નિયામક જૂથ તરફથી પત્ર
વહાલા ભાઈ-બહેનો:
આપણે કેવા રોમાંચક સમયમાં જીવી રહ્યાં છીએ! એનો આનંદ માણવાનો કેટલો સરસ મોકો રહેલો છે! પ્રિય ભાઈ-બહેનો, તમારી સાથે “એકમતે” યહોવાહની ભક્તિ કરવાનો અમે ખૂબ જ આનંદ માણીએ છીએ. આટલા જોરશોરથી પહેલાં કદીએ ખુશખબર ફેલાવવામાં આવી નથી.—સફા. ૩:૯; યોહા. ૧૪:૧૨.
આપણે આનંદથી યહોવાહની ભક્તિ કરીએ છીએ, એનો એવો અર્થ નથી કે આપણા પર કોઈ આફતો આવતી નથી. ગયા સેવા વર્ષમાં તમારામાંથી અમુક પર અનેક દુઃખ-તકલીફો આવ્યા હતા. જેમ કે, ધરતીકંપ, પૂર, વાવાઝોડું અને બીજી અમુક જીવલેણ કુદરતી આફતો. (માથ. ૨૪:૭) ઘણા ભાઈ-બહેનો બીમારી અને ઘડપણથી આવતી ઘણી તકલીફો રોજબરોજ સહે છે. આપણા સર્વ પર આવી ‘દુઃખ’ ભરી તકલીફો વધી રહી છે. (માથ. ૨૪:૮) આર્મેનિયા, ઇરિટ્રિયા અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં આજે ઘણા ભાઈ-બહેનો, યહોવાહમાં શ્રદ્ધા મૂકવાને લીધે જેલમાં છે.—માથ. ૨૪:૯.
મુશ્કેલીઓ છતાં આપણને હિંમત રાખવા ક્યાંથી મદદ મળી છે? ૨૦૧૦નું વાર્ષિક વચન મહત્ત્વનો મુદ્દો યાદ અપાવે છે: ‘પ્રેમ સઘળું સહન કરે છે, પ્રેમ કદી ખૂટતો નથી.’ (૧ કોરીં. ૧૩:૭, ૮) યહોવાહ અને ભાઈ-બહેનો માટે પ્રેમ હોવાથી આપણને દુઃખ-તકલીફો સહેવા મદદ મળે છે.
આખી દુનિયામાં વધી રહેલા આપણા પ્રચારકાર્યને જોઈને ઘણા કહેવાતા ખ્રિસ્તીઓ નવાઈ પામે છે. ખરું કે, તેઓ આપણી માન્યતા અને શિક્ષણ સાથે સહમત નથી. તોપણ, અમુકે કહ્યું કે “અમારે જે કામ કરવું જોઈએ એ તમે લોકો કરી રહ્યાં છો!” કયા કારણે યહોવાહના સાક્ષીઓ દરરોજ પ્રચારમાં લાગુ રહે છે? પ્રેમના કારણે. યહોવાહ પિતાની જેમ આપણે પણ કોઈનો નાશ થાય એવું ઇચ્છતા નથી. (૨ પીત. ૩:૯) આપણે ચાહીએ છીએ કે સર્વ લોકો પસ્તાવો કરે અને તારણ પામે. એ ગયા સેવા વર્ષે ૭૫,૦૮,૦૫૦ ભાઈ-બહેનોએ પ્રચારમાં ભાગ લીધો એનાથી દેખાઈ આવે છે. આજે એવો કયો ધર્મ છે જેના બધા સભ્યો પ્રેમના લીધે લોકોને ઈશ્વર વિષે પોતાના ખર્ચે શીખવે છે?
યશાયાહની ભવિષ્યવાણી પ્રમાણે થતું જોઈને આપણને ઉત્તેજન મળે છે: “છેલ્લા કાળમાં યહોવાહના મંદિરનો પર્વત પહાડોનાં શિખરો પર સ્થાપન થશે, ને ડુંગરો કરતાં તેને ઊંચો કરવામાં આવશે; અને સર્વ પ્રજાઓ તેમાં પ્રવાહની પેઠે પ્રવેશ કરશે.” (યશા. ૨:૨-૪) યહોવાહના પર્વત પર ચઢી રહ્યાં છે તેઓમાં ગયા સેવા વર્ષમાં બાપ્તિસ્મા લેનાર ૨,૯૪,૩૬૮ ભાઈ-બહેનો પણ છે. આ વહાલા ભાઈ-બહેનોને આપણી સંસ્થામાં પ્રેમથી આવકાર આપીએ છીએ. આપણને યહોવાહ માટે પ્રેમ હોવાથી ચાલો તેઓને શેતાનના હુમલાથી બચવા મદદ કરતા રહીએ.—૧ પીત. ૫:૮, ૯.
મંગળવાર, માર્ચ ૩૦, ૨૦૧૦ના સ્મરણપ્રસંગમાં ૧,૮૭,૦૬,૮૯૫ લોકો આવ્યા હતા. અત્યાર સુધીની એ સૌથી વધારે સંખ્યા છે. એ બતાવે છે કે આવતા દિવસોમાં હજી પણ લાખોને લાખો લોકોને યહોવાહના ભક્ત બનવાનો મોકો રહેલો છે. આપણે કેટલા આભારી છીએ કે યહોવાહ આ દુષ્ટ જગતનો અંત લાવ્યા નથી! અંત આવે ત્યાં સુધી યહોવાહ માટેનો પ્રેમ આપણને તકલીફો સહન કરવા મદદ કરશે.—૨ થેસ્સા. ૩:૫.
“યહોવાહની નજીક રહીએ” સંમેલન આખી દુનિયા ફરતે મોટાભાગે ૨૦૧૦માં યોજવામાં આવ્યા હતા. એનાથી યહોવાહ સાથેનો સંબંધ વધારે મજબૂત કરવા મદદ મળી છે. એક ઈશ્વરભક્તે કહેલા આ શબ્દો કેટલા સાચા ઠરે છે: ‘જેઓનો ઈશ્વર યહોવાહ છે તેઓને ધન્ય છે.’ (ગીત. ૧૪૪:૧૫) આપણે જાણતા નથી કે ભાવિમાં શું થશે. તોપણ આપણને પૂરો ભરોસો છે કે યહોવાહ આપણા પક્ષે હોવાથી કશાથી ડરવાની જરૂર નથી. (ગીત. ૨૩:૪) યહોવાહ હવે બહુ જલદીથી ઈસુ દ્વારા ‘શેતાનનાં કામનો નાશ કરશે.’ (૧ યોહા. ૩:૮) એ દિવસની આપણે કાગના ડોળે રાહ જોઈએ છીએ! એ સમય આવે ત્યાં સુધી યહોવાહની ભક્તિમાં આપણી પાસે પુષ્કળ કામ રહેલું છે.—૧ કોરીં. ૧૫:૫૮.
વહાલા ભાઈ-બહેનો, અમે “નિરંતર” તમારા વિષે પ્રાર્થના કરીએ છીએ. (રૂમી ૧:૯) અમારી પ્રાર્થના છે કે “ઈસુ ખ્રિસ્ત આવીને પોતાની દયાથી તમને સાર્વકાલિક જીવન આપે તે માટે તમે તેમના આગમનની રાહ જોતાં જોતાં પોતાને ઈશ્વરના પ્રેમમાં રાખો.”—યહુ. ૨૧, પ્રેમસંદેશ.
તમને સર્વને અમે દિલથી ચાહીએ છીએ,
તમારા ભાઈઓ,
યહોવાહના સાક્ષીઓનું નિયામક જૂથ