બાપ્તિસ્મા લેવા ઇચ્છે છે તેઓ માટે સવાલો
ભાગ ૨: યહોવાના ભક્તોનું જીવન
તમે બાઇબલ અભ્યાસમાંથી શીખ્યા છો કે યહોવા તમારી પાસેથી શું ચાહે છે અને તમે તેમનાં ખરાં ધોરણો કેવી રીતે પાળી શકો. તમે જે શીખ્યા એના લીધે તમે વાણી-વર્તન અને વિચારોમાં ફેરફાર કર્યા હશે અને હવે જીવનની વધારે કદર કરતા હશો. તમે યહોવાનાં ખરાં ધોરણો પ્રમાણે જીવવાનો પાકો નિર્ણય લીધો છે. એટલે તમે ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવવા યોગ્ય ઠરો છો.
નીચે આપેલા સવાલો પર ચર્ચા કરવાથી, યહોવાનાં ખરાં ધોરણો યાદ રાખવા તમને મદદ મળશે. તેમ જ યહોવા આપણાથી ખુશ થાય એ માટે શું કરવું જોઈએ, એ સમજવા મદદ મળશે. આ માહિતીથી તમે સમજી શકશો કે દરેક કામ સાફ અંત:કરણથી કરવું અને યહોવાને મહિમા મળે એ રીતે કરવું કેટલું મહત્ત્વનું છે.—૨ કોરીં. ૧:૧૨; ૧ તિમો. ૧:૧૯; ૧ પિત. ૩:૧૬, ૨૧.
તમે બાઇબલનો અભ્યાસ કર્યા પછી, હવે યહોવાની આજ્ઞાઓ પાળવા અને સંગઠનનો ભાગ બનવા આતુર હશો. નીચે અમુક સવાલો અને કલમો આપ્યાં છે. એના પર વિચાર કરવાથી તમે પારખી શકશો કે મંડળમાં, કુટુંબમાં અને દુનિયાના અધિકારીઓને આધીન રહેવા માટે યહોવાની ગોઠવણને બરાબર સમજ્યા છો કે નહિ. યહોવાએ પોતાના લોકોને શીખવવા અને તેઓની શ્રદ્ધા વધારવા જે ગોઠવણો કરી છે એ માટે તમારી કદર વધશે. એમાંની એક ગોઠવણ છે, સભાઓ. એ સભાઓમાં જવા અને એમાં ભાગ લેવા બનતું બધું કરો.
આ ભાગમાં એ પણ ચર્ચા કરવામાં આવશે કે ખુશખબર ફેલાવવાના કામમાં નિયમિત ભાગ લેવો ખૂબ જરૂરી છે. એમ કરીને આપણે લોકોને મદદ કરી શકીએ છીએ, જેથી તેઓ યહોવાને ઓળખે અને જાણે કે યહોવા માણસો માટે શું કરી રહ્યા છે. (માથ. ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) આ ભાગના અંતે તમે સમજી શકશો કે યહોવા ઈશ્વરને સમર્પણ કરીને બાપ્તિસ્મા લેવું કંઈ નાનીસૂની વાત નથી, પણ એક મોટું પગલું છે. ખાતરી રાખો કે તમને મળેલી યહોવાની અપાર કૃપાના બદલામાં તમે જે કંઈ કરો છો, એની તે ઘણી કદર કરે છે.
૧. લગ્ન માટે યહોવાનાં ધોરણો કયાં છે? બાઇબલ પ્રમાણે છૂટાછેડા લેવાનું એકમાત્ર કારણ કયું છે?
• “શું તમે નથી વાંચ્યું કે જેમણે મનુષ્યનું સર્જન કર્યું, તેમણે શરૂઆતથી તેઓને પુરુષ અને સ્ત્રી બનાવ્યાં? પછી તેમણે કહ્યું: ‘એ કારણે માણસ પોતાનાં માતા-પિતાને છોડીને પોતાની પત્ની સાથે રહેશે અને તેઓ બંને એક શરીર થશે.’ એ માટે હવેથી તેઓ બે નહિ, પણ એક શરીર છે. તેથી ઈશ્વરે જેને જોડ્યું છે તેને કોઈ માણસે જુદું પાડવું નહિ. . . . જે કોઈ પુરુષ પોતાની પત્નીને વ્યભિચાર સિવાય બીજા કોઈ કારણથી છૂટાછેડા આપે છે અને બીજી કોઈને પરણે છે, તે વ્યભિચાર કરે છે.”—માથ. ૧૯:૪-૬, ૯.
૨. પતિ-પત્ની તરીકે સાથે રહેતા હોય, તેઓએ કાયદેસર કે વિધિસર લગ્ન કર્યા હોય એ કેમ જરૂરી છે? જો તમે લગ્ન કર્યા હોય, તો શું તમે ખાતરીથી કહી શકો કે તમારા લગ્નને કાયદો માન્ય ગણે છે?
• “તું ભાઈઓને યાદ કરાવતો રહેજે કે સરકારો અને અધિકારીઓને આધીન રહે, તેઓની આજ્ઞાઓ પાળે.”—તિત. ૩:૧.
• “બધા લોકોમાં લગ્ન માનયોગ્ય ગણાય અને પતિ-પત્ની એકબીજાને બેવફા ન બને, કેમ કે વ્યભિચાર કરનાર બધાને ઈશ્વર સજા કરશે, પછી ભલે એ વ્યક્તિ કુંવારી હોય કે પરણેલી.”—હિબ્રૂ. ૧૩:૪.
૩. કુટુંબમાં તમારી કઈ જવાબદારી છે?
• “મારા દીકરા, તારા પિતાની શિખામણ ધ્યાન દઈને સાંભળ અને તારી માતાએ શીખવેલી વાતો ત્યજીશ નહિ.”—નીતિ. ૧:૮.
• ‘પતિ પોતાની પત્નીનું શિર છે, જેમ ખ્રિસ્ત પોતાના શરીર, એટલે કે મંડળના શિર છે. પતિઓ, તમારી પત્નીને પ્રેમ કરતા રહો, જેમ ખ્રિસ્તે પણ મંડળને પ્રેમ કર્યો.’—એફે. ૫:૨૩, ૨૫.
• “પિતાઓ, તમારાં બાળકો ચિડાઈ જાય એવું કંઈ ન કરો. પણ યહોવા ચાહે છે તેમ શિસ્ત અને શિખામણ આપીને તેઓનો ઉછેર કરો.”—એફે. ૬:૪.
• “બાળકો, દરેક વાતમાં તમારાં માતા-પિતાનું કહેવું માનો, કેમ કે એનાથી આપણા માલિક ઈસુ ખુશ થાય છે.”—કોલો. ૩:૨૦.
• “પત્નીઓ, તમે તમારા પતિને આધીન રહો.”—૧ પિત. ૩:૧.
૪. આપણે કેમ જીવનને કીમતી ગણવું જોઈએ?
• “[ઈશ્વર] પોતે બધા મનુષ્યોને જીવન, શ્વાસ અને બધી ચીજવસ્તુઓ આપે છે. . . . તેમના તરફથી આપણને જીવન મળ્યું છે, આપણે હરી-ફરી શકીએ છીએ અને જીવીએ છીએ.”—પ્રે.કા. ૧૭:૨૫, ૨૮.
૫. આપણે કેમ કોઈનો જીવ લેવો ન જોઈએ, ગર્ભમાં રહેલા બાળકનો પણ નહિ?
• “જો બે માણસો લડતા હોય અને એનાથી ગર્ભવતી સ્ત્રીને ઈજા પહોંચે અને . . . જો મા કે બાળકનો જીવ જાય, તો એ જીવને બદલે ગુનેગારનો જીવ લેવો.”—નિર્ગ. ૨૧:૨૨, ૨૩.
• “તમારી આંખોએ મને ગર્ભમાં પણ જોયો હતો. મારાં બધાં અંગો બન્યાં એ પહેલાં, તમારા પુસ્તકમાં લખાયું હતું કે એ કયા દિવસે આકાર લેશે.”—ગીત. ૧૩૯:૧૬.
• ‘નિર્દોષનું ખૂન કરનાર હાથને યહોવા નફરત કરે છે.’—નીતિ. ૬:૧૬, ૧૭.
૬. લોહી વિશે ઈશ્વરે કઈ આજ્ઞા આપી છે?
• “લોહીથી [અને] ગૂંગળાવીને મારી નાખેલાં પ્રાણીઓથી . . . દૂર રહો.”—પ્રે.કા. ૧૫:૨૯.
૭. આપણે કેમ મંડળનાં ભાઈ-બહેનોને પ્રેમ કરવો જોઈએ?
• “હું તમને એક નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો. મેં તમારા પર જેવો પ્રેમ રાખ્યો છે, એવો જ પ્રેમ તમે પણ એકબીજા પર રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખશો, તો એનાથી બધા જાણશે કે તમે મારા શિષ્યો છો.”—યોહા. ૧૩:૩૪, ૩૫.
૮. (ક) કોઈ વ્યક્તિને ચેપી રોગ થયો હોય તો, બીજાઓને ચેપ ન લાગે કે જીવલેણ બીમારી ન ફેલાય એ માટે તેણે કેમ હાથ મિલાવવાથી, ભેટવાથી કે ચુંબન કરવાથી દૂર રહેવું જોઈએ? (ખ) એવી વ્યક્તિને જો કોઈ પોતાના ઘરે ન બોલાવે, તો તેણે કેમ ખોટું લગાડવું ન જોઈએ? (ગ) જો વ્યક્તિને કોઈ કારણને લીધે એવું લાગતું હોય કે તેને ચેપી રોગ હોય શકે છે, તો ડેટિંગ કરતા પહેલાં તેણે કેમ લોહીની તપાસ કરાવવી જોઈએ? (ઘ) જે વ્યક્તિને ચેપી રોગ થયો હોય તેણે બાપ્તિસ્મા લેતા પહેલાં, વડીલોના જૂથના સેવકને એ વિશે કેમ જણાવવું જોઈએ?
• “એકબીજાને પ્રેમ કરવા સિવાય, બીજું કોઈ દેવું ન કરો. . . . ‘તમે જેવો પોતાના પર એવો પોતાના પડોશી પર પ્રેમ રાખો.’ પ્રેમ પોતાના પડોશીનું કંઈ ખરાબ કરતો નથી.”—રોમ. ૧૩:૮-૧૦.
• “તમે ફક્ત પોતાનો જ વિચાર ન કરો, પણ બીજાઓની ભલાઈનો પણ વિચાર કરો.”—ફિલિ. ૨:૪.
૯. યહોવા કેમ ચાહે છે કે આપણે બીજાઓને માફ કરીએ?
• “એકબીજાનું સહન કરો અને જો કોઈની વિરુદ્ધ ફરિયાદ કરવાનું કારણ હોય, તોપણ એકબીજાને દિલથી માફ કરો. જેમ યહોવાએ તમને દિલથી માફ કર્યા, તેમ તમે પણ કરો.”—કોલો. ૩:૧૩.
૧૦. જો કોઈ ભાઈ તમારી નિંદા કરે અથવા તમને છેતરે, તો તમારે શું કરવું જોઈએ?
• “જો તારો ભાઈ તારી વિરુદ્ધ કંઈ પાપ કરે, તો જા અને એકાંતમાં તેની ભૂલ જણાવ. જો તે સાંભળે તો તેં તારા ભાઈને જીતી લીધો છે. પણ જો તે ન સાંભળે તો તારી સાથે બીજા એક કે બેને લઈ જા, જેથી બે કે ત્રણ સાક્ષીઓના પુરાવાથી દરેક વાત સાબિત થઈ શકે. તે તેઓનું પણ ન સાંભળે તો મંડળને વાત કર. જો તે મંડળનું પણ ન સાંભળે, તો તેને દુનિયાના માણસ જેવો અને કર ઉઘરાવનાર જેવો ગણવો.”—માથ. ૧૮:૧૫-૧૭.
૧૧. નીચે જણાવેલાં પાપને યહોવા કઈ નજરે જુએ છે?
▪ વ્યભિચાર
▪ મૂર્તિપૂજા
▪ સજાતીય સંબંધો
▪ ચોરી
▪ જુગાર
▪ દારૂડિયાપણું
• “છેતરાશો નહિ! વ્યભિચારી, મૂર્તિપૂજક, પુરુષ સાથે સંબંધ બાંધનાર પુરુષ, ચોર, લોભી, દારૂડિયો, અપમાન કરનાર અને જોરજુલમથી પૈસા પડાવનારને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.”—૧ કોરીં. ૬:૯, ૧૦.
૧૨. વ્યભિચારને લગતાં અલગ અલગ કામો વિશે તમે કેવો નિર્ણય લીધો છે?
• “વ્યભિચારથી નાસી જાઓ!”—૧ કોરીં. ૬:૧૮.
૧૩. દવા તરીકે અપાયા ન હોય, એવા કોઈ પણ નશીલા કે મગજ પર અસર કરતા પદાર્થો કેમ લેવા ન જોઈએ?
• “પોતાના શરીરનું જીવતું, પવિત્ર અને ઈશ્વરને પસંદ હોય એવું અર્પણ કરો. તમારી સમજશક્તિનો ઉપયોગ કરીને ઈશ્વરની પવિત્ર સેવા કરો. આ દુનિયાની અસર તમારા પર ન થવા દો. પણ ઈશ્વરને તમારા વિચારોમાં ફેરફાર કરવા દો, જેથી તમારું મન પૂરેપૂરું બદલાઈ જાય અને તમે ઈશ્વરની સારી, પસંદ પડે એવી અને સંપૂર્ણ ઇચ્છા પારખી શકો.”—રોમ. ૧૨:૧, ૨.
૧૪. મેલીવિદ્યા સાથે કેવાં કામો જોડાયેલાં છે, જે કરવાની યહોવાએ સાફ ના પાડી છે?
• “તમારી વચ્ચે એવો કોઈ પણ માણસ હોવો ન જોઈએ, જે . . . જોષ જોતો હોય, જાદુવિદ્યા કરતો હોય, શુકન જોતો હોય, જાદુટોણાં કરતો હોય, જંતરમંતરથી વશીકરણ કરતો હોય, ભવિષ્ય ભાખનારની કે મરેલી વ્યક્તિ સાથે વાત કરતા ભૂવાની સલાહ લેતો હોય અથવા મરેલી વ્યક્તિ સાથે વાત કરતો હોય.”—પુન. ૧૮:૧૦, ૧૧.
૧૫. જો વ્યક્તિ મોટું પાપ કરી બેસે અને તે યહોવા સાથેનો સંબંધ પાછો મજબૂત કરવા માંગે, તો તેણે તરત શું કરવું જોઈએ?
• “મેં તમારી આગળ મારા પાપની કબૂલાત કરી. મેં મારી ભૂલ છુપાવી નહિ. મેં કહ્યું: ‘હું યહોવા આગળ મારા અપરાધો કબૂલ કરીશ.’”—ગીત. ૩૨:૫.
• “શું તમારામાંથી કોઈ બીમાર છે? તેણે મંડળના વડીલોને બોલાવવા, જેથી તેઓ તેના માટે પ્રાર્થના કરે અને યહોવાના નામમાં તેને તેલ ચોપડે. શ્રદ્ધાથી કરેલી પ્રાર્થના બીમારને સાજો કરશે અને યહોવા તેને બેઠો કરશે. જો તેણે પાપ કર્યાં હશે, તો તેનાં પાપ માફ કરવામાં આવશે.”—યાકૂ. ૫:૧૪, ૧૫.
૧૬. જો તમને જાણવા મળે કે કોઈ ભાઈ કે બહેને ગંભીર પાપ કર્યું છે, તો તમારે શું કરવું જોઈએ?
• “જો કોઈ માણસ ગુનો થતાં જુએ અથવા એ વિશે કંઈ જાણતો હોય, તો તે એનો સાક્ષી છે. ગુનેગાર વિરુદ્ધ સાક્ષી આપવાની જાહેરાત સાંભળ્યા છતાં તે ચૂપ રહે તો એ પાપ છે. તેણે પોતાના અપરાધની સજા ભોગવવી પડશે.”—લેવી. ૫:૧.
૧૭. જો મંડળમાં એવી જાહેરાત કરવામાં આવે કે એક વ્યક્તિ હવેથી યહોવાની સાક્ષી નથી, તો તેની સાથે આપણે કેવો વ્યવહાર રાખવો જોઈએ?
• “જો કોઈ ભાઈ વ્યભિચારી કે લોભી કે મૂર્તિપૂજક કે અપમાન કરનાર કે દારૂડિયો કે જોરજુલમથી પૈસા પડાવનાર હોય, તો તેની સાથે હળવા-મળવાનું બંધ કરો. એવા માણસ સાથે ખાવું પણ નહિ.”—૧ કોરીં. ૫:૧૧.
• “જો કોઈ તમારી પાસે આવે, પણ આ શિક્ષણ પ્રમાણે ન શીખવે, તો તેને તમારા ઘરમાં આવકારશો નહિ કે તેને સલામ કહેશો નહિ.”—૨ યોહા. ૧૦.
૧૮. યહોવાને પ્રેમ કરતા હોય ફક્ત એવા લોકો સાથે જ કેમ પાકી દોસ્તી કરવી જોઈએ?
• “બુદ્ધિમાન સાથે ચાલનાર બુદ્ધિમાન થશે, પણ મૂર્ખનો સાથી બરબાદ થશે.”—નીતિ. ૧૩:૨૦.
• “છેતરાશો નહિ. ખરાબ સંગત સારી આદતોને બગાડે છે.”—૧ કોરીં. ૧૫:૩૩.
૧૯. યહોવાના સાક્ષીઓ કેમ રાજકારણમાં કોઈનો પક્ષ લેતા નથી?
• “જેમ હું [ઈસુ] દુનિયાનો નથી, તેમ તેઓ પણ દુનિયાના નથી.”—યોહા. ૧૭:૧૬.
૨૦. તમારે કેમ સરકારના કાયદા-કાનૂન પાળવા જોઈએ?
• “આપણે ઉચ્ચ અધિકારીઓને આધીન રહેવું જોઈએ, કેમ કે ઈશ્વર તરફથી ન હોય એવો કોઈ અધિકાર નથી. હમણાંના અધિકારીઓને ઈશ્વરે તેઓના સ્થાને મૂક્યા છે.”—રોમ. ૧૩:૧.
૨૧. જો સરકારનો નિયમ ઈશ્વરના નિયમની વિરુદ્ધ હોય, તો તમે શું કરશો?
• “અમારા રાજા તો ઈશ્વર છે, એટલે અમે માણસોના બદલે ઈશ્વરની જ આજ્ઞા માનીશું.”—પ્રે.કા. ૫:૨૯.
૨૨. નોકરી-ધંધાની પસંદગી કરતી વખતે કઈ કલમો તમને આ દુનિયાનો ભાગ ન બનવા મદદ કરશે?
• “એક પ્રજા બીજી પ્રજા સામે તલવાર ઉગામશે નહિ અને તેઓ ફરી ક્યારેય યુદ્ધ કરવાનું શીખશે નહિ.”—મીખા. ૪:૩.
• “ઓ મારા લોકો, તેનામાંથી [મહાન બાબેલોનમાંથી] બહાર નીકળી આવો, જેથી તમે તેનાં પાપના ભાગીદાર ન થાઓ અને તેના પર આવનાર આફતોમાંની કોઈ તમારા પર ન આવે.”—પ્રકટી. ૧૮:૪.
૨૩. તમે કેવું મનોરંજન કે મોજશોખ પસંદ કરશો અને કેવાથી દૂર રહેશો?
• “હિંસા ચાહનારને તે [યહોવા] નફરત કરે છે.”—ગીત. ૧૧:૫.
• “જે ખરાબ છે એને ધિક્કારો, જે સારું છે એને વળગી રહો.”—રોમ. ૧૨:૯.
• “જે વાતો સાચી, મહત્ત્વની, નેક, શુદ્ધ, પ્રેમાળ, માનપાત્ર, ભલી અને પ્રશંસાને લાયક છે, એનો વિચાર કરતા રહો.”—ફિલિ. ૪:૮.
૨૪. યહોવાના સાક્ષીઓ બીજા ધર્મની ભક્તિમાં કેમ ભાગ લેતા નથી?
• “તમે ‘યહોવાની મેજ’ પરથી અને દુષ્ટ દૂતોની મેજ પરથી, એમ બંને પરથી ખાઈ શકો નહિ.”—૧ કોરીં. ૧૦:૨૧.
• “‘પોતાને અલગ કરો,’ યહોવા કહે છે, ‘અશુદ્ધ વસ્તુને અડકતા નહિ’ અને ‘હું તમારો સ્વીકાર કરીશ.’”—૨ કોરીં. ૬:૧૭.
૨૫. તહેવારો અને ઉજવણીઓમાં ભાગ લેવો કે નહિ એ વિશે નિર્ણય લેવા કયા સિદ્ધાંતો તમને મદદ કરશે?
• “તેઓ બીજી પ્રજાઓમાં ભળી ગયા અને તેઓના રીતરિવાજો પાળવા લાગ્યા. તેઓની મૂર્તિઓને તેઓ પૂજવા લાગ્યા. એ તેઓ માટે ફાંદો બની ગઈ.”—ગીત. ૧૦૬:૩૫, ૩૬.
• “મરી ગયેલા લોકો કંઈ જાણતા નથી.”—સભા. ૯:૫.
• “જેમ હું દુનિયાનો નથી, તેમ તેઓ પણ દુનિયાના નથી.”—યોહા. ૧૭:૧૬.
• “દુનિયાના લોકોની ઇચ્છા પ્રમાણે જીવવા તમે જે સમય વિતાવ્યો છે એ પૂરતો છે. એ સમયે તમે બેશરમ કામો, બેકાબૂ વાસના, વધુ પડતો દારૂ, બેફામ મિજબાનીઓ, દારૂની મહેફિલો અને ધિક્કારપાત્ર મૂર્તિપૂજામાં ડૂબેલા હતા.”—૧ પિત. ૪:૩.
૨૬. જન્મદિવસ ઊજવવો કે નહિ એ નક્કી કરવા બાઇબલના અહેવાલો તમને કઈ રીતે મદદ કરે છે?
• “ત્રીજા દિવસે રાજાનો જન્મદિવસ હતો. તેણે પોતાના બધા અધિકારીઓને મિજબાની આપી. તેણે હુકમ આપ્યો કે દ્રાક્ષદારૂ પીરસનારને અને મુખ્ય ભઠિયારાને કેદખાનામાંથી બહાર કાઢવામાં આવે અને તેઓને અધિકારીઓ સામે લાવવામાં આવે. રાજાએ દ્રાક્ષદારૂ પીરસનારને તેની પદવી પાછી આપી . . . પણ રાજાએ મુખ્ય ભઠિયારાને થાંભલા પર લટકાવી દીધો.”—ઉત. ૪૦:૨૦-૨૨.
• “હેરોદનો જન્મદિવસ આવ્યો. એની ઉજવણીમાં હેરોદિયાની દીકરી નાચી અને તેણે હેરોદને ઘણો ખુશ કર્યો. હેરોદે સમ ખાઈને વચન આપ્યું કે તે જે કંઈ માંગે એ તેને આપશે. એ છોકરી પોતાની માના સમજાવ્યા પ્રમાણે બોલી: ‘બાપ્તિસ્મા આપનાર યોહાનનું માથું મને થાળમાં આપો.’ તેણે સૈનિક મોકલીને કેદમાં યોહાનનું માથું કાપી નંખાવ્યું.”—માથ. ૧૪:૬-૮, ૧૦.
૨૭. તમે કેમ વડીલોના માર્ગદર્શન પ્રમાણે ચાલવા માંગો છો?
• “જેઓ તમારામાં આગેવાની લે છે, તેઓનું કહેવું માનો અને તેઓને આધીન રહો. કેમ કે તેઓ તમારી સંભાળ રાખે છે અને તેઓએ ઈશ્વરને હિસાબ આપવાનો છે. જો તમે તેઓને આધીન રહેશો, તો તેઓ ખુશી ખુશી કામ કરશે, નહિતર તેઓ કમને કામ કરશે અને તમને જ નુકસાન થશે.”—હિબ્રૂ. ૧૩:૧૭.
૨૮. બાઇબલ વાંચવા અને એનો અભ્યાસ કરવા, તમારે અને તમારા કુટુંબે કેમ નિયમિત રીતે સમય કાઢવો જોઈએ?
• “તે યહોવાના નિયમશાસ્ત્રથી ઘણો ખુશ થાય છે, તે રાત-દિવસ નિયમશાસ્ત્ર વાંચીને મનન કરે છે. એ માણસ ઝરણાં પાસે રોપાયેલા ઝાડ જેવો થશે, જે ૠતુ પ્રમાણે ફળ આપે છે, જેનાં પાંદડાં કદી કરમાતાં નથી. તે દરેક કામમાં સફળ થશે.”—ગીત. ૧:૨, ૩.
૨૯. તમને સભાઓમાં જવું અને એમાં ભાગ લેવો કેમ ગમે છે?
• “હું મારા ભાઈઓમાં તમારું નામ જાહેર કરીશ. મંડળમાં હું તમારો જયજયકાર કરીશ.”—ગીત. ૨૨:૨૨.
• “પ્રેમ અને સારાં કામો કરવા ઉત્તેજન મળે એ માટે ચાલો આપણે એકબીજાનો દિલથી વિચાર કરીએ. જેમ તમારામાંના કેટલાક કરે છે, તેમ ભેગા મળવાનું છોડી ન દઈએ. પણ એકબીજાને ઉત્તેજન આપતા રહીએ અને જેમ જેમ એ દિવસ તમે નજીક આવતો જુઓ છો, તેમ તેમ એ પ્રમાણે વધારે કરતા રહો.”—હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫.
૩૦. ઈસુએ આપણને કયું મહત્ત્વનું કામ સોંપ્યું છે?
• “એ માટે જાઓ, બધા દેશના લોકોને શિષ્યો બનાવો. તેઓને . . . બાપ્તિસ્મા આપો. મેં તમને જે આજ્ઞાઓ આપી છે, એ બધી પાળવાનું તેઓને શીખવો.”—માથ. ૨૮:૧૯, ૨૦.
૩૧. આપણે ભક્તિને લગતાં કામો માટે દાન આપીએ અથવા ભાઈ-બહેનોને મદદ કરીએ ત્યારે કેવું વલણ રાખવું જોઈએ, જેથી યહોવા ખુશ થાય?
• “તારી કીમતી વસ્તુઓથી . . . યહોવાનું સન્માન કર.”—નીતિ. ૩:૯.
• “દરેકે પોતાના દિલમાં જે નક્કી કર્યું હોય એ પ્રમાણે આપવું. તેણે કચવાતા દિલે અથવા ફરજને લીધે આપવું નહિ, કેમ કે જે રાજીખુશીથી આપે છે, તેને ઈશ્વર ચાહે છે.”—૨ કોરીં. ૯:૭.
૩૨. યહોવાના ભક્તો તરીકે કેવી મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ?
• “સાચા માર્ગે ચાલવાને લીધે જેઓની સતાવણી થાય છે તેઓ સુખી છે, કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે. જ્યારે લોકો મારે લીધે તમારી નિંદા કરે, તમારી સતાવણી કરે અને જૂઠું બોલીને તમારા વિશે અનેક પ્રકારની ખરાબ વાતો કરે, ત્યારે તમે સુખી છો. તમે ખુશ થાઓ અને ખૂબ આનંદ કરો, કેમ કે સ્વર્ગમાં તમારા માટે મોટું ઇનામ રાખેલું છે. તમારી અગાઉના પ્રબોધકોની પણ તેઓએ આ રીતે સતાવણી કરી હતી.”—માથ. ૫:૧૦-૧૨.
૩૩. બાપ્તિસ્મા લઈને યહોવાના સાક્ષી બનવું કેમ એક ખાસ લહાવો છે?
• “એ સંદેશાથી મારું મન ખુશ થયું અને મારું દિલ ઝૂમી ઊઠ્યું. કેમ કે હે સૈન્યોના ઈશ્વર યહોવા, હું તમારા નામથી ઓળખાઉં છું.”—યર્મિ. ૧૫:૧૬.