વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w13 ૧૦/૧ પાન ૮-૯
  • બાઇબલ જીવન સુધારે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાઇબલ જીવન સુધારે છે
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • સરખી માહિતી
  • પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
    ચોકીબુરજ: પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
  • પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
    ચોકીબુરજ: પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
  • પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
    ચોકીબુરજ: પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
  • પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
    ચોકીબુરજ: પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
w13 ૧૦/૧ પાન ૮-૯

બાઇબલ જીવન સુધારે છે

“હું વિચારવા લાગ્યો કે મારું જીવન કઈ તરફ જાય છે”

એલન હેન્કોકનો અનુભવ

  • જન્મ: ૧૯૪૧

  • દેશ: ઑસ્ટ્રેલિયા

  • પહેલાં કેવા હતા: સિગારેટ પીવી, વધારે પડતો દારૂ પીવો

મારો ભૂતકાળ:

હું ન્યૂ સાઉથ વૅલ્સના વરિલ્ડા નામના ગામમાં મોટો થયો. વરિલ્ડામાં અનેક પ્રકારના ખેડૂતોની વસ્તી છે. તેઓ ઘેટાં અને ઢોરઢાંક ઉછેરતા. તેમ જ, અનાજ અને નાના-મોટા પાક વાવતા અને એની સંભાળ રાખતા. એ ગામમાં ઘણી શાંતિ છે, એમાં બહુ ગુના થતા નથી.

દસ ભાઈ-બહેનોમાં હું મોટો હતો. એટલે, કુટુંબને ભરણ-પોષણમાં મદદ મળે, એ માટે હું ૧૩ વર્ષની ઉંમરે કામ કરવા લાગ્યો. હું બહુ ભણ્યો ન હોવાથી ખેતીવાડીમાં કામ શરૂ કર્યું. પંદર વર્ષની ઉંમરે તો હું તોફાની ઘોડાઓને વશ કરનાર બની ગયો.

ખેતીવાડીમાં કામ કરવું સારું અને ખરાબ બંને હતું. એક બાજુ, મને એ કામ અને ત્યાંનું વાતાવરણ ઘણું જ ગમતું. રાત પડે તેમ હું બહાર તાપણું સળગાવીને બેસતો અને ચાંદ-તારા જોતો. જ્યારે તારાઓથી છવાયેલું આકાશ જોતો ત્યારે સાંજનો મંદ મંદ પવન આજુબાજુનાં ઝાડવાઓની ખુશબૂ ફેલાવતો. મને યાદ છે કે હું વિચારતો કે નક્કી આ બધી અજાયબ ચીજોનું સર્જન કરનાર કોઈક તો હોવું જોઈએ. બીજી બાજુ, ખેતીવાડીમાં મને બહુ સારી સંગત મળતી નહિ. લોકો બહુ ગાળાગાળી કરતા અને મને આસાનીથી સિગારેટ મળી જતી. જલદી જ, ગાળો બોલવી અને સિગારેટ પીવી મારા જીવનનો હિસ્સો બની ગયું.

હું ૧૮ વર્ષનો થયો ત્યારે, સીડની શહેરમાં રહેવા ગયો. મેં લશ્કરમાં ભરતી થવાની કોશિશ કરી, પણ પૂરતા ભણતરને અભાવે મારો નંબર ન લાગ્યો. મને બીજું કામ મળી ગયું અને હું એક વર્ષ જેવું સીડનીમાં રહ્યો. એ દરમિયાન યહોવાના સાક્ષીઓને હું પહેલી વાર મળ્યો. મેં તેઓની એક સભામાં જવાનું આમંત્રણ સ્વીકાર્યું. એમાં જતાં જ મેં પારખ્યું કે તેઓનાં શિક્ષણમાં સત્યનો રણકાર છે.

જોકે, એના થોડા જ સમય પછી મેં ગામડામાં પાછું જવાનું નક્કી કર્યું. આખરે, હું ક્વીન્સલેન્ડ રાજ્યના ગુનડેવીન્ડી ગામમાં રહેવા ગયો. મને નોકરી મળી ગઈ અને મેં લગ્‍ન કરી લીધા. પણ, દુઃખની વાત છે કે હું વધારે પડતો દારૂ પીવા લાગ્યો.

અમને બે બાળકો થયાં. મારા દીકરાઓના જન્મ પછી, હું ઊંડો વિચાર કરવા લાગ્યો કે મારું જીવન કઈ તરફ જઈ રહ્યું છે. સીડનીમાં યહોવાના સાક્ષીઓની સભામાં મેં જે સાંભળ્યું હતું એ મને યાદ આવ્યું. એટલે, મેં એના વિશે કંઈ કરવાનું વિચાર્યું.

મને ધ વોચટાવરનો એક જૂનો અંક મળ્યો, જેમાં યહોવાના સાક્ષીઓની ઑસ્ટ્રેલિયાની બ્રાંચ ઑફિસનું સરનામું હતું. મેં મદદ માંગતો પત્ર ત્યાં લખ્યો. એના જવાબમાં એક માયાળુ અને પ્રેમાળ યહોવાના સાક્ષી મળવા આવ્યા. થોડા જ સમયમાં, એ ભાઈ બાઇબલમાંથી મને શીખવવા લાગ્યા.

બાઇબલે કઈ રીતે મારું જીવન સુધાર્યું:

મેં બાઇબલ અભ્યાસ શરૂ કર્યો તેમ, મને જોવા મળ્યું કે મારે જીવનમાં મોટા ફેરફારો કરવાની જરૂર છે. ખાસ કરીને બીજો કોરીંથી ૭:૧ના શબ્દો મારા દિલમાં ઊતરી ગયા. એ કલમ ઉત્તેજન આપે છે કે ‘આપણે દેહની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ.’

મેં નિર્ણય કર્યો કે હું સિગારેટ છોડી દઈશ અને વધારે પડતો દારૂ પીવાનું પણ બંધ કરી દઈશ. એ ફેરફારો કરવા કંઈ સહેલું ન હતું, કેમ કે એ આદતો મારામાં ઘર કરી ગઈ હતી. પરંતુ, મેં મક્કમ નિર્ણય કર્યો હતો કે ઈશ્વરને ગમે, એ જ રીતે હું જીવીશ. રોમનો ૧૨:૨માં જણાવેલા સિદ્ધાંત પ્રમાણે જીવવાથી મને ઘણી મદદ મળી: “આ જગતનું રૂપ તમે ન ધરો; પણ તમારાં મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો.” મને ખ્યાલ આવ્યો કે મારી આદતો સુધારવા, મારા વિચારો બદલવાની જરૂર હતી. મારી આદતો ઈશ્વરની નજરે નુકસાન કરનારી હતી; મારે એ સ્વીકારવાની જરૂર હતી. ઈશ્વરની મદદથી મેં સિગારેટ પીવાનું અને વધારે પડતો દારૂ પીવાનું બંધ કરી દીધું.

“મને ખ્યાલ આવ્યો કે મારી આદતો સુધારવા, મારા વિચારો બદલવાની જરૂર હતી”

જોકે, ગાળો ન બોલવી એ મારે માટે બહુ જ મુશ્કેલ હતું. મને બાઇબલની એફેસી ૪:૨૯માંની આ સલાહ ખબર હતી: ‘તમારા મુખમાંથી કંઈ મલિન વચન નીકળે નહિ.’ તોપણ, મારી વાણી સુધારવામાં હું તરત જ સફળ ન થયો. યશાયા ૪૦:૨૬ના શબ્દો પર વિચાર કરવાથી મને મદદ મળી. આકાશના તારા વિશે એ કલમ આમ જણાવે છે: “તમારી દૃષ્ટિ ઊંચી કરીને જુઓ, એ બધા તારા કોણે ઉત્પન્‍ન કર્યા છે? તે મહા સમર્થ અને બળવાન હોવાથી પોતાના પરાક્રમના માહાત્મ્યથી તેઓના સંખ્યાબંધ સૈન્યને બહાર કાઢી લાવે છે, અને તે સર્વને નામ લઈને બોલાવે છે; એકે રહી જતો નથી.” મેં વિચાર કર્યો કે મને જે જોવાનું ઘણું જ ગમે છે, એવું આકાશ બનાવવાની તાકાત ઈશ્વરમાં છે. એટલે, તે ચોક્કસ મને પણ એવી શક્તિ આપી શકે કે હું તેમને ગમતા ફેરફારો કરી શકું. ઘણી પ્રાર્થના કરીને અને ઘણા પ્રયત્નો પછી, ધીમે ધીમે હું મારી વાણીને કાબૂમાં રાખતા શીખ્યો.

મને કઈ રીતે ફાયદો થયો:

તોફાની ઘોડાઓને વશ કરનાર તરીકે હું કામ કરતો હતો, એ ખેતરોમાં થોડાક જ લોકો હતા. એટલે, મને લોકો સાથે વાતચીત કરવાની એટલી તક મળતી નહિ. તોપણ, યહોવાના સાક્ષીઓની સભાઓમાં મળતી તાલીમને લીધે, હું સારી રીતે વાતચીત કરતા શીખી શક્યો છું. એ તાલીમથી હું બીજી ઘણી બાબતો કરી શકું છું, જેમાંની એક છે કે હું ઈશ્વરના રાજ્યની ખુશખબર લોકોને જણાવી શકું છું.—માથ્થી ૬:૯, ૧૦; ૨૪:૧૪.

છેલ્લાં થોડાં વર્ષોથી હું મંડળમાં વડીલ તરીકે સેવા કરવાનો આનંદ માણું છું. સાથી ભક્તોને મદદ કરવા હું જે કંઈ કરી શકું, એ મારા માટે મોટો લહાવો છે. જોકે, સૌથી મોટો આશીર્વાદ તો એ છે કે હું મારી વિશ્વાસુ, પ્રેમાળ પત્ની અને અમારાં સુંદર બાળકો સાથે મળીને યહોવાની ભક્તિ કરી શકું છું.

હું યહોવાનો પાડ માનું છું કે તેમણે મારા જેવા સાવ ઓછું ભણેલાને તેમના વિશે શીખવ્યું. (યશાયા ૫૪:૧૩) હું નીતિવચનો ૧૦:૨૨ના શબ્દો સાથે એકદમ સહમત થાઉં છું, જે કહે છે કે “યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે.” મારું કુટુંબ અને હું, યહોવા વિશે વધારે શીખવાની અને હંમેશ માટે તેમની ભક્તિ કરતા રહેવાની ઝંખના રાખીએ છીએ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો