ગણના
૩૬ ગિલયાદ માખીરનો દીકરો હતો.+ માખીર મનાશ્શાનો દીકરો હતો અને મનાશ્શા યૂસફના દીકરાઓનાં કુટુંબોમાંથી હતો. ગિલયાદ કુળના આગેવાનો મૂસા અને ઇઝરાયેલના મુખીઓ પાસે ગયા અને તેઓ સાથે વાત કરી. ૨ તેઓએ કહ્યું: “માલિક, યહોવાએ તમને આજ્ઞા આપી હતી કે ચિઠ્ઠીઓ* નાખીને દેશ ઇઝરાયેલીઓને વારસા તરીકે વહેંચી આપજો.+ યહોવાએ તમને એ પણ આજ્ઞા આપી હતી કે અમારા ભાઈ સલોફહાદનો વારસો તેની દીકરીઓને આપજો.+ ૩ હવે જો તેઓ ઇઝરાયેલના બીજા કોઈ કુળના પુરુષોને પરણે, તો એ સ્ત્રીઓનો વારસો અમારા પિતાઓના વારસામાંથી જતો રહેશે અને તેઓ જે કુળમાં જશે એનો થઈ જશે. એમ થશે તો, ચિઠ્ઠીઓ નાખીને જે વારસો અમને મળ્યો હતો, એમાં ઘટાડો થઈ જશે. ૪ પછી ઇઝરાયેલીઓ માટે છુટકારાનું વર્ષ*+ આવશે ત્યારે, એ સ્ત્રીઓનો વારસો હંમેશ માટે એ કુળનો થઈ જશે, જેમાં તેઓ પરણી છે. આમ, તેઓનો વારસો અમારા પિતાઓના કુળના વારસામાંથી જતો રહેશે.”
૫ પછી મૂસાએ યહોવાની આજ્ઞા પ્રમાણે ઇઝરાયેલીઓને આ નિર્ણય જણાવ્યો: “યૂસફના દીકરાઓના કુળની વાત સાચી છે. ૬ સલોફહાદની દીકરીઓ માટે યહોવાએ આ આજ્ઞા આપી છે: ‘તેઓ ચાહે એ પુરુષને પરણી શકે છે, પણ ફક્ત તેઓના પિતાના કુળના કુટુંબમાં જ તેઓ પરણે. ૭ ઇઝરાયેલીઓનો કોઈ પણ વારસો એક કુળમાંથી બીજા કુળમાં જવો ન જોઈએ. ઇઝરાયેલીઓએ પોતપોતાના પૂર્વજોના કુળનો વારસો જાળવી રાખવો. ૮ જો ઇઝરાયેલના કોઈ કુળમાં દીકરીને પોતાના પિતાનો વારસો મળે,+ તો તેણે પિતાના કુળના વંશજ સાથે જ પરણવું. આમ, ઇઝરાયેલીઓ પોતપોતાના પૂર્વજોના કુળનો વારસો સાચવી રાખશે. ૯ ઇઝરાયેલીઓનો કોઈ પણ વારસો એક કુળમાંથી બીજા કુળમાં જવો ન જોઈએ. ઇઝરાયેલીઓનાં કુળોએ પોતપોતાનો વારસો જાળવી રાખવો.’”
૧૦ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી એ પ્રમાણે જ સલોફહાદની દીકરીઓએ કર્યું.+ ૧૧ સલોફહાદની દીકરીઓ+ માહલાહ, તિર્સાહ, હોગ્લાહ, મિલ્કાહ અને નોઆહ પોતાના કાકાના દીકરાઓને પરણી. ૧૨ તેઓ યૂસફના દીકરા મનાશ્શાનાં કુટુંબોના પુરુષોને પરણી, જેથી તેઓનો વારસો તેઓના પિતાના કુળમાં જ રહે.
૧૩ ઇઝરાયેલીઓ યર્દન પાસે યરીખો સામે આવેલા મોઆબના ઉજ્જડ પ્રદેશમાં હતા ત્યારે, યહોવાએ મૂસા દ્વારા એ આજ્ઞાઓ અને કાયદા-કાનૂન તેઓને આપ્યાં હતાં.+