યહોવાહને - વફાદાર રહો
વફાદારી સારો ગુણ હોવા છતાં આજે ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ આ ગુણ, સાચા દેવ યહોવાહના સેવકોની એક આગવી ઓળખ છે. આપણે જાણીએ છીએ કે વફાદાર વ્યક્તિ ગમે તેવા પરીક્ષણોમાં હંમેશા દૃઢ અને મક્કમ રહે છે. ભલા રાજા હિઝકીયાહનો વિચાર કરો. બાઇબલ કહે છે કે “તેની પાછળ કે તેની અગાઉ યહુદાહના જે સર્વ રાજા થઈ ગયા તેઓમાં તેના જેવો બીજો કોઈ નહોતો.” હા, હિઝકીયાહ યહોવાહને વફાદાર રહ્યા હતા. કઈ બાબત તેમનામાં ખાસ હતી? એ જ કે જૂઠા દેવ મોલેશની ઉપાસના કરતા લોકો વચ્ચે રહેતા હોવા છતાં, તે ‘યહોવાહને વળગી રહ્યા.’ હા, હિઝકીયાહ ‘તેમનું [યહોવાહનું] અનુકરણ કરવાથી અટક્યા નહિ; યહોવાહે જે આજ્ઞાઓ ફરમાવી હતી, તે તેમણે પાળી.’—૨ રાજા ૧૮:૧-૬.
યહોવાહ દેવના વફાદાર સેવકનું બીજું એક ઉદાહરણ છે પ્રેષિત પાઊલ. ગ્રીક શાસ્ત્રવચનો વાંચવાથી જાણવા મળે છે કે કઈ રીતે તેમણે પૂરા ઉત્સાહથી પ્રચાર કામ કર્યું હતું. તેમણે યહોવાહની સેવામાં પોતાનું જીવન પસાર કરી નાખ્યું. માટે જ તે પોતાના જીવનના છેલ્લા દિવસોમાં આમ કહી શક્યા: “હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે.”—૨ તીમોથી ૪:૭.
આપણા માટે હિઝકીયાહ અને પાઊલની વફાદારીનું કેવું સરસ ઉદાહરણ! ચાલો આપણે પણ આ લોકોના ઉદાહરણને અનુસરીએ અને આપણા મહાન દેવ, યહોવાહને વફાદાર રહીએ.—હેબ્રી ૧૩:૭.