બાહ્ય દેખાવથી
ન છેતરાશો
અમે જંગલમાં એક મિત્રના આરામદાયક ઘરમાં રોકાયા હતા, અને અર્ધભોંયરાવાળા એપાર્ટમેન્ટમાં નીચે સૂઈ ગયા હતા. એમ, બારીઓ અંદરથી અમારી આંખની ઊંચાઈએ હતી અને બહારથી જમીનની સમકક્ષ હતી. પહેલી સવારે લગભગ છ વાગ્યે, હું બેવાર ધીમેથી ખખડવાના અવાજથી જાગી ગયો જે અવાજ એપાર્ટમેન્ટના જુદા જુદા ભાગોમાંથી આવતો હોય એમ લાગ્યું. હું ગૂંચવાતો ઊભો થયો અને રેફ્રિજરેટરમાંથી કે હીટરમાંથી અવાજ આવે છે કે કેમ એ જોવા રસોડામાં ગયો. અવાજ ત્યાંથી આવતો ન હતો. હું મૂંઝવણમાં હતો, અને અચાનક જ મેં પરસાળમાંથી અવાજ આવતો સાંભળ્યો. હું ત્યાં ચુપચાપ ચાલીને ગયો, અને મારા આશ્ચર્ય વચ્ચે મેં ચળકતા લાલ રંગનું એક પક્ષી, કાર્ડિનલ, જોયું જે બારીના કાચ પર પ્રહાર કરી રહ્યું હતું! તે ઘર ફરતે—શયનખંડ, બાથરૂમ, ટીવી રૂમ—જ્યાં પણ જમીનની સમકક્ષ બારીઓ હતી ત્યાં એકથી બીજી બારીએ ફર્યું. હું મૂંઝાય ગયો.
હું શાંતિથી બારીની નજીક ગયો તેમ, મને મૂંઝવણનો ઉકેલ મળ્યો—બહાર થોડા ઇંચ દૂર એક માદા કાર્ડિનલ મઝાથી દાણા ચણી રહી હતી. પરંતુ નર શા માટે બારી પર પ્રહાર કરી રહ્યો હતો? દેખીતી રીતે જ, તે કાચ પરના પોતાના પ્રતિબિંબને ભૂલથી હરીફ કાર્ડિનલ સમજીને એને બિવડાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો! તે દેખાવથી છેતરાયો હતો.
મેં પછીથી ખાતરી કરી કે પક્ષીના વિચિત્ર વર્તનનો એ હેતુ હતો. જૂન ઓસ્બોર્ન પોતાના પુસ્તક ધ કાર્ડિનલમાં જણાવે છે કે નર કાર્ડિનલ “એ જૂથપ્રકારના બીજા નર ઘૂસણખોર પક્ષીઓથી પોતાના વિસ્તારની સલામતી માટે કંઈ પણ કરે છે. . . . [તે] એ ઘૂસણખોરોને ફક્ત નસાડી મૂકે છે એટલું જ નહિ, પણ તે હબકેપ [કારના પૈડાનું ઢાંકણું], કારનો અરીસો, કે ફોટાની ફ્રેમ પરના કાચ તથા ખસેડી શકાતા કાચના બારણામાંના પોતાના પ્રતિબિંબ સામે પણ અથડાય છે.” પછી તે વિવેચન ઉમેરે છે જેની સાથે આપણે પણ સહમત થઈ શકીએ: “એ ઘરમાલિકના શાંતિપૂર્ણ જીવનને ઘણી જ ખલેલ પહોંચાડી શકે.” અમને રોજ વહેલી સવારે એ જાણવા મળ્યું.
નરના એ વાંધાજનક વર્તનને રોકવા માટે શું થઈ શકે? લેખિકા ઓસ્બોર્ન સૂચવે છે: “કેટલીકવાર શાંતિ અને સ્વસ્થતા જાળવવા માટે ચળકતી વસ્તુઓની સપાટીને ઢાંકવી જરૂરી બને છે . . . , પક્ષીને આપઘાતમય હુમલાઓથી થતા નુકસાનથી દૂર રાખવાના પ્રયત્નની તો વાત જ બાજુએ રહી.”—સ્વેચ્છાથી આપેલો લેખ.