હિબ્રૂઓને પત્ર
૧ વર્ષો અગાઉ, ઈશ્વરે પ્રબોધકો* દ્વારા આપણા બાપદાદાઓ સાથે ઘણી વાર અને ઘણી રીતોએ વાત કરી હતી.+ ૨ હવે આ સમયે* તેમણે દીકરા દ્વારા આપણી સાથે વાત કરી છે.+ ઈશ્વરે આ દીકરાને બધી વસ્તુઓ પર વારસ ઠરાવ્યા છે+ અને તેમના દ્વારા આકાશ અને પૃથ્વીની* બધી વસ્તુઓ બનાવી છે.+ ૩ દીકરામાં ઈશ્વરનું ગૌરવ દેખાય છે,+ તે આબેહૂબ ઈશ્વર જેવા જ છે.+ તે બધી વસ્તુઓને પોતાના શક્તિશાળી શબ્દથી ટકાવી રાખે છે. આપણને પાપથી શુદ્ધ કર્યા પછી,+ તે સ્વર્ગમાં મહાન ઈશ્વરને જમણે હાથે બેઠા છે.+ ૪ આમ તે દૂતો* કરતાં ચઢિયાતા બન્યા છે,+ એટલે સુધી કે તેમણે દૂતોના નામથી પણ ઉત્તમ નામનો વારસો મેળવ્યો છે.+
૫ જેમ કે, ઈશ્વરે કયા દૂતને કદી કહ્યું છે, “તું મારો દીકરો છે અને આજથી હું તારો પિતા છું”?+ અને કયા દૂતને કહ્યું છે, “હું તેનો પિતા થઈશ અને તે મારો દીકરો થશે”?+ ૬ પણ જ્યારે ઈશ્વર પોતાના પ્રથમ જન્મેલા* દીકરાને+ ફરીથી પૃથ્વી પર મોકલે છે, ત્યારે તે કહે છે: “ઈશ્વરના બધા દૂતો ઘૂંટણિયે પડીને તેને નમન કરે.”
૭ વધુમાં, દૂતો વિશે ઈશ્વર કહે છે: “તે પોતાના દૂતોને શક્તિશાળી* બનાવે છે અને પોતાના સેવકોને*+ આગની જ્વાળા બનાવે છે.”+ ૮ પણ દીકરા વિશે તે કહે છે: “ઈશ્વર તને સદાને માટે રાજ્યનો અધિકાર આપે છે*+ અને તારો રાજદંડ* તો ઇન્સાફનો* રાજદંડ છે. ૯ તું સચ્ચાઈને ચાહે છે અને અન્યાયને ધિક્કારે છે. એટલે જ ઈશ્વરે, હા, તારા ઈશ્વરે તેલથી તારો અભિષેક* કર્યો+ અને તારા સાથીઓ કરતાં તને વધારે આનંદ આપ્યો.”+ ૧૦ વધુમાં, શાસ્ત્ર કહે છે, “ઓ અમારા માલિક, શરૂઆતમાં તમે પૃથ્વીના પાયા નાખ્યા હતા અને આકાશો તમારા હાથની રચના છે. ૧૧ તેઓ નાશ પામશે, પણ તમે કાયમ રહેશો. વસ્ત્રની જેમ તેઓ ઘસાઈ જશે ૧૨ અને ઝભ્ભાની જેમ તમે તેઓને વાળી લેશો અને કપડાંની જેમ તમે તેઓને બદલી નાખશો. પણ તમે બદલાતા નથી અને તમારાં વર્ષોનો કદી અંત આવશે નહિ.”+
૧૩ પણ કયા દૂત વિશે ઈશ્વરે કદી કહ્યું છે, “હું તારા દુશ્મનોને તારા પગનું આસન બનાવું ત્યાં સુધી, તું મારા જમણા હાથે બેસ”?+ ૧૪ શું તેઓ બધા પવિત્ર સેવા* કરનારા દૂતો નથી?+ શું તેઓને એ લોકોની સેવા માટે નથી મોકલ્યા, જેઓને તારણનો વારસો મળવાનો છે?