-
માર્ક ૧૦:૪૬-૫૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૬ તેઓ યરીખોમાં આવ્યા. જ્યારે ઈસુ, તેમના શિષ્યો અને ઘણા લોકો યરીખોમાંથી નીકળતા હતા, ત્યારે બર્તિમાય (તિમાયનો દીકરો) રસ્તાની બાજુએ બેઠો હતો. તે આંધળો ભિખારી હતો.+ ૪૭ તેણે સાંભળ્યું કે નાઝરેથના ઈસુ ત્યાંથી પસાર થાય છે. એટલે તે બૂમો પાડીને કહેવા લાગ્યો: “ઓ ઈસુ, દાઉદના દીકરા,+ મારા પર દયા કરો!”+ ૪૮ એ સાંભળીને ઘણાએ તેને ધમકાવીને ચૂપ રહેવા કહ્યું. પણ તે હજુ વધારે મોટા અવાજે પોકારવા લાગ્યો: “ઓ દાઉદના દીકરા, મારા પર દયા કરો!” ૪૯ ઈસુ ઊભા રહ્યા અને કહ્યું: “તેને બોલાવો.” તેઓએ આંધળા માણસને બોલાવીને કહ્યું: “હિંમત રાખ! ઊભો થા, તે તને બોલાવે છે.” ૫૦ તે પોતાનો ઝભ્ભો ફેંકી દઈને તરત ઊભો થયો અને ઈસુ પાસે ગયો. ૫૧ ઈસુએ તેને પૂછ્યું: “તું શું ચાહે છે, હું તારા માટે શું કરું?” આંધળા માણસે કહ્યું: “ગુરુજી,* મને દેખતો કરો.” ૫૨ ઈસુએ કહ્યું: “જા, તારી શ્રદ્ધાએ તને સાજો કર્યો છે.”+ તરત જ તે દેખતો થયો+ અને તેમની પાછળ રસ્તા પર ચાલવા લાગ્યો.
-
-
લૂક ૧૮:૩૫-૪૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૫ ઈસુ યરીખો નજીક આવી પહોંચ્યા ત્યારે, એક આંધળો માણસ રસ્તાની બાજુએ બેસીને ભીખ માંગતો હતો.+ ૩૬ ટોળું પસાર થવાનો અવાજ સાંભળીને તે પૂછવા લાગ્યો કે શું થઈ રહ્યું છે. ૩૭ તેઓએ જણાવ્યું: “નાઝરેથના ઈસુ પસાર થાય છે!” ૩૮ તે પોકારી ઊઠ્યો: “ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો!” ૩૯ જેઓ આગળ જતા હતા તેઓએ તેને ધમકાવીને ચૂપ રહેવા કહ્યું. પણ તે હજુ વધારે મોટા અવાજે પોકારવા લાગ્યો: “ઓ દાઉદના દીકરા, મારા પર દયા કરો!” ૪૦ ઈસુ ઊભા રહ્યા અને એ માણસને પોતાની પાસે લઈ આવવા આજ્ઞા કરી. તે આવ્યો ત્યારે ઈસુએ પૂછ્યું: ૪૧ “તું શું ચાહે છે, હું તારા માટે શું કરું?” તેણે કહ્યું: “માલિક, મને દેખતો કરો.” ૪૨ ઈસુએ કહ્યું: “દેખતો થા. તારી શ્રદ્ધાએ તને સાજો કર્યો છે.”+ ૪૩ તરત જ તે દેખતો થયો અને ઈશ્વરને મહિમા આપતો તેમની પાછળ ચાલવા લાગ્યો.+ આ જોઈને બધા લોકોએ પણ ઈશ્વરને મહિમા આપ્યો.+
-