શા માટે માફી આપવી જોઈએ?
કૅ નેડાનું છાપું ધ ટોરન્ટો સ્ટારના અહેવાલ પ્રમાણે, “વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે કે, માફ કરવાથી માનસિક અને શારીરિક તંદુરસ્તી સારી રહે છે.” છતાં, સંશોધનમાં આગેવાની લેનાર યુ.એસ.એ.ની સ્ટાનફૉર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર કાર્લ થોરસન નોંધે છે: “ફક્ત થોડા લોકો જ જાણે છે કે માફ કરવાનો શું અર્થ થાય છે અને એનાથી શું લાભ થાય છે?”
પૂરા દિલથી માફ કરવું, એ ખ્રિસ્તી ધર્મનું મૂળ શિક્ષણ છે. એની વ્યાખ્યા આપતા ઉપરનું છાપું કહે છે, “તમે ખોટા છો એમ કબૂલવું જોઈએ, માઠું ન લગાડવું જોઈએ, એને બદલે સામેની વ્યક્તિને પ્રેમ અને દયા બતાવવી જોઈએ.” એનો અર્થ એવો નથી થતો કે આંખ આડા કાન કરવા, ધ્યાનમાં ન લેવું, ભૂલી જવું અથવા કંઈ ખોટું નથી એમ માની લેવું. અથવા પોતાને કોઈ દુઃખ થયું જ ન હોય એમ બતાવવા મૂળ સ્થિતિમાં પાછા આવી જવું. એ અહેવાલ પ્રમાણે સાચી માફીનો અર્થ, “ખોટા વિચારો અને ગુસ્સો ન કરવો થાય છે.”
સંશોધકો કહે છે કે, માફ કરવાથી તંદુરસ્તીમાં શું લાભ થાય છે એ વિષે વધારે સંશોધન કરવાની જરૂર છે. છતાં, તેઓ અહેવાલ આપે છે કે એનાથી માનસિક રીતે પણ લાભ થાય છે, જેમ કે “ઓછો તણાવ, ઓછી ચિંતા અને મનની શાંતિ.”
માફી આપવાનું મુખ્ય કારણ એફેસી ૪:૩૨માં આપેલું છે: “તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં દેવે પણ તમને માફી બક્ષી તેમ તમે એકબીજાને ક્ષમા કરો.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) બીજી બાબતોની જેમ, આપણે માફી આપવામાં પણ પરમેશ્વર યહોવાહનું અનુકરણ કરીએ.—એફેસી ૫:૧.
બીજાઓને દયા બતાવીને માફી નહિ આપવાથી યહોવાહ પરમેશ્વર સાથે પણ આપણો સંબંધ બગડી શકે છે. યહોવાહ પરમેશ્વર એવું ઇચ્છે છે કે, આપણે એકબીજાને માફ કરીએ. એમ કરીશું તો, આપણે પણ તેમની પાસે પ્રાર્થનામાં માફી માંગી શકીશું.—માત્થી ૬:૧૪; માર્ક ૧૧:૨૫; ૧ યોહાન ૪:૧૧.