મુખ્ય વિષય | તમે ઈશ્વરના મિત્ર બની શકો છો
ઈશ્વરનું કહેવું માનો
“તમે કહેશો એ કરવા હું તૈયાર છું.” આવા શબ્દો તમે કોઈ અજાણી વ્યક્તિ કે પછી જેને બહુ ઓળખતા ન હો એવી વ્યક્તિને કદી નહિ કહો, ખરું ને? પરંતુ, ગાઢ મિત્રને એમ કહેતા કદી અચકાશો નહિ. ગાઢ મિત્રો હંમેશાં એકબીજાનું કહેવું માનતા હોય છે.
બાઇબલ જણાવે છે કે, પોતાના ભક્તોને ખુશ રાખવા યહોવા રાત-દિવસ કામ કરે છે. દાખલા તરીકે, રાજા દાઊદ યહોવા ઈશ્વરના ગાઢ મિત્ર હતા. તેમણે પ્રાર્થનામાં આમ જણાવ્યું: ‘હે યહોવા મારા ઈશ્વર, તમારાં આશ્ચર્યકારક કાર્યો તથા અમારા સંબંધી તમારા વિચારો એટલાં બધાં છે કે એ ગણવા અશક્ય છે.’ (ગીતશાસ્ત્ર ૪૦:૫) ઉપરાંત, યહોવા એવા લોકોને પણ ‘અન્ન અને આનંદથી તૃપ્ત કરે છે,’ જેઓ તેમને ભજતા નથી.—પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૭.
આપણને જેઓ માટે પ્રેમ અને આદર હોય, તેઓ માટે બનતું બધું કરીએ છીએ
પોતાના ભક્તો ખુશ થાય એવી બાબતો કરવામાં યહોવાને આનંદ આવે છે. એવી જ રીતે, ઈશ્વરના મિત્ર બનવા માંગતા લોકોએ તેમના ‘હૃદયને આનંદ પમાડે’ એવી બાબતો કરવી જોઈએ. (નીતિવચનો ૨૭:૧૧) તમે એવું શું કરી શકો જેનાથી ઈશ્વર ખુશ થાય? બાઇબલ કહે છે: ‘સારું કરવાનું ન ચૂકો, તેમ જ, એકબીજાને મદદ કરવાનું પણ ન ભૂલો. કારણ, એવાં કાર્યોથી ઈશ્વર ખુશ થાય છે.’ (હિબ્રૂ ૧૩:૧૬, કોમન લેંગ્વેજ) તો શું એનો એવો અર્થ થાય કે ફક્ત સારું કરવાથી અને બીજાઓને મદદ કરવાથી યહોવા ખુશ થશે?
બાઇબલ જણાવે છે કે, ‘વિશ્વાસ વગર ઈશ્વરને ખુશ કરવા એ શક્ય નથી.’ (હિબ્રૂ ૧૧:૬) “ઈબ્રાહીમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો,” પછી જ ‘તેમને ઈશ્વરના મિત્ર કહેવામાં આવ્યા.’ (યાકૂબ ૨:૨૩) ઈસુએ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આશીર્વાદ મેળવવા ‘ઈશ્વર પર વિશ્વાસ રાખવો’ ખૂબ જ જરૂરી છે. (યોહાન ૧૪:૧) ઈશ્વર જેઓને પોતાના મિત્ર ગણે છે, તેઓના જેવી શ્રદ્ધા કેળવવા આપણે શું કરવું જોઈએ? નિયમિત રીતે બાઇબલનો અભ્યાસ કરીએ. એમ કરવાથી, આપણે “ઈશ્વરની ઇચ્છા” જાણી શકીશું અને ‘તેમને ખુશ કરવાનું’ શીખી શકીશું. યહોવા વિશે શીખતા રહીશું અને તેમની ઇચ્છા પ્રમાણે કરતા રહીશું તેમ, આપણી શ્રદ્ધા વધતી જશે અને તેમની સાથેનો સંબંધ વધુ મજબૂત થશે.—કોલોસી ૧:૯, ૧૦. (w૧૪-E ૧૨/૦૧)