લેવીય
૨૭ યહોવાએ વધુમાં મૂસાને કહ્યું: ૨ “ઇઝરાયેલીઓને કહે, ‘જો કોઈ માણસ કોઈ વ્યક્તિ માટે નક્કી કરેલી કિંમત યહોવાને આપવાની ખાસ માનતા લે,+ તો આ પ્રમાણે કિંમત ચૂકવવી: ૩ ૨૦થી ૬૦ વર્ષના પુરુષોની કિંમત પવિત્ર જગ્યાના શેકેલના તોલમાપ* પ્રમાણે ૫૦ શેકેલ* ચાંદી હોય. ૪ પણ એ ઉંમરની સ્ત્રીની કિંમત ૩૦ શેકેલ હોય. ૫ ૫થી ૨૦ વર્ષના છોકરાની કિંમત ૨૦ શેકેલ અને છોકરીની કિંમત ૧૦ શેકેલ હોય. ૬ એક મહિનાથી પાંચ વર્ષના છોકરાની કિંમત પાંચ શેકેલ ચાંદી અને છોકરીની કિંમત ત્રણ શેકેલ ચાંદી હોય.
૭ “‘૬૦ કે એથી વધુ ઉંમરના પુરુષની કિંમત ૧૫ શેકેલ અને સ્ત્રીની કિંમત ૧૦ શેકેલ હોય. ૮ પણ જો માનતા લેનાર ગરીબ હોય અને ઠરાવેલી કિંમત ચૂકવવી તેના ગજા બહાર હોય,+ તો તેણે જે વ્યક્તિને અર્પી દેવાની માનતા લીધી હોય તેને યાજક આગળ લાવે અને યાજક તે વ્યક્તિ માટે કિંમત નક્કી કરે. માનતા લેનાર કેટલું આપી શકે છે, એ પ્રમાણે યાજક કિંમત નક્કી કરે.+
૯ “‘જો કોઈ માણસ યહોવાને એવું પ્રાણી આપવાની માનતા લે, જેનું અર્પણ ચઢાવી શકાય, તો તે જે કોઈ પ્રાણી યહોવાને આપે, એ પવિત્ર ગણાય. ૧૦ તે પ્રાણીની અદલા-બદલી કરે નહિ. તે સારાને બદલે ખરાબ કે ખરાબને બદલે સારું આપે નહિ. જો તે અદલા-બદલી કરે, તો એ પ્રાણી અને બદલામાં આપેલું પ્રાણી બંને પવિત્ર ગણાય. ૧૧ જો કોઈ માણસ અશુદ્ધ પ્રાણી+ આપવાની માનતા લે, જેનું યહોવાને અર્પણ ન ચઢાવી શકાય, તો એ પ્રાણીને તે યાજક આગળ લાવે. ૧૨ પછી એ પ્રાણી સારું છે કે ખરાબ એ જોઈને યાજક એની કિંમત નક્કી કરે. યાજક જે કિંમત ઠરાવે, એ એની કિંમત થાય. ૧૩ પણ જો તે માણસ પોતાનું પ્રાણી પાછું ખરીદવા ચાહતો હોય, તો તે ઠરાવેલી કિંમત સાથે પાંચમો ભાગ ઉમેરીને ચૂકવે.+
૧૪ “‘જો કોઈ માણસ પોતાનું ઘર યહોવાને આપવા એને પવિત્ર ઠરાવે, તો એ ઘરની હાલત જોઈને યાજક એની કિંમત નક્કી કરે. યાજક જે કિંમત ઠરાવે, એ એની કિંમત થાય.+ ૧૫ પણ જો તે માણસ પોતાનું એ ઘર પાછું ખરીદવા ચાહતો હોય, તો તે ઠરાવેલી કિંમત સાથે પાંચમો ભાગ ઉમેરીને ચૂકવે અને એ ઘર તેનું થશે.
૧૬ “‘જો કોઈ માણસ પોતાની જમીનનો કોઈ ભાગ યહોવાને આપવા એને પવિત્ર ઠરાવે, તો એ જમીનમાં કેટલા બી વાવી શકાય એના આધારે એની કિંમત નક્કી થાય. એક હોમેર* જવનાં બી બરાબર ૫૦ શેકેલ ચાંદી થાય. ૧૭ જો તે છુટકારાના વર્ષમાં*+ જમીન આપે, તો તે ઠરાવેલી કિંમત જ ચૂકવે. ૧૮ જો તે છુટકારાના વર્ષ પછી પોતાની જમીન આપે, તો આવનાર છુટકારાના વર્ષને કેટલાં વર્ષો બાકી છે એ પ્રમાણે યાજક એની કિંમત ગણે. એ કિંમતને જમીન માટે ઠરાવેલી કિંમતમાંથી બાદ કરે અને એ ચૂકવે.+ ૧૯ પણ જો તે માણસ પોતાની એ જમીન પાછી ખરીદવા ચાહતો હોય, તો તે ઠરાવેલી કિંમત સાથે પાંચમો ભાગ ઉમેરીને ચૂકવે અને એ જમીન તેની થશે. ૨૦ હવે જો તે માણસ પોતાની જમીન પાછી ન ખરીદે અને એ બીજા કોઈને વેચવામાં આવી હોય, તો એ જમીન ફરીથી ખરીદી ન શકાય. ૨૧ છુટકારાના વર્ષમાં જ્યારે એ જમીન છૂટી થાય, ત્યારે એ યહોવા માટે પવિત્ર ઠરે અને તેમને સમર્પિત ગણાય. એ જમીન યાજકોનો વારસો થશે.+
૨૨ “‘જો કોઈ માણસ યહોવાને આપવા એવી કોઈ જમીન પવિત્ર ઠરાવે, જે તેના વારસાનો ભાગ ન હોય પણ તેણે ખરીદેલી હોય,+ ૨૩ તો છુટકારાના વર્ષને આવવામાં હજી કેટલાં વર્ષો બાકી છે એ પ્રમાણે યાજક એની કિંમત નક્કી કરે. તે માણસ એ જ દિવસે એ કિંમત ચૂકવે.+ એ કિંમત યહોવા માટે પવિત્ર છે. ૨૪ છુટકારાના વર્ષમાં એ જમીન એના મૂળ માલિકને, એટલે કે જેની પાસેથી એ ખરીદવામાં આવી હતી એને પાછી મળે.+
૨૫ “‘દરેક કિંમત પવિત્ર જગ્યાના શેકેલના તોલમાપ પ્રમાણે નક્કી થાય. એક શેકેલ એટલે ૨૦ ગેરાહ* થાય.
૨૬ “‘કોઈએ પણ પ્રથમ જન્મેલા* પ્રાણીને અલગ* ન ઠરાવવું, કેમ કે પ્રથમ જન્મેલું પ્રાણી જન્મના દિવસથી જ યહોવાનું છે,+ પછી ભલે એ આખલો હોય કે ઘેટો હોય કે બકરો, એ યહોવાનો જ છે.+ ૨૭ પણ પ્રથમ જન્મેલું અશુદ્ધ પ્રાણી* કિંમત ચૂકવીને છોડાવી શકાય. જો કોઈ એમ કરવા ચાહતું હોય, તો તે એ પ્રાણીની ઠરાવેલી કિંમતમાં પાંચમો ભાગ ઉમેરીને ચૂકવે.+ જો તે એ પ્રાણીને પાછું ન ખરીદે, તો યાજક એ પ્રાણીને ઠરાવેલી કિંમતમાં બીજા કોઈને વેચી શકે.
૨૮ “‘પણ જો કોઈ માણસ કોઈ વસ્તુને કાયમ માટે* યહોવાને સમર્પિત કરે, તો એ વસ્તુ બીજા કોઈને વેચી ન શકાય કે પાછી ખરીદી ન શકાય, પછી ભલે એ પોતાનું જાનવર હોય કે જમીન હોય કે કોઈ વ્યક્તિ. દરેક સમર્પિત વસ્તુ યહોવા માટે ખૂબ પવિત્ર છે.+ ૨૯ વધુમાં, એવા કોઈ પણ માણસને છોડાવી ન શકાય, જે દોષિત ઠર્યો* હોય અને જેને નાશ માટે અલગ ઠરાવવામાં આવ્યો હોય.+ તે માણસને ચોક્કસ મારી નાખવો.+
૩૦ “‘દેશની જમીનની દરેક ઊપજનો દસમો ભાગ+ યહોવાનો છે, પછી ભલે એ ખેતરની ફસલ હોય કે વૃક્ષનાં ફળ હોય. એ યહોવા માટે પવિત્ર છે. ૩૧ જો કોઈ માણસ પોતાની ઊપજનો દસમો ભાગ ખરીદવા ચાહે, તો તે એની કિંમતમાં પાંચમો ભાગ ઉમેરીને ચૂકવે. ૩૨ ઢોરઢાંક કે ઘેટાં-બકરાંનો દસમો ભાગ યહોવાનો છે. ઘેટાંપાળક જ્યારે પ્રાણીઓને પોતાની લાકડી નીચેથી પસાર કરીને તેઓની ગણતરી કરે, ત્યારે દરેક દસમું પ્રાણી તે ઈશ્વર માટે અલગ ઠરાવે. એવું દરેક પ્રાણી ઈશ્વર માટે પવિત્ર છે. ૩૩ એ પ્રાણી સારું છે કે ખરાબ એની તે તપાસ કરે નહિ અથવા એને બદલે નહિ. જો તે પ્રાણીની અદલા-બદલી કરે, તો એ પ્રાણી અને એના બદલામાં આપેલું પ્રાણી બંને પવિત્ર ગણાય.+ એને પાછું ન ખરીદી શકાય.’”
૩૪ યહોવાએ ઇઝરાયેલીઓ માટે એ આજ્ઞાઓ સિનાઈ પર્વત પર મૂસાને આપી.+