યર્મિયા
૩૧ યહોવા કહે છે, “એ સમયે હું ઇઝરાયેલનાં બધાં કુટુંબોનો ઈશ્વર બનીશ અને તેઓ મારા લોકો બનશે.”+
૨ યહોવા કહે છે:
“ઇઝરાયેલ પોતાની આરામ કરવાની જગ્યાએ જતો હતો ત્યારે,
તલવારથી બચી ગયેલા લોકોને વેરાન પ્રદેશમાં ઈશ્વરની કૃપા મળી.”
૩ યહોવા દૂરથી મારી પાસે આવ્યા અને મને કહ્યું:
“મેં તને* હંમેશાં પ્રેમ કર્યો છે.
એટલે મારા અતૂટ પ્રેમથી* હું તને મારી પાસે ખેંચી લાવ્યો.*+
૪ હું તને ફરી બાંધીશ અને તું ફરી બંધાઈશ.+
૫ સમરૂનના પર્વતો પર તું ફરી દ્રાક્ષાવાડીઓ રોપીશ.+
રોપનારાઓ રોપશે અને એનાં ફળ ખાશે.+
૬ એવો દિવસ આવશે જ્યારે એફ્રાઈમના પર્વતો પર ચોકીદારો પોકાર કરશે:
‘ઊઠો, આપણા ઈશ્વર યહોવા પાસે સિયોન પર્વત પર જઈએ, જ્યાં તે રહે છે.’”+
૭ યહોવા કહે છે:
“ગીતો ગાઈને યાકૂબ સાથે આનંદ કરો.
ખુશીથી પોકાર કરો, કેમ કે તમે બધી પ્રજાઓની ઉપર છો.+
સંદેશો જાહેર કરો, ઈશ્વરની સ્તુતિ કરો અને કહો,
‘હે યહોવા, તમારા લોકોને, ઇઝરાયેલના બાકી રહેલા લોકોને બચાવો.’+
૮ હું તેઓને ઉત્તરના દેશમાંથી પાછા લાવીશ.+
હું તેઓને પૃથ્વીના છેડાથી ભેગા કરીશ.+
તેઓમાં આંધળા અને લંગડા લોકો હશે,+
ગર્ભવતી સ્ત્રીઓ અને જન્મ આપતી સ્ત્રીઓ પણ હશે.
એક મોટું ટોળું બનીને તેઓ અહીં પાછાં આવશે.+
૯ તેઓ રડતાં રડતાં આવશે.+
તેઓ દયાની ભીખ માંગશે ત્યારે હું તેઓને દોરી લાવીશ.
હું તેઓને પાણીનાં ઝરણાં પાસે લઈ જઈશ.+
હું તેઓને સપાટ રસ્તે ચલાવીશ, જેથી તેઓ ઠોકર ન ખાય.
કેમ કે હું ઇઝરાયેલનો પિતા છું અને એફ્રાઈમ મારો પ્રથમ જન્મેલો* દીકરો છે.”+
૧૦ હે પ્રજાઓ, યહોવાનો સંદેશો સાંભળો,
દૂરના ટાપુઓ પર એ જાહેર કરો:+
“જેમણે ઇઝરાયેલીઓને વિખેરી નાખ્યા છે, તે જ તેઓને ભેગા કરશે.
તે ઘેટાંપાળકની જેમ પોતાના ટોળાની સંભાળ રાખશે.+
૧૨ તેઓ સિયોનની ટોચ પર જઈને ખુશીનો પોકાર કરશે.+
યહોવાની ભલાઈને* લીધે,
અનાજ, નવા દ્રાક્ષદારૂ+ અને તેલને લીધે,
ઘેટાં-બકરાં અને ઢોરઢાંકનાં બચ્ચાંને લીધે+
તેઓનો ચહેરો ખીલી ઊઠશે.
તેઓ પાણી સિંચેલા લીલાછમ બાગ જેવા બનશે.+
તેઓ ફરી ક્યારેય કમજોર થશે નહિ.”+
૧૩ “એ સમયે કુંવારી છોકરી ખુશીથી નાચી ઊઠશે,
યુવાન અને વૃદ્ધ માણસો પણ ખુશીથી ઝૂમી ઊઠશે.+
હું તેઓના વિલાપને આનંદમાં ફેરવી દઈશ.+
હું તેઓનું દુઃખ લઈ લઈશ,
તેઓને દિલાસો અને આનંદ આપીશ.+
૧૪ હું યાજકોને ભરપૂર ખોરાક* આપીને ખુશ કરીશ,
હું મારા લોકોને ઉત્તમ વસ્તુઓ આપીને તૃપ્ત કરીશ,”+ એવું યહોવા કહે છે.
રાહેલ પોતાના દીકરાઓ* માટે રડી રહી છે.+
તે દિલાસો લેવા માંગતી નથી,
કેમ કે તેઓ હવે રહ્યા નથી.’”+
૧૬ યહોવા કહે છે:
“‘તું રડીશ નહિ, તારાં આંસુ લૂછી નાખ,
કેમ કે તારાં કામોનું તને ઇનામ મળશે,
તારા દીકરાઓ દુશ્મનના દેશથી પાછા ફરશે,’+ એવું યહોવા કહે છે.
૧૮ “એફ્રાઈમના નિસાસા મારા કાને પડ્યા છે,
‘હું એવા વાછરડા જેવો હતો, જેને હળ ચલાવવાનું શીખવ્યું ન હોય,
પણ તમે મને સુધાર્યો અને મેં સુધારો કર્યો.
તમે મને પાછો બોલાવો અને હું તરત પાછો આવીશ,
કેમ કે તમે મારા ઈશ્વર યહોવા છો.
૧૯ તમારાથી દૂર જઈને મને પસ્તાવો થયો.+
મને મારી ભૂલ સમજાઈ ત્યારે મેં પોતાની જાંઘ પર થપાટ મારી.
યુવાનીમાં કરેલાં કામોને લીધે
મને અફસોસ થયો, મને ખૂબ શરમ આવી.’”+
૨૦ “શું એફ્રાઈમ મારો વહાલો અને લાડકો દીકરો નથી?+
જેટલી વાર હું તેને ઠપકો આપું છું, એટલી વાર હું તેને યાદ પણ કરું છું.
તેના માટે મારી આંતરડી કકળી ઊઠી છે.+
હું તેને જરૂર દયા બતાવીશ,” એવું યહોવા કહે છે.+
૨૧ “તારા માટે રસ્તા પર નિશાની ઊભી કર અને ચિહ્નો લગાવ.+
જે માર્ગ પર તારે જવાનું છે, એ રાજમાર્ગ* પર ધ્યાન આપ.+
હે ઇઝરાયેલની કુંવારી દીકરી, પાછી આવ, તારાં શહેરોમાં પાછી આવ.
૨૨ હે બેવફા દીકરી, તું ક્યાં સુધી આમતેમ ભટક્યા કરીશ?
યહોવાએ પૃથ્વી પર કંઈક નવું રચ્યું છે:
સ્ત્રી આતુરતાથી પુરુષ પાછળ જશે.”
૨૩ ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “હું જ્યારે યહૂદાના ગુલામોને ભેગા કરીશ, ત્યારે તેઓ યહૂદામાં અને એનાં શહેરોમાં ફરી કહેશે: ‘હે નેકીના ઘર,+ હે પવિત્ર પર્વત,+ યહોવા તને આશીર્વાદ આપે.’ ૨૪ શહેરોના લોકો, ખેડૂતો અને ઘેટાંપાળકો યહૂદામાં ભેગા રહેશે.+ ૨૫ હું થાકી ગયેલા લોકોને તાજગી આપીશ અને ભૂખથી કમજોર થયેલા લોકોને તૃપ્ત કરીશ.”+
૨૬ ત્યારે હું જાગી ગયો. મેં મારી આંખો ઉઘાડી. મને મારી ઊંઘ મીઠી લાગી.
૨૭ યહોવા કહે છે, “જુઓ! એવા દિવસો આવી રહ્યા છે, જ્યારે હું ઇઝરાયેલના ઘરને અને યહૂદાના ઘરને માણસો અને ઢોરઢાંકથી ભરી દઈશ.”+
૨૮ યહોવા કહે છે, “અગાઉ હું તેઓને ઉખેડી નાખવા, પાડી નાખવા, તોડી પાડવા, તેઓનો નાશ કરવા અને તેઓનું નુકસાન કરવા તેઓ પર નજર રાખતો હતો.+ પણ હવે હું તેઓને બાંધવા અને રોપવા તેઓ પર નજર રાખીશ.+ ૨૯ એ દિવસોમાં કોઈ એમ નહિ કહે, ‘પિતાઓએ ખાટી દ્રાક્ષ ખાધી અને દીકરાઓના દાંત ખટાઈ ગયા.’*+ ૩૦ દરેક માણસ પોતાના ગુનાને લીધે મરશે. જે માણસ ખાટી દ્રાક્ષ ખાશે, તેના જ દાંત ખટાઈ જશે.”
૩૧ યહોવા કહે છે, “જુઓ! એવા દિવસો આવી રહ્યા છે, જ્યારે હું ઇઝરાયેલના લોકો સાથે અને યહૂદાના લોકો સાથે નવો કરાર કરીશ.+ ૩૨ ઇજિપ્તમાંથી મેં તેઓના બાપદાદાઓને હાથ પકડીને બહાર કાઢ્યા હતા, એ દિવસે મેં તેઓ સાથે જે કરાર કર્યો હતો એના જેવો આ કરાર નહિ હોય.+ ‘હું તેઓનો ખરો માલિક* હતો, છતાં તેઓએ મારો કરાર તોડ્યો,’+ એવું યહોવા કહે છે.”
૩૩ યહોવા કહે છે, “એ દિવસો પછી હું ઇઝરાયેલના લોકો સાથે આ કરાર કરીશ. હું મારો નિયમ તેઓમાં મૂકીશ+ અને તેઓનાં દિલ પર એ લખીશ.+ હું તેઓનો ઈશ્વર બનીશ અને તેઓ મારા લોકો બનશે.”+
૩૪ યહોવા કહે છે, “કોઈ પોતાના પડોશીને કે પોતાના ભાઈને હવેથી આવું શીખવશે નહિ, ‘યહોવાને ઓળખો!’+ કેમ કે નાનાથી લઈને મોટા સુધી બધા મને ઓળખશે.+ હું તેઓના ગુના માફ કરીશ. હું તેઓનાં પાપ ક્યારેય યાદ નહિ કરું.”+
૩૫ જેમણે દિવસે પ્રકાશ આપવા સૂર્ય બનાવ્યો છે,
જેમણે રાતે પ્રકાશ આપવા ચંદ્રને અને તારાઓને નિયમો આપ્યા છે,
જે દરિયાને તોફાને ચઢાવે છે અને એનાં મોજાં ઉછાળે છે,
જેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે,+ તે યહોવા કહે છે:
૩૬ “‘જેમ આ નિયમો કાયમ ટકી રહે છે,
તેમ ઇઝરાયેલ પણ મારી આગળ એક પ્રજા તરીકે કાયમ ટકી રહેશે,’+ એવું યહોવા કહે છે.”
૩૭ યહોવા કહે છે: “‘જો કોઈ ઉપર આકાશોને માપી શકે અને નીચે પૃથ્વીના પાયાઓ શોધી શકે, તો જ હું ઇઝરાયેલના વંશજોને તેઓનાં કામોને લીધે ત્યજી દઈશ,’ એવું યહોવા કહે છે.”+
૩૮ યહોવા કહે છે, “જુઓ! એવા દિવસો આવી રહ્યા છે, જ્યારે યહોવા માટે હનાનએલના મિનારાથી+ લઈને ખૂણાના દરવાજા+ સુધી શહેર ફરીથી બાંધવામાં આવશે.+ ૩૯ માપવાની દોરી+ સીધી ગારેબની ટેકરી સુધી જશે. પછી ત્યાંથી વળીને ગોઆહ જશે. ૪૦ મડદાં અને રાખની* બધી ખીણોથી* લઈને કિદ્રોન ખીણ+ સુધીનાં બધાં ખેતરો અને ત્યાંથી લઈને પૂર્વ તરફ ઘોડા દરવાજાના+ ખૂણા સુધી બધું જ યહોવા માટે પવિત્ર થશે.+ એને ફરી ઉખેડવામાં કે તોડી પાડવામાં નહિ આવે.”