હઝકિયેલ
૨૭ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, તૂર વિશે વિલાપગીત* ગા.+ ૩ તૂરને કહે,
‘ઓ દરિયાના દરવાજે વસતા શહેર,
ઘણા ટાપુઓના લોકોના વેપારી,
વિશ્વના માલિક યહોવા કહે છે:
“ઓ તૂર, તું કહે છે કે ‘હું એકદમ સુંદર છું.’+
૪ તારા વિસ્તારો દરિયાની વચ્ચે આવેલા છે,
તારા બાંધનારાઓએ તને એકદમ સુંદર બનાવ્યું.
૫ વહાણની જેમ તારાં બધાં પાટિયાં સનીરના+ ગંધતરુનાં* લાકડાંનાં બનાવ્યાં.
તારો ધ્વજ-સ્તંભ લબાનોનના દેવદારનાં લાકડાંનો બનાવ્યો.
૬ તારાં હલેસાં બાશાનનાં ઘટાદાર વૃક્ષોથી* બનાવ્યાં.
તારી તૂતક સરુના ઝાડથી બનાવી, જેના પર કિત્તીમના ટાપુઓના+ હાથીદાંતની સજાવટ કરી.
૭ તારા સઢનું કાપડ ઇજિપ્તના રંગબેરંગી શણનું હતું.
તારી તૂતકના પડદા અલીશાહના ટાપુઓના+ ભૂરા દોરા અને જાંબુડિયા રંગના ઊનથી બનેલા હતા.
૮ હલેસાં મારનારાઓ સિદોન અને આર્વાદના+ હતા.
ઓ તૂર, તારા કુશળ માણસો તારા નાવિકો હતા.+
૯ ગેબાલના+ અનુભવી અને કુશળ કારીગરોએ તારી તિરાડો પૂરી.+
દરિયાનાં બધાં વહાણો અને ખલાસીઓ વેપાર-ધંધો કરવા તારી પાસે આવતાં.
૧૦ ઈરાન,* લૂદ અને પૂટના+ માણસો તારા લશ્કરમાં સૈનિકો હતા.
તેઓએ પોતાની ઢાલ અને પોતાના ટોપ તારા પર લટકાવ્યાં અને તારી શોભા વધારી.
૧૧ તારા લશ્કરમાં આર્વાદના માણસો હતા, જેઓ તારી દીવાલો પર ચારે બાજુ ઊભા હતા.
તારા બુરજો પર બહાદુર માણસો પહેરો ભરતા હતા.
તારી દીવાલો પર ચારે બાજુ ગોળ ઢાલો લટકાવીને
તેઓએ તને વધારે સુંદર બનાવ્યું.
૧૨ “‘“તારી પુષ્કળ ધનદોલતને લીધે તાર્શીશ+ તારી સાથે વેપાર કરતું.+ તે તારી પાસેથી માલ લઈને તને ચાંદી, લોઢું, કલાઈ અને સીસું આપતું.+ ૧૩ યાવાન, તુબાલ+ અને મેશેખ+ તારી સાથે વેપાર કરતા. તેઓ તારા માલના બદલામાં તને ગુલામો+ અને તાંબાની ચીજવસ્તુઓ આપતા. ૧૪ તોગાર્માહના લોકો+ ઘોડાઓ અને ખચ્ચરો આપીને તારો માલ લેતા. ૧૫ દદાનના લોકો+ તારી સાથે વેપાર કરતા. ઘણા ટાપુઓમાં વેપારીઓ તારા હાથ નીચે કામ કરતા. તેઓ કરવેરા તરીકે તને હાથીદાંત+ અને કીમતી કાળું લાકડું* આપતા. ૧૬ તારી પુષ્કળ ચીજવસ્તુઓને લીધે અદોમે તારી સાથે વેપાર કર્યો. તારા માલના બદલામાં તેણે તને નીલમ રત્ન, જાંબુડિયા રંગના ઊન, રંગબેરંગી ભરતકામ, કીમતી શણનું કાપડ, દરિયાના કીમતી પથ્થરો* અને માણેક આપ્યાં.
૧૭ “‘“યહૂદા અને ઇઝરાયેલ તારી સાથે વેપાર કરતા. તારા માલના બદલામાં+ તેઓ તને મિન્નીથના+ ઘઉં, સરસ મજાનો ખોરાક, મધ,+ તેલ અને સુગંધી દ્રવ્ય*+ આપતા.
૧૮ “‘“તારી પુષ્કળ ચીજવસ્તુઓ અને ધનદોલતને લીધે દમસ્ક+ તારી સાથે વેપાર કરતું. એના બદલામાં તે તને હેલ્બોનનો દારૂ અને સહારનું ઊન* આપતું. ૧૯ ઉઝાલના વેદાન અને યાવાન તારા માલના બદલામાં તને ઘડતરનું લોઢું, દાલચીની* અને સુગંધી બરુ* આપતા. ૨૦ સવારી માટે તને જીનનું કાપડ* આપીને દદાને+ તારી સાથે વેપાર કર્યો. ૨૧ તેં અરબી લોકો અને કેદારના બધા મુખીઓને કામે રાખ્યા.+ તેઓ ઘેટાનાં બચ્ચાં, નર ઘેટા અને બકરાના વેપારીઓ હતા.+ ૨૨ શેબા અને રાઅમાહના+ વેપારીઓએ તારી સાથે વેપાર કર્યો. તેઓ તારા માલના બદલામાં તને એકદમ સરસ અત્તર, કીમતી રત્નો અને સોનું આપતા.+ ૨૩ હારાન,+ કાન્નેહ, એદન,+ શેબાના વેપારીઓ,+ આશુર+ અને ખિલ્માદ તારી સાથે વેપાર કરતા. ૨૪ તારાં બજારોમાં તેઓ સુંદર કપડાં, ભૂરા કાપડના રંગબેરંગી ભરત ભરેલા ઝભ્ભા અને રંગીન શેતરંજીનો વેપાર કરતા. એ બધી ચીજવસ્તુઓ દોરડાંથી સારી રીતે બાંધીને લઈ આવતા.
૨૫ તાર્શીશનાં વહાણોનો+ કાફલો તારા માટે માલ લાવતો અને લઈ જતો.
એટલે તું દરિયાની વચ્ચે ધનદોલતથી ભરપૂર અને માલામાલ* હતું.
૨૬ પછી હલેસાં મારનારા તને દરિયામાં દૂર લઈ ગયા,
પૂર્વથી વાતા પવને દરિયા વચ્ચે તારા ભાંગીને ભૂકા કરી નાખ્યા.
૨૭ તારી ધનદોલત, તારી ચીજવસ્તુઓ, તારો માલ-સામાન, તારા ખલાસીઓ, તારા નાવિકો,
તારી તિરાડો પૂરનારા, તારા સામાનનો વેપાર કરનારા,+ તારા બધા સૈનિકો,+
એટલે કે તારું આખું ટોળું
તારી પડતીના દિવસે દરિયામાં ડૂબી મરશે.+
૨૮ તારા નાવિકોની ચીસો સાંભળીને દરિયા કિનારો કાંપી ઊઠશે.
૨૯ હલેસાં મારનારા, ખલાસીઓ અને નાવિકો,
બધા પોતાનાં વહાણોમાંથી ઊતરીને કિનારા પર ઊભા રહેશે.
૩૦ તેઓ જોરજોરથી બૂમો પાડશે અને તારા પર મોટે સાદે વિલાપ કરશે.+
તેઓ માથાં પર ધૂળ નાખશે અને રાખમાં આળોટશે.
૩૧ તેઓ માથાં મૂંડાવશે અને કંતાન પહેરશે.
તેઓ મોટા સાદે રડશે અને હૈયાફાટ વિલાપ કરશે.
૩૨ તેઓ તારા માટે શોક કરશે અને વિલાપગીત ગાશે:
‘તૂર શહેર જેવું કોણ છે, જે મધદરિયે શાંત થઈ ગયું છે?+
૩૩ દરિયાઈ માર્ગે તારી ચીજવસ્તુઓ આવતી અને લોકોમાં ખુશી છવાઈ જતી.+
તારી પુષ્કળ ધનદોલત અને તારા માલ-સામાનથી ધરતીના રાજાઓ માલામાલ થતા.+
૩૪ હવે દરિયામાં તારા ભાંગીને ભૂકા થઈ ગયા છે અને તું ઊંડા પાણીમાં ડૂબી ગયું છે.+
તારી સાથે બધો માલ અને બધા લોકો ડૂબી ગયા છે.+
૩૫ ટાપુઓના લોકોને આઘાત લાગશે અને તેઓ તને જોઈને દંગ રહી જશે.+
રાજાઓ ડરના માર્યા થરથર કાંપશે,+ તેઓના ચહેરા પર ભય છવાઈ જશે.
૩૬ તારી દશા જોઈને બીજી પ્રજાઓના વેપારીઓ નિસાસા નાખશે.*
તારો અંત અચાનક આવશે, જે ભયાનક હશે.
હંમેશ માટે તારો વિનાશ થઈ જશે.’”’”+