યુવાન લોકો પૂછે છે . . .
હું સત્યને કઈ રીતે હૃદયમાં ઊતારી શકું?
“હું એક યહોવાહની સાક્ષી તરીકે ઊછરી હતી, અને મને હંમેશા એવું લાગતું કે તમે એ રીતે ઊછર્યા હોવ તો, તમે ખરેખર યહોવાહને ઓળખો છો. મારો ખ્યાલ કેટલો ખોટો હતો!”—એન્ટાનીટ.
“સત્ય શું છે?” ઈસુને વધ કરવા માટે સોંપવામાં આવ્યા હતા તે માણસ, પોંતિયસ પીલાતે આ જાણીતો પ્રશ્ન પૂછ્યો. (યોહાન ૧૮:૩૮) તેમ છતાં, દેખીતી રીતે જ પીલાતનો ઇરાદો પોતાના કટાક્ષમય પ્રશ્નથી નિખાલસ સંવાદને સમાપ્ત કરવાનો હતો—શરૂ કરવાનો નહિ. તે ખરેખર “સત્ય”માં રસ ધરાવતો નહોતો. પરંતુ તમારા વિષે શું? શું તમે સત્યમાં રસ ધરાવો છો?
સદીઓથી ફિલસૂફો સત્ય શું છે એ જાણવા સંશોધન કરે છે, પરંતુ તેઓના પ્રયત્નોનાં વ્યાકુળમય પરિણામો જોવા મળ્યાં છે. તેમ છતાં, તમે પીલાતના પ્રશ્નનો જવાબ શોધી શકો છો. ઈસુ ખ્રિસ્તે શીખવ્યું કે દેવનો શબ્દ સત્ય છે. તેમણે પોતાને પણ “સત્ય” કહ્યા. અને પ્રેષિત યોહાને લખ્યું: ‘સત્ય ઈસુની મારફતે આવ્યું.’ (યોહાન ૧:૧૭; ૧૪:૬; ૧૭:૧૭) તેથી ખ્રિસ્તી શિક્ષણોના સમગ્ર ભાગને “સત્ય” કે ‘સુવાર્તાનું સત્ય’ પણ કહેવામાં આવ્યું, જે પછીથી બાઇબલનો ભાગ બન્યું. (તીતસ ૧:૧૪; ગલાતી ૨:૧૪; ૨ યોહાન ૧, ૨) આ ખ્રિસ્તી શિક્ષણોમાં દેવનું વ્યક્તિગત નામ, દેવના રાજ્યની સ્થાપના, પુનરુત્થાન, અને ઈસુની ખંડણી જેવી બાબતોનો સમાવેશ થાય છે.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮; માત્થી ૬:૯, ૧૦; ૨૦:૨૮; યોહાન ૫:૨૮, ૨૯.
હજારો યુવાનો ખ્રિસ્તી માબાપ દ્વારા બાઇબલ સત્ય શીખ્યા છે. પરંતુ શું એનો અર્થ એવો થાય કે આવા લોકો ‘સત્યમાં ચાલે છે?’ (૩ યોહાન ૩, ૪) જરૂરી નથી. દાખલા તરીકે, વીસ વર્ષિય જેનીફરને યહોવાહની સાક્ષી તરીકે ઉછેરવામાં આવી. તે યાદ કરે છે: “મારી મમ્મી મને સાક્ષીઓનાં મહાસંમેલનોમાં લઈ જતી અને એવો અણસાર આપતી કે મારે બાપ્તિસ્મા વિષે વિચારવું જ જોઈએ. પરંતુ હું પોતે વિચારતી કે, ‘હું કદી સાક્ષી બનવા માંગતી નથી. મારે તો ફક્ત આનંદપ્રમોદ કરવો છે!’”
કેટલાક યુવાનોને જે કંઈ શીખવવામાં આવ્યું છે એ તેઓ માને છે, પરંતુ બાઇબલ ખરેખર જે શીખવે છે એની ઊંડી સમજ વિકસાવવામાં તેઓ નિષ્ફળ ગયા છે. એનાથી કયો ભય ઊભો થાય છે? ઈસુએ ચેતવણી આપી કે કેટલીક વ્યક્તિઓમાં “જડ હોતી નથી.” આવા લોકો કદાચ “થોડી વાર ટકે છે; પછી વચનને લીધે દુઃખ અથવા સતાવણી થાય છે ત્યારે તેઓ તરત ઠોકર ખાય છે.” (માર્ક ૪:૧૭) અન્યો પોતાની બાઇબલ આધારિત માન્યતાઓને અમુક હદ સુધી સમજાવી શકે, પરંતુ તેઓ દેવને વ્યક્તિગત ધોરણે જાણતા નથી. એનીસા નામની એક યુવતી કહે છે: “મને લાગતુ નથી કે હું નાની હતી ત્યારે યહોવાહ સાથે મારે વાસ્તવિક સંબંધ હતો . . . મને લાગે છે કે એ તો મુખ્યત્વે તેમની સાથેના મારાં માબાપના સંબંધ પર આધારિત હતું.”
આ સંબંધી તમારી પરિસ્થિતિ કેવી છે? શું યહોવાહ કેવળ તમારાં માબાપના જ દેવ છે? અથવા, બાઇબલ ગીતકર્તાની જેમ તમે કહી શકો: “હે યહોવાહ, મને તારો વિશ્વાસ છે; મેં કહ્યું, તું મારો દેવ છે.” (ગીતશાસ્ત્ર ૩૧:૧૪) વાસ્તવિકતાનો સામનો કરવા માટે એ હિંમત માંગી લે છે. એલેક્ષાંડર નામનો એક યુવાન કહે છે: “મારા માટે નિખાલસ આત્મ-તપાસ એ પ્રથમ પગલું હતું.” કેટલુંક આત્મ-સંશોધન કર્યા પછી, તમે સમજી શકો કે તમે સત્ય (ખ્રિસ્તી શિક્ષણોનો સમગ્ર ભાગ)ને કદી તમારું બનાવ્યું નહોતું. તમારામાં દૃઢ માન્યતાની ઊણપ હોય શકે, અને એથી તમારું જીવન હેતુ વિનાનું, સાચા નિર્દેશન વિનાનું લાગી શકે.
ખ્રિસ્તી સભાઓમાં, યહોવાહના સાક્ષીઓ ઘણી વાર એક ગીત ગાય છે જેનો વિષય છે “સત્યને તમારું પોતાનું બનાવો.”a એ સલાહ કદાચ તમારા માટે યોગ્ય હોય શકે. પરંતુ તમે એમ કઈ રીતે કરી શકો? તમે ક્યાંથી શરૂઆત કરશો?
a વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત ગીતના પુસ્તક સિંગ પ્રેઈશીસ ટુ જેહોવાહમાંથી.
પોતાના માટે એ પુરવાર કરો
રૂમી ૧૨:૨માં, આપણને પ્રેષિત પાઊલની સલાહ જોવા મળે છે: ‘દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે પારખો.’ તમે એ કઈ રીતે કરી શકો? ‘ભક્તિભાવ પ્રમાણેનું જ્ઞાન’ મેળવીને. (તીતસ ૧:૨) પ્રાચીન બેરીઆ શહેરના રહેવાસીઓ તેઓ જે સાંભળતા હતા એ બાબતો પ્રશ્ન પૂછ્યા વગર સ્વીકારતા નહોતા. એથી વિપરીત, “[તેઓ શીખી રહ્યા હતા] એ વાતો એમજ છે કે નહિ, એ વિષે નિત્ય ધર્મશાસ્ત્રનું શોધન [તપાસ] કરતા હતા.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૧.
ઍરીન નામની એક યુવાન ખ્રિસ્તીને પોતાના માટે એમ જ કરવાની જરૂરિયાત જણાઈ. તે યાદ કરે છે: “મેં સંશોધન કર્યું. મેં પોતાને પૂછ્યું, ‘હું કઈ રીતે કહી શકું કે આ ખરો ધર્મ છે? હું કઈ રીતે કહી શકું કે યહોવાહ નામના દેવ છે?’” શા માટે તમે પોતાનો વ્યક્તિગત અભ્યાસ કાર્યક્રમ શરૂ કરતા નથી? તમે બાઇબલ આધારિત પુસ્તક જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છેbથી શરૂઆત કરી શકો. એને ધ્યાનથી વાંચો. ટાંકેલી બધી જ કલમો જુઓ અને જણાવેલ બાબત સાથે એ કઈ રીતે સંબંધિત છે એની નોંધ લો. “જેને શરમાવાનું કંઈ કારણ ન હોય એવી રીતે કામ કરનાર સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર” બનશો ત્યારે તમને આશ્ચર્ય થઈ શકે કે સત્ય તમને કેટલું અલગ રીતે મળી આવ્યું છે!—૨ તીમોથી ૨:૧૫.
b વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત.
પ્રેષિત પીતરે કહ્યું કે બાઇબલમાંની અમુક બાબતો “સમજવાને અઘરી છે,” અને તમને એ સાચું જણાશે. (૨ પીતર ૩:૧૬) પરંતુ દેવનો આત્મા તમને અઘરા વિષયો સમજવામાં મદદ કરી શકે. (૧ કોરીંથી ૨:૧૧, ૧૨) તમને કંઈક સમજવામાં તકલીફ થતી હોય તો મદદ માટે દેવને પ્રાર્થના કરો. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦, ૧૧, ૨૭) વૉચટાવર સોસાયટીનાં પ્રકાશનોમાં કંઈક વધારાનું સંશોધન કરવાનો પ્રયત્ન કરો. એ કઈ રીતે કરવું એની તમને સમજ ના પડે તો, મદદ માટે પૂછો. તમારાં માબાપ અથવા ખ્રિસ્તી મંડળના અન્ય પરિપક્વ સભ્યો તમને મદદ કરી શકે.
યાદ રાખો કે, તમે તમારા જ્ઞાનથી બીજાઓને પ્રભાવિત કરવા અભ્યાસ કરતા નથી. કોલીન નામનો યુવક જણાવે છે: “તમે યહોવાહના ગુણો જાણશો.” તમે જે વાંચો છો એ પર મનન કરવા સમય કાઢો જેથી એ તમારા હૃદયમાં ઊંડે સુધી ઊતરે.—ગીતશાસ્ત્ર ૧:૨, ૩.
ખ્રિસ્તી સભાઓમાં મંડળ સાથે સંગત રાખવાથી પણ તમને મદદ મળી શકે. છેવટે, પ્રેષિત પાઊલે લખ્યું તેમ, મંડળ “સત્યનો સ્તંભ તથા પાયો છે.” (૧ તીમોથી ૩:૧૫) કેટલાક યુવકો ફરિયાદ કરે છે કે ખ્રિસ્તી સભાઓ કંટાળાજનક છે. “પરંતુ તમે સભાઓ માટે તૈયારી ન કરતા હોવ તો,” યુવાન કોલીન યાદ કરે છે, “તમે એમાંથી વધારે લાભ મેળવશો નહિ.” અગાઉથી તમારા પાઠોની તૈયારી કરો. કેવળ પ્રેક્ષક જ નહિ—પણ તમે ભાગ લેનાર બનશો તો સભાઓ વધારે રસપ્રદ જણાશે.
અભ્યાસ કરવા સમય નથી?
કબૂલ કે, તમારે શાળાનું અને ઘરનું ઘણું કામ હોવાથી, અભ્યાસ માટે સમય કાઢવો પડકારરૂપ બની શકે. સુઝન નામની એક યુવતીએ લખ્યું: “મારે સભાઓની તૈયારી કરવાની અને વ્યક્તિગત અભ્યાસ કરવાની જરૂર છે એમ જાણતી હોવાથી હું વર્ષોથી લડત આપી રહી હતી, અને છતાં હું એમ કરવામાં સફળ થઈ શકી ન હતી.”
સુઝન શીખી કે ઓછી મહત્ત્વની પ્રવૃત્તિમાંથી “સમયનો સદુપયોગ” કરવો. (એફેસી ૫:૧૫, ૧૬) પ્રથમ, તેણે અભ્યાસ કરવાની જરૂર હતી એ સર્વ બાબતોની યાદી બનાવી. પછી, તેણે એનો અભ્યાસ કરવા માટે સમયપત્રક બનાવ્યું. પરંતુ તેણે તેના સમયપત્રકમાં આનંદપ્રમોદ માટે કેટલાક સમયનો સમાવેશ કર્યો. તે સલાહ આપે છે: “નવરાશની દરેક પળનું સમયપત્રક બનાવશો નહિ. આપણ સર્વને કેટલાક આરામના સમયની જરૂર છે.” સમયપત્રક હોવાથી શક્યપણે તમે પોતાનું કામ પણ કરી શકશો.
પોતે શીખેલી બાબતોના સહભાગી થાવ
તમે જે શીખ્યા છો એનો ઉપયોગ કરવાથી એ ખાસ કરીને તમારા જીવનનો એક ભાગ બનવામાં મદદરૂપ છે. અન્ય કોઈને શીખવવાનો પ્રયત્ન કરો. ગીતકર્તાએ કહ્યું: “હું મારે મોઢે બુદ્ધિ વિષે બોલીશ; અને મારા હૃદયના વિચારો જ્ઞાન વિષે થશે.”—ગીતશાસ્ત્ર ૪૯:૩.
તમે સુસમાચારથી શરમાતા ન હોવ તો, તમે તમારા સહાધ્યાયીઓ અને અન્યો સાથે એના સહભાગી થવામાં અચકાશો નહિ. (રૂમી ૧:૧૬) બીજાઓને સત્ય જણાવવા માટે આવી તકોનો લાભ ઉઠાવીને, તમે જે શીખ્યા છો એનો ઉપયોગ કરશો; અને આ રીતે તમે સત્ય તમારા મન અને હૃદયમાં ઊતારશો.
તમારી સંગતથી સાવધાન રહો
પ્રથમ સદીના કેટલાક ખ્રિસ્તીઓએ સારી આત્મિક પ્રગતિ કરી. પરંતુ પ્રેષિત પાઊલે જલદી જ તેઓને આમ પૂછતાં લખ્યું: “સત્યને માનતાં તમને કોણે રોક્યા?” (ગલાતી ૫:૭) એલેક્ષ નામના એક યુવક સાથે કંઈક આમ જ બન્યું હતું. તે સ્વીકારે છે કે “ખરાબ સંગત પાછળ સમય વિતાવવાથી” દેવના શબ્દના અભ્યાસના પ્રયત્નો ક્ષીણ થયા હતા. તમારી આત્મિક પ્રગતિ માટે, તમારે આ સંબંધી કેટલાક ફેરફારો કરવાની પણ જરૂર છે.
એથી વિપરીત, સારી સંગત તમને પ્રગતિ કરવા માટે મદદ કરી શકે. નીતિવચન ૨૭:૧૭ કહે છે: “લોઢું લોઢાને તેજદાર બનાવે છે; તેમજ માણસ પોતાના મિત્રના મોંને તેજદાર બનાવે છે.” ઉદાહરણરૂપ વ્યક્તિઓને શોધો—જે લોકો પોતાના જીવનમાં સત્યને લાગુ પાડતા હોય. તમે તમારા પોતાના ઘરમાં જ જોઈ શકો. યુવાન જેનીફર યાદ કરે છે: “મારા નાના મારા માટે સૌથી સારું ઉદાહરણ હતા. તે રવિવારના અમારા મંડળકીય બાઇબલ અભ્યાસની તૈયારી માટે હંમેશા ત્રણ કલાક વિતાવતા હતા. તે પાઠમાંની બધી જ કલમ ભિન્ન બાઇબલ ભાષાંતરોમાં જોતા અને પોતાના શબ્દકોશમાં શબ્દો તપાસતા. તે બાઇબલની નાનામાં નાની હકીકતમાં પ્રવીણ હતા. તમે તેમને કંઈ પણ પૂછી શકો, અને તે જવાબ શોધી કાઢતા.”
તમે સત્યને તમારું પોતાનું બનાવો છો ત્યારે, તમે કીમતી મિલકત પ્રાપ્ત કરો છો—એવું કંઈક જે તમે કોઈ પણ કિંમતે ત્યજશો નહિ. તેથી સત્યને કદી પણ કેવળ “મારા માબાપનો ધર્મ” તરીકે જોશો નહિ. તમારો ભરોસો ગીતકર્તા જેવો હોવો જોઈએ જેણે કહ્યું: “મારા બાપે તથા મારી માએ મને તજી દીધો છે, પણ યહોવાહ મને સંભાળશે.” (ગીતશાસ્ત્ર ૨૭:૧૦) બાઇબલ જે શીખવે છે એ ખરેખર જાણીને, એમાં ભરોસો મૂકવાથી, તમારી માન્યતાઓના બીજાઓ સાથે સહભાગી થવાથી અને, એ સર્વ ઉપરાંત, આ માન્યતાના સુમેળમાં જીવવાથી, તમે બતાવશો કે તમે સત્યને તમારું પોતાનું બનાવ્યું છે.
તમે પોતે સંશોધન અને વ્યક્તિગત અભ્યાસ કરીને સત્યને તમારું પોતાનું બનાવો