‘તેઓમાંના કોઈએ ધર્મ છોડ્યો નહિ’
ઈસુએ તેમના શિષ્યોને કહ્યું: “મારા અનુયાયી હોવાને લીધે માણસો તમારી નિંદા કરે, તમારા ઉપર જુલમ ગુજારે અને તમારી વિરૂદ્ધ જાતજાતની જુઠ્ઠી વાતો બોલે ત્યારે તમને ધન્ય છે.” (માથ્થી ૫:૧૧, પ્રેમસંદેશ) આજે પણ યહોવાહના સાક્ષીઓને ધન્ય છે કેમ કે ઈસુના કહ્યા મુજબ તેઓ પણ આ “જગતના નથી.” એટલે તેઓ રાજકાજમાં કોઈ ભાગ લેતા નથી. તેઓ દરેક સંજોગમાં પરમેશ્વરને જ વળગી રહે છે.—યોહાન ૧૭:૧૪; માત્થી ૪:૮-૧૦.
એના લીધે એસ્તોનિયા અને રશિયાના અમુક ભાગોમાં યહોવાહના સાક્ષીઓએ કેટલીયે સતાવણી સહેવી પડી. તેઓ વિષે લુથર ધર્મના પંડિત અને બાઇબલ અનુવાદક થોમસ પાઊલે પોતાના પુસ્તક કીરીક કેસેટ કુલામાં (ગામની વચ્ચે ચર્ચ) લખ્યું: ‘એપ્રિલ ૧, ૧૯૫૧માં જે બન્યું હતું એના વિષે મોટા ભાગના લોકોને ખબર નથી. એ સવારે પોલીસ સર્વ યહોવાહના સાક્ષીઓ અને તેઓને સાંભળનારાઓને ગિરફતાર કરવા નીકળ્યા. પોલીસે કુલ ૨૭૯ લોકોને પકડ્યા અને સાઇબીરિયા મોકલી દીધા. એના પહેલાં, સરકારે તેઓને એક ફૉર્મ આપ્યું. જો તેઓ એમાં સહી કરે કે પોતે યહોવાહના સાક્ષીઓનો ધર્મ છોડી દેશે તો, દેશનિકાલ થવાને બદલે તેઓને જેલમાંથી મુક્તિ મળી હોત. આ લોકો સાથે બીજાઓને પણ ગિરફતાર કરવામાં આવ્યા હતા. કુલ ૩૫૩ લોકો હતા જેઓમાં ૧૭૧ સાક્ષીઓ ન હતા, પણ ફક્ત તેઓને સાંભળનારા હતા. તેઓમાંના કોઈએ ધર્મ છોડ્યો નહિ. અરે, સાઇબીરિયામાં પણ કોઈએ એમ ન કર્યું. એસ્તોનિયાના લુથરન ચર્ચમાં ફક્ત થોડા જ લોકોનો વિશ્વાસ યહોવાહના સાક્ષીઓ જેટલો મજબૂત છે.’
આખી દુનિયામાં યહોવાહના સાક્ષીઓને પરમેશ્વર પર પૂરો ભરોસો છે કે કોઈ પણ સતાવણી સામે તે તેઓનો વિશ્વાસ જાળવી રાખવા જરૂર મદદ કરશે. તેઓ ધન્ય છે કેમ કે તેઓ જાણે છે કે મજબૂત વિશ્વાસ રાખવાથી પરમેશ્વર તેઓને મોટો આશીર્વાદ આપશે.—માત્થી ૫:૧૨.