‘આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે’
૧. આપણે શા માટે કહી શકીએ કે પ્રચાર કામને કોઈ રોકી શકશે નહિ?
૧ યહોવાહને પોતાનો હેતુ પૂરો કરતા કોઈ રોકી શકશે નહિ. (યશા. ૧૪:૨૪) ગિદઓન અને તેના ૩૦૦ માણસોનો વિચાર કરો. તેઓ મિદ્યાનીઓના ૧,૩૫,૦૦૦ સૈનિકો સામે કંઈ ન હતા. તેઓને જીત મેળવવી અશક્ય લાગતું હતું. પણ યહોવાહે ગિદઓનને કહ્યું, “મિદ્યાનીઓના હાથમાંથી ઈસ્રાએલને બચાવ; શું મેં તને મોકલ્યો નથી?” (ન્યા. ૬:૧૪) આજે પ્રચાર કામમાં યહોવાહ મદદ કરે છે. એટલે ઈસુએ કહ્યું: “રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે.” (માથ. ૨૪:૧૪) આ કામને સફળ થતાં કોઈ રોકી શકશે નહિ!
૨. કેમ આપણે એવો ભરોસો રાખી શકીએ કે પ્રચારમાં યહોવાહ આપણને મદદ કરશે?
૨ યહોવાહ આપણને મદદ કરે છે: એક ટોળું તરીકે યહોવાહ તેમના ભક્તોના કાર્યોને સફળ થવા જરૂર મદદ કરે છે. પણ શું એવો ભરોસો રાખી શકીએ કે યહોવાહ આપણને વ્યક્તિગત રીતે મદદ કરશે? હા. પ્રેરિત પાઊલનો વિચાર કરો. જ્યારે તેમને મદદની જરૂર હતી, ત્યારે યહોવાહે ઈસુ દ્વારા મદદ પૂરી પાડી હતી. (૨ તીમો. ૪:૧૭) આપણે ખાતરી રાખી શકીએ કે યહોવાહે સોંપેલું કામ પૂરું કરીએ તેમ તે આપણને પણ મદદ કરશે.—૧ યોહા. ૫:૧૪.
૩. કયા-કયા સંજોગોમાં યહોવાહ આપણને મદદ કરે છે?
૩ શું રોજિંદા જીવનની ચિંતાઓ, તમારી પ્રચાર કરવાની શક્તિ છીનવી લે છે? યહોવાહ ‘નબળાને બળ આપે છે.’ (યશા. ૪૦:૨૯-૩૧) શું તમે સતાવણી કે વિરોધનો સામનો કરી રહ્યા છો? જો એમ હોય તો, તમારો ‘બોજો યહોવાહ પર નાખો, તે તમને નિભાવી રાખશે.’ (ગીત. ૫૫:૨૨) શું કોઈ વાર તમને લાગે છે કે ‘હું સારી રીતે લોકોને બાઇબલ શીખવી શકતો નથી?’ એમ હોય તો યહોવાહ કહે છે, “જા, ને હું તારા મુખ સાથે હોઈશ.” (નિર્ગ. ૪:૧૧, ૧૨) શું કોઈ બીમારી તમને પ્રચારમાં વધારે કરતા રોકી રહી છે? ભલે તમે થોડુંક કરી શકતા હોવ, જો તમે પૂરા દિલથી એ કરશો તો યહોવાહ તમારા પ્રયત્નોની કદર કરશે.—૧ કોરીં. ૩:૬, ૯.
૪. યહોવાહ આપણને મદદ કરે છે એવો ભરોસો હશે તો આપણે શું કરીશું?
૪ યહોવાહે પોતાનો ‘હાથ લંબાવ્યો છે, તેને કોણ પાછો ફેરવશે?’ (યશા. ૧૪:૨૭) આ કારણે આપણને પૂરી ખાતરી હોવી જોઈએ કે પ્રચાર કામ પર યહોવાહનો આશીર્વાદ છે. તેથી ચાલો એ કામમાં લાગુ રહીએ. સમજી-વિચારીને યહોવાહના કહ્યા મુજબ “હિંમત રાખીને બોલતા રહીએ.”—પ્રે.કૃ. ૧૪:૩.