હું બહારવટિયો હતો
એ સિસલીમાં મે ૧, ૧૯૪૭નો દિવસ હતો. બાળકો સાથે આવેલી સ્ત્રીઓનો સમાવેશ કરતા કંઈક ૩,૦૦૦ લોકો કામદાર દિનની વાર્ષિક ઊજવણી માટે પહાડના ઘાટ પાસે ભેગા થયા હતા. તેઓને નજીકની ટેકરીઓમાં છૂપાયેલા જોખમની ખબર ન હતી. કદાચ તમે એને અનુસરેલી દુર્ઘટના વિષે વાંચ્યું હશે અથવા ચલચિત્રો જોયાં હશે. એ હત્યાકાંડને પોર્ટેલા ડેલા જીનેસ્ત્રાની કતલ કહેવામાં આવે છે, જેમાં ૧૧ જણા માર્યા ગયા અને ૫૬ ઘાયલ થયા હતા.
મેં એ દુર્ઘટનામાં ભાગ લીધો ન હતો છતાં, હું એ માટે જવાબદાર અલગતાવાદીઓની ટોળીનો સભ્ય હતો. તેઓનો આગેવાન સાલ્વાટોરે જુલીયાનો હતો, જેની સાથે હું મોન્ટીલેપ્રે ગામમાં મોટો થયો હતો. તે મારા કરતા ફક્ત એક જ વર્ષ મોટો હતો. હું ૧૯ વર્ષનો હતો ત્યારે, ૧૯૪૨માં, મને વિશ્વયુદ્ધ ૨ દરમ્યાન લશ્કરમાં સેવા આપવા બોલાવવામાં આવ્યો. એ વર્ષની શરૂઆતમાં હું વીટા મોટીઝી સાથે પ્રેમમાં પડ્યો અને અમે લગ્ન કર્યા હતા. છેવટે, અમને ત્રણ દીકરા થયા; પહેલાનો જન્મ ૧૯૪૩માં થયો.
હું શા માટે બહારવટિયો બન્યો
વિશ્વયુદ્ધ ૨ પૂરું થયું એ વર્ષે, ૧૯૪૫માં, હું સિસલીની સ્વતંત્રતા માટેના સ્વયંસેવક દળ (એવિસ, EVIS)ના પશ્ચિમ વિભાગમાં જોડાયો. એ સિસલીની સ્વતંત્રતા માટેની ચળવળ (મિસ, MIS) તરીકે જાણીતી અલગતાવાદીઓના રાજકીય પક્ષની સહાયક લશ્કરી પાંખ હતી. એવિસ અને મિસના ઉપરી અધિકારીઓએ ભાગેડુ બની ચૂકેલા સાલ્વાટોરે જુલીયાનોને અમારા વિભાગનો હવાલો સંભાળવા નિયુક્ત કર્યો.
અમે અમારા સિસલી ટાપુ માટેના અને અમારા લોકો માટેના પ્રેમને લીધે એકતામાં હતા. અને અમે અનુભવેલા અન્યાયો માટે ગુસ્સે હતા. તેથી મેં જુલીયાનોની ટોળીનો ધ્યેય સ્વીકાર્યો, જે સિસલીને યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ૪૯મા રાજ્ય તરીકે જોડવાનો હતો. એ શક્ય હતું એમ માનવાને શું કોઈ કારણ હતું? ખરેખર હતું, કેમ કે મિસના અધિકારીઓએ અમને ખાતરી આપી હતી કે તેઓ વોશિંગ્ટન ડી.સી. સાથે ઘનિષ્ટ સંપર્કમાં હતા અને યુનાઈટેડ સ્ટેટ્સના પ્રમુખ હેરી એસ. ટ્રુમન એવા જોડાણની તરફેણમાં હતા.
બહારવટિયા તરીકેની પ્રવૃત્તિ
મારા વૃંદનું કાર્ય મુખ્યત્વે આગવી વ્યક્તિઓનું અપહરણ કરી ખંડણી માંગવાનું હતું. એ રીતે અમે જરૂરી પુરવઠો મેળવવા માટે ભંડોળ ભેગું કરતા. જેઓને અમે “અમારા મહેમાન” કહેતા એ અપહરણ કરવામાં આવેલાઓમાંથી કોઈને પણ કદી હાનિ કરવામાં આવી ન હતી. તેઓને છોડવામાં આવતા ત્યારે, અમે તેઓને પાવતી આપતા જેનો ઉપયોગ અમને ચૂકવવામાં આવેલા પૈસા પાછા મેળવવા માટે થઈ શકે. તેઓને કહેવામાં આવતું કે અમે વિજય મેળવીએ પછી તેઓ પોતાના પૈસા પાછા મેળવવા માટે પાવતીનો ઉપયોગ કરી શકશે.
મેં લગભગ ૨૦ અપહરણોમાં, તેમ જ રાષ્ટ્રીય લશ્કરી પોલિસ દળ કારાબીન્યેરીના સૈનિકાગાર પર સશસ્ત્ર હુમલો કરવામાં ભાગ લીધો. તેમ છતાં, મને કહેતાં ખુશી થાય છે કે મેં કદી કોઈને મારી નાખ્યો નહિ. અલગતાવાદીઓ તરીકેના અમારા હુમલા પોર્ટેલા ડેલા જીનેસ્ત્રા ગામ ખાતેના બિનડહાપણભર્યા પગલામાં પરાકાષ્ઠાએ પહોંચ્યા. એ જુલીયાનોના વૃંદના લગભગ એક ડઝન માણસોએ ગોઠવ્યો હતો અને સામ્યવાદી પક્ષ વિરુદ્ધ રચવામાં આવ્યો હતો.
આમજનતા—જેમાં પડોશીઓ અને ટેકેદારોનો સમાવેશ થતો હતો—ની હત્યા જાણી જોઈને કરવામાં આવી ન હતી છતાં, અમારા ટેકેદારો અને અમારે લીધે સુરક્ષિતતા અનુભવનારા લોકોને લાગ્યું કે અમે તેઓનો વિશ્વાસઘાત કર્યો હતો. ત્યારથી માંડીને જુલીયાનોની ટોળીના બહારવટિયાઓની શોધ અવિરત બની. પોલિસને બાતમી મળ્યા પછી, મારા ઘણા સાથીઓને પકડવામાં આવ્યા. માર્ચ ૧૯, ૧૯૫૦ના રોજ, હું એક ફાંદામાં ફસાયો અને મારી ધરપકડ કરવામાં આવી. અને એ ઉનાળામાં જુલીયાનો પોતે માર્યો ગયો.
કેદ અને સજા
હું મુકદ્દમાની રાહ જોતો હતો ત્યારે મને પાલેર્મો જેલમાં રાખવામાં આવ્યો, જ્યાં મેં મારી યુવાન પત્ની અને ત્રણ દીકરાઓથી અલગ થયા હોવાનો શોક કર્યો. તોપણ, મને જે ખરું લાગતું હતું એને માટે લડવાની મારી ઇચ્છાએ મને તદ્દન હતોત્સાહ થતા અટકાવ્યો. મેં સમય પસાર કરવા માટે વાંચવાનું શરૂ કર્યું. એક પુસ્તકે મારામાં બાઇબલ વાંચવાની ઇચ્છા પ્રગટાવી. એ ૧૯મી સદી દરમ્યાન રાજકીય કારણોસર કેદ કરવામાં આવેલા એક ઇટાલીયન સિલ્વિઓ પેલિકોની આત્મકથા હતી.
પેલિકોએ લખ્યું કે કેદમાં તેની પાસે એક શબ્દકોશ અને બાઇબલ હંમેશા રહેતાં. હું અને મારું કુટુંબ રોમન કેથલિક હતાં છતાં, મેં બાઇબલ વિષે ખરેખર કંઈ સાંભળ્યું ન હતું. તેથી મેં બાઇબલ આપવા માટે અધિકારીઓને વિનંતી કરી. મને કહેવામાં આવ્યું કે એના પર પ્રતિબંધ છે, પરંતુ મને માત્થી, માર્ક, લુક, અને યોહાનની સુવાર્તાઓની પ્રત આપવામાં આવી. પછીથી, હું આખા બાઇબલની પ્રત મેળવી શક્યો, જે મેં યાદગીરી તરીકે હજુ પણ સાચવી રાખી છે.
છેવટે, ૧૯૫૧માં રોમ નજીક વિટરબોમાં મારો મુકદ્દમો શરૂ થયો. એ ૧૩ મહિના સુધી ચાલ્યો. મને બે આજીવન કેદ અને ઉપરાંત ૩૦૨ વર્ષની સજા થઈ! એનો અર્થ થયો કે હું કદી પણ જેલમાંથી જીવતો બહાર આવવા પામીશ નહિ.
બાઇબલ સત્ય શીખવું
પાલેર્મોમાંની જેલમાં પાછો ફર્યો ત્યારે, મને એ વિભાગમાં મૂકવામાં આવ્યો જ્યાં જુલીયાનોના પિતરાઈ ભાઈને જેલમાં પૂરવામાં આવ્યો હતો, જે પણ અમારા વૃંદનો એક સભ્ય હતો. તેની ધરપકડ મારા કરતા ત્રણ વર્ષ પહેલાં કરવામાં આવી હતી. શરૂઆતમાં, તે સ્વિત્ઝરલેન્ડમાંના એક યહોવાહના સાક્ષીને જેલમાં મળ્યો હતો જેણે તેને બાઇબલના અદ્ભુત વચનો વિષે વાત કરી હતી. પાલેર્મોમાંના સાથી સાક્ષી સાથે દેવના રાજ્યના સુસમાચારનો પ્રચાર કરતી વખતે એ માણસની ધરપકડ કરવામાં આવી હતી. (માત્થી ૨૪:૧૪) પછીથી મને કહેવામાં આવ્યું હતું કે પાદરીઓએ કરેલી કાનભંભેરણીને લીધે એ ધરપકડ કરવામાં આવી હતી.
મારી નિયમવિહીન પ્રવૃત્તિઓ છતાં, હું દેવમાં અને ચર્ચના શિક્ષણમાં માનતો હતો. તેથી એ જાણીને મને આઘાત લાગ્યો કે કહેવાતા સંતોને આપવામાં આવતો પૂજ્યભાવ બિનશાસ્ત્રીય છે અને દસ આજ્ઞાઓમાંની એક ઉપાસનામાં પ્રતિમાના ઉપયોગની મનાઈ ફરમાવે છે. (નિર્ગમન ૨૦:૩, ૪) મેં ચોકીબુરજ અને સજાગ બનો! સામયિકોનું લવાજમ ભર્યું, જે મને બહુ પ્રિય થઈ ગયાં. મેં વાંચ્યું એ બધું જ હું સમજ્યો નહિ, પરંતુ મેં વધુ વાંચ્યું તેમ જેલમાંથી નહિ, પરંતુ ધાર્મિક જૂઠાણાં અને આત્મિક આંધળાપણાની કેદમાંથી નાસી છૂટવાની મને જરૂર વર્તાઈ.
સમય જતાં હું સમજ્યો કે દેવને ખુશ કરવા માટે મારે મારું જૂનું વ્યક્તિત્વ ઉતારવું અને નવું પહેરવું જરૂરી હતું—જે નમ્ર અને ખ્રિસ્ત ઈસુ જેવું હોય. (એફેસી ૪:૨૦-૨૪) મારું બદલાણ ધીમે ધીમે થયું. તોપણ લગભગ તરત જ મેં મારા સાથી કેદીઓને મદદ કરવાનું શરૂ કર્યું, અને હું શીખી રહ્યો હતો એ ભવ્ય બાબતો વિષે મેં તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. આમ, ૧૯૫૩માં મારે માટે એક આનંદી સમયગાળો શરૂ થયો. પરંતુ વિઘ્નો રહેલાં હતાં.
પાદરી તરફથી વિરોધ
મેં ચોકીબુરજ અને સજાગ બનો!નું લવાજમ ભર્યું પછી છ મહિના પછી એમને આવતા અટકાવવામાં આવ્યાં. હું કેદીઓના પત્રવ્યવહારના સેન્સર પાસે ગયો અને બાબત તેના ધ્યાન પર લાવ્યો. તેણે મને કહ્યું કે જેલના પાદરીએ એને અટકાવ્યાં હતાં.
મેં પાદરીને મળવાની વિનંતી કરી. બાઇબલમાંથી હું જે કંઈ પણ થોડું જાણતો હતો એ મેં અમારી ચર્ચા દરમ્યાન તેને બતાવ્યું, જેમાં ઉપાસનામાં પ્રતિમાના ઉપયોગ સંબંધીનાં નિર્ગમન ૨૦:૩, ૪ અને યશાયાહ ૪૪:૧૪-૧૭ જેવાં શાસ્ત્રવચનોનો સમાવેશ થયો. મેં માત્થી ૨૩:૮, ૯માં નોંધવામાં આવેલા ઈસુના શબ્દો તેને વાંચી સંભળાવ્યા, અર્થાત્ “પૃથ્વી પર તમે કોઈને તમારો બાપ [ફાધર] ન કહો.” માઠું લગાડી, તેણે જવાબ આપ્યો કે હું અજ્ઞાન માણસ હોવાથી બાઇબલ સમજી શકતો નથી.
સારું હતું કે મેં મારું વ્યક્તિત્વ બદલવાનું શરૂ કરી દીધું હતું—નહિ તો મને ખબર નથી કે મેં શું કર્યું હોત. શાંત રહી, મેં જવાબ આપ્યો: “હા, એ સાચું છે; હું અજ્ઞાન છું. પરંતુ તમે તો અભ્યાસ કર્યો છે છતાં, તમે મને બાઇબલ સત્ય શીખવવા કંઈ કર્યું નથી.” પાદરીએ જવાબ આપ્યો કે યહોવાહના સાક્ષીઓનું સાહિત્ય મેળવવા માટે, મારે કેથલિક ધર્મ છોડી દેવા માટે ન્યાય મંત્રાલયને વિનંતી કરવી પડશે. મેં તરત જ એમ કર્યું, પરંતુ મારી વિનંતી સ્વીકારવામાં આવી નહિ. તેમ છતાં, પછીથી હું પોતાને એક યહોવાહના સાક્ષી તરીકે નોંધાવી શક્યો અને એ સામયિકો ફરીથી મેળવી શક્યો. પરંતુ મારે ઘણો જ આગ્રહ કરવો પડ્યો.
જેલમાં રાજ્યગૃહ
કેટલાક સમયથી મેં જેલના ડાયરેક્ટરને મને નોકરી આપવા કહ્યું હતું જેથી હું કમાઈને મારા કુટુંબને પૈસા મોકલી શકું. તે હંમેશા કહેતા કે તે મને નોકરી આપે તો, તેમણે બીજાઓને પણ આપવી પડે, જે શક્ય ન હતું. પરંતુ ઓગસ્ટ ૫, ૧૯૫૫ની સવારે ડાયરેક્ટરે મને કંઈક સારા સમાચાર આપ્યા—મારે જેલમાં ક્લાર્ક તરીકેની નોકરી ઉપાડવાની હતી.
મારી નોકરીને લીધે હું જેલના ડાયરેક્ટરનું માન જીતી શક્યો, અને તેમણે કૃપા કરી બાઇબલ અભ્યાસની સભાઓ ભરવા માટે એક ભંડારનો ઉપયોગ કરવાની મને પરવાનગી આપી. આમ ૧૯૫૬માં, ફાઈલો રાખવાના ફેંકી દેવામાં આવેલા કબાટના લાકડામાંથી મેં રાજ્યગૃહ માટે બાંકડા બનાવ્યા, જે રાજ્યગૃહ નામથી યહોવાહના સાક્ષીઓના સભાગૃહો ઓળખાય છે. હું અને બીજા કેદીઓ દર રવિવારે ત્યાં ભેગા થતા, અને અમારી બાઇબલ ચર્ચાઓની ૨૫ની શિખર હાજરી સુધી અમે પહોંચ્યા.
સમય જતાં, હું સભાઓ ભરતો હતો એ વિષે પાદરીને જાણ થઈ ત્યારે, તે ક્રોધે ભરાયો. પરિણામે, ૧૯૫૭ના ઉનાળામાં, મને પાલેર્મોમાંથી એલ્બા ટાપુ પર પોર્ટો અત્ઝુરોની જેલમાં ખસેડવામાં આવ્યો. એ જગ્યા કુખ્યાત હતી.
જેલમાં બાપ્તિસ્મા પામ્યો
હું ત્યાં પહોંચ્યો ત્યારે, ૧૮ દિવસ સુધી મને એકાંતવાસી કોટડીમાં મૂકવામાં આવ્યો. ત્યાં મને બાઇબલ પણ મારી સાથે રાખવા ન દીધું. પછીથી, મેં ફરીથી ન્યાય મંત્રાલયને લખ્યું કે મને કેથલિક ધર્મ છોડી દેવાની પરવાનગી આપવામાં આવે. જોકે, આ વખતે મેં રોમમાંની યહોવાહના સાક્ષીઓની શાખા કચેરીની મદદ માગી. દસ મહિના પછી, લાંબા સમયથી રાહ જોવાઈ રહેલો જવાબ આવ્યો. મેં ધર્મ બદલ્યો એનો મંત્રાલયે સ્વીકાર કર્યો! એનો અર્થ એ થયો કે હું બાઇબલ, સામયિકો, અને બીજું બાઇબલ સાહિત્ય મેળવી શકું એટલું જ નહિ પરંતુ યહોવાહના સાક્ષીઓના સેવક દ્વારા મારી નિયમિત મુલાકાત પણ લેવામાં આવે.
ઇટાલીમાં યહોવાહના સાક્ષીઓની શાખા કચેરીમાંના જુઝેપ્પા રોમાનોએ પ્રથમવાર મારી મુલાકાત લીધી ત્યારે મને બેહદ આનંદ થયો. જેલના અધિકારીઓની પરવાનગીથી ગોઠવણ કરવામાં આવી જેથી છેવટે હું પાણીના બાપ્તિસ્મા દ્વારા યહોવાહને મારું સમર્પણ ચિહ્નિત કરી શકું. ઓક્ટોબર ૪, ૧૯૫૮ના રોજ, જેલના ડાયરેક્ટર, શિસ્ત આપનાર અધિકારી, અને બીજા અધિકારીઓની હાજરીમાં, બ્રધર રોમાનોએ જેલના બગીચાને પાણી પીવડાવવા માટે વપરાતી મોટી ટાંકીમાં મને અને બીજા એક કેદીને બાપ્તિસ્મા આપ્યું.
લગભગ હંમેશા હું ચોકીબુરજ સામયિકનો અભ્યાસ બીજા કેદીઓ સાથે કરી શકતો છતાં, ખ્રિસ્તના મરણનો વાર્ષિક સ્મરણપ્રસંગ મારે એકલાએ મારી કોટડીમાં ઊજવવો પડતો કેમ કે એ ઊજવણી સૂર્યાસ્ત પછી થાય છે. હું મારી આંખો બંધ કરતો અને પ્રાર્થના કરતો, એવી કલ્પના કરીને કે હું સાથી સાક્ષીઓ સાથે ભેગો મળ્યો છું.
જેલમાં શિષ્યો બનાવવા
મને ૧૯૬૮માં પેસારો પ્રાંતના ફોસોમ્બ્રોના ખાતેની જેલમાં ખસેડવામાં આવ્યો. ત્યાં મને બીજાઓ સાથે બાઇબલ સત્યની વાત કરવાનાં સારાં પરિણામો મળ્યાં. હું ઋગ્ણાલયમાં કામ કરતો હતો, જ્યાં સાક્ષી આપવાની તક સહેલાયથી મળતી. એક કેદી, એમાન્વેલા એલ્ટાવિલાની પ્રગતિ જોવી વિશેષ આનંદની બાબત હતી. બે મહિનાના અભ્યાસ પછી, તેને સમજાયું કે તેણે પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૧૯ની સલાહ લાગુ પાડવાની હતી અને જાદુક્રિયા વિષેના પોતાના પુસ્તકનો નાશ કરવાનો હતો. પછીથી, એમાન્વેલા એક યહોવાહનો સાક્ષી બન્યો.
પછીના વર્ષે મને નેપલ્સના અખાતને સામે કિનારે આવેલા પ્રોચીડા ટાપુ પરની જેલમાં ખસેડવામાં આવ્યો. સારી વર્તણૂકને લીધે, મને ફરીથી ઋગ્ણાલયમાં કામગીરી સોંપવામાં આવી. ત્યાં હું મારિયો મોરેનોને મળ્યો, જે કેદી માન્ય થયેલો કેથલિક હતો. તે હિસાબ ખાતામાં કામ કરતો હોવાથી, તેની પાસે જવાબદાર પદવી પણ હતી.
એક સાંજે મારિયોએ મારી પાસે કંઈક વાંચવાનું માગ્યું, અને મેં તેને સત્ય જે અનંતજીવન તરફ દોરી જાય છેa પુસ્તક આપ્યું. તે જે વાંચી રહ્યો હતો એનું મહત્ત્વ તે તરત જ સમજ્યો, અને અમે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. મારિયોએ રોજના ત્રણ પેક સિગારેટ પીવાનું બંધ કર્યું. વધુમાં, તે સમજ્યો કે જેલમાં કરવામાં આવતા હિસાબના કામમાં પણ તેણે પ્રમાણિકપણે વર્તવું જ જોઈએ. તેણે જેની સાથે સગાઈ થઈ હતી એ યુવતીને સાક્ષી આપવાનું શરૂ કર્યું, અને તેણે પણ બાઇબલનું શિક્ષણ સ્વીકાર્યું. ત્યાર પછી થોડા જ સમયમાં, તેઓએ ત્યાં જેલમાં લગ્ન કર્યું. મારિયોની પત્નીએ ૧૯૭૫માં નેપલ્સમાં એક મહાસંમેલનમાં બાપ્તિસ્મા લીધું. તેને એ જાણીને ઘણો જ આનંદ થયો કે તેના પતિને તે જ દિવસે જેલમાં બાપ્તિસ્મા આપવામાં આવ્યું હતું!
a વોચટાવર બાઇબલ એન્ડ ટ્રેકટ સોસાયટી દ્વારા પ્રકાશિત.
પ્રોચીડા ટાપુ પર મારી મુલાકાતે આવતા સાક્ષીઓ સાથે સાપ્તાહિક વાતચીત કરવાની મને પરવાનગી હતી. મને તેઓ સાથે મુલાકાતીઓના ખંડમાં ભોજનના સહભાગી થવા માટે રાંધવાની પણ પરવાનગી આપવામાં આવી હતી. એક જ સમયે દસ વ્યક્તિઓ હાજર રહી શકતી. યહોવાહના સાક્ષીઓના પ્રવાસી નિરીક્ષકો મુલાકાત લેતા ત્યારે, હું તેઓની સ્લાઈડની રજૂઆત કરવા માટે પરવાનગી માગતો. એક વખત ૧૪ સાક્ષીઓની મુલાકાત દરમ્યાન ચોકીબુરજ અભ્યાસ ચલાવવાનો પણ આનંદ મને સાંપડ્યો. અધિકારીઓ મારા પર પૂરેપૂરો ભરોસો મૂકતા જણાતા હતા. નિશ્ચિત દિવસોએ, સાંજની વેળાએ, હું કોટડીએ કોટડીએ ફરીને પ્રચાર કરતો.
વિવિધ જેલોમાં ૨૪ વર્ષ પસાર કર્યા પછી, ૧૯૭૪માં, એક ન્યાયાધીશે મારી મુલાકાત લીધી જેણે મને માફી પામવા માટે અરજી કરવા ઉત્તેજન આપ્યું. મને એમ કરવું યોગ્ય લાગ્યું નહિ કેમ કે એમાં પોર્ટેલા ડેલા જીનેસ્ત્રાની કતલમાં સંડોવાયાનું કબૂલ કરવાનો સમાવેશ થતો હતો, જ્યારે કે મેં એમાં જરા પણ ભાગ લીધો ન હતો.
મોટા આનંદના પ્રસંગો
એક નવા કાયદાએ ૧૯૭૫માં જેલમાંથી બહાર જવાની પરવાનગી પૂરી પાડી. આમ, મને નેપલ્સ શહેરમાં, યહોવાહના સાક્ષીઓના મારા પ્રથમ મહાસંમેલનમાં હાજરી આપવાની તક મળી. મેં અવિસ્મરણીય એવા પાંચ દિવસનો આનંદ માણ્યો, જે દરમ્યાન હું એવા ઘણા વધુ ખ્રિસ્તી ભાઈઓ અને બહેનોને મળ્યો જેઓને મેં કદી જોયા ન હતા.
મને ખાસ આનંદ તો એનાથી થયો કે છેવટે, આટલા બધા વર્ષો પછી, હું મારા કુટુંબ સાથે એકત્રિત થઈ શક્યો. મારી પત્ની, વીટા, મને વિશ્વાસુ રહી હતી, અને મારા દીકરા હવે ૨૦ અને ૩૦ના દાયકામાંના યુવકો હતા.
પછીના વર્ષે—જે દરમ્યાન મને અનેક વાર જેલમાંથી રજા મળી હતી—એમ સૂચવવામાં આવ્યું કે મને જેલમાંથી છોડવામાં આવે એ માટે હું અરજી કરું. મારે વિષેના પ્રોબેશન મેજીસ્ટ્રેટના રીપોર્ટમાં, તેમણે ભલામણ કરી કે મારી અરજી સ્વીકારવામાં આવે. તેમણે લખ્યું: “ચોક્કસપણે એમ કહી શકાય—જુલીયાનોના હુકમોનો અમલ કરનાર લોહીતરસ્યા યુવક સાથે સરખાવતા, આજે મનિનો જુદો જ માણસ છે; તે તદ્દન ઓળખી ન શકાય એવો બન્યો છે.”
સમય જતાં, પ્રોચીડામાંની જેલના અધિકારીઓએ મારે માટે માફીની વિનંતી કરી. છેવટે, માફી આપવામાં આવી, અને મને ડિસેમ્બર ૨૮, ૧૯૭૮ના રોજ જેલમાંથી છોડવામાં આવ્યો. કંઈક ૨૮થી વધુ વર્ષની કેદ પછી સ્વતંત્ર માણસ બનવું કેવા આનંદની બાબત હતી!
ન્યાય માટેની એકમાત્ર આશા
સાલ્વાટોરે જુલીયાનોની આગેવાની હેઠળ એક અપહરણકર્તા તરીકે, હું એને માટે લડ્યો હતો જે વિષે હું માનતો હતો કે એ મારા કુટુંબ અને મારા દેશવાસીઓ માટે સાચી સ્વતંત્રતા લાવશે. તોપણ, બાઇબલમાંથી હું શીખ્યો કે માનવીઓ ગમે તેટલા નિખાલસ હોય છતાં, તેઓ કદી પણ એ ન્યાય નહિ લાવી શકે જેની હું એક યુવક તરીકે આટલી આતુરતાથી ઇચ્છા રાખતો હતો. આભાર માનો કે, બાઇબલના જ્ઞાને મને એ જોવામાં મદદ કરી કે દેવના દીકરા, ઈસુ ખ્રિસ્તના હાથમાં દેવનું રાજ્ય જ આટલી તાકીદે જરૂરી અન્યાયમાંથી રાહત પૂરી પાડી શકે.—યશાયાહ ૯:૬, ૭; દાનીયેલ ૨:૪૪; માત્થી ૬:૯, ૧૦; પ્રકટીકરણ ૨૧:૩, ૪.
ઘણા વર્તમાનપત્રોએ મારા વ્યક્તિત્વમાંના ફેરફાર વિષે સમાચાર આપ્યા, જેના માટે બાઇબલનું આવું જ્ઞાન જવાબદાર હતું. દાખલા તરીકે, પાએઝે સેરાએ પ્રોચીડામાંની જેલના શિસ્ત આપનાર અધિકારીને એમ કહેતાં ટાંક્યા: “બધા કેદીઓ ફ્રેન્ક જેવા હોય તો જેલો અદૃશ્ય થઈ જાય; તેની વર્તણૂક તદ્દન દોષરહિત છે, તેણે કદી પણ ઝગડો કર્યો નહિ, અને તેને કદી પણ થોડો અમથો ઠપકો પણ આપવામાં આવ્યો નહિ.” બીજા વર્તમાનપત્ર, અવેનીરએ કહ્યું: “તે નમૂનેદાર કેદી છે, એક અસાધારણ વ્યક્તિ. તેની સુધારણા બધી અપેક્ષાની પાર છે. તે સંસ્થાઓ અને જેલના અધિકારીઓ પ્રત્યે માનપૂર્ણ છે અને અસાધારણ આત્મિકતા ધરાવે છે.”
બદલો આપતું જીવન
મેં ૧૯૮૪થી માંડીને યહોવાહના સાક્ષીઓના મંડળમાં એક વડીલ તરીકે, અને પૂરેપૂરા સમયના સેવકો કહેવાય છે તે પાયોનિયર તરીકે સેવા આપી છે. હું ૧૫ વર્ષ પહેલાં જેની સાથે બાઇબલના જ્ઞાનનો સહભાગી થયો હતો એવા જેલના એક ચોકિયાતે ૧૯૯૦માં મને ફોન કરી કહ્યું કે તે અને તેનું કુટુંબ યહોવાહના સાક્ષીઓ બન્યાં છે.
પરંતુ મને સૌથી આનંદનો અનુભવ જુલાઈ ૧૯૯૫માં થયો. એ વર્ષે મને મારી વહાલી પત્ની, વીટાના બાપ્તિસ્મામાં હાજરી આપવાનો મોટો આનંદ થયો. આટલા બધા વર્ષો પછી, તેણે બાઇબલનું શિક્ષણ અપનાવ્યું હતું. મારા ત્રણ દીકરા, જેઓ હાલ મારા વિશ્વાસના સહભાગી થતા નથી, તેઓ પણ એક દિવસ દેવના શબ્દમાંથી હું જે શીખ્યો છું એ સ્વીકારશે.
બાઇબલ સત્ય શીખવામાં બીજાઓને મદદ કરવાના મારા અનુભવોએ મને અજોડ આનંદ આપ્યો છે. અનંતજીવન તરફ દોરી જતું જ્ઞાન ધરાવતા થવું અને પ્રમાણિક હૃદયની વ્યક્તિઓ સાથે એના સહભાગી થઈ શકવું એ કેટલો બદલો આપનારું બન્યું છે!—યોહાન ૧૭:૩.—ફ્રેન્ક મનિનોના કહ્યા પ્રમાણે. (g96 6/22)
સિસલીમાં પહાડનો એ
ઘાટ જ્યાં હત્યાકાંડ થયો હતો
અમે ૧૯૪૨માં લગ્ન કર્યું ત્યારે
હું ઘણી વાર બાઇબલ સત્યનો જેલના ચોકિયાતો સાથે સહભાગી થયો
મારી પત્ની સાથે