અભ્યાસ લેખ ૩૯
ગીત ૩૨ અડગ રહીએ
‘જેઓનું દિલ સારું છે’ તેઓને મદદ કરવામાં મોડું ન કરો
“જેઓનું દિલ સારું હતું તેઓએ શ્રદ્ધા મૂકી, જેથી હંમેશ માટેનું જીવન મેળવી શકે.”—પ્રે.કા. ૧૩:૪૮.
આપણે શું શીખીશું?
લોકોને ક્યારે બાઇબલ અભ્યાસ માટે પૂછવું જોઈએ અને સભામાં આવવાનું આમંત્રણ આપવું જોઈએ?
૧. ખુશખબર સાંભળીને લોકો કઈ રીતે વર્તે છે? (પ્રેરિતોનાં કાર્યો ૧૩:૪૭, ૪૮; ૧૬:૧૪, ૧૫)
પહેલી સદીમાં ઘણા લોકોએ ઈશ્વરના રાજ્યનો સંદેશો સાંભળ્યો અને તરત એનો સ્વીકાર કર્યો. (પ્રેરિતોનાં કાર્યો ૧૩:૪૭, ૪૮; ૧૬:૧૪, ૧૫ વાંચો.) એવી જ રીતે, આજે પણ અમુક લોકો ખુશખબર સાંભળીને ખુશ થઈ જાય છે. અમુક કદાચ શરૂઆતમાં રસ ન બતાવે, પણ આગળ જતાં તેઓ પોતાના દિલના દરવાજા ખોલે છે અને ખુશખબર સ્વીકારે છે. જ્યારે પ્રચારમાં ‘સારા દિલના’ લોકો મળે ત્યારે શું કરવું જોઈએ?
૨. પ્રચારકામ કઈ રીતે ખેડૂતના કામ જેવું છે?
૨ આપણું પ્રચારકામ એક રીતે ખેડૂતના કામ જેવું છે. કઈ રીતે? વાડીમાં અમુક ઝાડનાં ફળ વહેલાં પાકી જાય છે ત્યારે ખેડૂત એને તરત ઉતારી લે છે. પણ જે ફળ હજી કાચાં છે, એને તે ઝાડ પર જ રહેવા દે છે. જોકે, તે એ ફળનું પણ ખૂબ ધ્યાન રાખે છે. એવી જ રીતે, પ્રચારમાં જેઓ રસ બતાવે છે અને શીખવા તૈયાર હોય છે, તેઓને આપણે તરત મદદ કરીએ છીએ, જેથી તેઓ ઈસુના શિષ્યો બની શકે. જોકે એવા લોકોને પણ મદદ કરતા રહીએ છીએ, જેઓ થોડો-ઘણો રસ બતાવે છે, પણ હજી સુધી શીખવા તૈયાર નથી. તેઓને એ જોવા મદદ કરીએ છીએ કે ઈશ્વર અને બાઇબલ વિશે શીખવાથી કઈ રીતે ફાયદો થશે. (યોહા. ૪:૩૫, ૩૬) જો આપણે પારખીશું કે વ્યક્તિ શીખવા તૈયાર છે કે નહિ, તો તેને સારી રીતે મદદ કરી શકીશું. ચાલો સૌથી પહેલા એ જોઈએ કે જેઓ પહેલી મુલાકાતમાં જ શીખવા તૈયાર થઈ જાય છે, તેઓને કઈ રીતે મદદ કરી શકીએ. પછી જોઈશું કે તેઓને કઈ રીતે યહોવાની નજીક જવા અને તેમના ભક્ત બનવા મદદ કરી શકીએ.
લોકો શીખવા તૈયાર હોય ત્યારે
૩. લોકો શીખવા તૈયાર હોય ત્યારે શું કરવું જોઈએ? (૧ કોરીંથીઓ ૯:૨૬)
૩ લોકો ઈશ્વર અને બાઇબલ વિશે શીખવા તૈયાર હોય ત્યારે, આપણે તેઓને તરત મદદ કરવા માંગીએ છીએ, જેથી તેઓ જીવનના માર્ગ પર ચાલવા લાગે. આપણે પહેલી મુલાકાતમાં જ તેઓને બાઇબલ અભ્યાસ માટે પૂછવું જોઈએ અને સભામાં આવવાનું આમંત્રણ આપવું જોઈએ.—૧ કોરીંથીઓ ૯:૨૬ વાંચો.
૪. બાઇબલમાંથી શીખવા તરત રાજી થઈ ગયા હોય એવો કોઈ અનુભવ જણાવો.
૪ બાઇબલ અભ્યાસ માટે પૂછો. પ્રચારમાં જેઓ સાથે વાત કરીએ છીએ, તેઓમાંથી અમુક તરત બાઇબલ અભ્યાસ માટે રાજી થઈ જાય છે. ચાલો એક અનુભવ જોઈએ. કેનેડામાં ગુરુવારના દિવસે એક છોકરી ટ્રૉલી પાસે આવી. તેણે દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકા લીધી. ટ્રૉલી પાસે ઊભેલાં બહેને સમજાવ્યું કે કોઈ તેને એ પુસ્તિકા દ્વારા બાઇબલમાંથી શીખવા મદદ કરી શકે છે અને એ પણ વિનામૂલ્યે. છોકરીને બહુ રસ પડ્યો. પછી તેઓએ એકબીજાને પોતાના ફોન નંબર આપ્યા. એ જ દિવસે છોકરીએ બહેનને મેસેજ કર્યો કે અભ્યાસ માટે ક્યારે મળવું છે. બહેને કહ્યું કે શનિવારે મળીએ. પણ છોકરીએ કહ્યું: “કાલે કેવું રહેશે? મારે કંઈ એટલું કામ નથી.” બીજા જ દિવસે, એટલે કે શુક્રવારે તેણે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. એ જ અઠવાડિયાના અંતે છોકરી પહેલી વાર સભામાં આવી અને આગળ જતાં તેણે ઝડપથી પ્રગતિ કરી.
૫. વ્યક્તિ તરત બાઇબલમાંથી શીખવા રાજી ન હોય તો શું કરવું જોઈએ? (ચિત્રો પણ જુઓ.)
૫ કંઈ બધા જ લોકો એ યુવાન છોકરી જેવા નહિ હોય. કંઈ બધા જ લોકો તરત બાઇબલમાંથી શીખવા રાજી નહિ થાય. અમુકને વધારે સમય લાગી શકે છે. આપણે શું કરી શકીએ? આપણે કદાચ તેઓ સાથે એવા વિષય પર વાત શરૂ કરી શકીએ, જેમાં તેઓને રસ હોય. જો નિરાશ થયા વગર તેઓને મદદ કરતા રહીશું, તો થોડા જ સમયમાં બાઇબલ અભ્યાસ શરૂ કરી શકીશું. પણ બાઇબલ અભ્યાસ માટે પૂછતી વખતે શું કહી શકીએ? એ સવાલ એવાં ઘણાં ભાઈ-બહેનોને પૂછવામાં આવ્યો હતો, જેઓ સારી રીતે બાઇબલ અભ્યાસ શરૂ કરી શકે છે.
ચિત્રમાં બતાવેલાં ભાઈ અને બહેનને બાઇબલ અભ્યાસ કરવાનું મન થાય, એ માટે તમે શું કહી શકો? (ફકરા ૫-૬ જુઓ)a
૬. વ્યક્તિ ફરી વાત કરવા તૈયાર થાય એ માટે શું કહી શકીએ?
૬ એ ભાઈ-બહેનોએ જવાબ આપ્યો કે બાઇબલ અભ્યાસ વિશે વાત કરતી વખતે અમુક દેશોમાં આવા શબ્દો ટાળવા જોઈએ: “અભ્યાસ,” “બાઇબલ કોર્સ” અથવા “અમે તમને શીખવીશું.” તેઓએ જોયું છે કે આવા શબ્દો વાપરવાથી ફાયદો થાય છે: “ચર્ચા,” “વાતચીત” અને “સાથે બાઇબલમાંથી શીખીશું.” વ્યક્તિ તમારી સાથે ફરી વાત કરવા તૈયાર થાય એ માટે આવું કંઈક કહી શકો: “એ કેટલી નવાઈની વાત છે ને કે બાઇબલમાં જીવનને લગતા ઘણા સવાલોના જવાબ આપ્યા છે.” અથવા “બાઇબલ ફક્ત ધાર્મિક પુસ્તક નથી. એમાંથી રોજબરોજના જીવનમાં કામ લાગે એવી ઘણી બાબતો શીખવા મળે છે.” પછી આવું કંઈક કહી શકો: “આપણાં જીવનમાં કામ લાગે એવી માહિતી શીખવામાં વધારે સમય નહિ લાગે. ૧૦-૧૫ મિનિટ તો બહુ છે.” જો તમે આવું કંઈક કહેશો કે “ચાલો આપણે સમય નક્કી કરીએ” અથવા “દર અઠવાડિયે મળીશું,” તો કદાચ વ્યક્તિને લાગશે કે તેની પાસે મળ્યા સિવાય કોઈ છૂટકો નથી. એટલે કદાચ એવા શબ્દો કહેવાનું ટાળી શકો.
૭. અમુકને ક્યારે સમજાયું કે તેઓ જે શીખી રહ્યા છે એ જ સત્ય છે? (૧ કોરીંથીઓ ૧૪:૨૩-૨૫)
૭ સભામાં આવવાનું આમંત્રણ આપો. એવું લાગે છે કે પ્રેરિત પાઉલના સમયમાં અમુક લોકો સભામાં આવ્યા ત્યારે તેઓને સમજાયું કે આ જ સત્ય છે. (૧ કોરીંથીઓ ૧૪:૨૩-૨૫ વાંચો.) આજે પણ એવું જ જોવા મળે છે. બાઇબલમાંથી શીખતા ઘણા લોકો સભામાં આવવાનું શરૂ કરે છે એ પછી ઝડપથી પ્રગતિ કરે છે. તો પછી તમારે ક્યારે સભાનું આમંત્રણ આપવું જોઈએ? દુઃખ જશે, સુખ આવશે પુસ્તકના પાઠ ૧૦માં સભામાં આવવાનું આમંત્રણ આપ્યું છે. પણ તમારે ૧૦મો પાઠ આવે એની રાહ જોવાની જરૂર નથી. તમે પહેલી જ મુલાકાતમાં વ્યક્તિને અઠવાડિયાના અંતે થતી સભાનું આમંત્રણ આપી શકો. તમે જાહેર પ્રવચનનો વિષય જણાવી શકો અથવા ચોકીબુરજ અભ્યાસમાંથી કોઈ મુદ્દો જણાવી શકો.
૮. સભાનું આમંત્રણ આપતી વખતે વ્યક્તિને શું કહી શકીએ? (યશાયા ૫૪:૧૩)
૮ બની શકે કે વ્યક્તિ પહેલેથી કોઈ ધાર્મિક સભામાં જતી હોય. એટલે તેને સભામાં આવવાનું આમંત્રણ આપતા પહેલાં જણાવો કે આપણી સભાઓ કઈ રીતે અલગ હોય છે. એકવાર એક સ્ત્રી પહેલી વાર અઠવાડિયાના અંતે થતી સભામાં આવી. તેણે પોતાનો અભ્યાસ લેનાર બહેનને પૂછ્યું: “શું ભાઈને બધાનાં નામ ખબર છે?” બહેને જણાવ્યું કે એક કુટુંબની જેમ મંડળમાં બધા એકબીજાનાં નામ યાદ રાખવાની કોશિશ કરે છે. સ્ત્રીએ કહ્યું કે તેના ચર્ચમાં મોટા ભાગના લોકોને એકબીજાનાં નામ ખબર હોતી નથી. વધુમાં આપણે સભામાં કેમ જઈએ છીએ એ પણ જણાવવું જોઈએ. (યશાયા ૫૪:૧૩ વાંચો.) આપણે ત્યાં યહોવાની ભક્તિ કરવા, તેમની પાસેથી શીખવા અને એકબીજાને ઉત્તેજન આપવા ભેગા મળીએ છીએ. (હિબ્રૂ. ૨:૧૨; ૧૦:૨૪, ૨૫) એટલે ત્યાં કોઈ વિધિઓ થતી નથી. એના બદલે ત્યાં જીવનમાં કામ લાગે એવી માહિતી શીખવવામાં આવે છે અને બધું વ્યવસ્થિત રીતે થાય છે. (૧ કોરીં. ૧૪:૪૦) સભાનો હૉલ પણ એકદમ સાદો હોય છે. ત્યાં એવી ગોઠવણો કરવામાં આવે છે જેથી બધા બેસીને શાંતિથી શીખી શકે. વધુમાં આપણે ક્યારેય રાજકારણમાં કોઈનો પક્ષ લેતા નથી. એટલે આપણે એ વિશે ચર્ચા કરતા નથી. આપણે અલગ અલગ લોકોના મત વિશે એકબીજા સાથે દલીલો પણ કરતા નથી. સારું રહેશે કે આપણે પહેલેથી વ્યક્તિને પ્રાર્થનાઘરમાં શું થાય છે? વીડિયો બતાવીએ. એનાથી તેને ખ્યાલ આવશે કે આપણી સભાઓમાં શું થાય છે.
૯-૧૦. સભાનું આમંત્રણ આપતી વખતે આપણે કઈ રીતે વ્યક્તિનો ડર ઓછો કરી શકીએ? (ચિત્ર પણ જુઓ.)
૯ અમુકને કદાચ સભામાં આવવાનો ડર લાગતો હોય. કેમ કે તેઓને થતું હોય કે આપણે તેઓને યહોવાના સાક્ષી બનવાનું કહીશું. વ્યક્તિને ખાતરી અપાવો કે નવા લોકો આવે છે ત્યારે આપણને બહુ ગમે છે. તેઓ સભામાં બસ શાંતિથી બેસીને સાંભળી શકે છે. તેઓએ કંઈ બોલવાની કે કરવાની જરૂર નથી. એ પણ જણાવો કે ત્યાં કુટુંબોને પણ દિલથી આવકારવામાં આવે છે. જેઓનાં નાનાં બાળકો હોય તેઓ પણ આવી શકે છે. આપણી સભાઓમાં બાળકોને કંઈ અલગ શીખવવામાં આવતું નથી. એના બદલે તેઓ પોતાનાં મમ્મી-પપ્પા સાથે બેસીને શીખી શકે છે. આમ, મમ્મી-પપ્પાને ખબર હશે કે તેઓનાં બાળકો કોની સાથે છે અને તેઓને શું શીખવવામાં આવે છે. (પુન. ૩૧:૧૨) આપણે સભામાં દાન પણ ઉઘરાવતા નથી. આપણે તો ઈસુની આ આજ્ઞા પાળીએ છીએ: “તમને મફત મળ્યું છે, મફત આપો.” (માથ. ૧૦:૮) તમે કદાચ વ્યક્તિને એ પણ જણાવી શકો કે તેણે સભામાં આવવા મોંઘાં મોંઘાં કપડાં પહેરવાની જરૂર નથી. ઈશ્વર દિલ જુએ છે, બહારનો દેખાવ નહિ.—૧ શમુ. ૧૬:૭.
૧૦ વ્યક્તિ સભામાં આવે ત્યારે દિલથી તેનો આવકાર કરો. મંડળના વડીલો અને બીજાં ભાઈ-બહેનો સાથે ઓળખાણ કરાવો. જો તેને લાગશે કે ભાઈ-બહેનો કુટુંબ જેવો પ્રેમ બતાવે છે અને તેની ચિંતા કરે છે, તો તેને પાછા આવવાનું મન થશે. સભા વખતે જો તેની પાસે બાઇબલ ન હોય, તો તમારા બાઇબલમાંથી બતાવો કે કઈ રીતે કલમો ખોલી શકાય. એટલું જ નહિ, અભ્યાસ માટેનું સાહિત્ય પણ બતાવો જેથી તે પોતાની પ્રતમાંથી અથવા તમારી પ્રતમાંથી જોઈ શકે.
એક વ્યક્તિ જેટલી જલદી સભામાં આવવા લાગશે, એટલી જલદી તે યહોવાની નજીક જશે (ફકરા ૯-૧૦ જુઓ)
બાઇબલ અભ્યાસ શરૂ થાય ત્યારે
૧૧. આપણે કઈ રીતે વ્યક્તિનાં શેડ્યુલ અને સમયનું ધ્યાન રાખી શકીએ?
૧૧ કોઈનો બાઇબલ અભ્યાસ ચલાવતી વખતે શાનું ધ્યાન રાખવું જોઈએ? વ્યક્તિનાં શેડ્યુલ અને સમયનું ધ્યાન રાખો. તમે અભ્યાસ માટે સમય નક્કી કર્યો હોય તો સમયસર ત્યાં જાઓ, પછી ભલે તમારા વિસ્તારમાં લોકો સમયના પાબંદ હોય કે ન હોય. વધુમાં, એ સારું રહેશે કે પહેલી વાર અભ્યાસ માટે મળો ત્યારે અભ્યાસનો સમય ટૂંકો રાખો. વ્યક્તિને કદાચ વધારે જાણવાની ઇચ્છા હોય, પણ અનુભવી ભાઈ-બહેનોએ જોયું છે કે સમયસર અભ્યાસ પૂરો કરવાથી હંમેશાં ફાયદો થાય છે. તમે જ બોલ બોલ ન કરશો. ઘરમાલિકને પણ પોતાનાં વિચારો અને લાગણીઓ જણાવવા પૂરતો સમય આપો.—નીતિ. ૧૦:૧૯.
૧૨. શરૂઆતથી જ કયો ધ્યેય રાખવો જોઈએ?
૧૨ કોઈની સાથે બાઇબલ અભ્યાસ શરૂ કરીએ ત્યારથી જ ધ્યેય રાખવો જોઈએ કે તે યહોવા અને ઈસુને ઓળખે અને તેઓને પ્રેમ કરવા લાગે. એ માટે પોતાના પર કે પોતાના વિચારો પર ધ્યાન દોરવાને બદલે, બાઇબલના વિચારો પર ધ્યાન દોરીએ. (પ્રે.કા. ૧૦:૨૫, ૨૬) પ્રેરિત પાઉલે એ વિશે સરસ દાખલો બેસાડ્યો છે. તેમણે શીખવતી વખતે ઘણી વાર ઈસુ ખ્રિસ્ત પર ધ્યાન દોર્યું, જેમને યહોવાએ પૃથ્વી પર મોકલ્યા હતા. શા માટે? કેમ કે તેમના દ્વારા લોકો યહોવાને ઓળખી શકે છે અને પ્રેમ કરી શકે છે. (૧ કોરીં. ૨:૧, ૨) પાઉલે એ પણ સમજાવ્યું કે નવા શિષ્યો સારા ગુણો કેળવી શકે એ માટે મદદ કરવી કેટલું મહત્ત્વનું છે. એ ગુણોને આપણે સોના, ચાંદી અને કીમતી પથ્થરો સાથે સરખાવી શકીએ. (૧ કોરીં. ૩:૧૧-૧૫) એમાં આવા ગુણોનો સમાવેશ થાય છે: શ્રદ્ધા, બુદ્ધિ, સમજણ અને યહોવાનો ડર. (ગીત. ૧૯:૯, ૧૦; નીતિ. ૩:૧૩-૧૫; ૧ પિત. ૧:૭) આપણે પાઉલની જેમ વ્યક્તિને મદદ કરીએ, જેથી તે સ્વર્ગમાંના પિતા યહોવાની નજીક જઈ શકે અને શ્રદ્ધા મજબૂત કરી શકે.—૨ કોરીં. ૧:૨૪.
૧૩. વ્યક્તિને મદદ કરતી વખતે આપણે કઈ રીતે ધીરજ રાખી શકીએ અને તેના સંજોગો સમજી શકીએ? (૨ કોરીંથીઓ ૧૦:૪, ૫) (ચિત્ર પણ જુઓ.)
૧૩ શીખવતી વખતે ઈસુએ ધીરજ રાખી અને તે લોકોના સંજોગો સમજ્યા. આપણે પણ ઈસુ જેવું કરીએ. વ્યક્તિને એવા સવાલો ન પૂછીએ જેનાથી તે શરમમાં મુકાઈ જાય. જો કોઈ મુદ્દો તેને સમજવો અઘરો લાગતો હોય, તો જરૂરી નથી કે એ સમજાય ત્યાં સુધી ચર્ચા કરતા રહીએ. એના બદલે આગળ વધી શકીએ અને ફરી ક્યારેક એ મુદ્દા પર પાછા આવી શકીએ. વ્યક્તિને બાઇબલનું કોઈ શિક્ષણ સ્વીકારવા દબાણ ના કરીએ. તેનું મન તૈયાર થાય ત્યાં સુધી રાહ જોઈએ. તેને પોતાના વિચારોમાં ફેરફાર કરવા સમય આપીએ. (યોહા. ૧૬:૧૨; કોલો. ૨:૬, ૭) વ્યક્તિના દિલમાં ઊંડે સુધી ઘર કરી ગયેલા જૂઠા શિક્ષણને બાઇબલમાં કિલ્લા સાથે સરખાવ્યું છે. ખૂબ જરૂરી છે કે એ કિલ્લો કે ગઢ તૂટી જાય. (૨ કોરીંથીઓ ૧૦:૪, ૫ વાંચો.) પણ વ્યક્તિ માટે કદાચ પોતાની જૂની માન્યતાઓ છોડવી એટલું સહેલું ન હોય. એટલે પહેલા તેને મદદ કરીએ કે તે યહોવાને પોતાનો ગઢ બનાવે, એટલે કે તે યહોવા પર ભરોસો કરવાનું શીખે. પછી, તેના માટે પોતાની માન્યતાઓ છોડવી સહેલું થઈ જશે.—ગીત. ૯૧:૯.
વ્યક્તિ જે શીખી રહી છે, એના પર વિચાર કરવા અને ફેરફાર કરવા સમય આપો (ફકરો ૧૩ જુઓ)
નવા લોકો સભામાં આવે ત્યારે
૧૪. સભામાં આવતા નવા લોકો સાથે કઈ રીતે વર્તવું જોઈએ?
૧૪ યહોવા ચાહે છે કે આપણે ભેદભાવ રાખ્યા વગર બધા લોકો સાથે પ્રેમથી વર્તીએ. આપણે એ ન જોઈએ કે વ્યક્તિ કઈ જગ્યાએથી છે, તે કઈ ભાષા બોલે છે અથવા તેની પાસે કેટલા પૈસા છે. (યાકૂ. ૨:૧-૪, ૯) આપણે કઈ રીતે સભામાં નવા લોકોને પ્રેમ બતાવી શકીએ?
૧૫-૧૬. આપણે કઈ રીતે સભામાં નવા લોકોને પ્રેમ બતાવી શકીએ?
૧૫ અમુક લોકો કદાચ જોવા માંગતા હોય કે આપણી સભામાં શું થાય છે અથવા બીજા વિસ્તારમાં રહેતા કોઈ ઓળખીતાએ તેઓને સભામાં આવવાનું કહ્યું હોય. એટલે જ્યારે તમે સભામાં કોઈ નવી વ્યક્તિને જુઓ, ત્યારે તેની સાથે પ્રેમથી વાત કરો. પણ જો વધારે પડતો ઉત્સાહ બતાવશો, તો કદાચ તેને અજુગતું લાગશે. તેને પૂછો કે શું તેને તમારી સાથે બેસવું ગમશે. તેને બાઇબલ કે સાહિત્ય આપો અથવા તમારી પ્રતમાંથી તેને બતાવો. વધુમાં તેની લાગણીઓનું ધ્યાન રાખો. આ અનુભવ પર ધ્યાન આપો. એક માણસ પહેલી વાર પ્રાર્થનાઘરમાં આવ્યો ત્યારે એક ભાઈએ તેની સાથે વાત કરી. તેણે ભાઈને જણાવ્યું કે તેનાં કપડાં બાકીના લોકો જેવાં નથી, એટલે તેને ખરાબ લાગે છે. પણ ભાઈએ તેને પ્રેમથી કહ્યું કે યહોવાના સાક્ષીઓ કંઈ અલગ નથી, તેઓ બસ સભામાં આ રીતે તૈયાર થઈને આવે છે. આગળ જતાં એ માણસે બાપ્તિસ્મા લીધું અને આજ સુધી તેને એ ભાઈના શબ્દો યાદ છે. પણ આ વાતનું ખાસ ધ્યાન રાખજો: સભા પહેલાં કે પછી નવા લોકો સાથે વાત કરતી વખતે અંગત સવાલો ન પૂછો અથવા એવું કંઈ ન પૂછો જેનાથી તેઓ શરમમાં મુકાઈ જાય.—૧ પિત. ૪:૧૫.
૧૬ આપણે બીજી એક રીતે પણ નવા લોકોને પ્રેમ બતાવી શકીએ છીએ. દાખલા તરીકે, યહોવાના સાક્ષી ન હોય એવા લોકો વિશે અથવા તેઓની માન્યતા વિશે કોઈ પણ સમયે વાત કરતી વખતે તેઓનું માન જાળવીએ, પછી ભલે કોઈની સાથે વાત કરતા હોઈએ, જવાબ આપતા હોઈએ અને સભામાં કોઈ ભાગ આપતા હોઈએ. આપણે એવું કંઈ પણ નહિ કહીએ, જેનાથી નવા લોકોને માઠું લાગે અથવા તેઓને પાછા આવવાનું મન ન થાય. તેમ જ, આપણે ક્યારેય તેઓની માન્યતા વિશે ખરાબ નહિ બોલીએ. (૨ કોરીં. ૬:૩; તિત. ૨:૮; ૩:૨) એ વાતનું જાહેર પ્રવચન આપતા ભાઈઓ ખાસ ધ્યાન રાખે છે. જો પ્રવચનમાં એવો કોઈ શબ્દ કે વિચાર હોય જે કદાચ નવા લોકોને ન સમજાય, તો તેઓ એને વધારે સમજાવે છે.
૧૭. પ્રચારમાં આપણને ‘સારા દિલના’ લોકો મળે ત્યારે શું કરવું જોઈએ?
૧૭ દિવસે ને દિવસે શિષ્ય બનાવવાનું કામ વધારે મહત્ત્વનું બનતું જાય છે. આપણે એવા લોકોને શોધતા રહેવું જોઈએ ‘જેઓનું દિલ સારું છે, જેથી તેઓ હંમેશ માટેનું જીવન મેળવી શકે.’ (પ્રે.કા. ૧૩:૪૮) આપણને એવા લોકો મળે ત્યારે, તેઓને બાઇબલ અભ્યાસ માટે પૂછતા અથવા સભાનું આમંત્રણ આપતા જરાય અચકાવું ન જોઈએ. આમ, આપણે તેઓને ‘જીવન તરફ લઈ જતા રસ્તા’ પર પહેલું પગલું ભરવા મદદ કરીએ છીએ.—માથ. ૭:૧૪.
ગીત ૪૪ સંદેશો બધે વાવીએ
a ચિત્રની સમજ: સેનામાંથી નિવૃત્ત થયેલા માણસ બહાર ઓટલા પર બેઠા છે. બે ભાઈઓ તેમની સાથે વાત કરવા આવે છે. બાજુના ચિત્રમાં બતાવ્યું છે કે એક માતા વ્યસ્ત છે અને બે બહેનો ટૂંકમાં સાક્ષી આપે છે.