વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૮/૮ પાન ૨૪
  • કસાવાનાં પાંદડાં

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • કસાવાનાં પાંદડાં
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • થોડુંક નગુન્ઝા ચાખો
  • નગુકાસા અથવા કાન્ડા ચાખવા વિષે શું?
  • આખા જગતમાં જોવા મળતી મગફળી
    સજાગ બનો!—૨૦૦૩
સજાગ બનો!—૧૯૯૬
g96 ૮/૮ પાન ૨૪

કસાવાનાં પાંદડાં

લાખોનો રોજિંદો ખોરાક

સજાગ બનો!ના સેન્ટ્રલ આફ્રિકન રીપબ્લિકમાંના ખબરપત્રી તરફથી

એની શરૂઆત લગભગ ૧૬૦૦ની સાલમાં થઈ હતી, જ્યારે પોર્ટુગીઝ લોકો સાઉથ અમેરિકાથી આફ્રિકામાં કસાવા, અથવા મેનિઓક, લાવ્યા. કસાવા બ્રાઝિલની તળપદી વનસ્પતિ છે એમ માનવામાં આવે છે કેમ કે “મેનિઓક” શબ્દ અમેઝોન ખીણમાંની બ્રાઝિલની ટૂપિયન જાતિમાંથી ઉદ્‍ભવેલો છે.

આફ્રિકાના લોકો કસાવાના મૂળિયાંની ઘણી જ કદર કરે છે, પરંતુ ગાઢાં લીલાં પાંદડાં વિષે શું? કેટલાક એનો ખુલ્લા ઘા પર દવા તરીકે કે અછબડાની સારવાર માટે ઉપયોગ કરે છે. જોકે, સેન્ટ્રલ આફ્રિકન રીપબ્લિક અને બીજા ઘણા આફ્રિકી દેશોમાં રહેતા લાખો માટે પાંદડાં રોજિંદો ખોરાક છે, કેમ કે એનું સ્વાદિષ્ટ ભોજન બનાવી શકાય છે. હકીકતમાં, વોચ ટાવરના નવા મિશનરીઓ અહીંયા શીખ્યા હોય એવા પ્રથમ શબ્દોમાંનો એક નગુન્ઝા છે. એ કસાવાનાં પાંદડાંમાંથી બનાવેલી એક મઝેદાર વાનગી છે અને એ સેન્ટ્રલ આફ્રિકન રીપબ્લિકની રાષ્ટ્રીય વાનગી છે—એવી વાનગી જે મધ્ય આફ્રિકાના મુલાકાતીએ ચોક્કસ ચાખવી જ જોઈએ.

આફ્રિકામાં રહેતા મોટા ભાગના યુરોપીયનો એ પાંદડાંમાંથી બનાવેલા ભોજનને અડકશે પણ નહિ, કેમ કે તેઓ માને છે કે એ તળપદીઓ માટેનો ખોરાક છે, પરદેશીઓ માટેનો નહિ. પરંતુ હકીકતો શું છે? સેન્ટ્રલ આફ્રિકન રીપબ્લિક, સીએરા લીઓન, અને ઝાઈર જેવા દેશોમાં, એ પાંદડાં ઘણાં કુટુંબોનો રોજિંદો મુખ્ય ખોરાક છે.

સેન્ટ્રલ આફ્રિકન રીપબ્લિક ઉપરથી ઊડતાં કે એમાંથી પસાર થતાં, તમે એક સુંદર લીલોછમ દેશ જોશો—વૃક્ષો, ઝાડીઓ, ઘાસનાં બીડો, અને એની વચ્ચે, વિશિષ્ટ ગાઢાં લીલાં રંગનાં પાંદડાંવાળાં કસાવાના નાનાં ખેતરો. દરેક નાનાં ગામડાઓ કસાવાની વાડીઓથી ઘેરાયેલાં હોય છે. લોકો એને પોતાનાં ઘરોની પાસે ઉગાવે છે, અને પાટનગર બાન્ગુઈમાં પણ, તમને તદ્દન નાના જમીનના ટુકડાઓમાં અને વિલા કે મુખ્ય માર્ગની પાસે જમીનના પટ્ટામાં પણ કસાવા મળી આવશે. ચોક્કસ, જગતના આ ભાગમાં એ ખોરાકની એક મહત્ત્વની ચીજવસ્તુ છે.

થોડુંક નગુન્ઝા ચાખો

નવા મિશનરીઓના આગમનની સાથે જ તેઓના મિત્રો તેઓને થોડુંક નગુન્ઝા ચાખવા આમંત્રણ આપે છે. એ એવું ભોજન છે જેમાં મેનિઓકના પાંદડાંમાંથી બનાવેલી પ્રખ્યાત વાનગીનો સમાવેશ થાય છે. તળપદી સ્ત્રીઓ જાણતી હોય છે કે એને કઈ રીતે સ્વાદિષ્ટ બનાવવું. એમ લાગે છે કે દરેક સ્ત્રીની એ રાંધવાની જુદી રીત હોય છે. નાની છોકરીઓ પોતાની માતા પાસે કઈ રીતે નગુન્ઝા રાંધવું એ સૌથી પહેલાં શીખે છે.

એ શું છે અને તેઓ એ કઈ રીતે બનાવે છે એ સમજાવવામાં તેઓ ગર્વ લે છે. તમે એ તળપદી વાનગીમાં રસ બતાવો તો સ્ત્રીઓ ખુશ થાય છે. સૌપ્રથમ, તેઓ તમને કહેશે કે કસાવાનાં પાંદડાં સસ્તાં હોય છે અને એનો પુરવઠો પુષ્કળ હોય છે તથા તમે એને ચોમાસામાં અને ઉનાળામાં બન્‍ને ઋતુમાં મેળવી શકો છો. આર્થિક કટોકટી અને ફુગાવાના સમયમાં, કસાવાનાં પાંદડાં કુટુંબને પોષવામાં અગત્યનો ભાગ ભજવે છે. અને કૃપા કરી યાદ રાખો કે ઘણાં આફ્રિકન કુટુંબો મોટાં હોય છે. પોષવા માટે ઘણાં મોઢાં અને ભરવા માટે ઘણાં પેટ હોય છે. નગુન્ઝા બનાવતા થોડાક કલાકો લાગે છે. પાંદડાં ખાવામાં આવે એ પહેલાં એણે પોતાની કડવાશ છોડી દેવી પડે છે. તેઓને પ્રણાલી મુજબની તૈયારીથી બિનઝેરી બનાવવામાં આવે છે, જેમાં દળવાનો અને સતત ઉકાળવાનો સમાવેશ થાય છે.

આફ્રિકન સ્ત્રીઓ નગુન્ઝા બનાવવા માટે ખજૂરીનું તેલ પસંદ કરે છે. સ્થાનિકપણે બનાવેલું ગાઢું લાલ તેલ તો જોઈએ જ. થોડુંક મગફળીનું માખણ અને કદાચ થોડાંક ડુંગળી અને લસણવાળું નગુન્ઝા કુટુંબ માટેનું રોજિંદું ભોજન છે. પરંતુ મહેમાન આવવાના હોય તો શું? તો પછી નગુન્ઝા કોઈક ખાસ રીતે બનાવવું જ જોઈએ, એવું કંઈક જે તેઓ યાદ કરે. તેથી યજમાન પોતાને ગમતી બાબતો—ધુમાડાથી સૂકવેલાં મચ્છી કે ગોમાંસ—ઉમેરશે તે ઉપરાંત ઘણા પ્રમાણમાં તાજા, ઘરે બનાવેલા મગફળીના માખણની સાથે ઘણું બધું ડુંગળી અને લસણ. એ સર્વ એક મોટી કઢાઈમાં જાય છે. બાકીની રાંધવાની ક્રિયામાં ધીરજ અને પુષ્કળ ઉકાળવું રહેલાં છે.

આજે આપણી યજમાન સ્ત્રી નગુન્ઝા સાથે ભાત પીરસશે. ભાત અને એની પર એક કે બે ચમચા ભરીને રેડેલું ગરમ ગરમ નગુન્ઝા આફ્રિકનો માટે તથા ઘણા પરદેશીઓ માટે પણ આહ્‍લાદક છે. થોડોક મરીનો ભુક્કો ઉમેરો, અને હવે તમે જાણશો કે નગુન્ઝા શું છે. ભોજન સાથે લાલ રંગના દ્રાક્ષદારૂનો આનંદ માણો જે ભોજનનો સ્વાદ પૂરેપૂરો ખીલવશે.

નગુકાસા અથવા કાન્ડા ચાખવા વિષે શું?

દેશમાં પૂર્વથી પશ્ચિમ મુસાફરી કરતાં, તમને જોવા મળશે કે લોકો નગુન્ઝા વિવિધ રીતોએ બનાવે છે. અને નગુકાસા વિષે શું? વરસાદી ઠંડા દિવસે, વાડી કે ખેતરનાં અનેક શાકભાજી સાથે બાફેલું કે સીઝેલું નગુકાસા, તમારા માટે યોગ્ય બાબત હોય શકે. ખજૂરીનું તેલ, રાંધવાનાં કેળાં, મગફળી, શક્કરિયાં, મકાઈ, અને અલબત્ત, કસાવાનાં થોડાંક પાંદડાંને સાથે રાંધવા, પરંતુ મીઠું ઉમેરવું નહિ—મીઠાનો એક કણ પણ નહિ. એ એક રહસ્ય છે! પરિણામ આહ્‍લાદક અને પૌષ્ટિક હોય છે. અને તમે લાંબી મુસાફરીએ જાવ તો, થોડુંક કાન્ડા સાથે લઈ જાવ. એ કસાવાનાં પાંદડાં સાથે ધુમાડાથી સૂકવેલી મચ્છીનો કે માંસનો ભુક્કો કરી બનાવેલ હોય છે. એ મિશ્રણને પાંદડાંમાં વીંટાડીને કાન્ડા તૈયાર કરવામાં આવે છે અને એ સખત અને સૂકું ન થાય ત્યાં સુધી સગળીના ધુમાડા પર રાખવામાં આવે છે. એને થોડાક દિવસો સુધી રાખી શકાય છે અને રોટલી સાથે ખાવાની પણ મઝા આવે છે. એ પ્રવાસીઓ માટે આદર્શ છે.

તમે ક્યારેય આફ્રિકાની મુલાકાત લો તો, શા માટે કસાવા માંગતા નથી? ચાખી જુઓ, અને એનો આનંદ માણતા લાખો સાથે જોડાવ! (g96 7/8)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો