હઝકિયેલ
૩૨ હવે ૧૨મા વર્ષનો* ૧૨મો મહિનો હતો. એ મહિનાના પહેલા દિવસે ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, ઇજિપ્તના રાજા ફારુન* વિશે વિલાપગીત* ગા:
‘તું પ્રજાઓમાં શક્તિશાળી સિંહ જેવો હતો.
પણ તને ચૂપ કરી દેવામાં આવ્યો છે.
તું દરિયાના મોટા પ્રાણી જેવો હતો+ અને તારી નદીઓમાં કૂદાકૂદ કરતો હતો.
તું તારા પગથી પાણી ડહોળી નાખતો અને નદીઓ ગંદી કરતો હતો.’
૩ વિશ્વના માલિક યહોવા કહે છે:
‘ઘણી પ્રજાઓનાં ટોળાઓ દ્વારા હું મારી જાળ તારા પર નાખીશ.
તને જાળમાં ફસાવીને તેઓ બહાર ખેંચી લાવશે.
૪ હું તને જમીન પર પડતો મૂકીશ.
હું તને ખુલ્લા મેદાનમાં ફેંકી દઈશ.
આકાશનાં બધાં પક્ષીઓને હું તારા પર બેસવાં દઈશ.
આખી ધરતીનાં જંગલી જાનવરો તારાથી ધરાશે.+
૫ હું તારું માંસ પર્વતો પર ફેંકી દઈશ
અને તારી લાશના ટુકડાઓથી ખીણો ભરી દઈશ.+
૬ તારા લોહીની ફૂટી નીકળેલી ધારાથી હું છેક પર્વતો સુધીની જમીન તરબોળ કરી દઈશ
અને ઝરણાં એનાથી ભરાઈ જશે.’
૭ ‘તું ખતમ થઈ જઈશ ત્યારે, હું આકાશને ઢાંકી દઈશ અને તારાઓમાં અંધકાર ફેલાવી દઈશ.
સૂરજને હું વાદળોથી ઢાંકી દઈશ
અને ચંદ્ર પોતાનું અજવાળું ફેલાવશે નહિ.+
૮ તારા લીધે હું આકાશમાં ઝગમગતી બધી જ્યોતિઓ હોલવી નાખીશ.
તારા દેશ પર હું અંધકાર પાથરી દઈશ,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.
૯ ‘ગુલામ થયેલા તારા લોકોને હું બીજી પ્રજાઓમાં, જે દેશો વિશે તું જાણતો નથી ત્યાં લઈ જઈશ.+
હું ઘણા લોકોનાં દિલમાં ભય ફેલાવી દઈશ.
૧૦ હું ઘણા લોકોને દંગ કરી નાખીશ.
તેઓના રાજાઓના દેખતા હું તારા પર તલવાર વીંઝીશ ત્યારે, તેઓ ડરના માર્યા કાંપી ઊઠશે.
તેઓને પોતાનો જીવ વહાલો હોવાથી,
તારી પડતીના દિવસે તેઓ થરથર કાંપશે.’
૧૧ વિશ્વના માલિક યહોવા કહે છે:
‘બાબેલોનના રાજાની તલવાર તારા પર આવી પડશે.+
૧૨ હું શૂરવીર યોદ્ધાઓની તલવારોથી તારાં ટોળાઓની કતલ કરીશ.
તેઓ બધા બીજી પ્રજાઓ કરતાં એકદમ ક્રૂર છે.+
તેઓ ઇજિપ્તનું ઘમંડ ઉતારી નાખશે અને એના લોકોનો સફાયો કરી નાખશે.+
૧૩ એના પુષ્કળ પાણી પાસે ચરતાં બધાં ઢોરઢાંકનો હું નાશ કરીશ.+
હવેથી કોઈ માણસનો પગ કે ઢોરઢાંકની ખરી એ પાણી ડહોળી નાખશે નહિ.’+
૧૪ ‘એ સમયે હું પાણી ચોખ્ખું કરી નાખીશ.
હું નદીઓને તેલની જેમ આસાનીથી વહાવીશ,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.
૧૫ ‘હું ઇજિપ્તને ઉજ્જડ અને વેરાન કરી નાખીશ, એવો દેશ જેનું બધું લૂંટાઈ ગયું હોય.+
હું એમાં રહેતા બધા લોકોનો સંહાર કરી નાખીશ.
એ વખતે તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.+
૧૬ લોકો આ વિલાપગીત ગાશે.
પ્રજાઓની દીકરીઓ પણ એ ગાશે.
તેઓ ઇજિપ્ત અને એનાં બધાં ટોળાઓ માટે વિલાપ કરીને ગાશે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”
૧૭ પછી ૧૨મા વર્ષે,* મહિનાના ૧૫મા દિવસે યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૧૮ “હે માણસના દીકરા, ઇજિપ્તનાં ટોળાઓ માટે વિલાપ કર અને એને નીચે જમીનમાં ઉતારી દે. એ દેશને અને શક્તિશાળી પ્રજાઓની દીકરીઓને કબરમાં* જનારાઓ સાથે નીચે ઉતારી દે.
૧૯ “‘ઓ ઇજિપ્ત, શું તું બધા કરતાં સુંદર છે? જા, જઈને સુન્નત વગરના લોકો સાથે કબરમાં પોઢી જા!’
૨૦ “‘તેઓ તલવારથી કતલ થયેલા લોકો સાથે માર્યા જશે.+ ઇજિપ્તને તલવારને હવાલે કરવામાં આવ્યો છે. એ દેશને એનાં ટોળાઓ સાથે ઘસડી લઈ જાઓ.
૨૧ “‘કબરનાં* ઊંડાણોમાંથી શૂરવીર યોદ્ધાઓ ઇજિપ્તના રાજા અને એને મદદ કરનારાની સાથે બોલશે. તેઓ ચોક્કસ નીચે ઊતરી જશે અને સુન્નત વગરના લોકોની જેમ પડી રહેશે. તેઓને તલવારથી કતલ કરવામાં આવશે. ૨૨ એનાં ટોળાઓ સાથે આશ્શૂર પણ ત્યાં છે. એના રાજાની* ચારે બાજુ આશ્શૂરીઓની કબરો છે અને તેઓ બધા તલવારથી માર્યા ગયેલા છે.+ ૨૩ એની કબરો છેક નીચે ઊંડાણોમાં છે. એની કબરની ચારે બાજુ એનાં ટોળાઓ છે. તેઓ બધાં તલવારથી માર્યાં ગયેલાં છે, કેમ કે તેઓ લોકોમાં આતંક ફેલાવતાં હતાં.
૨૪ “‘એની કબરની આસપાસ એલામ+ અને એનાં ટોળાઓ પણ છે, જેઓ બધાં તલવારથી માર્યાં ગયેલાં છે. તેઓએ બદનામ થઈને* નીચે જમીનમાં ઊતરી જવું પડ્યું, કેમ કે તેઓ લોકોમાં આતંક ફેલાવતાં હતાં. હવે તેઓએ કબરમાં* જનારા લોકોની સાથે જવાનું અપમાન સહેવું પડશે. ૨૫ કતલ થયેલાઓની વચ્ચે તેઓએ એની* પથારી બિછાવી છે અને એની કબરોની ચારે બાજુ એનાં ટોળાઓ છે. તેઓ બધાં સુન્નત વગરનાં છે અને તલવારથી માર્યાં ગયેલાં છે, કેમ કે તેઓ લોકોમાં આતંક ફેલાવતાં હતાં. તેઓએ કબરમાં* જનારા લોકોની સાથે જવાનું અપમાન સહેવું પડશે. તેને કતલ થયેલાઓ વચ્ચે મૂકવામાં આવ્યો છે.
૨૬ “‘ત્યાં મેશેખ, તુબાલ+ અને તેઓનાં ટોળાઓ પણ છે. તેઓની કબરો તેની* આસપાસ છે. તેઓ બધાં સુન્નત વગરનાં છે અને તલવારથી માર્યાં ગયેલાં છે, કેમ કે તેઓ લોકોમાં આતંક ફેલાવતાં હતાં. ૨૭ શું તેઓએ માર્યા ગયેલા શૂરવીર યોદ્ધાઓ સાથે સૂવું નહિ પડે? તેઓ સુન્નત વગરના છે અને યુદ્ધનાં હથિયારો સાથે કબરમાં* ઊતરી ગયા છે. એ શૂરવીર યોદ્ધાઓ લોકોમાં આતંક ફેલાવતા હતા. લોકો તેઓનાં માથાં નીચે તેઓની તલવારો મૂકશે* અને તેઓનાં હાડકાં પર તેઓનાં પાપ મૂકશે. ૨૮ પણ તને* તો સુન્નત વગરના લોકોમાં કચડી નાખવામાં આવશે. તું તલવારથી કતલ થયેલાઓમાં પડી રહેશે.
૨૯ “‘અદોમ+ ત્યાં છે. એના રાજાઓ અને મુખીઓ પણ એની સાથે છે. શૂરવીર હોવા છતાં તેઓ તલવારથી કતલ થયેલાઓ સાથે પડ્યા છે. તેઓ પણ સુન્નત વગરના લોકો+ અને કબરમાં* ઊતરી જનારા લોકો સાથે સૂઈ જશે.
૩૦ “‘ત્યાં ઉત્તરના બધા આગેવાનો છે. તેઓની સાથે બધા સિદોનીઓ+ પણ છે, જેઓ પોતાની તાકાતથી આતંક ફેલાવતા હતા. પણ હવે તેઓ બદનામ થઈને કતલ થયેલા લોકો સાથે પડેલા છે. તેઓ સુન્નત વગરના છે અને તલવારથી કતલ થયેલાઓ વચ્ચે પડ્યા રહેશે. તેઓએ કબરમાં* જનારા લોકોની સાથે જવાનું અપમાન સહેવું પડશે.
૩૧ “‘ઇજિપ્તનો રાજા એ બધું જોશે અને તેની સાથે આવેલા સર્વ લોકોને જે થયું એમાં દિલાસો પામશે.+ ઇજિપ્તનો રાજા અને તેનું આખું લશ્કર તલવારથી કતલ થઈને પડશે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.
૩૨ “‘ઇજિપ્તનો રાજા અને તેનાં ટોળાઓ લોકોમાં આતંક ફેલાવતાં હતાં. એટલે તેઓ સુન્નત વગરના લોકો અને તલવારથી કતલ થયેલા લોકોની જેમ માર્યાં જશે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”