વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w15 ૮/૧૫ પાન ૩૧-૩૨
  • ‘તમે સત્ય શીખો માટે યહોવા તમને ફ્રાન્સ લાવ્યા’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘તમે સત્ય શીખો માટે યહોવા તમને ફ્રાન્સ લાવ્યા’
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
w15 ૮/૧૫ પાન ૩૧-૩૨

આપણો ઇતિહાસ

‘તમે સત્ય શીખો માટે યહોવા તમને ફ્રાન્સ લાવ્યા’

એન્ટોની સ્કૅલેકી તરુણ હતા ત્યારે તેમનો ઘોડો તેમનો ખાસ સાથી હતો. તે પોતાના ઘોડા સાથે ખૂબ જ ઓછા પ્રકાશવાળા બોગદામાં થઈને કોલસાની ખાણમાં જતા. એ ખાણ જમીનથી ૧,૬૦૦ ફૂટ નીચે હતી. ત્યાંથી તેઓ ઢગલો કોલસા ઉપર ખેંચી લાવતા. એક વાર ખાણમાં ભેખડો ધસી પડવાથી એન્ટોનીના પિતાને ઇજા થઈ હતી. એના લીધે હવે એન્ટોનીને રોજના ૯ કલાક ખાણમાં મજૂરી કરવી પડતી. તેમના કુટુંબ પાસે એમ કરવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. એક વાર તો ખાણમાં ભેખડો ધસી પડવાથી એન્ટોની મરતાં મરતાં બચી ગયા.

૧. પોલૅન્ડના ખાણીયાઓ દ્વારા વપરાતાં સાધનો; ફ્રાન્સમાં સિન-લે-નોબેલ શહેર નજીક ડેશીમાં આવેલી એક ખાણ

ખાણમાં કામ કરતા પોલૅન્ડના લોકોનાં સાધનો અને સિન-લે-નોબેલ શહેર નજીક ડેશીમાં આવેલી ખાણ જ્યાં એન્ટોની કામ કરતા

૧૯૨૦ અને ૧૯૩૦ના દાયકામાં એવાં ઘણાં બાળકો હતાં, જેઓનો જન્મ ફ્રાન્સમાં થયો હતો અને માતા-પિતા પોલૅન્ડનાં હતાં. એન્ટોની તેઓમાંના એક હતા. શા માટે પોલૅન્ડના ઘણા વતનીઓ ફ્રાન્સમાં રહેવા ગયા? પ્રથમ વિશ્વયુદ્ધ પછી પોલૅન્ડને આઝાદી મળી ત્યારે, ત્યાં વસ્તીવધારો એક મોટી સમસ્યા બની ગઈ. બીજી બાજુ, વિશ્વયુદ્ધના લીધે ફ્રાન્સમાં લાખો લોકો માર્યા ગયા અને ત્યાંની ખાણોમાં કામ કરનારાઓની મોટી જરૂર ઊભી થઈ. તેથી, ફ્રાન્સ અને પોલૅન્ડની સરકારે સપ્ટેમ્બર ૧૯૧૯માં એક કરાર કર્યો. એના લીધે પોલૅન્ડના વતનીઓ ફ્રાન્સમાં વસી શકતા. આમ, પોલૅન્ડના ઘણા વતનીઓ ફ્રાન્સના ઉત્તરીય ભાગમાં વસવા લાગ્યા, જ્યાં કોલસાની ઘણી ખાણો હતી. પરિણામે, ૧૯૩૧ સુધીમાં ફ્રાન્સમાં પોલૅન્ડના વતનીઓની સંખ્યા ૫,૦૭,૮૦૦ થઈ ગઈ.

પોલૅન્ડથી આવેલા મહેનતુ લોકો પોતાની સાથે તેઓની અલગ સંસ્કૃતિ અને ધાર્મિક માન્યતાઓ લેતા આવ્યા. ૯૦ વર્ષના એન્ટોની યાદ કરતા કહે છે: ‘પવિત્રશાસ્ત્ર વિશે મારા દાદા યુસફ ઘણા માનથી વાત કરતા, જે તેમના પપ્પાએ શીખવ્યું હતું.’ ખાણમાં કામ કરતા કુટુંબો દર રવિવારે ચર્ચમાં જાય ત્યારે સૌથી સારાં કપડાં પહેરીને જતાં. તેઓ પોતાના વતન પોલૅન્ડમાં હતા ત્યારે એમ જ કરતા હતા. પણ ફ્રાન્સના કેટલાક વતનીઓને ધર્મમાં બહુ રસ ન હોવાથી, પોલૅન્ડના લોકો પ્રત્યે અણગમો રાખતા.

વર્ષ ૧૯૦૪થી બાઇબલ વિદ્યાર્થીઓ નોર્ડ-પાસ-દે-કેલાઇસ નામના વિસ્તારમાં પૂરા જોશથી સાક્ષીકામ કરતા હતા. પોલૅન્ડના વતનીઓ સૌથી પહેલી વાર એ શહેરમાં બાઇબલ વિદ્યાર્થીઓના સંપર્કમાં આવ્યા. વર્ષ ૧૯૧૫ સુધીમાં તો દર મહિને ધ વૉચ ટાવર મૅગેઝિન પૉલિશ ભાષામાં છપાવા લાગ્યું ત્યાર બાદ, વર્ષ ૧૯૨૫માં ધ ગોલ્ડન એજ (હવે સજાગ બનો!) પણ એ ભાષામાં મળવા લાગ્યું. ઘણાં કુટુંબોને એ મૅગેઝિનોમાં આપેલા શાસ્ત્ર આધારિત લેખો ગમવા લાગ્યા. ઉપરાંત, પૉલિશ ભાષામાં છપાયેલા ધ હાર્પ ઑફ ગૉડ પુસ્તકમાં રસ બતાવવા લાગ્યા.

વર્ષ ૧૯૨૪માં એન્ટોનીના મામા પહેલી વાર સભામાં ગયા હતા. તેમની પાસેથી એન્ટોનીના કુટુંબને બાઇબલ વિદ્યાર્થીઓ વિશે જાણવા મળ્યું. એ જ વર્ષમાં બ્રૂએ-એન-આર્તોઇસ નામના શહેરમાં બાઇબલ વિદ્યાર્થીઓએ પહેલી વાર પૉલિશ ભાષામાં સંમેલન ભર્યું. એક મહિનાની અંદર જ એ શહેરમાં મુખ્યમથકના પ્રતિનિધિ જોસેફ એફ. રધરફર્ડે એક જાહેર સભાની ગોઠવણ કરી. એમાં બે હજાર લોકો આવ્યા હતા. એટલી મોટી સંખ્યામાં પોલૅન્ડના વતનીઓને જોઈને ભાઈ રધરફર્ડે લાગણી સાથે કહ્યું: ‘તમે સત્ય શીખો માટે યહોવા તમને ફ્રાન્સ લાવ્યા. હવે, તમારે અને તમારાં બાળકોએ ફ્રાન્સના લોકોને મદદ આપવી જોઈએ. અહીં મોટા પ્રમાણમાં પ્રચાર કરવાનું બાકી છે અને યહોવા એ કામ માટે પ્રચારકો પૂરાં પાડશે.’

યહોવાએ એ જ પ્રમાણે કર્યું! ખાણમાં કામ કરનાર પોલૅન્ડના લોકોએ સાક્ષી બન્યા પછી પ્રચારકાર્યમાં પણ જબરજસ્ત ઉત્સાહ બતાવ્યો. અરે, એ અમૂલ્ય સત્ય પોતાના વતન પોલૅન્ડમાં ફેલાવવા અમુક ત્યાં પાછા ફર્યા. જે લોકો પોલૅન્ડ જઈને ત્યાંના મોટા વિસ્તારોમાં ખુશખબર ફેલાવવા ગયા હતા, તેઓમાં થીઑફીલ પીએસકોસ્કી, સ્તેપોન કોસિએક અને યોન ઝાબાઉદા હતા.

પરંતુ, પૉલિશ ભાષા બોલતા ઘણા પ્રચારકો ફ્રાન્સમાં જ રહ્યા અને ફ્રાન્સનાં ભાઈ-બહેનો સાથે ઉત્સાહથી સાક્ષી કામ ચાલું રાખ્યું. વર્ષ ૧૯૨૬માં સિન-લે-નોબેલ શહેરમાં એક સંમેલન યોજાયું, જેમાં બે ભાષામાં કાર્યક્રમો હતા. પૉલિશ ભાષાના કાર્યક્રમમાં ૧,૦૦૦ લોકો હાજર રહ્યા અને ફ્રેન્ચમાં ૩૦૦ લોકો. ૧૯૨૯ યરબુકમાં અહેવાલ હતો: ‘આ વર્ષ દરમિયાન ૩૩૨ વ્યક્તિઓએ બાપ્તિસ્મા લઈને પોતાનું સમર્પણ જાહેર કર્યું.’ બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું એ પહેલાં ફ્રાન્સના ૮૪ મંડળોમાંથી ૩૨ મંડળો પૉલિશ ભાષાનાં હતાં.

ફ્રાન્સમાં રહેતાં પોલૅન્ડનાં ભાઈ-બહેનો સંમેલનમાં જઈ રહ્યાં છે

ફ્રાન્સમાં રહેતાં પોલૅન્ડનાં ભાઈ-બહેનો સંમેલનમાં જઈ રહ્યાં છે. વાહન પર લખેલું છે, “યહોવાના સાક્ષીઓ”

પોલૅન્ડની સરકારે બીજાં દેશોમાં રહેતા પોતાના વતનીઓને પોલૅન્ડમાં પાછા આવવાનું આમંત્રણ આપ્યું. તેથી, વર્ષ ૧૯૪૭માં ઘણા યહોવાના સાક્ષીઓ પોલૅન્ડ પાછા ફર્યા. જોકે, તેઓના ગયા પછી પણ તેઓએ કરેલી મહેનત અને ફ્રાન્સનાં ભાઈ-બહેનોની મહેનત રંગ લાવી. એ વર્ષે ફ્રાન્સમાં રાજ્ય પ્રકાશકોની સંખ્યામાં ૧૦ ટકાનો વધારો થયો. ત્યાર બાદ, ૧૯૪૮માં ૨૦ ટકા, ૧૯૪૯માં ૨૩ ટકા અને ૧૯૫૦માં ૪૦ ટકાનો વધારો થયો! એ નવા પ્રકાશકોને તાલીમ આપવા ફ્રાન્સની શાખાએ ૧૯૪૮માં પ્રથમ વાર સરકીટ નિરીક્ષકો નીમ્યા. જે પાંચ સરકીટ નિરીક્ષકોને નિમવામાં આવ્યા એમાંથી ચાર પોલૅન્ડના હતા અને એન્ટોની સ્કૅલેકી તેઓમાંના એક હતા.

ફ્રાન્સમાં રહેતા યહોવાના સાક્ષીઓમાંથી ઘણા આજે પણ પૉલિશ અટક ધરાવે છે. એ અટક તેઓને પોતાના બાપદાદાઓ પાસેથી મળી હતી, જેઓ ખાણમાં અને સેવાકાર્યમાં સખત મહેનત કરતા હતા. આજે પણ બીજા દેશોથી આવેલા ઘણા લોકો ફ્રાન્સમાં સત્ય શીખી રહ્યા છે. બીજા દેશમાંથી આવેલા પ્રકાશકો પોતાના વતન પાછા જાય કે ન જાય, પણ તેઓ ફ્રાન્સમાં ઉત્સાહથી ખુશખબર ફેલાવે છે. આમ, તેઓ પહેલાંના સમયના પૉલિશ પ્રકાશકોને અનુસરે છે.—ફ્રાન્સના આપણા ઇતિહાસમાંથી.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો