“હે યહોવાહ . . . હું તારી વેદીની પ્રદક્ષિણા કરીશ”
“હું નિર્દોષપણામાં મારા હાથ ધોઈશ; અને, હે યહોવાહ, એ પ્રમાણે હું તારી વેદીની પ્રદક્ષિણા કરીશ.” (ગીતશાસ્ત્ર ૨૬:૬) આ શબ્દોથી દાઊદ રાજાએ યહોવાહ દેવ પ્રત્યેની તેમની ભક્તિ જાહેર કરી. પરંતુ, શા માટે તે યહોવાહ દેવની વેદીની “પ્રદક્ષિણા” કરશે, અને એનો શું અર્થ થાય?
દાઊદ રાજા માટે યહોવાહ દેવની ભક્તિ કરવાની ખાસ જગ્યા મંડપ સાથેની વેદી હતી. દાઊદ રાજાના રાજ્યમાં આ વેદી યરૂશાલેમની ઉત્તર બાજુ ગિબઓન શહેરમાં હતી. (૧ રાજા ૩:૪) આ વેદી પિત્તળની હતી અને સુલેમાનના મંદિરના આંગણાની જે ભવ્ય વેદીa બનાવેલી હતી, એની સરખામણીમાં ઘણી નાની હતી. એ ફક્ત સાત ફૂટની જ હતી. તો પણ, દાઊદ રાજાને મંડપની વેદીમાં અત્યંત આનંદ મળતો હતો કે જે ઈસ્રાએલીઓ માટે ભક્તિનું કેન્દ્ર હતી.—ગીતશાસ્ત્ર ૨૬:૮.
એ વેદી પર તેઓ દહનીયાર્પણો, શાંત્યર્પણો અને દોષાર્થાર્પણ ચઢાવતા હતા. દર વર્ષે પ્રાયશ્ચિત્તના દિવસે વેદી પર આખી ઈસ્રાએલ જાતિ માટે બલિદાન ચઢાવવામાં આવતું હતું. આજે પણ ખ્રિસ્તીઓ માટે વેદી અને એના બલિદાનનો અર્થ રહેલો છે. પ્રેરિત પાઊલે બતાવ્યું કે વેદી એ દેવની ઇચ્છાને દર્શાવે છે. અને દેવની ઇચ્છાએ માણસજાતને પાપમાંથી છોડાવવા માટે યોગ્ય બલિદાનનો સ્વીકાર કર્યો. પાઊલે કહ્યું: “તે ઇચ્છા વડે ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વાર અર્પણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે.”—હેબ્રી ૧૦:૫-૧૦.
વેદી પર બલિદાન ચઢાવતા પહેલા યાજકો પાણીથી પોતાના હાથ ધોઈને શુદ્ધ કરતા હતા. એ જ રીતે દાઊદ રાજા યહોવાહની “વેદીની પ્રદક્ષિણા” કરતા પહેલા “નિર્દોષપણામાં” પોતાના હાથ ધોતા. આમ, દાઊદ રાજા “શુદ્ધ હૃદયથી ને પ્રામાણિકપણે” વર્ત્યા. (૧ રાજા ૯:૪) તેમણે આ પ્રમાણે પોતાના હાથ ન ધોયા હોત તો, તેમની ભક્તિ અને તેમણે “વેદીની પ્રદક્ષિણા” કરી એ યહોવાહ દેવ ન સ્વીકારત. દાઊદ રાજા લેવી કૂળના ન હતા અને તેમની પાસે વેદી પર યાજકપણાની સેવા કરવાનો લહાવો પણ ન હતો. રાજા હોવા છતાં, તેમને મંડપના આંગણામાં જવાની પણ છૂટ ન હતી. તો પણ, વિશ્વાસુ ઈસ્રાએલી તરીકે તે મુસાના નિયમને આજ્ઞાધીન રહ્યા. અને નિયમિતપણે વેદી પર ચઢાવવાં બલિદાનો લાવતાં હતાં. શુદ્ધ ઉપાસનામાં જ પોતાનું જીવન વિતાવવા એ આ વેદીની પ્રદક્ષિણા કરતા હતા.
શું આજે આપણે દાઊદના ઉદાહરણને અનુસરી શકીએ? ચોક્કસ, આપણે પણ નિર્દોષપણામાં હાથ ધોઈને યહોવાહની વેદીની પ્રદક્ષિણા કરી શકીએ છીએ. પરંતુ કઈ રીતે? ઈસુના છુટકારાના બલિદાન પર વિશ્વાસ કરવાથી અને ‘શુદ્ધ હાથ’ તથા ‘નિર્મળ હૃદય’ રાખીને પૂરા જીવથી યહોવાહ દેવની ભક્તિ કરવાથી આપણે પણ એમ કરી શકીએ.—ગીતશાસ્ત્ર ૨૪:૪.
[ફુટનોટ]
a સુલેમાનના મંદિરની વેદી લગભગ ૩૦ ફૂટની હતી.
[પાન ૨૩ પર ચિત્ર]
વેદી એ યહોવાહ દેવની ઇચ્છાને દર્શાવે છે, જેના દ્વારા તે માણસજાતના પાપના છૂટકારા માટે યોગ્ય બલિદાન સ્વીકારે છે