પહેલો શમુએલ
૨૭ દાઉદે મનમાં ને મનમાં કહ્યું: “કોઈક દિવસે હું જરૂર શાઉલના હાથે માર્યો જઈશ. પલિસ્તીઓના દેશમાં નાસી જવામાં જ મારું ભલું છે.+ પછી શાઉલ મને ઇઝરાયેલના આખા વિસ્તારમાં શોધવાનું પડતું મૂકશે+ અને હું તેમના હાથમાંથી બચી જઈશ.” ૨ એટલે દાઉદ ઊઠીને પોતાના ૬૦૦ માણસો+ લઈને ગાથના રાજા આખીશ+ પાસે ગયો, જે માઓખનો દીકરો હતો. ૩ દાઉદ ગાથના રાજા આખીશ પાસે રહ્યો. દાઉદના માણસો અને તેઓનાં કુટુંબો પણ ત્યાં રહ્યાં. દાઉદની બે પત્નીઓ તેની સાથે હતી, યિઝ્રએલની અહીનોઆમ+ અને કાર્મેલની અબીગાઈલ,+ જે નાબાલની વિધવા હતી. ૪ જ્યારે શાઉલને ખબર મળી કે દાઉદ તો ગાથ નાસી છૂટ્યો છે, ત્યારે તેણે તેને શોધવાનું પડતું મૂક્યું.+
૫ દાઉદે આખીશને કહ્યું: “જો હું તમારી નજરમાં કૃપા પામ્યો હોઉં, તો મને રહેવા માટે કોઈ નાનકડા શહેરમાં જગ્યા આપો. તમારા સેવકે શા માટે તમારી સાથે પાટનગરમાં રહેવું?” ૬ આખીશે એ દિવસે તેને સિકલાગ+ આપ્યું. એ જ કારણે, સિકલાગ આજ સુધી યહૂદાના રાજાઓનું ગણાય છે.
૭ દાઉદ પલિસ્તીઓના એ નાના શહેરમાં એક વર્ષ અને ચાર મહિના રહ્યો.+ ૮ ગશૂરીઓ,+ ગિર્ઝીઓ અને અમાલેકીઓ+ તેલમથી શૂર+ સુધી અને છેક ઇજિપ્ત સુધીના વિસ્તારમાં રહેતા હતા. દાઉદ પોતાના માણસો સાથે જઈને તેઓ પર છાપો મારતો. ૯ દાઉદ ત્યાં હુમલો કરતો ત્યારે, ત્યાંનાં એકેય સ્ત્રી-પુરુષને જીવતાં રાખતો નહિ.+ પણ તે ઘેટાં-બકરાં, ઢોરઢાંક, ગધેડાં, ઊંટો અને કપડાં લૂંટી લેતો. ત્યાર બાદ તે આખીશ પાસે પાછો ફરતો. ૧૦ આખીશ તેને પૂછતો: “આજે લૂંટ કરવા ક્યાં ગયો હતો?” દાઉદ કહેતો: “યહૂદાની દક્ષિણે”*+ કે “યરાહમએલીઓની દક્ષિણે”+ કે “કેનીઓની દક્ષિણે.”+ ૧૧ દાઉદ કોઈ પણ સ્ત્રી-પુરુષને જીવતાં રાખતો નહિ, જેથી તેઓને ગાથ લાવવાં ન પડે. તે વિચારતો: “તેઓ કોઈની આગળ ચાડી કરશે કે ‘દાઉદ આમ આમ કરે છે.’” (દાઉદ પલિસ્તીઓના એ શહેરમાં રહ્યો ત્યાં સુધી એવું જ કરતો.) ૧૨ આ રીતે આખીશ દાઉદનું કહેવું માનતો. આખીશ વિચારતો: ‘ઇઝરાયેલના લોકો હવે ચોક્કસ દાઉદને ધિક્કારવા લાગ્યા હશે. એટલે તે હંમેશાં મારો દાસ બની રહેશે.’