૪: ત્રિએક દેવ
આ માન્યતા ક્યાંથી આવી? ‘ચોથી સદીના અંત સુધી ખ્રિસ્તીઓ માનતા ન હતા કે ત્રણ દેવ મળીને એક દેવ થાય. જોકે, ચોથી સદી પછી તેઓ ત્રિએક દેવ કે ત્રૈક્યમાં માનવા લાગ્યા.’—ધ ન્યૂ કેથલિક એન્સાયક્લોપીડિયા (૧૯૬૭), ગ્રંથ ૧૪, પાન ૨૯૯.
‘મે ૨૦ ઈસવીસન ૩૨૫માં અમુક પાદરીઓએ સભા ભરી. એમાં કોન્સ્ટન્ટાઈને પ્રમુખ તરીકે ભાગ ભજવ્યો હતો. તેમણે પોતાના વિચારો જણાવ્યા કે ખ્રિસ્ત અને દેવ “એક જ રૂપમાં છે.” આ વિચાર સાથે ઘણા પાદરીઓ સહમત ન હતા. તેમ છતાં, રાજાના પ્રભાવથી કે બીકના લીધે ફક્ત બે પાદરી સિવાય બધાએ એ માન્યતા પર સહી કરી.’—એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા (૧૯૭૦), ગ્રંથ ૬, પાન ૩૮૬.
બાઇબલ શું કહે છે? “પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેણે [સ્તેફને] આકાશ તરફ એકી નજરે જોઈ રહેતાં, દેવનો મહિમા તથા દેવને જમણે હાથે ઈસુને ઊભેલો જોયો. તેણે કહ્યું, કે જુઓ, આકાશ ખુલ્લું થએલું તથા દેવને જમણે હાથે માણસના દીકરાને ઊભેલો હું જોઉં છું.”—પ્રેરિતોનાં કૃત્યો ૭:૫૫, ૫૬.
ઈશ્વરની શક્તિથી ભરપૂર થઈને સ્તેફને સંદર્શન જોયું કે ઈસુ ‘દેવને જમણે હાથે ઊભેલા છે.’ આ સાફ બતાવે છે કે ઈસુનું પુનરુત્થાન થયા પછી સ્વર્ગમાં તે કંઈ ઈશ્વર બની ગયા નહિ. આ કલમમાં ઈશ્વરની બાજુમાં કોઈ ત્રીજી વ્યક્તિનો ઉલ્લેખ પણ થયો નથી. ડોમિનિકનના એક પાદરી બોસમાર્ટે ત્રૈક્યની સાબિતી આપતી કલમો શોધવા ઘણો પ્રયત્ન કર્યો. તેમણે પોતાના એક પુસ્તકમાં લખ્યું: ‘ત્રણ લોકો મળીને એક દેવ બને છે એવું વાક્ય નવા કરારમાં ક્યાંય જોવા મળતું નથી.’—ખ્રિસ્તી ધર્મની શરૂઆત—ખોટી માન્યતાનો આરંભ (અંગ્રેજી).
ચોથી સદીમાં ચર્ચોના મતભેદ દૂર કરવા કોન્સ્ટન્ટાઈને ત્રૈક્યની માન્યતાને પ્રોત્સાહન આપ્યું. પણ એ માન્યતાને લીધે બીજો એક સવાલ ઊભો થયો: મરિયમે ઈસુને જન્મ આપ્યો હતો, તો પછી શું એ સાચું છે કે મરિયમ ઈશ્વરની માતા છે? (w09 11/01)
બાઇબલની આ કલમો સરખાવી જુઓ: માત્થી ૨૬:૩૯; યોહાન ૧૪:૨૮; ૧ કોરીંથી ૧૫:૨૭, ૨૮; કોલોસી ૧:૧૫, ૧૬
હકીકત:
ચોથી સદીના અંતથી ત્રિએક દેવને લગતી ખોટી માન્યતા શરૂ થઈ
[પાન ૭ પર ક્રેડીટ લાઈન]
Museo Bardini, Florence