તમારી શાખ કેવી છે?
શું તમે કદી છાપામાં મરણ-નોંધ વાંચી છે? અથવા મરણ પામેલા વ્યક્તિઓ વિષે વાંચ્યું છે? શું તમે કદી વિચાર્યું છે કે, ‘જો હું કાલે મરી જાઉં, તો લોકો મને કઈ રીતે યાદ કરશે?’ આજે મોટે ભાગે લોકોને એની પડી નથી, એટલે જ વિચાર કરવા જેવો છે કે, ‘હું ગઈ કાલે મરી ગયો હોત તો આજે લોકો મને કઈ રીતે યાદ કરતા હોત?’ તમે પોતાની કેવી શાખ ઊભી કરી છે? ખાસ કરીને, પરમેશ્વર તમને કઈ રીતે યાદ રાખશે?
બાઇબલના લેખકે કહ્યું: “સારી શાખ અતિ મૂલ્યવાન અત્તર કરતાં વધારે કીમતી છે. માણસના જન્મદિન કરતાં તેનો મૃત્યુદિન વધારે સારો છે.” (ઉપદેશક ૭:૧, IBSI) કેમ વ્યક્તિના જન્મ કરતાં મરણનો દિવસ વધારે સારો છે? એનું કારણ એ કે બાળક જન્મે ત્યારે તેની કોઈ શાખ કે છાપ હોતી નથી. તેનું જીવન એક કોરી પાટી જેવું હોય છે. હવેથી એના જીવનની પાટી પર લખાશે, જેના પરથી તેની સારી કે ખરાબ શાખ ઊભી થશે. તેથી, જેઓએ પોતાની સારી શાખ ઊભી કરી છે, તેઓ માટે જન્મ કરતાં મરણનો દિવસ વધારે સારો છે.
તેથી, એ આપણા હાથમાં છે કે આપણે કેવું જીવન જીવીએ. શું આપણે એક એવા ફૂલની જેમ જીવીએ છીએ, જે કરમાય જવા છતાં મહેકતું રહે? ખાસ કરીને, શું આપણે એવી રીતે જીવીએ છીએ, કે પરમેશ્વર આપણને યાદ રાખે? નીતિવચનોના લેખકે લખ્યું: “ન્યાયીના સ્મરણને ધન્યવાદ મળે છે; પણ દુષ્ટોનું નામ તો સડી જશે.” (નીતિવચનો ૧૦:૭) વળી, પરમેશ્વર આપણને યાદ રાખે એનાથી મોટો બીજો કયો આશીર્વાદ હોય શકે!
તો પછી એ માટે આપણે શું કરવું જોઈએ? ચાલો આપણે પરમેશ્વરના માર્ગે ચાલીએ, જેથી આપણા જ ભલા માટે તેમનું દિલ ખુશ કરી શકીએ. ઈસુએ જણાવ્યું: “પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રીતિ કર. પહેલી ને મોટી આજ્ઞા એ છે. અને બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર. આ બે આજ્ઞા આખા નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનો પાયો છે.”—માત્થી ૨૨:૩૭-૪૦.
અમુક લોકો બીજાઓને ઉદારતાથી મદદ કરતા હોય છે તેથી તેઓને યાદ કરવામાં આવે છે. જ્યારે કે, કેટલાકે નાગરિકોને હક્ક અપાવવા લડત આપી હોય, એ માટે યાદ કરવામાં આવે છે. અરે, કેટલાકને તો વેપાર, વિજ્ઞાન, ડૉક્ટર કે બીજી કોઈ રીતે સારું નામ કમાયા હોવાથી યાદ કરવામાં આવે છે. તમારા વિષે શું? તમે કેવું નામ કમાવા ઇચ્છો છો?
સ્કોટલૅન્ડના એક કવિ રોબર્ટ બર્ન્સે (૧૭૫૯-૯૬) પોતાની કવિતામાં પરમેશ્વર પાસે એવું વરદાન માંગ્યું, કે દરેક વ્યક્તિ બીજાઓની નજરે પોતાને જોઈ શકે. શું તમે ખુલ્લા દિલે કહી શકો કે બીજાઓ અને ખાસ કરીને પરમેશ્વર સાથે તમારી શાખ સારી છે? જોકે, રમતગમત કે વેપાર-ધંધામાં આપણે સારું નામ કમાઈએ એ થોડા સમય પૂરતું જ છે. પરંતુ, બીજાઓ સાથેનો આપણો સંબંધ કાયમ ટકી રહે, એ વધારે મહત્ત્વનું છે. પોતાને પૂછો: ‘બીજાઓ સાથે હું કેવું વર્તન રાખું છું? શું હું લોકો સાથે ભળી જાઉં છું કે પછી દૂર દૂર રહું છું? શું હું બધા સાથે પ્રેમથી વર્તન કરું છું કે કઠોર છું? શું હું મારામાં જોઈતા ફેરફારો કરું છું કે પછી જિદ્દી રહું છું? શું બીજાઓને હું વાત-વાતમાં તોડી પાડું છું કે ઉત્તેજન આપું છું?’ કઈ રીતે આપણે સારી શાખ કે છાપ ઊભી કરી શકીએ? ચાલો આપણે અગાઉના અને હમણાંના અમુક ઉદાહરણોને જોઈએ.
[પાન ૩ પર ચિત્ર]
રોબર્ટ બર્ન્સે પરમેશ્વર પાસે એવું વરદાન માંગ્યું, કે દરેક વ્યક્તિ બીજાઓની નજરે પોતાને જોઈ શકે
[ક્રેડીટ લાઈન]
ઇંડનો ઇતિહાસ પુસ્તકમાંથી