બાઇબલનું દૃષ્ટિબિંદુ
શું નૃત્ય કરવું ખ્રિસ્તીઓ માટે છે?
“હું આ જોઈ શકતો નથી. મારે બહાર જવું જ પડશે,” એક યુવાન માણસે તેની પત્નીના કાનમાં ધીમેથી કહ્યું અને તેની બેઠક પરથી ઊભા થઈને રાતની શીતળ હવામાં લટાર મારવા ઓરડામાંથી નીકળી ગયો. તેને શરમ લાગી.
મિત્રોએ તેને તથા તેની પત્નીને એક સામાજિક મેળાવડામાં આવવા આમંત્રણ આપ્યું હતું. યજમાને મંચનૃત્યનો નિર્ણય કર્યો હતો જેમાં ત્રણ નર્તકીઓનો સમાવેશ થતો હતો. એમ લાગતું હતું કે બાકીનો પ્રેક્ષકવર્ગ નિશ્ચિંત હતો. શું તે વધુ પડતો લાગણીશીલ બની રહ્યો હતો? શું નર્તકીઓ માત્ર આંતરિક લાગણીઓને વ્યક્ત કરીને નૃત્યની મુક્તતાનો આનંદ માણી રહી ન હતી? ચાલો આપણે નૃત્યને ખ્રિસ્તી દૃષ્ટિબિંદુથી સમજવાનો પ્રયત્ન કરીએ.
નૃત્ય સંચાર છે
માનવી હાવભાવ કે હિલચાલ દ્વારા એક રીતે સંચાર કરે છે. દાખલા તરીકે, પરદેશમાં, ઘણા મુલાકાતીઓને એ જાણીને આશ્ચર્ય થયું છે કે તેઓ જે હિલચાલને નિર્દોષ ગણતા હતા એનો અહીં ભિન્ન અર્થ રહેલો છે—કદાચ અનિચ્છનીય અર્થ. સોલોમન ટાપુઓ, મલેશિયા, અને પાપુઆ ન્યૂ ગિનિમાંના અગાઉના એક મિશનરીએ વિવેચન કર્યું: “કેટલાક વિસ્તારોમાં જાતીય અણસાર અમુક શારીરિક હિલચાલ સાથે સંકાળાયેલો હોય છે. દાખલા તરીકે, એક સ્ત્રી ભોંયતળિયા પર બેઠી હોય ત્યારે, પુરુષ તેના પગ ઓળંગીને પસાર થાય એ અયોગ્ય ગણાય છે. એ જ રીતે, ભોંયતળિયા પર બેઠેલા પુરુષની સામેથી એક સ્ત્રીનું પસાર થવું પણ અણછાજતું છે. બન્ને કિસ્સાઓમાં જાતીય અર્થ તરત જ પારખી લેવાય છે.” આપણે સજાગ હોઈએ કે નહિ, આપણા શરીરની હિલચાલ બોલે છે. તેથી એનાથી આપણને આશ્ચર્ય થવું ન જોઈએ કે આખા ઇતિહાસમાં નૃત્યને સંચારના એક રૂપ તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યું છે.
નૃત્યમાં વિવિધ લાગણીઓ વ્યક્ત થઈ શકે છે—ઊજવણીનાં આનંદ તથા ઉલ્લાસથી માંડીને ધાર્મિક વિધિ તથા રિવાજની ગંભીરતા સુધી. (૨ શમૂએલ ૬:૧૪-૧૭; ગીતશાસ્ત્ર ૧૪૯:૧, ૩) ધ ન્યૂ એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા વર્ણવે છે: “નૃત્યકાર પ્રેક્ષકવર્ગ સાથે બે નિરાળી રીતોએ સંચાર કરે છે, શરીર મારફતે લાગણીઓ વહાવવા ઉપરાંત ચહેરા દ્વારા કે નકલ કરીને તથા હાવભાવની જટિલ ભાષા દ્વારા.” કેટલાક નૃત્યોમાં સંચાર સમજવો સહેલો અને સ્પષ્ટ હોય એમ લાગી શકે. નૃત્યના બીજા રૂપોમાં, માત્ર એનું જ્ઞાન ધરાવતા થોડા લોકો જ ભાષા સમજી શકતા હોય શકે. દાખલા તરીકે, ક્લાસિકલ બેલેમાં હૃદય પર રાખેલો હાથ પ્રેમ દર્શાવે છે, જ્યારે કે ડાબા હાથની ચોથી આંગળીને ચીંધવામાં આવે છે ત્યારે એ લગ્નનો અર્થ ધરાવે છે. ચીની ઓપેરામાં ગોળ ગોળ ફરવું મુસાફરી દર્શાવે છે, જ્યારે કે ચાબુક આડી રાખીને રંગમંચ ફરતે ફરવું ઘોડેસવારી દર્શાવે છે; રંગમંચની એક બાજુથી બીજી બાજુ કાળો ધ્વજ લઈ જવો વાવાઝોડું દર્શાવે છે, જ્યારે કે આછા ભૂરા રંગનો ધ્વજ પવનની લહેરનો અર્થ ધરાવે છે. એમ નૃત્યની હિલચાલ અને હાવભાવમાં, શરીર સંચાર કરે છે. પરંતુ શું સંદેશો હંમેશા યોગ્ય હોય છે?
નૃત્ય—યોગ્ય અને અયોગ્ય
નૃત્ય મનોરંજન તથા કસરતનું આહ્લાદક રૂપ બની શકે છે. તે શુદ્ધ અને નિખાલસ વક્તવ્ય હોય શકે જે જીવનના નર્યા આનંદ પ્રત્યેનો આનંદી શારીરિક પ્રત્યાઘાત કે યહોવાહની ભલાઈ પ્રત્યે કદર બતાવતું હોય. (નિર્ગમન ૧૫:૨૦; ન્યાયાધીશ ૧૧:૩૪) કેટલાક વૃંદ નૃત્યો અને લોક નૃત્યો આનંદાયક હોય શકે છે. ઈસુએ આપેલા ઉડાઉ દીકરાના દૃષ્ટાંતમાં, નૃત્યકારોની મંડળીનો પણ ઉલ્લેખ કર્યો, જે દેખીતી રીતે ઊજવણીના એક ભાગ તરીકે, ભાડે બોલાવેલી એક ગાયક મંડળી હતી. (લુક ૧૫:૨૫) તેથી, સ્પષ્ટપણે જ, બાઇબલ ખુદ નૃત્ય કરવાને દોષિત ઠરાવતું નથી. તેમ છતાં, તે ખરાબ વિચારો અને ઇચ્છાઓ ઉશ્કેરવા વિરુદ્ધ ચેતવણી આપે છે. આ સંબંધમાં જોતાં, અમુક પ્રકારનાં નૃત્યો અસભ્ય હોય શકે, અરે વ્યક્તિની આત્મિકતાને જોખમકારક પણ હોય શકે છે. (કોલોસી ૩:૫) પ્રાચીન સમયોથી માંડીને પ્રસંગોપાત નૃત્ય કામોત્તેજક બન્યું છે અને હાનિકારક હેતુઓ માટે એને વાપરવામાં આવ્યું છે.—સરખાવો માત્થી ૧૪:૩-૧૧.
આપણો વેરી, શેતાન ડેવિલ, જાણે છે કે નૃત્યની હિલચાલ તથા અયોગ્ય વિચારોનો સમન્વય તેના હાથમાંનું એક શક્તિશાળી હથિયાર છે. (સરખાવો યાકૂબ ૧:૧૪, ૧૫.) તે શરીરની હિલચાલથી થતી વિષયી લાલચ અને એ કામુક વિચારોને કઈ રીતે ભડકાવે છે એ વિષે સારી પેઠે વાકેફ છે. પ્રેષિત પાઊલે ચેતવણી આપી કે શેતાન આપણને છેતરવા માટે કૃતનિશ્ચયી છે જેથી ‘ખ્રિસ્તમાં જે નિખાલસપણું તથા પવિત્રતા છે તે તજીને આપણાં મન હરકોઈ રીતે ભ્રષ્ટ થાય.’ (૨ કોરીંથી ૧૧:૩) કલ્પના કરો કે આપણે આપણાં મનને અવિનયી નૃત્ય અવલોકીને કે એમાં ભાગ લઈને અનૈતિક વિચારસરણીમાં છલાંગ મારવા દઈશું તો, ડેવિલ કેટલો ખુશ થશે. આપણી બેકાબૂ ઇચ્છાઓને છૂટો દોર આપવામાં આવે અને આપણે અયોગ્ય વર્તણૂકની જાળમાં સપડાઈ જઈએ તો, તે એથી પણ વધારે ખુશ થશે. તેણે ભૂતકાળમાં હિલચાલ અને નૃત્યને એ રીતે વાપર્યાં છે.—સરખાવો નિર્ગમન ૩૨:૬, ૧૭-૧૯.
યોગ્ય કે અયોગ્ય—કઈ રીતે નક્કી કરવું
પરિણામે, નૃત્ય વૃંદ દ્વારા, યુગલ દ્વારા, કે ફક્ત એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવતું હોય, અને હિલચાલ તમારી અંદર અશુદ્ધ વિચારોને ઉત્પન્ન કરતી હોય તો, તે નૃત્ય બીજાઓને નુકસાનકારક ન પણ હોય છતાં, એ તમારા માટે નુકસાનકારક છે.
કેટલાકે નોંધ્યું છે કે કેટલાક આધુનિક નૃત્યોમાં, સાથીઓ એકબીજાને સ્પર્શ પણ કરતા હોતા નથી. તેમ છતાં, શું ખરેખર સ્પર્શ કરવો વાદવિષય છે? બ્રિટાનિકા આમ કહીને બાબતનો નિષ્કર્ષ લાવે છે કે “આખરી પરિણામ તો એ જ છે—નૃત્યની પ્રક્રિયામાં શારીરિક આનંદ અને સાથીની જાતીય સભાનતા, એ પછી સાથીને આલિંગન આપ્યું હોય કે અર્ધ સભાનતાથી જોવામાં આવ્યું હોય.” શું લગ્ન બંધનની બહાર “સાથીની જાતીય સભાનતા” ડહાપણભરી છે? ઈસુના વિધાન અનુસાર નહિ જ્યાં તે કહે છે કે “સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાંજ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે.”—માત્થી ૫:૨૮.
તમે નૃત્ય કરવાનું નક્કી કરો કે નહિ એ તમારી પસંદગી છે. નીચેના પ્રશ્નો પર મનન કરવાથી તમને ડહાપણભર્યો નિર્ણય કરવા મદદ મળી શકે. એ નૃત્યનો હેતુ શું છે? તેની ખ્યાતિ કેવી છે? નૃત્યની હિલચાલ શાના પર ભાર મૂકે છે? તે મારામાં કયા વિચારો અને લાગણીઓ ઉત્તેજિત કરે છે? તે મારા સાથીમાં કે પ્રેક્ષકોમાં કઈ ઇચ્છાઓ ઉશ્કેરે છે? ચોક્કસ, બીજાઓ ગમે તે કરે છતાં, આ લેખની પ્રસ્તાવનામાંના યુવાન પતિએ કર્યું તેમ, વ્યક્તિએ પોતાના અંત:કરણનું સાંભળવું જોઈએ.
બાઇબલ દર્શાવે છે કે ઉત્પન્નકર્તા ઇચ્છે છે કે આપણે સૌંદર્ય, તાલ, અને આકર્ષક લાવણ્યની ભેટનો આનંદ માણીએ. હા, તેઓનો આનંદ માણો—પરંતુ ધ્યાનમાં રાખો કે તમે નૃત્ય કરો ત્યારે, તમારું શરીર બોલે છે. પાઊલની ફિલિપી ૪:૮માંની શિખામણ યાદ રાખો: “જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે; જો કોઈ સદ્ગુણ કે જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરો.”
(g96 5/8)