શું યહોવાના સાક્ષીઓ પોતાની સંપત્તિનો દસમો ભાગ દાનમાં આપે છે?
ના, યહોવાના સાક્ષીઓ પોતાની સંપત્તિનો દસમો ભાગ દાનમાં આપતા નથી. આખી દુનિયામાં અમારું કામ રાજીખુશીથી મળતાં દાનોથી ચાલે છે. પણ સવાલ થાય કે દસમો ભાગ કે દશાંશ શું છે અને યહોવાના સાક્ષીઓ કેમ દસમો ભાગ નથી આપતા?
પ્રાચીન સમયમાં ઇઝરાયેલીઓને એક નિયમ આપવામાં આવ્યો હતો. એમાં જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ પોતાની સંપત્તિનો દસમો ભાગ દાનમાં આપે. પણ શાસ્ત્ર સાફ જણાવે છે કે ખ્રિસ્તીઓને ‘દસમો ભાગ આપવાની આજ્ઞા’ અને બીજા નિયમો લાગુ નથી પડતા.—હિબ્રૂઓ ૭:૫, ૧૮; કોલોસીઓ ૨:૧૩, ૧૪.
યહોવાના સાક્ષીઓ પોતાની સંપત્તિનો દસમો ભાગ આપવાને બદલે પહેલી સદીના ખ્રિસ્તીઓને અનુસરે છે. આખી દુનિયામાં પ્રચારકામના ખર્ચને પહોંચી વળવા તેઓ બે રીતે મદદ કરે છે. (૧) તેઓ પોતાની ઇચ્છાથી જેટલું ચાહે એટલું દાન આપે છે, (૨) તેઓ પ્રચાર અને શીખવવાનાં કામ માટે કોઈ પગાર લેતા નથી.
આ રીતે ખ્રિસ્તીઓ બાઇબલમાં આપેલા આ માર્ગદર્શન પ્રમાણે ચાલે છે: “દરેકે પોતાના દિલમાં જે નક્કી કર્યું હોય એ પ્રમાણે આપવું. તેણે કચવાતા દિલે અથવા ફરજને લીધે આપવું નહિ, કેમ કે જે રાજીખુશીથી આપે છે, તેને ઈશ્વર ચાહે છે.”—૨ કોરીંથીઓ ૯:૭.