પરમેશ્વરનો પ્રકાશ અંધકાર દૂર કરે છે!
“યહોવાહ મારા અંધકારને પ્રકાશિત કરશે.”—૨ શમૂએલ ૨૨:૨૯.
“દેવે કહ્યું, અજવાળું થાઓ, ને અજવાળું થયું.” (ઉત્પત્તિ ૧:૩) ઉત્પત્તિના અહેવાલના આ મહત્ત્વના શબ્દો બતાવે છે કે યહોવાહ પ્રકાશના ઉદ્ભવ છે અને પ્રકાશ વગર પૃથ્વી પર ક્યારેય જીવન શક્ય બન્યું ન હોત. આપણો આત્મિક પ્રકાશ પણ યહોવાહ તરફથી આવે છે જે આપણા જીવનમાં માર્ગદર્શન માટે ખૂબ મહત્ત્વનો છે. (ગીતશાસ્ત્ર ૪૩:૩) રાજા દાઊદે આત્મિક પ્રકાશ અને જીવન વચ્ચેના ગાઢ સંબંધને બતાવતા લખ્યું: “જીવનનો ઝરો તારી પાસે છે; તારા અજવાળામાં અમે અજવાળું જોઈશું.”—ગીતશાસ્ત્ર ૩૬:૯.
૨ દાઊદ થઈ ગયા એના લગભગ ૧,૦૦૦ વર્ષ પછી, પ્રેષિત પાઊલે ઉત્પત્તિના અહેવાલનો ઉલ્લેખ કર્યો. કોરીંથના મંડળને લખતી વખતે તેમણે કહ્યું: “દેવે અંધારામાંથી અજવાળાને પ્રકાશવાનું ફરમાવ્યું.” ત્યાર પછી, પાઊલે બતાવ્યું કે આત્મિક પ્રકાશ યહોવાહ તરફથી આવતા જ્ઞાન સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. તેમણે ઉમેર્યું: “તેણે આપણાં હૃદયમાં પ્રકાશ પાડ્યો છે, કે જેથી તે ઈસુ ખ્રિસ્તના મોં પર દેવનો જે મહિમા છે તેના જ્ઞાનનો પ્રકાશ પાડે.” (૨ કોરીંથી ૪:૬) આ પ્રકાશ કઈ રીતે આપણા સુધી પહોંચે છે?
પ્રકાશ આપનાર બાઇબલ
૩ યહોવાહ પોતાના પ્રેરિત શબ્દ, બાઇબલ દ્વારા આત્મિક પ્રકાશ આપે છે. તેથી, આપણે બાઇબલ અભ્યાસ કરીને પરમેશ્વર પાસેથી જ્ઞાન લઈએ છીએ ત્યારે, તેમના પ્રકાશને આપણા પર ચમકવા દઈએ છીએ. બાઇબલ દ્વારા, યહોવાહ પોતાના હેતુઓ પર પ્રકાશ પાડીને આપણને બતાવે છે કે કઈ રીતે આપણે તેમની ઇચ્છા પ્રમાણે કરી શકીએ. એ આપણા જીવનને હેતુ આપે છે અને આપણી આત્મિક જરૂરિયાત સંતોષવા મદદ કરે છે. (સભાશિક્ષક ૧૨:૧ માત્થી ૫:૩, NW;) ઈસુએ મુસાના નિયમનો ઉલ્લેખ કરીને, આપણે પોતાની આત્મિક જરૂરિયાતને વધારે મહત્ત્વ આપવું જોઈએ એના પર ભાર મૂકતા કહ્યું: “એમ લખેલું છે, કે માણસ એકલી રોટલીથી નહિ, પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે.”—માત્થી ૪:૪; પુનર્નિયમ ૮:૩.
૪ ઈસુ આત્મિક પ્રકાશ સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. હા, તેથી જ તેમણે પોતાને “જગતનું અજવાળું” તરીકે ઓળખાવતા કહ્યું: “જે મારી પાછળ આવે છે, તે અંધકારમાં નહિ ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે.” (યોહાન ૮:૧૨) આ કલમ આપણને યહોવાહના સત્યરૂપી પ્રકાશને માણસજાત સુધી પહોંચાડવામાં ઈસુની મહત્ત્વની ભૂમિકા સમજવા મદદ કરે છે. જો આપણે અંધકારને દૂર કરીને પરમેશ્વરના પ્રકાશમાં ચાલવું હોય તો, ઈસુ કહે છે એ સર્વ બાબતોને ધ્યાનથી સાંભળવી જોઈએ. તેમ જ બાઇબલમાં નોંધેલા તેમના ઉદાહરણ અને શિક્ષણ પ્રમાણે ચાલવું જોઈએ.
૫ ઈસુએ પોતાના મરણના થોડા દિવસો પહેલાં, ફરીથી પોતાને પ્રકાશ તરીકે ઉલ્લેખતા શિષ્યોને કહ્યું: “હજી થોડી વાર તમારી પાસે પ્રકાશ છે; જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે, ત્યાં સુધી ચાલો, રખેને તમારા પર અંધકાર આવી પડે; અને અંધકારમાં જે ચાલે છે તે પોતે ક્યાં જાય છે તે તે જાણતો નથી. જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે, ત્યાં સુધી પ્રકાશ પર વિશ્વાસ રાખો, જેથી તમે પ્રકાશના દીકરા થાઓ.” (યોહાન ૧૨:૩૫, ૩૬) પ્રકાશના દીકરા બનનારાઓ બાઇબલનાં “સત્ય વચનો” શીખ્યા. (૨ તીમોથી ૧:૧૩, ૧૪) ત્યાર પછી, તેઓએ આ સત્યનાં વચનોનો ઉપયોગ, નમ્ર લોકોને અંધકારમાંથી પરમેશ્વરના પ્રકાશમાં લાવવા કર્યો.
૬ પ્રેષિત યોહાને લખ્યું: “દેવ પ્રકાશ છે, અને તેનામાં કંઈ પણ અંધકાર નથી.” (૧ યોહાન ૧:૫) અહીં, પ્રકાશ અને અંધકાર વચ્ચેના સ્પષ્ટ તફાવતને જુઓ. આત્મિક પ્રકાશ યહોવાહ પાસેથી આવે છે અને આત્મિક અંધકાર તેમની પાસે રહી શકતો નથી. તો પછી, આ અંધકારનો ઉદ્ભવ કોણ છે?
આત્મિક અંધકારનો ઉદ્ભવ
૭ પ્રેષિત પાઊલે ‘આ જગતના દેવ’ વિષે કહ્યું. વાસ્તવમાં તે શેતાનનો ઉલ્લેખ કરતા હતા. તેમણે એમ પણ કહ્યું કે તેણે “અવિશ્વાસીઓનાં મન આંધળાં કર્યાં છે, એ સારૂ કે ખ્રિસ્ત જે દેવની પ્રતિમા છે, તેના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય [તેઓ પર] ન થાય.” (૨ કોરીંથી ૪:૪) ઘણા લોકો પરમેશ્વરમાં માનવાનો દાવો કરે છે; તોપણ, તેઓમાંના મોટા ભાગના શેતાનમાં માનતા નથી. શા માટે? કેમ કે તેઓ એ સ્વીકારવા તૈયાર નથી કે કોઈ દુષ્ટ, અલૌકિક શક્તિ અસ્તિત્વ ધરાવે છે અને તે તેઓના વિચારોને અસર કરે છે. તેમ છતાં, પાઊલ બતાવે છે તેમ, શેતાન ખરેખર છે અને તે લોકોને અસર કરે છે, જેથી તેઓ સત્યનો પ્રકાશ જોઈ શકે નહિ. શેતાન મનુષ્યોના વિચારોને અસર કરે છે એ, તેના વિષેના પ્રબોધકીય વર્ણનમાં આ રીતે જોવા મળે છે: “તે . . . આખા જગતને ભમાવે છે.” (પ્રકટીકરણ ૧૨:૯) શેતાન આજે સક્રિય હોવાથી, પ્રબોધક યશાયાહે ભાખેલી પરિસ્થિતિ યહોવાહની સેવા કરતા લોકો સિવાય સર્વને લાગુ પડે છે: “જુઓ, અંધારું પૃથ્વીને તથા ઘોર અંધકાર લોકોને ઢાંકશે.”—યશાયાહ ૬૦:૨.
૮ ઘોર અંધકારમાં કંઈ પણ જોવું અશક્ય છે. એમાં કોઈ પણ વ્યક્તિ સહેલાઈથી ભૂલી પડી શકે અથવા ગૂંચવાઈ શકે. એવી જ રીતે, આત્મિક અંધકારમાં રહેતા લોકોમાં ઊંડી સમજની ખામી હોય છે અને જલદી જ તેઓ આત્મિક બાબતોમાં ગૂંચવાઈ જાય છે. તેઓ ખરું-ખોટું અને સારું-નરસું પારખવાની ક્ષમતા ગુમાવી બેસે છે. આત્મિક અંધકારના લોકોનો ઉલ્લેખ કરતા યશાયાહ પ્રબોધકે લખ્યું: “જેઓ ભૂંડાને સારૂં, અને સારાને ભૂંડું કહે છે; જેઓ અજવાળાને ઠેકાણે અંધકાર, ને અંધકારને ઠેકાણે અજવાળું ઠરાવે છે; જેઓ મીઠાને ઠેકાણે કડવું, અને કડવાને ઠેકાણે મીઠું ઠરાવે છે તેઓને અફસોસ!” (યશાયાહ ૫:૨૦) આત્મિક અંધકારમાં રહેનારા લોકો અંધકારના દેવ શેતાનથી અસર પામેલા છે. પરિણામે, તેઓ પ્રકાશ અને જીવનના ઉદ્ભવથી એકદમ દૂર થઈ ગયા છે.—એફેસી ૪:૧૭-૧૯.
અંધકારમાંથી પ્રકાશમાં—એક પડકાર
૯ વિશ્વાસુ અયૂબે, ખરાબ કામો કરનારાઓના શાબ્દિક અંધકાર પ્રત્યેના લગાવ વિષે બતાવતા કહ્યું: “વ્યભિચારીની આંખ પણ ઝળઝળિયાંની વાટ જુએ છે, અને એવું કહે છે કે કોઈ મને દેખશે નહિ; અને તે પોતાના મોં પર બુકાની બાંધે છે.” (અયૂબ ૨૪:૧૫) હા, ખરાબ કામો કરનારાઓ પણ આત્મિક અંધકારમાં છે અને આ અંધકારમાં વધારે તાકાત હોય શકે. પ્રેષિત પાઊલે કહ્યું કે આવા અંધકારમાં ફસાયેલાઓ માટે જાતીય અનૈતિકતા, ચોરી, લોભ, છાકટાપણું, નિંદા અને જુલમથી પૈસા પડાવવા એ સામાન્ય છે. પરંતુ, પરમેશ્વરના શબ્દના પ્રકાશમાં આવનારાઓ પોતાના જીવનમાં મોટા ફેરફારો લાવે છે. વળી, આવા ફેરફારો કરવા શક્ય છે એ વિષે પાઊલે કોરીંથીઓને લખેલા પોતાના પત્રમાં સ્પષ્ટ કર્યું. ઘણા કોરીંથીઓ એક સમયે અંધકારનાં કામો કરતાં હતાં, તોપણ પાઊલે તેઓને કહ્યું: “પણ તમે પ્રભુ ઈસુને નામે તથા આપણા દેવના આત્માથી શુદ્ધ થયા, અને પવિત્રીકરણ તથા ન્યાયીકરણ પામ્યા.”—૧ કોરીંથી ૬:૯-૧૧.
૧૦ એક વ્યક્તિ ઘોર અંધકારમાંથી એકદમ પ્રકાશમાં આવે છે ત્યારે, તેને અજવાળામાં સ્પષ્ટ રીતે જોતા સમય લાગે છે. બેથસૈદામાં ઈસુએ એક આંધળા માણસને ધીમે ધીમે સાજો કર્યો. “આંધળાનો હાથ પકડીને તે તેને ગામમાંથી બહાર લઈ ગયો, ને તેની આંખોમાં થૂકીને તેના પર હાથ મૂકીને તેને પૂછ્યું, કે તું કંઈ જુએ છે? અને ઊંચું જોઈને તેણે કહ્યું, કે હું માણસોને દેખું છું; કેમકે તેઓને ઝાડોના જેવા ચાલતાં દેખું છું. ત્યારે તેણે ફરી તેની આંખો પર હાથ મૂક્યા; અને તેણે તાકીને જોયું, ને સાજો થયો, ને સઘળું સ્પષ્ટ રીતે દીઠું.” (માર્ક ૮:૨૩-૨૫) દેખીતી રીતે જ, ઈસુએ તે માણસને ધીમે ધીમે દેખતો કર્યો જેથી, તે સૂર્યપ્રકાશના અજવાળામાં સ્પષ્ટ રીતે જોઈ શકે. કલ્પના કરો કે તે માણસ દેખતો થયો ત્યારે તેને કેટલો આનંદ થયો હશે!
૧૧ તેમ છતાં, આ માણસના આનંદ કરતાં, આત્મિક અંધકારમાંથી ધીમે ધીમે બહાર નીકળીને સત્યના પ્રકાશમાં લાવવા જેઓને મદદ કરવામાં આવી છે એવી વ્યક્તિઓને વધારે આનંદ થાય છે. આપણે તેઓના આનંદને જોઈએ છીએ ત્યારે, આપણને આશ્ચર્ય થઈ શકે કે શા માટે વધારેને વધારે લોકો સત્યના પ્રકાશ તરફ આવતા નથી. ઈસુ એનું કારણ આપે છે: “અપરાધી ઠરાવવાનું કારણ એ છે, કે જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ અજવાળાના કરતાં અંધારૂં ચાહ્યું; કેમકે તેઓનાં કામ ભૂંડાં હતાં. કેમકે જે કોઈ ભૂંડું કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે, અને પોતાનાં કામ ન વખોડાય માટે અજવાળા પાસે આવતો નથી.” (યોહાન ૩:૧૯, ૨૦) હા, ઘણા લોકોને અનૈતિકતા, અન્યાય, જૂઠું બોલવું, દગો કરવો અને ચોરી કરવી જેવાં “ભૂંડાં” કામો કરવાનું ગમે છે. શેતાનનો આત્મિક અંધકાર આવાં કામો માટે એકદમ યોગ્ય હોવાથી, તેઓ એની આડમાં રહીને એમાં રચ્યા-પચ્યા રહે છે.
પ્રકાશમાં પ્રગતિ કરવી
૧૨ આપણે પ્રકાશનું જ્ઞાન મેળવ્યું હોવાથી પોતાનામાં કયા ફેરફારો જોઈએ છીએ? અમુક સમયે ભૂતકાળનો વિચાર કરીને, આપણે કરેલી આત્મિક પ્રગતિને યાદ કરીને એના પર મનન કરીએ એ સારું છે. આપણે કઈ ખરાબ આદતો છોડી દીધી છે? આપણે આપણા જીવનની કઈ સમસ્યાઓને હલ કરી શક્યા છીએ? કઈ રીતે આપણી ભાવિની યોજનાઓ બદલાઈ છે? યહોવાહની શક્તિ અને પવિત્ર આત્માની મદદથી, આપણે આપણા વલણ અને વિચારોમાં સતત ફેરફારો કરી શકીએ, જે બતાવશે કે આપણે પ્રકાશને પ્રત્યુત્તર આપીએ છીએ. (એફેસી ૪:૨૩, ૨૪) પાઊલ એને આ રીતે બતાવે છે: “તમે પહેલાં અંધકારરૂપ હતા, પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છો; પ્રકાશનાં સંતાનોને ઘટે તેમ ચાલો. (કેમકે પ્રકાશનું ફળ સર્વ પ્રકારની ભલાઈમાં તથા ન્યાયીપણામાં તથા સત્યમાં છે.)” (એફેસી ૫:૮, ૯) યહોવાહના પ્રકાશને આપણને યોગ્ય માર્ગે દોરવા દેવાથી, એ આપણને આશા અને હેતુ આપે છે તેમ જ આપણી આસપાસના લોકોના આનંદમાં પણ વધારો કરે છે. આપણા આ પ્રકારના ફેરફારોથી, યહોવાહને કેવો આનંદ થાય છે!—નીતિવચનો ૨૭:૧૧.
૧૩ આપણે સુખી જીવનનો આનંદ માણીએ છીએ એની કદર, આપણે બાઇબલમાંથી જે કંઈ શીખ્યા એના આપણા કુટુંબના સભ્યો, મિત્રો અને પાડોશીઓ સાથે સહભાગી થઈને અર્થાત્ યહોવાહના પ્રકાશનું પ્રતિબિંબ પાડીને કરીએ છીએ. (માત્થી ૫:૧૨-૧૬; ૨૪:૧૪) આપણું સાંભળવાનો નકાર કરનારાઓ આપણા પ્રચાર અને નમૂનારૂપ ખ્રિસ્તી જીવનથી દોષિત ઠરે છે. પાઊલ સમજાવે છે: “પ્રભુને પસંદ પડતું શું છે, તે પારખી લો; વળી અંધારાનાં નિષ્ફળ કામોના સોબતીઓ ન થાઓ, પણ ઊલટું તેઓને વખોડો.” (એફેસી ૫:૧૦, ૧૧) અંધકાર છોડીને અજવાળાને પસંદ કરવાનું બીજાઓને જણાવવા આપણને હિંમતની જરૂર છે. સૌથી મહત્ત્વનું તો, બીજાઓ પણ અનંતકાળના લાભો મેળવી શકે માટે, તેઓ પ્રત્યે સહાનુભૂતિ અને ચિંતા બતાવીને તેઓ સાથે પૂરા હૃદયથી સત્યના પ્રકાશના સહભાગી થવાની જરૂર છે.—માત્થી ૨૮:૧૯, ૨૦.
છેતરામણા પ્રકાશથી સાવધાન!
૧૪ સમુદ્રના વહાણને ગાઢ અંધકારમાં કોઈ પણ પ્રકારનું અજવાળું જોઈને આનંદ થાય છે. પહેલાંના સમયમાં, ઇંગ્લૅંડની પહાડી ભેખડો પર આગ લગાડવામાં આવતી હતી, જે બતાવતી હતી કે ત્યાં તોફાનથી આશરો મેળવી શકાય છે. વહાણના ખલાસીઓ સલામત રીતે બંદરે પહોંચવા માટે આ પ્રકારના પ્રકાશના ઘણા આભારી હતા. તેમ છતાં, કેટલીક આગ છેતરામણી હતી. ઘણાં વહાણોને બંદરને બદલે એવા પહાડી કિનારે આગ સળગાવીને ગેરમાર્ગે દોરવામાં આવતા જ્યાં આવીને વહાણ ભાંગી જતું અને એને લૂંટી લેવામાં આવતું. આ છેતરામણા જગતમાં, આપણે પણ આવા જોખમી પ્રકાશ વિષે સાવધ રહેવું જોઈએ કે જેનાથી આપણું આત્મિક વહાણ ભાંગી શકે છે. આપણને પહેલેથી જ સાવચેત કરવામાં આવ્યા છે કે “શેતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે.” એવી જ રીતે, ધર્મત્યાગીઓ સહિત તેના સેવકોના કામો પણ “ભૂંડાં” છે કે જેઓ ‘ન્યાયીપણાના સેવકોનો વેશ લે’ છે. જો આપણે આવી વ્યક્તિઓની જૂઠી દલીલો પર ધ્યાન આપીએ તો, યહોવાહના સત્યના શબ્દ, બાઇબલમાંથી આપણો વિશ્વાસ ડગી જઈ શકે અને એનાથી આપણો વિશ્વાસ મરી જઈ શકે છે.—૨ કોરીંથી ૧૧:૧૩-૧૫; ૧ તીમોથી ૧:૧૯.
૧૫ ગીતકર્તાએ લખ્યું: “મારા પગોને સારૂં તારૂં વચન દીવારૂપ છે; તે મારા માર્ગને સારૂ અજવાળારૂપ છે.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫) હા, આપણા પ્રેમાળ પરમેશ્વર યહોવાહ એવું ઇચ્છે છે કે “સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય.” આથી, તેમણે સ્પષ્ટ રીતે બતાવ્યું કે ‘સાંકડો માર્ગ જીવનમાં પહોંચાડે’ છે. (માત્થી ૭:૧૪; ૧ તીમોથી ૨:૪) બાઇબલ શિક્ષણને જીવનમાં લાગુ પાડવાથી, આપણને સાંકડા માર્ગમાંથી અંધકારના માર્ગમાં ફંટાઈ જવા સામે રક્ષણ મળશે. પાઊલે લખ્યું: “દરેક શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે.” (૨ તીમોથી ૩:૧૬) આપણે આત્મિક રીતે આગળ વધીએ છીએ તેમ, આપણે પરમેશ્વરના શબ્દથી શીખવાયેલા બનીએ છીએ. પરમેશ્વરના શબ્દના પ્રકાશમાં આપણે પોતાને સુધારી શકીએ અને જરૂરી હોય તો, મંડળના પ્રેમાળ ઘેટાંપાળક પાસેથી ઠપકો પણ મેળવી શકીએ. આ રીતે, આપણે બાબતો હલ કરી શકીએ છીએ અને જીવનના માર્ગમાં ચાલવા માટે નમ્રપણે શિસ્ત સ્વીકારી શકીએ.
આભારી બનીને પ્રકાશમાં ચાલો
૧૬ યહોવાહે કરેલી પ્રકાશની અદ્ભુત જોગવાઈ માટે આપણે કઈ રીતે કદર બતાવી શકીએ? યોહાનનો નવમો અધ્યાય આપણને કહે છે કે ઈસુએ જન્મથી આંધળા માણસને સાજો કર્યો ત્યારે, એ માણસનું હૃદય કદરથી ઊભરાઈ ગયું. કઈ રીતે? તેણે ઈસુમાં પરમેશ્વરના દીકરા તરીકે વિશ્વાસ કર્યો અને જાહેરમાં તેમને “પ્રબોધક” તરીકે ઓળખાવ્યા. વધુમાં, ઈસુએ કરેલા ચમત્કારનું મૂલ્ય ઓછું આંકવાનો પ્રયત્ન કરનારાઓ વિરુદ્ધ તે હિંમતથી બોલ્યો. (યોહાન ૯:૧૭, ૩૦-૩૪) પ્રેષિત પીતરે ખ્રિસ્તી મંડળના અભિષિક્ત સભ્યોને “પ્રભુના ખાસ લોક” કહ્યા. શા માટે? કારણ કે જન્મથી આંધળા માણસને દેખતો કર્યા પછી, તેણે જે આભારી વલણ બતાવ્યું હતું એવું જ વલણ તેઓ પણ બતાવી રહ્યા છે. તેઓ ‘અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપનારના સદ્ગુણો પ્રગટ’ કરીને, યહોવાહ પ્રત્યે પોતાની કદર બતાવે છે. (૧ પીતર ૨:૯; કોલોસી ૧:૧૩) પૃથ્વી પર જીવવાની આશા ધરાવતા લોકો પણ આવું જ આભારી વલણ બતાવીને તેઓના અભિષિક્ત ભાઈઓને યહોવાહના “સદ્ગુણો” જાહેર કરવામાં મદદ કરે છે. પરમેશ્વરે અપૂર્ણ માનવીઓને કેવી અદ્ભુત તક આપી છે!
૧૭ સત્યના પ્રકાશ માટે હૃદયપૂર્વકની કદર મહત્ત્વની છે. યાદ રાખો કે આપણામાંનું કોઈ પણ સત્યની સમજણ સાથે જન્મ્યું નથી. કેટલાક લોકો મોટા થયા પછી સત્ય શીખે છે અને તેઓ પ્રકાશને ઝડપથી જુએ છે. બીજાઓને પરમેશ્વરનો ભય રાખતા માબાપે મોટા કર્યા હોય છે. આવી વ્યક્તિઓ પ્રકાશને સામાન્ય ગણી લઈ શકે. એક સાક્ષી બહેનના માબાપ, તેનો જન્મ થયો એ પહેલાંથી જ યહોવાહની સેવા કરતા હતા. આ બહેન કબૂલે છે કે તેને નાનપણથી જ સત્ય શીખવવામાં આવ્યું હતું તોપણ, સત્યનું પૂરેપૂરું મહત્ત્વ સમજતા તેને ઘણા પ્રયત્નો અને સમય લાગ્યો હતો. (૨ તીમોથી ૩:૧૫) યુવાન કે વૃદ્ધ, આપણે સર્વએ યહોવાહ જે સત્ય પ્રગટ કરે છે એની ઊંડી કદર કરવાનું વલણ વિકસાવવાની જરૂર છે.
૧૮ યુવાન તીમોથીને બાળપણથી જ “પવિત્ર શાસ્ત્ર” શીખવવામાં આવ્યું હતું. તોપણ, એક પરિપક્વ ખ્રિસ્તી બનવા તેમણે સેવાકાર્યમાં સખત મહેનત કરી હતી. (૨ તીમોથી ૩:૧૫) આથી, તે પ્રેષિત પાઊલને મદદ કરી શક્યા. પાઊલે તેમને સલાહ આપી: “જેને શરમાવાનું કંઈ કારણ ન હોય એવી રીતે કામ કરનાર સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર, અને દેવને પસંદ પડે એવો સેવક થવાને પ્રયત્ન કર.” આપણે સર્વએ તીમોથીની જેમ, આપણને અને યહોવાહને શરમાવે એવું કંઈ પણ કરવાનું ટાળવું જોઈએ.—૨ તીમોથી ૨:૧૫.
૧૯ યહોવાહે આપણને પોતાના સત્યનો પ્રકાશ આપ્યો હોવાથી, તેમની સ્તુતિ કરવાને આપણી પાસે દરેક કારણ છે. ચાલો આપણે પણ રાજા દાઊદની જેમ કહીએ: “હે યહોવાહ, તું મારો દીવો છે: અને યહોવાહ મારા અંધકારને પ્રકાશિત કરશે.” (૨ શમૂએલ ૨૨:૨૯) તોપણ, આપણે આત્મસંતોષી બનવું જોઈએ નહિ કેમ કે એ આપણને એવા અંધકારમાં પાછા લઈ જઈ શકે જેમાંથી આપણે બહાર આવ્યા છીએ. તેથી, હવે પછીનો લેખ આપણને, આપણા જીવનમાં પરમેશ્વરના સત્યને જે મહત્ત્વ આપવું જોઈએ એનું મૂલ્યાંકન કરવા મદદ કરશે.
તમે શું શીખ્યા?
• યહોવાહ કઈ રીતે આત્મિક પ્રકાશ આપે છે?
• આપણી આસપાસનો અંધકાર કયા પડકારો રજૂ કરે છે?
• આપણે કયાં જોખમો ટાળવાં જ જોઈએ?
• આપણે કઈ રીતે સત્યના પ્રકાશ માટે કદર બતાવી શકીએ?
[Questions]
૧. પ્રકાશ જીવન સાથે કઈ રીતે સંબંધિત છે?
૨. પાઊલે બતાવ્યું તેમ, પ્રકાશ શાની સાથે ગાઢ રીતે સંકળાયેલો છે?
૩. બાઇબલ દ્વારા યહોવાહ કયો પ્રકાશ આપે છે?
૪. કઈ રીતે ઈસુ “જગતનું અજવાળું” છે?
૫. ઈસુના મરણ પછી તેમના શિષ્યોની કઈ જવાબદારી હતી?
૬. આપણને ૧ યોહાન ૧:૫માં પ્રકાશ અને અંધકાર વિષેનું કયું સત્ય જાણવા મળે છે?
૭. જગતના આત્મિક અંધકાર પાછળ કોણ છે અને તે કઈ રીતે લોકોને અસર કરે છે?
૮. આત્મિક અંધકારના લોકો કઈ રીતે બતાવે છે કે તેઓ ગૂંચવાયેલા છે?
૯. ખરાબ કામો કરનારાઓને કઈ રીતે શાબ્દિક અને આત્મિક અર્થમાં અંધકાર પ્રત્યે લગાવ હોય છે?
૧૦, ૧૧. (ક) ઈસુએ આંધળી વ્યક્તિને સાજી કરતી વખતે કઈ રીતે કાળજી બતાવી? (ખ) શા માટે ઘણા લોકો પ્રકાશને પસંદ કરતા નથી?
૧૨. પ્રકાશમાં આવવાથી આપણને કઈ રીતોએ લાભ થયા છે?
૧૩. આપણે યહોવાહના પ્રકાશ માટે કઈ રીતે કદર બતાવી શકીએ અને આ પ્રકાશના માર્ગ માટે શું જરૂરી છે?
૧૪. પ્રકાશને લગતી કઈ ચેતવણી આપણે ધ્યાનમાં રાખવી જોઈએ?
૧૫. જીવન તરફ દોરી જતા માર્ગ પર ચાલતા રહેવા કઈ બાબત આપણને મદદ કરશે?
૧૬. યહોવાહની પ્રકાશ માટેની અદ્ભુત જોગવાઈની આપણે કઈ રીતે કદર વ્યક્ત કરી શકીએ?
૧૭, ૧૮. (ક) દરેક વ્યક્તિની કઈ જવાબદારી છે? (ખ) તીમોથીનું અનુકરણ કરવા માટે દરેક ખ્રિસ્તીઓને કયું ઉત્તેજન આપવામાં આવ્યું છે?
૧૯. (ક) દાઊદની જેમ, આપણે સર્વએ શું કહેવું જોઈએ? (ખ) હવે પછીના લેખમાં શું ચર્ચવામાં આવશે?
[પાન ૮ પર ચિત્ર]
યહોવાહ ભૌતિક અને આત્મિક પ્રકાશના ઉદ્ભવ છે
[પાન ૧૦ પર ચિત્ર]
ઈસુએ આંધળા માણસને ધીમે ધીમે દેખતો કર્યો તેમ, તે આપણને આત્મિક અંધકારમાંથી બહાર આવવા મદદ કરે છે
[પાન ૧૧ પર ચિત્ર]
શેતાનના છેતરામણા પ્રકાશથી ગેરમાર્ગે દોરાવાથી આપણું આત્મિક વહાણ ભાંગી જઈ શકે