બીજો કાળવૃત્તાંત
૧૭ આસાનો દીકરો યહોશાફાટ+ તેની જગ્યાએ રાજા બન્યો. તેણે ઇઝરાયેલ પર પોતાની સત્તા જમાવી. ૨ તેણે યહૂદાનાં બધાં કોટવાળાં શહેરોમાં પોતાનાં લશ્કરો ગોઠવી દીધાં. તેણે યહૂદા દેશમાં અને પોતાના પિતા આસાએ જીતી લીધેલાં એફ્રાઈમનાં શહેરોમાં ચોકીઓ ઊભી કરી.+ ૩ યહોવાએ યહોશાફાટને સાથ આપ્યો, કારણ કે તે પોતાના પૂર્વજ દાઉદના પગલે ચાલ્યો.+ યહોશાફાટે બઆલ* દેવોની પૂજા કરી નહિ. ૪ તેણે પોતાના પિતાના ઈશ્વરની ભક્તિ કરી+ અને તેમની આજ્ઞાઓ પાળી. તે ઇઝરાયેલના પગલે ચાલ્યો નહિ.+ ૫ યહોવાએ યહોશાફાટના હાથમાં રાજ્ય દૃઢ કર્યું.+ યહૂદાના બધા લોકો તેને ભેટો આપતા હતા. તેને પુષ્કળ ધનદોલત અને માન-મહિમા મળ્યાં હતાં.+ ૬ તે પૂરી હિંમતથી યહોવાના માર્ગમાં ચાલ્યો. તેણે યહૂદામાંથી ભક્તિ-સ્થળો+ અને ભક્તિ-થાંભલાઓ+ પણ કાઢી નાખ્યાં.
૭ તેણે પોતાના શાસનના ત્રીજા વર્ષમાં યહૂદાનાં શહેરોમાં લોકોને શીખવવા માટે આ અધિકારીઓ મોકલ્યા: બેન-હાયિલ, ઓબાદ્યા, ઝખાર્યા, નથાનએલ અને મીખાયા. ૮ તેઓ સાથે આ લેવીઓ હતા: શમાયા, નથાન્યા, ઝબાદ્યા, અસાહેલ, શમીરામોથ, યહોનાથાન, અદોનિયા, ટોબિયાહ અને ટોબ-અદોનિયા. અલિશામા અને યહોરામ યાજકો પણ તેઓની સાથે હતા.+ ૯ તેઓ પોતાની સાથે યહોવાના નિયમશાસ્ત્રનું પુસ્તક લઈ ગયા અને યહૂદામાં શીખવવા લાગ્યા.+ તેઓએ યહૂદાનાં બધાં શહેરોમાં ફરી ફરીને લોકોને શીખવ્યું.
૧૦ યહૂદાની આસપાસનાં બધાં રાજ્યો પર યહોવાનો એટલો ડર છવાઈ ગયો કે તેઓએ યહોશાફાટ સામે લડાઈ કરી નહિ. ૧૧ પલિસ્તીઓએ યહોશાફાટને વેરા* તરીકે ભેટ અને પૈસા આપ્યાં. અરબી લોકોએ પોતાના ટોળામાંથી તેને ૭,૭૦૦ નર ઘેટા અને ૭,૭૦૦ બકરા આપ્યા.
૧૨ યહોશાફાટ વધારે ને વધારે બળવાન થતો ગયો.+ તે યહૂદામાં કિલ્લાઓ+ અને ભંડારોનાં શહેરો+ બાંધતો ગયો. ૧૩ તેણે યહૂદાનાં શહેરોમાં મોટાં મોટાં કામો કર્યાં. તેની પાસે યરૂશાલેમમાં પરાક્રમી શૂરવીર યોદ્ધાઓ હતા. ૧૪ તેઓના પિતાનાં કુટુંબો પ્રમાણે તેઓના ભાગ પાડવામાં આવ્યા હતા: યહૂદામાંથી હજાર હજારના મુખીઓ, મુખી આદનાહ અને તેની સાથે ૩,૦૦,૦૦૦ શૂરવીર યોદ્ધાઓ.+ ૧૫ તેના હાથ નીચે મુખી યહોહાનાન હતો અને તેની સાથે ૨,૮૦,૦૦૦ માણસો હતા. ૧૬ તેના હાથ નીચે ઝિખ્રીનો દીકરો અમાસ્યા પણ હતો. તે યહોવાની સેવા કરવા રાજીખુશીથી આગળ આવ્યો હતો. તેની સાથે ૨,૦૦,૦૦૦ શૂરવીર યોદ્ધાઓ હતા. ૧૭ બિન્યામીનમાંથી+ એલ્યાદા હતો, જે શૂરવીર યોદ્ધો હતો. તેની સાથે ૨,૦૦,૦૦૦ માણસો હતા, જેઓ પાસે ધનુષ્ય અને ઢાલ હતાં.+ ૧૮ તેના હાથ નીચે યહોઝાબાદ હતો અને તેની સાથેના ૧,૮૦,૦૦૦ માણસો લડાઈ માટે તૈયાર હતા. ૧૯ તેઓ રાજાની સેવા કરતા હતા. એ સિવાય રાજાએ યહૂદાનાં બધાં કોટવાળાં શહેરોમાં પણ સૈનિકો રાખ્યા હતા.+