નિર્ગમન
૩૬ “બઝાલએલ હવે આહોલીઆબ અને એ બધા કુશળ કારીગરો સાથે મળીને કામ કરશે, જેઓને યહોવાએ ડહાપણ અને સમજણથી ભરપૂર કર્યા છે. આમ, પવિત્ર સેવા માટે યહોવાની આજ્ઞા પ્રમાણે કઈ રીતે કામ કરવું એ તેઓ જાણી શકશે.”+
૨ પછી મૂસાએ બઝાલએલ, આહોલીઆબ અને એ બધા કુશળ કારીગરોને બોલાવ્યા, જેઓને યહોવાએ ડહાપણથી ભરપૂર કર્યા હતા.+ તેઓનાં દિલે તેઓને રાજીખુશીથી કામ કરવા પ્રેર્યા હતા.+ ૩ પછી, તેઓએ મૂસા પાસેથી એ દાનો લીધાં+ જે ઇઝરાયેલીઓએ પવિત્ર સેવાનાં કામ માટે આપ્યાં હતાં. ઇઝરાયેલીઓ હજી પણ દર સવારે ખુશી ખુશી દાનો* લાવતાં હતાં.
૪ પવિત્ર કામ શરૂ થયું પછી બધા કુશળ કારીગરો વારાફરતી આવીને ૫ મૂસાને કહેવા લાગ્યા: “યહોવાએ જે કામ કરવાની આજ્ઞા આપી છે, એ માટે લોકો જરૂર કરતાં વધારે દાન આપી રહ્યા છે.” ૬ તેથી મૂસાએ આખી છાવણીમાં આ જાહેરાત કરાવી: “પવિત્ર દાન માટે હવે બીજી કોઈ વસ્તુ લાવશો નહિ.” આ રીતે લોકોને દાન આપતા રોકવામાં આવ્યા. ૭ બધું કામ પૂરું કરવા માટે દાનમાં આવેલી વસ્તુઓ ઘણી હતી, અરે જરૂર કરતાં પણ વધારે હતી.
૮ બધા કુશળ કારીગરોએ+ બારીક કાંતેલા શણ, ભૂરી દોરી, જાંબુડિયા રંગના ઊન અને લાલ દોરીથી મંડપ માટે દસ પડદા બનાવ્યા.+ તેણે* એ પડદા પર ભરતકામ કરીને કરૂબોનાં ચિત્રો બનાવ્યાં.+ ૯ દરેક પડદો ૨૮ હાથ* લાંબો અને ૪ હાથ પહોળો હતો. બધા પડદા એક જ માપના હતા. ૧૦ પછી તેણે પાંચ પડદા જોડીને એક મોટો પડદો બનાવ્યો. બીજા પાંચ પડદા જોડીને બીજો મોટો પડદો બનાવ્યો. ૧૧ તેણે પહેલા મોટા પડદાની એક કોરે ભૂરી દોરીથી નાકાં બનાવ્યાં. બીજા મોટા પડદાની એક કોરે પણ એવું જ કર્યું, જેથી બંને પડદાને એકબીજા સાથે જોડી શકાય. ૧૨ તેણે એક પડદા પર ૫૦ નાકાં બનાવ્યાં અને બીજા પડદા પર ૫૦ નાકાં બનાવ્યાં, જેથી બંને પડદા સામસામે જોડી શકાય. ૧૩ આખરે તેણે સોનાની ૫૦ કડીઓ બનાવી અને બંને પડદાને કડીઓથી જોડી દીધા. આમ, મંડપ માટે એક પડદો તૈયાર થઈ ગયો.
૧૪ પછી તેણે મંડપ પર નાખવા બકરાના વાળના ૧૧ પડદા બનાવ્યા.+ ૧૫ દરેક પડદો ૩૦ હાથ લાંબો અને ૪ હાથ પહોળો હતો. એ ૧૧ પડદા એક જ માપના હતા. ૧૬ પછી તેણે પાંચ પડદાને જોડીને એક મોટો પડદો બનાવ્યો. બીજા છ પડદાને જોડીને બીજો મોટો પડદો બનાવ્યો. ૧૭ તેણે પહેલા મોટા પડદાની એક કોરે ૫૦ નાકાં બનાવ્યાં. બીજા મોટા પડદાની એક કોરે પણ ૫૦ નાકાં બનાવ્યાં, જેથી બંને પડદાને એકબીજા સાથે જોડી શકાય. ૧૮ તેણે તાંબાની ૫૦ કડીઓ બનાવીને બંને પડદાને જોડી દીધા. આમ મંડપ પર નાખવા બીજો એક પડદો તૈયાર થઈ ગયો.
૧૯ તેણે મંડપ પર નાખવા નર ઘેટાના લાલ રંગથી રંગેલા ચામડાનો પડદો બનાવ્યો. એની ઉપર નાખવા સીલ માછલીના ચામડાનો પડદો બનાવ્યો.+
૨૦ પછી તેણે મંડપ માટે બાવળના લાકડાનાં ઊભાં ચોકઠાં* બનાવ્યાં.+ ૨૧ દરેક ચોકઠું દસ હાથ ઊંચું અને દોઢ હાથ પહોળું હતું. ૨૨ તેણે દરેક ચોકઠામાં નીચેની બાજુએ બે ઠેસી* બનાવી, જે એકબીજાથી સમાન અંતરે હતી. મંડપનાં બધાં ચોકઠાં તેણે એ જ રીતે બનાવ્યાં. ૨૩ આમ તેણે મંડપની દક્ષિણ બાજુ માટે ૨૦ ચોકઠાં બનાવ્યાં. ૨૪ તેણે ૨૦ ચોકઠાંની નીચે મૂકવા ચાંદીની ૪૦ કૂંભીઓ* બનાવી. દરેક ચોકઠા નીચે બે ઠેસી*+ હતી અને એના માટે બે કૂંભીઓ હતી. ૨૫ તેણે મંડપની ઉત્તર બાજુ માટે ૨૦ ચોકઠાં બનાવ્યાં. ૨૬ તેણે ચાંદીની ૪૦ કૂંભીઓ બનાવી. દરેક ચોકઠા નીચે મૂકવા બે કૂંભીઓ બનાવી.
૨૭ તેણે મંડપની પાછળની બાજુ માટે, એટલે કે પશ્ચિમ બાજુ માટે છ ચોકઠાં બનાવ્યાં.+ ૨૮ તેણે મંડપની પાછળની બાજુના બે ખૂણા માટે બે ચોકઠાં બનાવ્યાં. ૨૯ એ ખૂણાનાં બે ચોકઠાં આ રીતે બનાવ્યાં: નીચેથી બે પાટિયાં હતાં અને ઉપર પહેલી કડી સુધી પહોંચતાં તેઓ એકબીજા સાથે જોડાઈ જતાં હતાં. ૩૦ આમ, મંડપની પાછળની બાજુએ આઠ ચોકઠાં હતાં અને એની ચાંદીની ૧૬ કૂંભીઓ હતી. દરેક ચોકઠા નીચે મૂકવા બે કૂંભીઓ હતી.
૩૧ પછી તેણે બાવળના લાકડાના દાંડા બનાવ્યા. મંડપની એક બાજુનાં ચોકઠાં માટે પાંચ દાંડા બનાવ્યા.+ ૩૨ તેણે મંડપની બીજી બાજુનાં ચોકઠાં માટે પાંચ દાંડા બનાવ્યા. તેમ જ, મંડપની પાછળની બાજુ, એટલે કે પશ્ચિમ બાજુનાં ચોકઠાં માટે પાંચ દાંડા બનાવ્યા. ૩૩ તેણે વચલો દાંડો ચોકઠાંની વચ્ચોવચ મંડપના એક છેડાથી બીજા છેડા સુધી બનાવ્યો. ૩૪ તેણે દરેક ચોકઠાને સોનાથી મઢ્યું. દાંડા પરોવવા સોનાનાં કડાં બનાવ્યાં અને દાંડાને સોનાથી મઢ્યા.+
૩૫ પછી તેણે ભૂરી દોરી, જાંબુડિયા રંગના ઊન, લાલ દોરી અને બારીક કાંતેલા શણથી એક પડદો બનાવ્યો.+ એ પડદા પર ભરતકામ+ કરીને કરૂબોનાં+ ચિત્રો બનાવ્યાં. ૩૬ એ પડદા માટે તેણે બાવળના લાકડાના ચાર થાંભલા બનાવ્યા અને એને સોનાથી મઢ્યા. એની કડીઓ સોનાની હતી. તેણે થાંભલાઓને ચાંદીની ચાર કૂંભીઓ પર ગોઠવ્યા. ૩૭ તેણે મંડપના પ્રવેશદ્વાર માટે એક પડદો બનાવ્યો. એ પડદો ભૂરી દોરી, જાંબુડિયા રંગનું ઊન, લાલ દોરી અને બારીક કાંતેલું શણ વણીને બનાવ્યો.+ ૩૮ તેણે પાંચ થાંભલાઓ અને એની કડીઓ બનાવ્યાં. થાંભલાનો ઉપરનો ભાગ સોનાથી મઢ્યો. એની આંકડીઓ સોનાની બનાવી, પણ એની પાંચ કૂંભીઓ તાંબાની બનાવી.