પાઠ ૭૭
કૂવા પાસે એક સ્ત્રી
પાસ્ખાના તહેવાર પછી, ઈસુ અને તેમના શિષ્યો ગાલીલ પાછા જવા નીકળ્યા. તેઓ સમરૂન થઈને જઈ રહ્યા હતા. સૂખાર નામના શહેર પાસે એક જગ્યા હતી, જે યાકૂબના કૂવા તરીકે ઓળખાતી હતી. ઈસુ ત્યાં આરામ કરવા રોકાયા અને તેમના શિષ્યો ખાવાનું ખરીદવા શહેરમાં ગયા.
એક સ્ત્રી પાણી લેવા કૂવા પાસે આવી. ઈસુએ તેને કહ્યું: ‘મને પાણી આપ.’ સ્ત્રીએ કહ્યું: ‘તમે મારી સાથે કેમ વાત કરો છો? હું એક સમરૂની સ્ત્રી છું અને યહૂદી લોકો સમરૂની લોકો સાથે વાત નથી કરતા.’ ઈસુએ તેને કહ્યું: ‘જો તું જાણતી હોત કે હું કોણ છું, તો તું મારી પાસે પાણી માંગત, અને મેં તને જીવનનું પાણી આપ્યું હોત.’ સ્ત્રીએ કહ્યું: ‘તમે મને કઈ રીતે પાણી આપી શકો? તમારી પાસે પાણી કાઢવા કોઈ વાસણ પણ નથી.’ ઈસુએ કહ્યું: ‘હું જે પાણી આપું છું, એ પીનારને ક્યારેય તરસ નહિ લાગે.’ સ્ત્રીએ કહ્યું: ‘મને એ પાણી આપો.’
ઈસુએ તેને કહ્યું: ‘જા તારા પતિને બોલાવી લાવ.’ સ્ત્રીએ કહ્યું: ‘મારો પતિ નથી.’ ઈસુએ કહ્યું: ‘તેં સાચું કહ્યું. તેં પાંચ વખત લગ્ન કર્યા અને અત્યારે તું જે માણસ સાથે રહે છે એ તારો પતિ નથી.’ સ્ત્રીએ કહ્યું: ‘હવે હું સમજી ગઈ છું કે તમે એક પ્રબોધક છો. મારા લોકો માને છે કે અમે આ પહાડ ઉપર ઈશ્વરની ભક્તિ કરી શકીએ છીએ. પણ યહૂદીઓ કહે છે કે અમારે ફક્ત યરૂશાલેમમાં જ ભક્તિ કરવી જોઈએ. હું માનું છું કે જ્યારે મસીહ આવશે, ત્યારે તે અમને શીખવશે કે અમારે કઈ રીતે ભક્તિ કરવી જોઈએ.’ પછી ઈસુએ તેને એવું કંઈક જણાવ્યું, જે અત્યાર સુધી કોઈને જણાવ્યું ન હતું. તેમણે સ્ત્રીને કહ્યું: ‘હું જ મસીહ છું.’
એ સ્ત્રી દોડીને પોતાના શહેરમાં ગઈ અને તેણે સમરૂનના લોકોને જણાવ્યું: ‘હું એક માણસને મળી છું. મને લાગે છે, એ જ મસીહ છે. તે મારા વિશે બધું જ જાણે છે. તમે પોતે આવીને જોઈ લો.’ એટલે બધા તેની સાથે કૂવા પાસે ગયા અને ઈસુની વાતો સાંભળવા લાગ્યા.
સમરૂનના લોકોએ ઈસુને કહ્યું કે અમારા શહેરમાં આવીને રહો. ઈસુએ બે દિવસ ત્યાં રહીને લોકોને શીખવ્યું અને ઘણા લોકોએ તેમનામાં શ્રદ્ધા મૂકી. લોકોએ સમરૂની સ્ત્રીને કહ્યું: ‘આ માણસની વાતો સાંભળીને અમને ખાતરી થઈ છે કે દુનિયાને બચાવનાર આ જ છે.’
“‘આવ!’ જે કોઈ તરસ્યો છે એ આવે. જે કોઈ ચાહે એ જીવનનું પાણી મફત લે.”—પ્રકટીકરણ ૨૨:૧૭