નિર્ગમન
૩૭ પછી બઝાલએલે+ બાવળના લાકડાનો એક કોશ+ બનાવ્યો. એ અઢી હાથ* લાંબો, દોઢ હાથ પહોળો અને દોઢ હાથ ઊંચો હતો.+ ૨ તેણે એને અંદરથી અને બહારથી ચોખ્ખા સોનાથી મઢ્યો અને એની ફરતે સોનાની કિનારી બનાવી.+ ૩ તેણે સોનાનાં ચાર કડાં બનાવ્યાં અને એને કોશના ચાર પાયા પર લગાવ્યાં. એક બાજુએ બે કડાં અને બીજી બાજુએ બે કડાં. ૪ તેણે બાવળના લાકડાના દાંડા બનાવ્યા અને એને સોનાથી મઢ્યા.+ ૫ તેણે એ દાંડાને કોશની બંને બાજુનાં કડાંમાં નાખ્યા, જેથી કોશ એના દ્વારા ઊંચકી શકાય.+
૬ તેણે ચોખ્ખા સોનાનું એક ઢાંકણ બનાવ્યું.+ એ અઢી હાથ લાંબું અને દોઢ હાથ પહોળું હતું.+ ૭ તેણે એ ઢાંકણના+ બંને છેડા પર સોનાના બે કરૂબો+ બનાવ્યા. સોનાને હથોડીથી ટીપીને એ કરૂબો બનાવ્યા. ૮ તેણે ઢાંકણના બંને છેડા પર, એટલે કે એક છેડે એક કરૂબ અને બીજે છેડે બીજો, એમ બે કરૂબો બનાવ્યા. ૯ કરૂબોની બંને પાંખો ઉપર તરફ ફેલાયેલી હતી, જેથી ઢાંકણ એનાથી ઢંકાઈ જતું હતું.+ તેઓનાં મોં એકબીજાની સામે હતાં અને ઢાંકણ તરફ નીચે નમેલાં હતાં.+
૧૦ તેણે બાવળના લાકડાની એક મેજ બનાવી.+ એ બે હાથ લાંબી, એક હાથ પહોળી અને દોઢ હાથ ઊંચી હતી.+ ૧૧ તેણે એને ચોખ્ખા સોનાથી મઢી અને એની ફરતે સોનાની કિનારી બનાવી. ૧૨ તેણે મેજની ફરતે ચાર આંગળ* પહોળાઈની પટ્ટી બનાવી અને એ પટ્ટીને ફરતે સોનાની કિનારી બનાવી. ૧૩ તેણે સોનાનાં ચાર કડાં બનાવ્યાં અને એને મેજના ચાર પાયા પર લગાવ્યાં. એક બાજુએ બે કડાં અને બીજી બાજુએ બે કડાં. ૧૪ એ કડાં પટ્ટીની નજીક હતાં, જેથી મેજ ઊંચકવાના દાંડા એમાં પરોવી શકાય. ૧૫ મેજ ઊંચકવા તેણે બાવળના લાકડાના દાંડા બનાવ્યા અને એને સોનાથી મઢ્યા. ૧૬ એ પછી તેણે મેજ પર મૂકવા માટે ચોખ્ખા સોનાની થાળીઓ, પ્યાલા તેમજ દ્રાક્ષદારૂ-અર્પણો માટે કુંજા અને વાટકા બનાવ્યાં.+
૧૭ પછી તેણે ચોખ્ખા સોનાની દીવી+ બનાવી. એની બેઠક, એની દાંડી, એનાં ફૂલો,* એની કળીઓ અને એની પાંખડીઓ સોનાના એક જ મોટા ટુકડામાંથી હથોડીથી ટીપીને બનાવી.+ ૧૮ દીવીની દાંડીમાંથી છ ડાળીઓ નીકળતી. ત્રણ ડાળી એક બાજુ અને ત્રણ બીજી બાજુ. ૧૯ દાંડીની બંને બાજુની દરેક ડાળી પર બદામનાં ફૂલો જેવાં ત્રણ ફૂલો હતાં. દરેક ફૂલ પછી એક કળી અને પાંખડીઓ હતી. દીવીની છએ છ ડાળીઓ એકસરખી જ હતી. ૨૦ દીવીની દાંડી પર બદામનાં ફૂલો જેવાં ચાર ફૂલો હતાં. દરેક ફૂલ પછી એક કળી અને પાંખડીઓ હતી. ૨૧ દાંડીમાંથી નીકળતી ડાળીઓની પહેલી જોડ નીચે એક કળી હતી. પછી બીજી અને ત્રીજી જોડ નીચે પણ એક એક કળી હતી. આ રીતે, દાંડીમાંથી છએ છ ડાળીઓ નીકળતી હતી. ૨૨ તેણે કળીઓ, ડાળીઓ અને આખી દીવી સોનાના એક જ ટુકડામાંથી હથોડીથી ટીપીને બનાવી. ૨૩ પછી તેણે દીવી પર મૂકવા ચોખ્ખા સોનામાંથી સાત દીવા,+ એના ચીપિયા અને એનાં અગ્નિપાત્રો બનાવ્યાં. ૨૪ તેણે દીવી અને એનાં વાસણો એક તાલંત* ચોખ્ખા સોનામાંથી બનાવ્યાં.
૨૫ ધૂપ બાળવા માટે તેણે બાવળના લાકડાની એક ધૂપવેદી+ બનાવી. એ ચોરસ હતી, એક હાથ લાંબી, એક હાથ પહોળી અને બે હાથ ઊંચી હતી. એનાં શિંગડાં ધૂપવેદીનો જ ભાગ હતાં.+ ૨૬ તેણે ધૂપવેદીનો ઉપરનો ભાગ, એની ચારે બાજુ અને એનાં શિંગડાં ચોખ્ખા સોનાથી મઢ્યાં. તેણે એની ફરતે સોનાની કિનારી બનાવી. ૨૭ કિનારી નીચે સામસામેની બાજુએ તેણે સોનાનાં બબ્બે કડાં બનાવ્યાં, જેથી ધૂપવેદીને ઊંચકવાના દાંડા એમાં પરોવી શકાય. ૨૮ પછી તેણે બાવળના લાકડાના દાંડા બનાવ્યા અને એને સોનાથી મઢ્યા. ૨૯ તેણે અભિષેક કરવાનું પવિત્ર તેલ+ અને શુદ્ધ સુગંધી ધૂપ+ બનાવ્યાં. એ મિશ્રણ ઉત્તમ રીતે તૈયાર કરેલું હતું.*