૮)

૧૫ યહોવાને ખુશ કરવા અથવા તેમની ભક્તિમાં વધારે કરવા આપણે રાજીખુશીથી જીવનમાં ફેરફારો કરવા તૈયાર છીએ. પ્રેરિત પાઉલનો દાખલો લો. યહૂદી સમાજમાં તેમનું આગળ પડતું સ્થાન હતું. તેમ છતાં, ખ્રિસ્તને પગલે ચાલવા અને યહોવાની ભક્તિ કરવા તેમણે એ બધું જતું કર્યું. (ગલા. ૧:૧૪) પરિણામે, યહોવાની સેવામાં તેમને ઘણા જોરદાર અનુભવો થયા અને ખ્રિસ્ત સાથે સ્વર્ગમાં રાજ કરવાનો લહાવો મળ્યો. યહોવાની સેવા કરવાનો તેમણે જે નિર્ણય લીધો, એનો તેમને કદી પસ્તાવો ન થયો. આપણા વિશે પણ એ એટલું જ સાચું છે.—ફિલિપીઓ ૩:૭, ૮ વાંચો.

૧૬. જુલિયાના અનુભવમાંથી શું શીખવા મળે છે? (ચિત્રો પણ જુઓ.)

૧૬ જો યહોવાની ભક્તિને જીવનમાં સૌથી પહેલી રાખીશું, તો હમણાં અને ભાવિમાં પુષ્કળ આશીર્વાદો મળશે. જુલિયાના અનુભવ પર ધ્યાન આપો. નાનપણથી જ તે ચર્ચની ગાયન-ટોળીમાં ગીતો ગાતી હતી. તેનો અવાજ એટલો સુરીલો હતો કે તેને ઓપેરાની (સંગીત નાટક) ગાયક બનવાની તાલીમ આપવામાં આવી, જેથી તે એમાં કારકિર્દી બનાવી શકે. થોડા જ સમયમાં જુલિયાનો જાદુ છવાઈ ગયો. તેણે ઘણી પ્રખ્યાત જગ્યાઓએ પોતાના કાર્યક્રમો કર્યા. ઓપેરાની તાલીમ લેવા તે જે જાણીતી સંગીત અકાદમીમાં ભણતી હતી, ત્યાં તેની સાથે ભણતા એક છોકરાએ તેને ઈશ્વર વિશે જણાવ્યું. એ પણ જણાવ્યું કે ઈશ્વરનું એક નામ છે, યહોવા. થોડા જ વખતમાં જુલિયા અઠવાડિયામાં બે વાર બાઇબલમાંથી શીખવા લાગી. સમય જતાં, તેણે પોતાની કારકિર્દી છોડીને યહોવાની ભક્તિમાં વધારે કરવાનું નક્કી કર્યું. એ નિર્ણય લેવો સહેલું ન હતું. તે કહે છે: “ઘણા લોકો કહેતા કે મને ગાવાની જે ભેટ મળી છે, એને હું વેડફી રહી છું. પણ મારે તો આખું જીવન યહોવાની સેવામાં વિતાવવું હતું.” જુલિયાએ એ નિર્ણય લીધો એને ૩૦ કરતાં વધારે વર્ષો વીતી ગયાં છે. આજે તેને કેવું લાગે છે? તે કહે છે: “મને મનની શાંતિ મળી છે. મને પૂરો ભરોસો છે કે ભાવિમાં યહોવા મારા દિલની એકેએક તમન્‍ના પૂરી કરશે.”—ગીત. ૧૪૫:૧૬.

ચિત્રો: જુલિયાએ જે નિર્ણય લીધો એ સમજાવતું દૃશ્ય. ૧. તે સ્ટેજ પરથી ગાઈ રહી છે. ૨. તે પોતાના પતિ સાથે મંડળની સભામાં ગાઈ રહી છે.

યહોવાની ભક્તિ આપણાં જીવનમાં સૌથી મહત્ત્વની હોય છે ત્યારે, સાચી ખુશી મળે છે (ફકરો ૧૬ જુઓ)c


યહોવાની ભક્તિ કરતા રહો

૧૭. (ક) જેઓ હમણાં યહોવાની ભક્તિ કરતા નથી તેઓએ શું કરવું જોઈએ અને કેમ? (ખ) જેઓએ યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય લીધો છે તેઓ શું જાણે છે?

૧૭ આ દુનિયાનો અંત બહુ નજીક છે. પ્રેરિત પાઉલે લખ્યું હતું: “હવે ‘થોડો જ સમય’ બાકી છે અને ‘જે આવવાના છે તે આવશે અને મોડું કરશે નહિ.’” (હિબ્રૂ. ૧૦:૩૭) એનો અર્થ શું થાય? જે લોકોએ હજી સુધી યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય નથી લીધો, તેઓ પાસે બહુ ઓછો સમય બચ્યો છે. એટલે નિર્ણય લેવા તેઓએ જલદી પગલાં ભરવાની જરૂર છે. (૧ કોરીં. ૭:૨૯) પણ જે લોકોએ યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય લઈ લીધો છે, તેઓ વિશે શું? તેઓ જાણે છે કે કસોટીઓ તો આવવાની જ છે, પણ એ “થોડો જ સમય” હશે.

૧૮. યહોવા અને ઈસુ આપણી પાસેથી શું ચાહે છે?

૧૮ ઈસુએ લોકોને ફક્ત પોતાના શિષ્યો બનવાનું જ નહિ, તેમની પાછળ ચાલતા રહેવાનું પણ ઉત્તેજન આપ્યું. (માથ. ૧૬:૨૪) એટલે જો આપણે ઘણાં વર્ષોથી યહોવાની ભક્તિ કરતા હોઈએ, તો એમ કરવાનું ચાલુ રાખીએ. યહોવા ચાહે છે કે તેમની ભક્તિ કરવાનો આપણે જે નિર્ણય લીધો છે, એમાં અડગ રહીએ, પાછા ન પડીએ. એમ કરવું કદાચ સહેલું નહિ હોય. પણ જો યહોવાની ભક્તિ કરતા રહીશું, તો આજેય ખુશ રહી શકીશું અને આશીર્વાદોનો આનંદ માણી શકીશું!—ગીત. ૩૫:૨૭.

૧૯. જીનના અનુભવમાંથી શું શીખવા મળે છે?

૧૯ અમુકને લાગે છે કે યહોવાની ભક્તિ કરવા ઘણું જતું કરવું પડે છે. યુવાનો, શું તમને એવું લાગે છે કે જો તમે યહોવાની ભક્તિ કરશો, તો જીવનની મજા મરી જશે? જીન નામનો યુવાન ભાઈ કહે છે: “મને લાગતું કે યહોવાના સાક્ષી હોવાને લીધે હું મજા કરી શકતો ન હતો. મારી ઉંમરનાં બીજાં બાળકો તો ખૂબ મોજ કરતા. જેમ કે, પાર્ટીઓમાં જતાં, બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાથે હરતાં-ફરતાં અથવા હિંસક વીડિયો ગેમ રમતાં. પણ મારે તો સભાઓમાં અને પ્રચારમાં જવું પડતું.” એવા વિચારોની જીન પર કેવી અસર થઈ? તે કહે છે: “હું બેવડું જીવન જીવવા લાગ્યો. થોડી પળો માટે મને મજા આવી. પણ સાચું કહું, હું દિલથી ખુશ ન હતો. હું વિચારવા લાગ્યો કે બાઇબલની સલાહ આપણા ભલા માટે છે. એટલે મેં નક્કી કર્યું કે હું પૂરા દિલથી યહોવાની ભક્તિ કરીશ. મને લાગે છે કે યહોવાએ ત્યારથી લઈને આજ સુધી મારી બધી પ્રાર્થનાઓનો જવાબ આપ્યો છે.”

૨૦. આપણે કયો પાકો નિર્ણય લેવો જોઈએ?

૨૦ ગીતશાસ્ત્રના એક લેખકે યહોવાને કહ્યું: “સુખી છે એ માણસ, જેને તમે પસંદ કરો છો અને તમારી નજીક લાવો છો, જેથી તે તમારાં આંગણાઓમાં રહે.” (ગીત. ૬૫:૪) ચાલો, યહોશુઆની જેમ પાકો નિર્ણય લઈએ અને કહીએ: “હું અને મારા ઘરના તો યહોવાની જ ભક્તિ કરીશું.”—યહો. ૨૪:૧૫.

તમે શું કહેશો?

  • ઈસુએ કેમ યહોવાની ભક્તિ કરવાનું નક્કી કર્યું?

  • યહોવા કેમ આપણી ભક્તિના હકદાર છે?

  • આપણે કેમ યહોવાની ભક્તિ કરવાનું નક્કી કરીએ છીએ?

ગીત ૨૭ યહોવા મારો માલિક

a અમુક નામ બદલ્યાં છે.

b ચિત્રની સમજ: સંમેલનગૃહની બહાર વિરોધીઓ આપણી વિરુદ્ધ બોલી રહ્યા છે. એક સ્ત્રી એ સાંભળે છે. પછી તે નજીકમાં રાખેલી ટ્રૉલી પાસે જાય છે અને બાઇબલમાં જણાવેલી સત્યની વાતો સાંભળે છે.

c ચિત્રની સમજ: એ ચિત્રોથી કલ્પના કરી શકીએ છીએ કે યહોવાની ભક્તિ કરવા જુલિયાએ કેવા ફેરફારો કર્યા.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો