વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w17 જુલાઈ પાન ૩૧-પાન ૩૨ ફકરો ૫
  • વાચકો તરફથી પ્રશ્નો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વાચકો તરફથી પ્રશ્નો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • સરખી માહિતી
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • યહોવાહના સિદ્ધાંતોથી સુખી થાઓ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • શા માટે યહોવાના સાક્ષીઓ યુદ્ધમાં ભાગ લેતા નથી?
    વારંવાર પૂછાતા સવાલો
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
w17 જુલાઈ પાન ૩૧-પાન ૩૨ ફકરો ૫

વાચકો તરફથી પ્રશ્નો

બીજા માણસોથી પોતાનું રક્ષણ કરવા શું યહોવાનો સેવક પિસ્તોલ કે રાઇફલ રાખી શકે?

પોતાના રક્ષણ કે બચાવ માટે શું કરવું, એ નક્કી કરવા યહોવાના સેવકો બાઇબલ સિદ્ધાંતો પર આધાર રાખે છે. એ સિદ્ધાંતો બતાવે છે કે, ખ્રિસ્તીઓ માટે બીજા માણસોથી રક્ષણ મેળવવા બંદૂક રાખવી યોગ્ય ન કહેવાય. એમાં, પિસ્તોલ, રાઇફલ કે બીજી બધી બંદૂકોનો પણ સમાવેશ થાય છે. નીચેના મુદ્દાઓ પર ધ્યાન આપો:

યહોવા માટે માનવ જીવન કીમતી છે. ગીતના લેખક દાઊદે યહોવા વિશે લખ્યું કે તેમની પાસે “જીવનનો ઝરો” છે. (ગીત. ૩૬:૯) જો કોઈ ખ્રિસ્તી એવા સંજોગોમાં આવી જાય, જ્યારે પોતાનું કે પોતાની મિલકતનું રક્ષણ કરવું પડે, ત્યારે તે બનતો પ્રયાસ કરશે કે કોઈનું મોત ન થાય. આમ, બીજાના ખૂનનો દોષ તેના માથે નહિ આવે.—પુન. ૨૨:૮; ગીત. ૫૧:૧૪.

એ સાચું છે કે, વ્યક્તિ પોતાના રક્ષણ માટે ગમે એ વાપરે, એના હાથે કોઈનું મોત થઈ શકે. જોકે, બંદૂકનો ઉપયોગ કરવામાં આવે ત્યારે, મોતની શક્યતા વધી જાય છે, પછી ભલે એ અકસ્માતે હોય કે જાણી જોઈને.a વધુમાં, જો હુમલો કરનાર પહેલેથી ગભરાયેલો હોય અને બંદૂક જુએ, તો સંજોગો હાથ બહાર જઈ શકે અને કોઈનું મોત થઈ શકે.

ઈસુએ મરણની આગલી રાતે શિષ્યોને તલવાર સાથે રાખવાનું કહ્યું ત્યારે તે રક્ષણ વિશે વાત કરી રહ્યા ન હતા. (લુક ૨૨:૩૬, ૩૮) એના બદલે, ઈસુ તેઓને એક બોધપાઠ શીખવવા માંગતા હતા: હથિયારો સાથે ટોળું સામે આવે ત્યારે પણ તેમના શિષ્યોએ હિંસા કરવાની ન હતી. (લુક ૨૨:૫૨) પીતરે પ્રમુખ યાજકના ચાકર પર તલવારથી ઘા કર્યો પછી, ઈસુએ પીતરને હુકમ કર્યો: “તારી તલવાર એની જગ્યાએ પાછી મૂકી દે.” તે પછી ઈસુએ એક મહત્ત્વનો સિદ્ધાંત જણાવ્યો, જે આજે પણ તેમના શિષ્યોને મદદ કરે છે: “જેઓ તલવાર ઉઠાવે છે તેઓ સર્વ તલવારથી નાશ પામશે.”—માથ. ૨૬:૫૧, ૫૨.

મીખાહ ૪:૩માંની ભવિષ્યવાણી પ્રમાણે, ઈશ્વરના લોકો ‘પોતાની તલવારોને ટીપીને હળની કોશો બનાવશે, ને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે.’ સાચા ખ્રિસ્તીની ઓળખ શાંતિપ્રિય લોકો તરીકેની છે. તેઓ પ્રેરિત પાઊલ દ્વારા ઈશ્વરે આપેલી આજ્ઞા પાળે છે: ‘ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી ન વાળો અને બધા લોકો સાથે હળીમળીને રહેવા તમારાથી બનતું બધું કરો.’ (રોમ. ૧૨:૧૭, ૧૮) પાઊલે “લુટારાઓનાં જોખમો” અને બીજા અનેક જોખમોનો સામનો કરવો પડ્યો. છતાં, તે પોતાના શબ્દો પ્રમાણે જીવ્યા અને તેમણે કદી બાઇબલ સિદ્ધાંતો તોડ્યા નહિ. (૨ કોરીં. ૧૧:૨૬) એના બદલે, તેમણે ઈશ્વર અને બાઇબલમાંથી મળતા ડહાપણ પર ભરોસો મૂક્યો, જે ‘યુદ્ધશસ્ત્રો કરતાં શ્રેષ્ઠ છે.’—સભા. ૯:૧૮.

યહોવાના સેવકો માટે ચીજવસ્તુઓ કરતાં જીવન ઘણું મૂલ્યવાન છે. આપણે જાણીએ છીએ કે, વ્યક્તિને ‘તેની મિલકતથી તેનું જીવન મળતું નથી.’ (લુક ૧૨:૧૫) એટલે કે, હથિયારધારી લુટારા સાથે શાંતિથી વાત કર્યા પછી પણ, તે ન માને તો આપણે ઈસુની આજ્ઞા પાળીએ છીએ: “દુષ્ટ માણસની સામા ન થાઓ.” એટલે કે, તે ચાહે એ લઈ જવા દઈએ. (માથ. ૫:૩૯, ૪૦; લુક ૬:૨૯)b સૌથી સારું તો એ કહેવાશે કે, સાવચેતી રાખીને ગુનેગારોના ભોગ ન બનીએ. જો આપણે બાઇબલની સલાહ પાળીને “પોતાની વસ્તુઓનો દેખાડો” નહિ કરીએ, તો ગુનેગારોની નજરોમાં આવવાથી બચી શકીશું. (૧ યોહા. ૨:૧૬, ફૂટનોટ) અને જો આપણા વિસ્તારમાં આપણે શાંતિપ્રિય લોકો તરીકે ઓળખાતા હોઈશું, તો એનાથી આપણને રક્ષણ મળશે.—નીતિ. ૧૮:૧૦.

ખ્રિસ્તીઓ બીજાના અંતઃકરણનો આદર કરે છે. (રોમ. ૧૪:૨૧) કોઈ ભાઈ કે બહેન બીજી વ્યક્તિથી પોતાનું રક્ષણ કરવા બંદૂક રાખે તો, કેટલાક ભાઈ-બહેનોને આંચકો કે ઠોકર લાગી શકે. કાયદેસર રીતે કદાચ બંદૂક રાખવાની છૂટ હોય, પણ ભાઈઓ માટેના પ્રેમને લીધે આપણે એવું કંઈ નહિ કરીએ, જેનાથી તેઓને ઠોકર લાગે.—૧ કોરીં. ૧૦:૩૨, ૩૩; ૧૩:૪, ૫.

ખ્રિસ્તીઓ સારો દાખલો બેસાડવા ચાહે છે. (૨ કોરીં. ૪:૨; ૧ પીત. ૫:૨, ૩) જો બીજા માણસોથી રક્ષણ મેળવવા યહોવાનો કોઈ સેવક બંદૂક રાખે, તો વડીલો તેને બાઇબલમાંથી સલાહ આપશે. જો તે બંદૂક રાખવાનો નિર્ણય લે, તો તે મંડળ માટે સારો દાખલો બેસાડતો નથી. પરિણામે, તેને મંડળમાં કોઈ જવાબદારી કે ખાસ લહાવા મળશે નહિ. પોતાની નોકરીને લીધે બંદૂક રાખતા ખ્રિસ્તીઓને પણ એ બાબતો લાગુ પડે છે. સારું થશે કે તે બીજી નોકરી શોધે.c

યહોવાના દરેક સેવકે પોતાના, કુટુંબના અને સંપત્તિના બચાવ વિશે અને કેવી નોકરી કરશે, એ વિશેના નિર્ણયો જાતે લેવા જોઈએ. પણ, તેણે એ નિર્ણયો બાઇબલ સિદ્ધાંતોને આધારે લેવા જોઈએ. આપણા બુદ્ધિમાન ઈશ્વર આપણને પ્રેમ કરે છે, એટલે તેમણે એ સિદ્ધાંતો આપ્યા છે. તેથી, યહોવા સાથે પાકી દોસ્તી ધરાવનાર સેવકો બીજા માણસોથી રક્ષણ મેળવવા બંદૂક નહિ રાખે. તેઓ જાણે છે કે જો તેઓ ઈશ્વરમાં ભરોસો મૂકશે અને બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે જીવશે, તો હંમેશ માટે સાચી સલામતી મેળવી શકશે.—ગીત. ૯૭:૧૦; નીતિ. ૧:૩૩; ૨:૬, ૭.

મહાન વિપત્તિ વખતે રક્ષણ માટે ઈશ્વરભક્તોનો ભરોસો યહોવા પર છે

મહાન વિપત્તિ દરમિયાન ખ્રિસ્તીઓ યહોવા પર ભરોસો રાખશે અને પોતાને બચાવવાનો પ્રયત્ન કરશે નહિ

a એક ખ્રિસ્તી કદાચ ખોરાક માટે જાનવરોનો શિકાર કરવા અથવા એનાથી બચવા બંદૂક કે રાઇફલ જેવા હથિયાર રાખવાનો નિર્ણય લે. પણ, જ્યારે હથિયાર વપરાશમાં ન હોય, ત્યારે ગોળી કાઢીને કે બંદૂકને છૂટી કરીને, સુરક્ષિત જગ્યા પર રાખવી જોઈએ. બંદૂક રાખવી ગેરકાયદેસર હોય એવા વિસ્તારોમાં અથવા જ્યાં સરકારે બંદૂકની માલિકી વિશે કાયદા કે નિયમો બનાવ્યા હોય ત્યાં, યહોવાના સેવકો સરકારી નિયમોને આધીન રહે છે.—રોમ. ૧૩:૧.

b બળાત્કારથી બચવા શું કરવું એ વિશે જૂન ૮, ૧૯૯૩ સજાગ બનો!માં આ લેખ જુઓ: “બળાત્કાર કઈ રીતે અટકાવવો.”

c બંદૂક રાખવી પડે એવી નોકરી સ્વીકારવા વિશે વધુ માહિતી મેળવવા નવેમ્બર ૧, ૨૦૦૫ ચોકીબુરજ પાન ૩૧ અને જુલાઈ ૧૫, ૧૯૮૩ ચોકીબુરજ (અંગ્રેજી) પાન ૨૫-૨૬ જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો