આંતરિક સૌંદર્ય
“યુવાનો શારીરિક સુંદરતાને એક સદ્ગુણ ગણે છે,” એક ખ્રિસ્તી ભાઈએ આમ અવલોકન કર્યું.
હા, પુરુષોએ પહેલેથી જ શારીરિક સૌંદર્યને વધુ પડતું મહત્ત્વ આપ્યું હોવાના કારણે તેઓએ આંતરિક સૌંદર્ય વિષે ખોટા નિર્ણયો લીધા છે. આપણો શારીરિક દેખાવ ભલે ગમે તેવો હોય પરંતુ આપણા ઉત્પન્નકર્તા જાણે છે કે આપણે અંદરથી કેવા છીએ. આમ, તેમણે આંતરિક સૌંદર્યને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણયો લેવાનું સુંદર ઉદાહરણ બેસાડ્યું છે. બાઇબલમાં પરમેશ્વરે પોતે કહ્યું છે: “માણસ જેમ જુએ છે તેમ યહોવાહ જોતો નથી; કેમકે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવાહ હૃદય તરફ જુએ છે.”—૧ શમૂએલ ૧૬:૭.
પરમેશ્વર સાચી માનવ સુંદરતાના ઉદ્ભવ છે અને તેમનો શબ્દ, બાઇબલ જણાવે છે કે વ્યક્તિમાં રહેલા આત્મિક ગુણો જ વધારે મહત્ત્વના છે. બાઇબલ આ પ્રમાણે નોંધે છે: “લાવણ્ય ઠગારૂં છે, અને સૌંદર્ય વ્યર્થ છે; પણ યહોવાહનો ડર રાખનાર સ્ત્રી વખાણ પામશે.” (નીતિવચન ૩૧:૩૦) એ સાચું છે કે શારીરિક આકર્ષકતા આંતરિક કદરૂપતાને ઢાંકી શકે છે. (એસ્તેર ૧:૧૦-૧૨; નીતિવચન ૧૧:૨૨) તોપણ શારીરિક સુંદરતા સમય જતાં નષ્ટ થઈ જાય છે પરંતુ આંતરિક સુંદરતા એટલે કે હૃદયના ગુણો હમેશાં ટકી શકે છે.
તેથી પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ જેવા ગુણો વિકસાવવા કેટલું ડહાપણભર્યું છે! (ગલાતી ૫:૨૨, ૨૩) આમ, આપણે પણ હંમેશા ટકી શકે એવું આંતરિક સૌંદર્ય વિકસાવી શકીએ છીએ.—૧ પીતર ૩:૩, ૪.