આપણો ઇતિહાસ
જાહેર પ્રવચનોથી ફેલાઈ આયર્લૅન્ડમાં ખુશખબર
ધુમાડો કાઢતું એક વહાણ બેલફાસ્ટ લાકમાં (દરિયાઈ ખાડીમાં) આવી પહોંચ્યું. મુસાફરોનું નાનું ટોળું વહાણના તૂતક પર ઊભું હતું. લીલી ટેકરીઓ પર પડતા સૂરજના સોનેરી કિરણો તેઓ નિહાળી રહ્યા હતા. એ વખતે ૧૯૧૦નો મે મહિનો ચાલી રહ્યો હતો. મુસાફરોમાં એક વ્યક્તિ પાંચમી વખત આયર્લૅન્ડની મુલાકાતે આવી રહી હતી, જે હતા ચાર્લ્સ ટી. રસેલ. કિનારા પર ટાઇટેનિક અને ઑલિમ્પિક નામના બે મોટાં જહાજોનું બાંધકામ થઈ રહ્યું હતું.a કિનારા પર બારેક જેટલા બાઇબલ વિદ્યાર્થીઓ તેમના આવવાની રાહ જોઈ રહ્યા હતા.
દુનિયા ફરતે સૌથી સારી રીતે ખુશખબર ફેલાવવા ભાઈ રસેલે ૧૮૯૦ના દાયકામાં અમેરિકાની બહાર મુસાફરી કરવાનું નક્કી કર્યું હતું. તેમની પહેલી મુસાફરી જુલાઈ ૧૮૯૧માં આયર્લૅન્ડથી શરૂ થઈ હતી. સીટી ઓફ શિકાગો વહાણમાં બેઠા બેઠા તે ક્વીન્ઝટાઉનના સમુદ્ર તટ પર આથમતા સૂરજનો નજારો માણી રહ્યા હતા. કદાચ તેમના મનમાં માતા-પિતાએ જણાવેલી વતનની યાદો તાજી થઈ ગઈ હશે. વહાણ સુઘડ શહેરો અને સુંદર ગામો પાસેથી પસાર થઈ રહ્યું હતું. એ દરમિયાન ભાઈ રસેલ અને તેમના સાથીદારો વિચારી રહ્યા હતા કે અહીંયા ખેતરો “કાપણી માટે તૈયાર છે.”
ભાઈ રસેલે આયર્લૅન્ડની સાત વખત મુલાકાત લીધી હતી. પહેલી જ મુલાકાતથી લોકોને એટલો રસ પડ્યો કે પછીની મુલાકાતોમાં સેંકડો લોકો આવ્યા. અરે, અમુક વાર તો હજારોની સંખ્યામાં લોકો તેમને સાંભળવા આવતા હતા. મે ૧૯૦૩ની તેમની બીજી મુલાકાત વખતે બેલફાસ્ટ અને ડબ્લિનની જાહેર સભાઓ માટે છાપામાં જાહેરાત કરવામાં આવી હતી. ભાઈ રસેલે યાદ કરતા કહ્યું: ‘એ પ્રવચન ઈબ્રાહીમની શ્રદ્ધા અને મનુષ્યોને ભાવિમાં મળનાર આશીર્વાદો વિશે હતું. એનો વિષય હતો, “સોગંદથી બંધાયેલું વચન.” લોકો એને ધ્યાનથી સાંભળતા હતા.’
આયર્લૅન્ડમાં વધુ રસ ધરાવનારા લોકો મળ્યા હોવાથી ભાઈ રસેલની યુરોપની ત્રીજી મુલાકાતમાં એનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. એપ્રિલ ૧૯૦૮ની એક વહેલી સવારે ભાઈ બેલફાસ્ટના બંદરે ઊતર્યા ત્યારે, પાંચ ભાઈઓએ તેમનો આવકાર કર્યો. એ સાંજે એક પ્રવચન થવાનું હતું જેનો વિષય હતો, “શેતાનનું સામ્રાજ્ય ઉથલાવી નંખાશે.” એ વિશે અગાઉથી જાહેરાત કરવામાં આવી હતી. સાંજે ‘૩૦૦ જેટલા લોકો’ એ સાંભળવા માટે આવ્યા હતા. તેઓની મધ્યે એક વિરોધી હતો, પરંતુ તેને બાઇબલની મદદથી વળતો જવાબ આપવામાં આવ્યો. વાયએમસીએના સેક્રેટરી ઓʼકૉનરે ડબ્લિનમાં ઘણો વિરોધ કર્યો હતો. તેણે હજારથી વધુ લોકોને બાઇબલ વિદ્યાર્થીઓ વિરુદ્ધ ભડકાવવાની કોશિશ કરી હતી. પછી શું થયું?
ચાલો ઇતિહાસમાં ડોકિયું કરીને જોઈએ કે એ સમયે શું થયું હતું. એક માણસ બાઇબલ સત્યની શોધમાં હતો, એટલે તે ધી આઈરીશ ટાઈમ્સમાં છપાયેલી જાહેર પ્રવચનની જાહેરાત વાંચીને ત્યાં પહોંચ્યો. શ્રોતાઓથી ખીચોખીચ ભરેલા હૉલમાં માંડ માંડ તેને સીટ મળી. તેણે વક્તા પર ધ્યાન આપ્યું. સફેદ વાળ અને દાઢીવાળા એ વક્તાએ લાંબો કાળો કોટ પહેરેલો હતો. પ્રવચન આપતી વખતે તે એક પછી એક કલમો સમજાવી રહ્યા હતા. ધીરે ધીરે શ્રોતાઓમાં બેઠેલા એ માણસને બાઇબલ સત્ય સમજાઈ રહ્યું હતું. માઇક વગર પણ વક્તાનો અવાજ હૉલના દરેક ખૂણે પહોંચી રહ્યો હતો. દોઢ કલાક સુધી શ્રોતાઓ તેમનું ધ્યાનથી સાંભળતા હતા. પછી, સવાલ-જવાબથી ચર્ચા શરૂ થઈ. ઓʼકૉનર અને તેના મિત્રોએ ઘણી દલીલો કરી, પણ ભાઈ રસેલે અસરકારક રીતે તેઓને બાઇબલમાંથી જવાબ આપ્યો. શ્રોતાઓએ તેમને તાળીઓથી વધાવી લીધા. તાળીઓનો ગડગડાટ ઓછો થયા પછી, રસ ધરાવનાર માણસ વધુ શીખવા ભાઈને મળ્યો. અમુક વ્યક્તિઓએ જણાવ્યું કે આ રીતે ઘણા લોકોને સત્ય મળ્યું હતું.
મે ૧૯૦૯માં ભાઈ રસેલ ન્યૂ યૉર્કથી પોતાની ચોથી મુસાફરીએ જવા નીકળ્યા. મોરેતેનીયા જહાજમાં તે પોતાની સાથે સ્ટેનોગ્રાફર ભાઈ હન્ટસીંગરને પણ લઈ ગયા. જેથી, લાંબી દરિયાઈ મુસાફરી દરમિયાન વૉચ ટાવરના લેખો તૈયાર કરી શકાય. બેલફાસ્ટમાં ભાઈ રસેલના જાહેર પ્રવચનમાં ૪૫૦ લોકો હાજર હતા. અરે, એમાંના ૧૦૦ લોકોએ જગ્યાના અભાવે ઊભા રહેવું પડ્યું હતું.
લૂસીટેનીયા જહાજમાં ભાઈ સી. ટી. રસેલ
શરૂઆતમાં જેના વિશે જોઈ ગયા એ પાંચમી મુસાફરી પણ આગળના જેવી જ હતી. ડબ્લિનના જાહેર પ્રવચનમાં ઓʼકૉનર પોતાની સાથે એક જાણીતા ધર્મશાસ્ત્રીને લાવ્યો હતો. પ્રવચન પછી તેના સવાલોના જવાબ બાઇબલમાંથી આપવામાં આવ્યા. લોકોને એ ચર્ચા ખૂબ ગમી. બીજા દિવસે, મુસાફરો ઝડપી બોટમાં બેસીને લિવરપુલ ગયા. પછી ત્યાંથી તેઓ લૂસીટેનીયા જહાજમાં બેસી ન્યૂ યૉર્ક જવા નીકળ્યા હતા.b
મે ૨૦, ૧૯૧૦ના ધી આઈરીશ ટાઈમ્સમાં જાહેર પ્રવચનની જાહેરાત કરવામાં આવી હતી
૧૯૧૧માં ભાઈ રસેલની છઠ્ઠી અને સાતમી મુસાફરી વખતે પણ અગાઉથી જાહેરાત કરેલાં પ્રવચનો આપવામાં આવ્યાં હતાં. વસંત ૠતુમાં, ૨૦ જેટલા બાઇબલ વિદ્યાર્થીઓએ બેલફાસ્ટમાં “હવે પછી” પ્રવચનની ગોઠવણ કરી, જેમાં ૨,૦૦૦ લોકો હાજર રહ્યા હતા. ઓʼકૉનર બીજા એક ધર્મશાસ્ત્રીને સવાલો પૂછવા લઈને આવ્યો હતો. જ્યારે બાઇબલમાંથી એના જવાબો અપાતા, ત્યારે લોકો એને તાળીઓથી વધાવી લેતા. એ જ વર્ષે પાનખરમાં, બીજાં શહેરોની મુલાકાત લેવામાં આવી ત્યારે, ત્યાં પણ ઘણા લોકો હાજર રહ્યા હતા. ઓʼકૉનર અને બીજા ૧૦૦ ગુંડા જેવા લોકોએ ડબ્લિનની સભામાં ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, પણ શ્રોતાઓ તો ઉત્સાહથી વક્તાને સાંભળતા રહ્યા.
જાહેર પ્રવચનો આપવામાં ભાઈ રસેલ આગેવાની લેતા હતા, પણ તે જાણતા હતા કે, ‘આ કામની સફળતા માટે કોઈ વ્યક્તિની જરૂર નથી, કારણ કે આ કામ માણસોનું નહિ, ઈશ્વરનું છે.’ જાહેરાત કરેલાં પ્રવચનોની જગ્યાએ પછીથી જાહેર સભાઓ થવા લાગી. એવાં પ્રવચનો બાઇબલ સત્ય ફેલાવવાનું ઉત્તમ સાધન હતાં. એનું શું પરિણામ આવ્યું? જાહેર પ્રવચનોને લીધે આયર્લૅન્ડમાં ખુશખબર ફેલાવવા મદદ મળી અને ઘણાં શહેરોમાં મંડળો શરૂ થયાં.—બ્રિટનના આપણા ઇતિહાસમાંથી.
a બે વર્ષ પછી ટાઇટેનિક ડૂબી ગયું.
b મે ૧૯૧૫માં આયર્લેન્ડના દક્ષિણ કિનારા નજીક લૂસીટેનીયા જહાજ ટોરપીડો મિસાઈલને લીધે ડૂબી ગયું.