તે ખૂબ જ નમ્ર હતા
યહોવાહના સાક્ષીના ગવર્નિંગ બોડીના સભ્ય, મિલ્ટન જી. હેન્સેલ ૮૨ વર્ષના હતા. માર્ચ ૨૨, ૨૦૦૩, શનિવારના રોજ તે મરણ પામ્યા. તેમણે જીવનભર યહોવાહની દિલથી સેવા કરી.
મિલ્ટન હેન્સેલ યુવાનિયા હતા ત્યારે, યહોવાહના સાક્ષીઓના મુખ્ય મથક, બ્રુકલિન આવ્યા હતા. તેમણે ત્યાં લગભગ ૬૦ વર્ષો સેવા આપી. તે પ્રચાર માટે ખૂબ જ ઉત્સાહી હતા. તેમ જ, સારા નિર્ણયો લેવાની તેમની આવડત માટે જાણીતા હતા. મિલ્ટન ૧૯૩૯માં, ભાઈ નાથાન એચ. નૉરના સેક્રેટરી બન્યા. એ સમયે ભાઈ નાથાન બ્રુકલિનમાં પ્રિટિંગની દેખરેખ રાખતા હતા. તે ૧૯૪૨માં યહોવાહના સાક્ષીઓના કામની આગેવાની લેવા લાગ્યા ત્યારે, મિલ્ટન હેન્સેલને તેમની સાથે જ રાખતા હતા. ભાઈ હેન્સેલે લુસીલ બેનેટ સાથે ૧૯૫૬માં લગ્ન કર્યા. ત્યાર પછી, બંનેએ જીવનના દરેક સુખ-દુઃખ જોડે પસાર કર્યા.
નાથાન નૉર ૧૯૭૭માં મૃત્યુ પામ્યા ત્યાં સુધી ભાઈ હેન્સેલે, તેમની જોડે જ કામ કર્યું. ભાઈ નાથાનની જોડે મિલ્ટન હેન્સેલે, લગભગ ૧૫૦ જેટલા દેશોમાં મુસાફરી કરી અને ત્યાંના યહોવાહના સાક્ષીઓને ઉત્તેજન આપ્યું હતું. ખાસ કરીને મિશનરિઓ અને બ્રાંચ ઑફિસોમાં કામ કરતા ભાઈ-બહેનોને ઘણું જ ઉત્તેજન આપ્યું હતું. આ મુસાફરીઓ ઘણી જ આકરી અને જોખમવાળી હતી. ભાઈ હેન્સેલ ૧૯૬૩માં, લાઇબીરિયાના સંમેલનમાં જઈ રહ્યા હતા ત્યારે, દેશભક્તિમાં ભાગ ન લેવાને લીધે તેમની ખૂબ જ સતાવણી થઈ.a પરંતુ, તે જરાય હિંમત ન હાર્યા. થોડા જ મહિના પછી, તે ફરી લાઇબીરિયા ગયા અને ત્યાંના રાષ્ટ્રપતિને મળ્યા. તેમને મળીને ભાઈ મિલ્ટને, લાઇબીરિયામાં યહોવાહના સાક્ષીઓને છૂટથી સેવા કરવા દેવા માટે વિનંતી કરી.
ભાઈ હેન્સેલ કોઈ પણ તકલીફ કે મુશ્કેલી આવે તો, એનો એકદમ સામાન્ય અને સમજી વિચારીને ઇલાજ શોધતા. તેમની સાથે કામ કરનારાઓએ કહ્યું કે તે એકદમ સ્વચ્છ હતા. તેમ જ, તે નમ્ર અને મજાક-મસ્તીવાળા હતા. વળી, તેમને યાદશક્તિનું તો વરદાન મળ્યું હતું! તેમને જુદા જુદા દેશોથી આવતા ઘણા મિશનરિઓનાં નામો યાદ હતાં. તેમ જ, જે દેશમાંથી મિશનરિઓ આવતા ત્યાંની ભાષામાં મિલ્ટન એકાદ બે વાક્ય કહીને લોકોને હસાવતા હતા. વળી, તેમના રમૂજી સ્વભાવને લીધે તે લોકો સાથે ઘણી મજાક-મસ્તી પણ કરતા. એનાથી તેમની આંખોમાં રોનક રહેતી, એ તરત જ દેખાય આવતી હતી!
મીખાહ ૬:૮ પ્રમાણે યહોવાહ ચાહે છે કે, આપણે “દયાભાવ” બતાવીએ. મિલ્ટન હેન્સેલે આ બાબતમાં એકદમ સરસ નમૂનો બેસાડ્યો છે. જો કે તેમના માથે ઘણી જ જવાબદારીઓ હતી, છતાં તે નમ્ર અને માયાળુ હતા. તેમ જ તે સારા મિત્ર પણ હતા. તે હંમેશાં કહેતા, કે “નિર્ણય લેવાનો આવે ત્યારે યાદ રાખો, કે સત્યને વળગી રહેવું એ જ નમ્ર બાબત છે.” જો કે આપણે તેમના મરણથી ઘણા જ દુઃખી છીએ. તેમ છતાં, આપણને એ જાણીને આનંદ થાય છે, કે જીવનના અંત સુધી તે વફાદાર રહ્યા અને તેમને ચોક્કસ “જીવનનો મુગટ” મળશે.—પ્રકટીકરણ ૨:૧૦.
[ફુટનોટ]
a યહોવાહના સાક્ષીઓની ૧૯૭૭ની યરબુક (અંગ્રેજી) પાન ૧૭૧-૭ જુઓ.
[પાન ૩૧ પર ચિત્ર]
ભાઈ નાથાન એચ. નૉર સાથે મિલ્ટન જી. હેન્સેલ
[પાન ૩૧ પર ચિત્ર]
મિલ્ટન પોતાની પત્ની લુસીલ સાથે