બાઇબલનું દૃષ્ટિબિંદુ
શું તમારે મૂએલાઓથી બીવું જોઈએ?
મૂએલાઓનો ઉલ્લેખ કરો તો, ઘણા લોકો એ વિષે વાત કરવાનું નિવારે છે. જોકે, કેટલાક લોકો એ વિષય વિષે ફક્ત બેચેની જ અનુભવતા હોય એવું નથી; તેઓને બીક લાગે છે. તેથી સામાન્ય રીતે આખા જગત ફરતે સંસ્કૃતિઓમાં મૂએલાઓના ભય સાથે સંબંધિત રિવાજો અને વિધિઓ મળી આવે છે. દાખલા તરીકે, ચાલો આપણે સહરા નજીકના આફ્રિકામાં મળી આવતા રિવાજો પર નજર નાખીએ.
પશ્ચિમ આફ્રિકાના શહેરમાંની એક સ્ત્રીના કુટુંબનું એક સભ્ય મરણ પામ્યું ત્યારે શું બન્યું એ તે તાદૃશપણે યાદ કરે છે. તે વર્ણવે છે: “એક સગી મૂએલા માટે નિયમિતપણે થાળીમાં ભોજન પીરસી તેના શયનખંડમાં કાળજીપૂર્વક મૂકતી. તે આસપાસમાં ન હોય ત્યારે, હું અંદર જઈ ભોજન ખાઈ લેતી. એ સગી પાછી આવતી ત્યારે, તેને બહુ આનંદ થતો! તે માનતી કે મૂએલી વ્યક્તિએ ભોજન કર્યું છે. હું માંદી પડી ત્યાં સુધી એમ ચાલ્યા કર્યું. મેં મારી રુચિ ગુમાવી અને હું કંઈ ખોરાક ખાઈ ન શકી. એનાથી મને ધ્રાસ્કો પડ્યો! મારા ઘણા સગાઓએ માન્યું કે મારી માંદગી અમારા મૂએલા સગાને લીધે આવી હતી. તેઓએ વિચાર્યું કે તે કુટુંબમાંની કોઈક વ્યક્તિ પ્રત્યે ગુસ્સે થયા હોવા જ જોઈએ.”
એ જ શહેરમાં, કોઈક કુટુંબમાં જોડિયા બાળકો જન્મે અને એમાંનું એક મરણ પામે તો, કોઈ પણ વ્યક્તિ ઘરમાં મરણ પામેલી વ્યક્તિ વિષે વાત નહિ કરે. જો કોઈક વ્યક્તિ જોડિયા બાળકોમાંથી મરણ પામેલા વિષે પૂછે તો, રિવાજ મુજબ કુટુંબ જવાબ આપશે: “તે મીઠું લેવા ગયો, કે ગઈ, છે.” તેઓ દૃઢપણે માને છે કે સાચી હકીકત કહેવામાં આવે તો, જોડિયા બાળકોમાંથી જીવતા રહેલાનો જીવ લેવામાં આવશે.
હવે, આ દૃશ્યની કલ્પના કરો: ત્રણ પત્નીઓ ધરાવતો એક માણસ મરણ પામ્યો છે. દફનક્રિયા પછીના દિવસે પત્નીઓ માટે ખાસ સફેદ કપડાં બનાવવામાં આવે છે. તે જ સમયે, ઘરની નજીક લાકડા અને પરાડમાંથી એક ખાસ જગ્યા બનાવવામાં આવે છે, જ્યાં એ સ્ત્રીઓ નહાશે અને સફેદ કપડાં પહેરશે. તેઓ અને તેઓને મદદ કરવા માટે નિયુક્ત કરવામાં આવેલી એક સ્ત્રી વિના બીજા કોઈએ ત્યાં પ્રવેશવાનું નથી. એ નહાવાની ખાસ જગ્યાએથી બહાર આવતા, એ સ્ત્રીઓના ચહેરા પર બુરખો નાખવામાં આવે છે. એ સ્ત્રીઓ સેબે, અર્થાત્ “રક્ષણ” માટેનો દોરડાનો હાર, પણ પહેરે છે. એ નહાવાની વિધિ ૧૦૦ દિવસ સુધી દર શુક્રવાર અને સોમવારે કરવામાં આવે છે. એ સમયગાળા દરમ્યાન તેઓ પુરુષ પાસેથી કોઈ પણ વસ્તુ સીધેસીધી લઈ શકતી નથી. કોઈક પુરુષ તેઓને કંઈક આપવા ઇચ્છતો હોય તો, તેણે એ પહેલાં જમીન પર કે ટેબલ પર મૂકવું જોઈએ. પછી સ્ત્રીઓ એ ઉપાડી લેશે. એ સ્ત્રીઓની પથારીમાં કોઈને પણ બેસવા કે સૂવાની પરવાનગી નથી. તેઓ ઘર બહાર નીકળે ત્યારે, તે દરેકે એક ખાસ લાકડી સાથે રાખવી જ જોઈએ. તેઓ માને છે કે એ લાકડી તેઓના મૃત પતિને તેઓ પર હુમલો કરતા અટકાવે છે. ઉપરની સૂચના અનુસરવામાં ન આવે તો, તેઓને લાગે છે કે મૃત પતિ ગુસ્સે થશે અને તેઓને હાનિ કરશે.
જગતના એ ભાગમાં આવા અનુભવો સામાન્ય છે. જોકે, એવા રિવાજો આફ્રિકા પૂરતા જ મર્યાદિત નથી.
મૂએલાઓનો વિસ્તૃત ભય
ઘણા લોકો પોતાના મૂએલા પૂર્વજોને જે દૃષ્ટિથી જુએ છે એ વિષે એક એન્સાયક્લોપેડિયા, એન્કાર્ટા, નીચે પ્રમાણે જણાવે છે: “મૂએલા સગાઓ . . . શક્તિશાળી આત્મિક વ્યક્તિઓ બન્યા હોય અથવા, ઓછા પ્રમાણમાં, દેવોની પદવી પ્રાપ્ત કરી હોય, એમ માનવામાં આવે છે. [એ વિચાર] એ માન્યતા પર આધારિત છે કે પૂર્વજો સમાજના સક્રિય સભ્યો છે, જેઓ પોતાના જીવંત સગાઓના કામકાજમાં હજુ પણ રસ ધરાવે છે. પશ્ચિમ આફ્રિકી . . . , પોલિનેશિયા અને મીલેનેશિયા (ડોબુ અને મેનસ), કેટલાક ઇન્ડો-યુરોપિયન લોકો (પ્રાચીન સ્કેન્ડિનેવિયાના લોકો અને જર્મન) અને ખાસ કરીને ચીન તથા જાપાનમાં એની વિસ્તૃતપણે નોંધ લેવામાં આવી છે. સામાન્યપણે, એવું માનવામાં આવે છે કે ઘટના ઘટે એના પર અસર કરવા અથવા પૂર્વજોના જીવંત સગાઓની ભલાઈને નિયંત્રિત કરવા પૂર્વજો પાસે ખાસ શક્તિ હોવાથી, તેઓ ઘણો અધિકાર ચલાવે છે. કુટુંબનું રક્ષણ કરવું એ તેઓની ચિંતાનો ખાસ વિષય છે. તેઓને સર્વોચ્ચ દેવ, કે દેવો, અને લોકો વચ્ચે મધ્યસ્થ ગણવામાં આવે છે, અને તેઓ જીવતાઓ સાથે સ્વપ્નો તથા તેઓને વળગીને સંચાર કરી શકે છે એમ માનવામાં આવે છે. તેઓ પ્રત્યેનું વલણ ભય અને આદરનું મિશ્રણ હોય છે. પૂર્વજોની અવગણના કરવામાં આવે તો, તેઓ રોગ અને બીજી તકલીફો લાગુ પાડી શકે. રિઝવવું, વિનંતી કરવી, પ્રાર્થના કરવી, અને બલિદાનો આપવા એવી કેટલીક રીતો છે જેના દ્વારા જીવતાઓ તેઓના પૂર્વજો સાથે સંચાર કરી શકે છે.”
ખરેખર, મૂએલાઓના ભયને લીધે કુટુંબની આવક ઓછી થઈ શકે. ઘણીવાર, મૂએલાઓનો ભય રાખવો જોઈએ એવું દૃઢપણે માનનારાઓ ખોરાક અને પીણા જરૂરી બનાવતી ભવ્ય વિધિઓ, બલિદાન માટે જીવતા પશુઓ, અને કીમતી પોષાકની માગણી કરતા હોય છે.
પરંતુ શું મૂએલા સગાઓ કે પૂર્વજો ખરેખર એવી સ્થિતિમાં છે જે ભય અને આદર જરૂરી બનાવે? દેવનો શબ્દ, બાઇબલ, શું કહે છે?
શું મૂએલાઓ તમને હાનિ કરી શકે?
તમને એ જાણવામાં રસ પડશે કે બાઇબલ એવી માન્યતાઓ વિષે વાત કરે છે. પુનર્નિયમના પુસ્તકમાં, મૂએલાઓના ભય સાથે સંકળાયેલા આચરણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ જણાવે છે:
“તારી મધ્યે એવો કોઈ જન હોવો ન જોઈએ કે જે . . . મૂઠ મારનાર, કે ઈલમી, કે ભૂવો [“મૂએલાઓને પૂછતો,” “NW”] હોય. કેમકે જે કોઈ એવાં કામ કરે છે, તેને યહોવાહ કંટાળે છે.”—પુનર્નિયમ ૧૮:૧૦-૧૨.
નોંધ લો કે યહોવાહ દેવે એવી વિધિઓ ધિક્કારી. શા માટે? કેમ કે એ જૂઠાણા પર આધારિત છે. મૂએલાઓ વિષેનું આગળ પડતું જૂઠાણું એ છે કે જીવ જીવવાનું ચાલુ રાખે છે. દાખલા તરીકે, મૂએલાઓને શું થાય છે એ વિષે ધ સ્ટ્રેઇટ પાથ સામયિકે આમ કહ્યું: “મરણ જીવની વિદાય સિવાય બીજું કંઈ નથી. . . . કબર શરીરનો સંગ્રહ કરે છે, જીવનો નહિ.”
બાઇબલ સહમત થતું નથી. તમે પોતે હઝકીએલ ૧૮:૪ વાંચો: “જુઓ, બધા જીવ મારા છે; પુત્રનો જીવ મારો છે, તેમ જ પિતાનો જીવ મારો છે: જે જીવ પાપ કરે છે, તે માર્યો જશે.” (કીંગ જેમ્સ વર્શન) વળી, દેવના શબ્દમાં સભાશિક્ષક ૯:૫ ખાતે મૂએલાઓની સ્થિતિ સ્પષ્ટપણે જણાવવામાં આવી હતી: “જીવતાઓ જાણે છે કે પોતે મરવાના છે; પણ મૂએલા કંઈ જાણતા નથી.” એ સમજાવે છે કે શા માટે મૂએલાઓ માટે મૂકવામાં આવેલો ખોરાક જીવતી વ્યક્તિ ન ખાય ત્યાં સુધી ખવાતો નથી.
જોકે, બાઇબલ જેઓ કબરમાં છે તેઓ વિષે આપણને આશા વિના રહેવા દેતું નથી. તેઓ ફરીથી જીવી શકે છે! બાઇબલ “પુનરુત્થાન” વિષે કહે છે. (યોહાન ૫:૨૮, ૨૯; ૧૧:૨૫; પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) એ દેવના નિયત સમયે થશે. એ દરમ્યાન, મૂએલાઓને “જગાડવા”નો દેવનો સમય થાય ત્યાં સુધી તેઓ કબરમાં અચેતનપણે ‘ઊંઘતા’ હોય છે.—યોહાન ૧૧:૧૧-૧૪; ગીતશાસ્ત્ર ૧૩:૩.
સામાન્ય રીતે લોકો અજાણી બાબતોનો ભય રાખતા હોય છે. ચોકસાઈભર્યું જ્ઞાન વ્યક્તિને પાયા વગરના વહેમોથી મુક્ત કરી શકે. બાઇબલ આપણને જેઓ કબરમાં છે તેઓની સ્થિતિ વિષેનું સત્ય આપે છે. સાદા શબ્દોમાં કહીએ તો, તમારે મૂએલાઓથી બીવાની જરૂર નથી!—યોહાન ૮:૩૨.
(g96 8/8)